ઘરથી કબર સુધી વિશે – ચંદ્રકાન્ત શેઠ

`બેફામ’

ઘરથી કબર સુધી

સપના રૂપેય આપ ન આવો નજર સુધી,

આપણા કેટલાક યાદ કરવા ગમે એવા મર્મી ગઝલકારોમાંના એક છે `બેફામ’. મૂળ નામ છે `બરકતઅલી ગુલામહુસેન વીરાણી’. કથા-વાર્તાનાયે તે રસિયા, પરન્તુ જીવ ગઝલકારનો – કવિનો. એમની ઘટા-છટાનો ખરો પ્રભાવ તો ગઝલોમાં જ. એમણે જે કેટલીક ગઝલો, લોકોત્તર હોઈને લોકપ્રિય થઈ છે તેમાંની એક તે આ `ઘરથી કબર સુધી’. `બેફામ’ની ગઝલમાં મક્તાના શેરમાં કોઈ ને કોઈ રીતે મૃત્યુ સાથેનો સંબંધ તો વ્યક્ત થાય જ છે; અહીં પણ એવું જોવા મળે છે. બેફામે જિંદગીને જાણે સાદ્યંત જાણી લીધી હોય એમ તેના માર્ગનું ઘરથી કબર સુધીનું વ્યાપવર્તુળ અહીં છેલ્લે દર્શાવ્યું છે. અહીં ઘરથી કબર સુધીની માનવજીવનની ગતિવિધિ સ્નેહના ભાવાનુભવે કેવી ગહન અને મર્મીલી હોય છે તેનું વેધક નિરૂપણ છે.

જિંદગીની સફર ફલે ઘરથી કબર સુધીની હોય પણ એ સફળ સાદીસીધી ને સરળ નથી. એમાં ઘણા વાંકવળાંકો ને આટાપાટા આવતા રહે છે. એમાંય જો પ્રણયનો મામલો ઊભો થયો તો તો જિંદગીની સંકુલતા ને ગહનતાનો ભરપૂર અનુભવ થયા વગર રહે જ નહીં.

જેમ સુખની સાથે દુઃખનો, તેમ પ્રેમની સાથે જ વેદનાનો વી વળીને અનુભવ થતો રહેતો હોય છે. જીવનમાં જેને પ્રેમ કર્યો છે એ પાત્રને પ્રત્યક્ષ મળવાનું તો ગમે તે કારણે મુશ્કેલ બન્યું છે, પણ એ પાત્ર કાવ્યનાયકના સ્વપ્નમાંયે પ્રત્યક્ષ ન થાય એ કેવું? એ પ્રિયા કે માશૂકના સ્મરણમાં – ઝુરાયામાં આખાંને જો સવાર પડતાં સુધી જાગતાં જ રહેવાનું હોય ને પંડને શય્યામાં પાસાં ફેરવ્યા કરવાની દશામાં રહેવાનું હોય તો સ્વપ્નસુખ પણ ક્યાંથી મળે? જ્યાં સ્વપ્નું જ દર્શન થાય નહીં ત્યાં સ્વપ્નસુંદરી એવી પ્રિયાનું દર્શન થવાની તો વાત જ શી?

કાવ્યનાયક પોતાની પ્રિયા કઠોર થઈ, પોતાના હૃદયને નિર્મમતાથી ચકનાચૂર કરી નાખવાની ચેષ્ટા ન કરે એવી ઇચ્છા અહીં વ્યક્ત કરે છે. કાવ્યનાયક જ કહે છે કે પ્રેમના માર્ગ તો વસ્તુત: ઈશ્વરનો માર્ગ છે. પ્રેમના માર્ગે ઈશ્વર સુધી પહોંચવાનું મુશ્કેલ નથી; માશૂકની છાયામાંથી ખુદાને ખોળી લેવો મુશ્કેલ નથી. ઇશ્કે મિજાજીથી તો ઇશ્કે હકીકી સુધી પહોંચવાનું આસાન બની જાય છે. તેથી જ પ્રેમના માર્ગે પ્રેમીના પર જે કંઈ ગુજરશે તેથી વેઠવાનં પારાવાર થશે પણ તેથી ગુમાવવાપણું તો નહીં જ હોય. પ્રિયાની પાછળ ઝૂરતાં ઝૂરતાં પરમેશ્વર સુધીયે ક્યારેક પહોંચી જવાય; હૃદય રૂઠેલી પ્રિયાના કઠોર ચરણ તળે ચગદાય એમ પણ બને ને છતાં તે રીતે ચગદાવાથી કદાચ ઈશ્વરના ચરણે જ સમર્પિત થવાનું અને એ રીતે ધન્યતાનો ભાવ અનુભવવાનું શક્ય બની જાય. પ્રેમનું ક્ષેત્ર જ એવું છે. એ ખુદાઈનું ક્ષેત્ર પણ છે જ છે.

પ્રેમના વ્યવહારમાં, પ્રેમના ક્ષેત્રમાં શ્રદ્ધા ને પ્રતીક્ષાનો મસમોટો મહિમા છે. વિશ્વાસ ને શ્રદ્ધા વિના પ્રેમ ચોંટતો નથી, પાંગરતો ને મહોરતો નથી. પ્રેમનાં પુષ્પ ખીલે છે શ્રદ્ધાને બળે અને એમાંથી સુવાસનો જે મીઠો અનુભવ થાય છે તે પણ શ્રદ્ધાના બળે. પ્રેમનું બળ છે ઝૂરવામાં, પ્રતીક્ષામાં. પ્રતીક્ષાના બળમાં ને મૂળમાંયે પાછી શ્રદ્ધા તો ખરી જ. પ્રેમનો ખરો રંગ અનુભવાય છે ઝુરાપામાં, ઝૂરવાની વેદનામાં. પ્રેમનું ઋત છે વેદના અને વેદનાના તપ પાછળ તાકાત છે શ્રદ્ધાની. આ પ્રતીક્ષા ને શ્રદ્ધાના સત્ત્વબળે પ્રેમની તાકાત છે, એના રંગ અને રોનક છે. ફૂલો ભલે પાનખર સુધી જ ખીલીને પછી ખરી જવાનાં હોય; પણ ફૂલો ખીલી શકે છે, સુવાસ ને સ્મિત આપી શકે છે, સ્મિત ને શાનનો રંગીન પરચો આપી રસિક મનને પ્રસન્ન કરી શકે છે એ પ્રેમજીવનની કેટલી બધી આશ્વાસક ને આનંદાયક ઘટના છે! માનવજીવનમાં પ્રતીક્ષારંગી ને શ્રદ્ધા સુવાસિત પ્રેમપુષ્પોનું ખીલવું. એને ખુશનસીબી જ લેખાય.

આ કાવ્યનાયકના માટે તો પ્રિયામિલનની આશા જ ભારે હૈયાધારક બળછે. ભલે આશાનું રૂપ ઝાંઝવા સમું હોય, ભલે એમાં ભ્રાંતિ હોય; તોપણ એનું સુખ કાવ્યનાયકના અન્યથા વેરાન એવા જીવનમાં ઘણું મોટું આલંબન છે. આ આશાના ઝાંઝવાંથી મન મનાવીને રહેવું પડે એ બાબતમાં જ કાવ્યનાયકની આંખોને ભીની કરી જાય છે. કાવ્યનાયક પાસે પ્રિયાને પોતાની પ્રત્યક્ષ હાજર કરી દેવાનો કે એને મનભર રીતે મળવા માટેનો બીજો કોઈ ઉપાય બચ્યો જ નથી.

કેટલાક એવા સદ્ભાગીઓ પણ હોય છે, જેમને પોતાની આસપાસ સ્નેહીઓ-મિત્રોનો હૂંફાળો પરિવાર સુલભ હોય અને એમના કારણે એમના ચિત્તમાં અપાર પ્રસન્નતા હોય; પરંતુ આવું સદ્ભાગ્ય બધાંનું તો ન જ હોય ને? આપણા આ કાવ્યનાયકન તો સ્નેહજગતના કંઈક વિષમ-વિપરીત કહેવાય તેવા અનુભવો પણ થતા રહેતા હોય છે. જે નાવનો, એ તરાવનારી છે જાણીને, કાવ્યનાયકે આશ્રય લીધો એ જ નાવ મઝધારે એવા ભમરવમળમાં કાવ્યાનયનકે લાવી મૂકે છે કે જ્યાંથી તેમને બહાર નીકળવાનો કે ઊગરવાનો ઉપાય રહેતો નથી. કાવ્યનાયકને પોતાની પ્રિયા પાસે ઘણી અપેક્ષાઓ હશે. એ એમની જીવનનૈયાને સફળ રીતે સંસારસાગર પાર કરાવી દેશે એવી આશાયે હશે; પણ એ આશા જ કદાચ ઠગારી નીકળે. અહીં તો કાવ્યનાયક પ્રિયા સાથેનો એમની પ્રેમવ્યવહારમાં એટલા આગળ નીકળી ગયા છે – બેફામ રીતે એટલું આગળ વધી ગયા છે કે હવે પાછા વળવાપણું જાણે એમને માટે અશક્યવત્ છે.

કાવ્યનાયક માટે તો હવે પ્રેમના માર્ગે જુદાઈની આગ વેઠવાનો વારો આવ્યો છે; પરંતુ એક ઝિંદાદિલ પ્રેમીની એક કાવ્યનાયક આ પ્રેમ કર્યા પછીની અવસ્થાને – જુદાઈની અવસ્થાનેય – પ્રેમીની અનોખી દૃષ્ટિથી જુએ ને વધાવે છે. આ જુદાઈની આગે એમને તાવ્યા છે જરૂર, પણ એ આગે એમને એવું તેજ – એવું બળ આપ્યું છે કે જેથી જીવનમાં અંધારઘેરી પરિસ્થિતિમાંયે તેમની સફર અટકી નથી, પરંતુ શ્રદ્ધા અને તપપૂર્વક, મક્કમ મુકાબલા સાથે આગળ વધી છે. પ્રેમમાં જે તવાય છે એનું જ તેજ વધે છે. પ્રેમમાં મિલન કરતાંયે વિરહનો મહિમા છે. વિરહમાં જ સાચા પ્રેમની કસોટી છે. વિરહમાં – જુદાઈમાં જ પ્રેમનો – પ્રેમી દિલનો ખરેખરો કસ નીકળતો હોય છે.

આ પ્રેમની ગતિશક્તિમાં જ જીવનનું ખરું બળ અને મનુષ્યનું ખરું સત્ત્વ પ્રગટ થતું હોય છે. પ્રેમમાં હાર હોય જ નહીં; એક વાર ખરેખરો પ્રેમ કર્યા પછી – ચૂપ ચૂપ ચાહ્યા પછી, જુદા પડવાનું કદાચ ને થાય તો તે પ્રેમીથી જુદા પડવાનું થાય, પ્રેમથી તો નહીં જ. જોકે પ્રેમીથી જુદા પડતાં, પ્રેમાળ અંતરમાં જે વંદના-સંવેદના થાય, જે આઘાત-દર્દ થાય, જે શ્રાન્તિ ને અશાંતિનો અનુભવ થાય તેમાંતી તો કેમ કરીને છુટકારો પામી શકાય? ભલે જીવનનો માર્ગ ઘરથી કબર સુધીનો, જન્મથી મરણ સુધીનો નિશ્ચિત હોય, પણ એ માર્ગમાં કેવા કેવા અનુભવો અને ખાસ તો પ્રેમમાં પડતાં થતા અનુભવોા દોર ને ધક્કા કેવા ગૂઢને ગહન હોય છે તે તો અનુભવેજ સમજાય. `બેફામ’ એ અનુભવવા મર્મી છે, જાણતલ છે ને તેથી પોતે એક કાવ્યનાયકને નાતે પોતાને જ, પ્રશ્ન કહો તો પ્રશઅન ને પરિપ્રશ્ન કહો તો પરિપ્રશ્ન, કરે છે કે `બેફામ’, જીવનનો માર્ગ આમ તો નક્કી ને તેથી સાફસીધો છે ને છતાંય તમારે થાકવાનું કેમ થયું?’ કદાચ પ્રેમવ્યવહારમાં અટવામણ ઘણી હશે, અંતરમાં અજંપો કે બેચેની પારાવાર હશે, ઠાકરો ને ખતાઓ પણ અનેક હશે ને તેથી જ કાવ્યનાયકને તનથી નહીં એટલો થાક મનથી અનુભવવાનો આવ્યો હશે. આ થાકવું તો કાવ્યનાયકને મંજૂર હોય, મંજૂર ન હોય હારવું. સાથે પ્રેમ કરવાનો જીવનમાં મળે, કોઈના પ્રેમપાત્ર બનવાનો ધન્ય અવસર સાંપડે, મળે એ જ ખુદાઈ વરદાન, એ જ ઈશ્વરનો પ્રસાદ, એ જ માનવ-આત્માની મહાન જીત. એ પ્રેમ કરવામાં `બેફામપણું’ હોય તો ભલે; એને તો મુબારકબાદી જ આપવાની રહે છે.

પ્રસ્તુત ગઝલ સ્વરૂપદૃષ્ટિએ, ગઝલબાનીની દૃષ્ટિએ તો સ્વચ્છ-શુદ્ધ છે જ, રદીફ-કાફિયાઓની સ્વાભાવિક ભાવોપકારક ઉપસ્થિતિ પણ કલાત્મકતાની પોષક બની રહેલી જણાય છે. ગઝલની રજૂઆતમાં સરળતા ને ગહનતાની સંપ્રિક્તિયે ધ્યાનપાત્ર છે. એમાં કવિએ પોતાના તખલ્લુસનોયે કલાત્મક વિનિયોગ કર્યો છે; પોતે `બેફામ’ ને છતાંયે થાકવાનું?! `બેફામ’પણામાં ઝિંદાદિલી છે તો પ્રેમમાં, અને પ્રિયાની વિદાયે અનુભવવાની થયેલી જુદાઈમાંયે ઝિંદાદલી છે ને એ છે તેથી તો કાવ્યનાયક દ્વારા જ પોતાને થાકી જવા અંગેનો વેધક પ્રશ્ન અહીં કરી શકાયો છે! અહીં ઉત્તરની અપેક્ષા નથી. પ્રેમમાં – તેના સૂક્ષ્મ ને ગહન વ્યવહારોમાં ઉત્તરની અપેક્ષા મર્મીલા મૌનમાં જ બહુધા પર્યવસાન પામતી હોય છે. અહી પણ સહૃદયો `બેફામ’ના પ્રશ્નનો ઉત્તર પોતાના મૌનમાંથી જ ખરેખરો પામી લેશે એમ માનવું ગમે છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book