જંપનો અજંપો – વેણીભાઈ પુરોહિત

કમલ વોરા

ક્યાં?

થાકેલ આકાશે, રાતના ખોળામાં

વાતાવરણ જ એવું છે કે ઘેન ચઢી જાય. કૃદરત પોતે કુદરતની ગોદમાં પોઢી ગઈ છે, ત્યારે બધી ય ચિંતાને પડતી મૂકીને આપણે ય આપણી ગોદમાં જંપી જઈએ તો કેવી મજા આવે…! પણ આ કવિતાની કુદરત તો તંદ્રાવસ્થામાંથી જાણે તુર્યાવસ્થામાં લઈ જાય છે. આ તુર્યાવસ્થા એવી છે કે જેમાં બધો ભેદ ભુલાઈ જાય છે, બલકે, લુપ્ત થઈ જાય છે. એ એક આહ્લાદક અભાન અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને ચોથી તુર્ષ અવસ્થા… આ તો બ્રહ્મમાં લીન થવા મથતા યોગીઓની અવસ્થાઓ છે.

આપણને વાદળામાં બેસીને વિહારવાનું મન થાય. દરિયાનાં મોજાંના પારણામાં ઝૂલવાનાં ગલગલિયાં થાય. વૃક્ષના છાંયડામાં, પવનની લહેરખી વચ્ચે લીલાં પાંદડાંની જેમ લીલી લાગણીઓને ફરકાવવાની ઇચ્છા થાય. પંખી બનીને ઊડવામાં આનંદ આવે. આ તો કુદરત સાથેના તાદાત્મ્યની અનુભૂતિ છે.

પણ, આ કવિતા તો એક એવા શૂન્યાવકાશમાં લઈ જાય છે કે જ્યાં આહ્લાદજનક અભાન પોતે પોતામાં જ ઓતપ્રોત છે. આમ જોઈએ તો આ કવિતા નીરવ, નિઃસ્તબ્ધ રાત્રીનું વર્ણન કરે છે કે જ્યાં બધું જ અરસપરસન ઓથેઓથે જંપી ગયું છે. અન્યોન્યમાં લીન થઈ ગયું છે. પણ, વિરાટે કુદરતનાં આ બધાં સ્વરૂપો થાકીને લોથ થઈ ગયાં છે, ઘારણમાં આવ્યાં છે અને જંપી રહ્યાં છે. કેવી નિરાંત! કેવી શાંતિ!

પરંતુ પ્રકૃતિની શાંતિને પામનારો ને પરખનારો આ માનવી અંદરથી અશાંત છે. તે કંઈ એટલી જ સાહજિકતાથી ઊંઘી શકતો નથી. એની અજાગ્રતિમાં ય ઊંડે ઊંડે જાગ્રતિ ઊચક જીવે લપાઈને બેઠી છે. એ જાગ્રતિ તે અંતરાત્મા છે. આ વિરાટ, રંગમની છતાં રહસ્યમયી, રમણીય છતાં અગમ્ય એવી પ્રકૃતિમૈયાની ગોદમાં ઊછરતો હોવા છતાં માનવી જાણે વિખૂટો પડી ગયો છે. એનાં સપનાં સોનાનાં છે, પણ એનું લલાટ લોઢાનું છે, એવો વિખૂટો માનવી… ના, માનવી નહિ, એનો અંતરાત્મા ઘેનથી ઘેરાયેલી દશા વચ્ચે ટહુકો કરે છે કે આકાશને રાતનો ઉછંગ મળ્યો, સૂરજને સમુદ્રની ધડકી મળી. પવનને પાંદડાં અને વૃક્ષરાજિનો પ્રારણા જેવો આશરો મળ્યો, પંખીઓને માળો મળ્યો, અરે. આ ધરતીના રસ્તાઓ ય કાયા લંબાવીને સૂઈ ગયા… ઘસઘસાટ… પણ મને ઓઢવા મળે એવો મારો દરિયો ક્યાં? મને ઝૂલવા મળે એવું મારું વૃક્ષ ક્યાં? અને નિરાંતે નીંદરવા મળે એવું મારું ઘર ક્યાં?

અહીં દરિયો ગતિનું પ્રતીક છે, વૃક્ષ કલ્પવૃક્ષ જેવો સ્વપ્નને સાચાં કરવાનો આશરો છે અને ઘર… એ પરમધામ છે પરમશાંતિનું ધામ… જીવન પછી મળે એવું ધામ નહિ પણ આ જીવનમાં જ મળે એવું ધામ.

વાતાવરણની સમાધિ અને સંવેદનની શુદ્ધિ જાણે સામસામાં સ્વપ્નિલ બની ગયાં છે. એ સ્વપ્નિલ દશાની અનુભૂતિનું અસુખ નિદ્રસ્થ અવસ્થા પૂરી થાય એટલે હજી આગળ જવા પ્રેરે છે… દરિયો, વૃક્ષ, ઘરક્યાં છે? અહીં તો નથી, માટે આગળો વધો…

આ કવિતામાં જેટલી સરળતા છે તેટલો તેનો અનાયાસ આવિષ્કાર છે, એટલી જ પ્રસન્ન તાજગી છે. કુદરતન કમનીય શાંતિની સામે પોતાની અશાંતિના અનુભવને કાવ્યવ્યક્તિએ છાની રીતે થતો કર્યો છે.

(કાવ્યપ્રયાગ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book