ઘટમાં ઝાલર બાજે વિશે – રમણીક અગ્રાવત

ઊજમશી પરમાર

ઘટમાં ઝાલર બાજે

ઝીણી ઝીણી ઝાલર ઘરમાં બાજે ઘડી ઘડી

જે થાય છે તે શરીર દ્વારા, શરીરમાં અને શરીરને લીધે થાય છે. શરીરનો જાદુ શરીર જ જાણે છે. ઘટના ઝીલે છે શરીર અને સર્જાય છે ઘટમાળ. દુઃખની તીવ્રતા હોય કે સુખનો હિલ્લોળ હોય એ બધું ઝિલાય છે શરીરની છીપમાં અને પ્રતિસ્પંદનોની વલયમાળામાં નીપજે છે આનંદ આનંદની ઘટમાળ. આ વાત ઝાલરડંકાની ચોટ પર શ્રી ઊજમશી પરમારે કહી છે. અહીં માત્ર આઠ પંક્તિની ચાલમાં એક રૂપકડો મૂડ લેન્ડ સ્કેપ રચી આપ્યો છે કવિએ. શ્રી ઊજમશી પરમારની લયની મેડી પર ફરફરતી ભાવધજા આપણી ગુજરાતીની એક નમણી અને રમણીય મુદ્રા છે.

કશોક એવો સ્પંદ ઊઠ્યો છે મનમાં, જાણે દૂંટીમાં ફૂટતાં પરપોતા. નાનકડાં મનમાં સમાતું નથી મન. આ સર્જાયેલા મનહિલ્લોળથી માત્ર એક મન નહીં આખી દુનિયા કોઈ અનોખા લયની મેડીએ ચડી છે. (ગામડાઓ ઓગળી શહેરના ગઠ્ઠાઓમાં હળવા-ભળવા લાગ્યા છે એટલે મેડી હવે ફ્લોરમાં પલટાઈ રહી છે કે જી-પ્લસ વનમાં માત્ર અધ્યાહાર બની રહી ગઈ છે ત્યારે કોઈ રમણીય કૃતિમાં આ બાપદાદા વખતની ‘મેડી’ જોતાં આનંદિત થઈ જવાય છે. જીવનમાં કોઈ ને કોઈ ક્ષણે ઘટ ઘટમાં બજી ઊઠતી ઝાલરનો આ રણકાર છે. આ ઝીણી ઝીણી ઝાલર બજતી રહેવી જોઈએ. કદાચ એ આપણાં અંતરાત્માનો કદીય ચૂપ ન રહેતો અવાજ છે. કદાચ એ સદાય જાગતાં રાખતી કશીક અહાલેક છે. આનંદિત મનને બધું જ બધું આનંદિત લાગે છે. કહો કે આનંદનો કોઈ કેફ કે ભરપૂરતાથી છલકાતાં મનનો છાક જ આવું બતાવે છે. આનંદને તાબે થયેલાઓ અન્ય કશાને ગણકારે ખરા કે?

એક પગલું પડે ત્યાં તો ધરતી સામો ધબકાર આપે. એક ઘડી પગ ન છબે ધરતી પર. અને ઉરમાં ધડૂકે સબધા ઢોલ. કહ્યું છે ને પગલું પડે ત્યાં માણસ પરખાય. આમ આંખ માંડતા આ કળાય અંધારે ઝબૂકતા વીજ-ચાબૂકના ચમકારા. આ જીવને ઝણઝણાવતો ચમકાર બહારનો છે અંદરનો? આ ઝાલર ફક્ત એક વાર રણકીને રહી જતી નથી, એનો રણકાર અવનવીન ભણકાર સર્જે છે. ઘડી ઘડી રણકીને વિસ્તરે છે એ અવનવીન સ્પંદનોમાં. કશુંક સુખ છે જેને મન છલકાવી દેવાં ચાહે છે. કશુંક મન સાવ કહ્યામાં થોડું રહે? એ તો ધખતા ધોમ વચ્ચોવચ પણ અમીની ઝડીને એ કામણ મનને અવનવા મુલકોની મુસાફરી કરાવે. ક્યાં જવાનું છે તે નક્કી ન હોય છતાં નીકળી પડીએ, એને જ તો કામણ કહે છે. આવાં હિંડોળે ચડેલાં મન પછી તો ગાવાં માંડે પંચમ સૂરમાં. વૈશાખની કોયલ કોઈથી ઝાલી ઝલાય છે? એ કોઈની પરવાનગી લેતી નથી કે કોઈ આદેશોને ગણકારતી નથી. આ ગાન મન જે માણે છે એનો જ પ્રતિસ્પંદ છે. ક્યારેક કોઈ સાવ અજાણી આંખની મધઝરતી ભાષાએ ચઢાવેલો આ છાક છે. એના કેફમાં તો અંદર અને બહાર માઈકોના માઈલ કપાય. ઘટમાં રણઝણતી ઝાલરને કવિએ ચૌટે ચડી બજાવી છે. ઘટે ઘટમાં એનું પ્રતિરણન ઊઠવું સાવ સહજ છે.

ગુજરાતી કવિતામાં ગાનનો એક અલાયદો અને આગવો ખંડ છે. ગાનનો કેફ કંઈ અમસ્તો ચડતો નથી. લયનો હિલ્લોળ ભલે એનું કામણ કરે, પણ ઉચિતતા અને પ્રતીતિ કરતા ડગલે ને પગલે ગીતને ચૂપચાપ માપતાં હોય છે. એની કસોટીએ ખરું ઊથરેલું ગાન અલગ ભાતમાં બજી ઊઠે છે. સૌંદર્યનો સમ પકડીને મંડાતું ગાન પોતાનો આગવો રણકો ધરાવતું હોય છે. એનો રણકાર સમયની આરપાર બજીને રહે જ છે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book