ગિરનારની મનોમુદ્રા – જગદીશ જોષી

છેલ્લી ટૂંક?: ગિરનાર

ઇન્દુલાલ ગાંધી

વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ,

‘પર્વત’ શબ્દ બોલો અને આંખ્યું ઊંચા આભની વાટ ઝાલવાની! પર્વતો ભલે ‘વણમાપ્યા’ હોય પણ એમની, વૃક્ષોની અને પર્વત સમોવડા માનવીની ગતિ તો આકાશ ભણી જ રહેવાની. એમ પણ કહી શકાય કે આંખો કોઠાસૂઝથી પર્વતને માપી શકે માટે તો ઈશ્વરે વૃક્ષો જેવી ફૂટપટ્ટીઓ સરજી છે. ઔચિત્ય એટલે બાહ્ય વ્યાકરણ નહીં, પણ ભીતરની એક સુસજ્જ અવસ્થા. એના પ્રકટીકરણ માટે પ્રયત્ન નહીં, પણ એક અનાયાસની લીલા કામે વળગતી હોય છે. કાવ્ય ગિરનાર વિશે છે, એની ભવ્ય, ઉત્તુંગ છેલ્લી ટૂંક માટે છે. ભીતરી ઔચિત્યથી પ્રેરાઈને કવિની કલમ દુહા તરફ વળી છે. જાણે કોઈને મોટેથી સાદ પાડવાનો હોય એવી બુલંદી આ દુહાના પ્રકારમાં છે. વળી, પ્રાસયોજના મીઠી ને અટપટી. પહેલી પંક્તિનો પ્રાસ બીજી પંક્તિની અધવચ્ચે ઓચિંતો મળે. દા.ત., પર્વતમાળ–ગોવાળ; લલાટ–નભહિંડોળાખાટ; જયદંડ–પડછંદ; વાટ–ચોપાટ વગેરે.

કવિમાં સત્ત્વ હોય તો, આવા પ્રાસના પગથિયે પગથિયે એ લયની ટૂંકો એક પછી એક સિદ્ધ કરી શકે.

પહેલી પંક્તિમાં પ્રથમ શબ્દ ‘વણમાપી’ છે, પર્વતમાળ માટે. મરાઠી સંત કવિ કહે છે તેમ આ માપ કાઢવું એ તો ‘આકાશને ખોળ (ગલેફ) ચડાવવા જેવું છે!’ કાળી કામળી ખભે નાખીને  ઊભેલા પર્વતમાળના ગોવાળ રૂપે ગિરનારને જોવાયો છે. પણ એક જ ચિત્ર આપીને બેસી જાય એ ગિરનાર ન હોય! તો તો, ગિરનારનું શિખરત્વ લાજે. જુઓ, ઉપરાઉપરી ચિત્રોની છોળ આવે છે. જે કલમો હમણાં હમણાં પહેલાં જેટલું લખતી નથી, એ કલમોએ કેવાં કેવાં સુભગ ચિત્રો અને શબ્દપ્રયોગો આપ્યાં હોય છે એ જોવા જેવું હોય છે.

ઇન્દુલાલ ગાંધીની કલમ ઉપરાઉપર કેવાં રેખાંકનો આપે છે! ‘તું ચાંદાનું બેસણું’ : ‘કિરણ-આંકડીએ જડી નભહિંડોળાખાટ’: ‘ગીર આખી ચોપાટ, સાવજ તારાં સોગઠાં’…

પરાજિતોને પ્રેરણા આપનાર ગિરનાર પાસે એવો કયો મંત્ર છે જે નિરાધારને આધાર આપે છે, શાતા આપે છે? મોહના અખંડ ઉજાગરા કરનાર આંખોમાં ગીર તો ઠંડકનો સુરમો આંજે છે. આ ‘ઊંચા આસનેથી’ ‘ઊતરવું ગમતું નથી’ એવી મનોદશા કવિ આપે છે. અને જ્યારે કહે છે ‘અહીં તારો આધાર’… ત્યારે પરાણે પગથિયાં ઊતરતી રાણકદેવીનો પેલો વ્યાકુળ આર્તનાદ સંભળાય છે:

મા પડ, મા પડ મારા આધાર…!

જેને ઊંચે જવું છે, સામાન્યોથી પર — ઉપર જવું છે તેમને માટે પંથ હંમેશાં એકલવાયો રહેવાનો. ‘તું… અણનમ એકલો’ અને ‘જેનાં ઊડણ એકલાં.’ અંગ થાકે, પણ ઉમંગ ન થાકે એવું આ આસન છે. અહીં કવિ એક અસામાન્ય ચિત્ર આપે છે. ‘ઘેઘૂર વનની ઘીંઘમાં તારી વીરમલ વાટ.’ નવો શબ્દપ્રયોગ કવિ આપે છે. ‘વીરમલ વાટ’. પણ આ વાટ ઝાલનાર પાસે હામ અને હાંફ બંને જોઈએ, શક્તિ અને શ્વાસ બંને જોઈએ. એક વાર આ ઊંચે આસને પહોંચ્યા પછી તો નિરાધારીની વાત જ નથી. અહીં તો ‘હરિનામનાં હાલરડાંનો’ કેવો મોટો આધાર છે!

વર્ણનથી પ્રારંભ પામેલી કવિતા સંવેદનમાં ક્યારે સરી પડે છે તેની પણ જાણ રહેતી નથી અને એમાં જ કલમની સાર્થકતા છે. પોતાના મનોભાવોની મુદ્રા આંકીને ગિરનાર સાથે પોતાનો એક વ્યક્તિગત સંબંધ સ્થપાઈ ચૂક્યો છે એવું કહેવા માટે કવિ કેવું સંબોધન લઈ આવે છે!

ઊતરવું ગમતું નથી અંક ઝુકાવ્યું શીશ
દે દાદા, આશિષ, ચઢતાં થાક નહિ ચડે.

૧૨–૧૦–’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book