ગમતાંનો કરીએ ગુલાલ વિશે – હસિત બૂચ

મકરન્દ દવે

ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગુંજે ભરીએ

‘ગમતાંનો કરીએ ગુલાલ’ એ ટેક મનમાં ઘૂંટાયા કરે છે, નહીં?  મન જાણે એ અનુભૂતિએ ઘેરાઈ જાય છે, તન્મય થઈ રહે છે. કવિતામાં વસ્તુ એના મૂળરૂપે ન રહેતાં George Luis Borgesના શબ્દોમાં ‘A set of words’ નીવડી રહે છે; એનો અર્થ એ, કે તે સ્વતંત્ર અનુભવ થાય છે. જાણે આપણું મન ટેકકિલ્લોલનો ગુલાલ ચારે તરફ ઉછાળવામાં લીન થાય છે; હા, ‘ગમતાંનો’ ગુલાલ. કવિએ એ ક્રિયાને સૂચવવા શબ્દ વાપર્યો છે, ‘કરીએ.’ ત્યાં દેખાઈ આવે છે કવિ. શબ્દની શોધ કવિનું કામ નથી એમ કહેવાનું તાત્પર્ય એ જ છે, કે કવિ શબ્દનો નવો સંદર્ભ રચી આપે છે, નવો શબ્દ નહીં. અહીં ‘કરીએ’ શબ્દ કવિતામાં જે ઉઠાવ સર્જે છે, નવો શબ્દ નહીં. અહીં ‘કરીએ’ શબ્દ કવિતામાં જે ઉઠાવ સર્જે છે, તે જોતાં પુનઃ યાદ આવે શ્રી ક્રિસ્ટોફેર કૉડવેલે રજૂ કરેલી અર્વાચીન કવિતાની એક વિશેખતાઃ ‘Poetry is composed of words.’ ‘of’ શબ્દ પર એમનો યથાર્થ ભાર છે. ત્યાં એમને ‘with’ શબ્દ યોજવો યોગ્ય જણાતો નથી. કવિતામાં બીજાં સાહિત્યસ્વરૂપો કરતાં શબ્દ વધુ લક્ષ ખેંચે છે. તેનું કારણ આ જ છે. વસ્તુતઃ શ્રી કૉડવેલે શબ્દ વિશે કહ્યું છે તે કોઈ પણ સમયની કવિતાનું લક્ષ્ય હોય.

ટેક આગળનું ચરણ જોયું? ‘ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ’ એ પંક્તિનું શૃંગ ટેકમાં રચાઈ રહે છે—‘ગમતાંનો કરીએ ગુલાલ.’ સોમરસેટ મૉમની નવલકથા ‘થિયેટર’માં ચાર્લ્સ નામનું પાત્ર વાતવાતમાં કહે છે, ‘The tragedy of life is that sometimes we get what we want.’ આપણું ઇચ્છિત કવચિત્ આપણને મળે છે, એય જિંદગીની કરુણતા છે. કવિ મકરંદ ઇચ્છિતની પ્રાપ્તિનો ઉલ્લાસ ચીંધે છે, એ ગુલાલને ઉરાડતા રહેવામાં. આપણી એ જૂની ઇચ્છા છે, એની વીગત મકરંદે કહી છે, તે ય જૂના સંદર્ભને ચાલુ રાખીને. એમાં રીત છે તે ય નવી નથી. તોયે એની અપીલ નવી નીવડે રહે છે, નવી પ્રતીત થાય છે. એનું કારણ એ જ છે કે હૃદયમાંથી એ સોંસરી ફૂટી વરતાય છે, અર્થાત્ અનુભવાય છે. એમાં એ હકીકત તો આવી જ જાય છે, કે જૂની વાત જેમ કવિની પોતાની થઈ છે, તે એનાં સંદર્ભ અને રીત પણ કવિનાં નિજનાં બનીને આ ગીતમાં પ્રગટ થયાં છે. આખી પહેલી પંક્તિ એથી જ આપોઆપ ફોરી ઊઠી લાગે છે. એની વેગીલી ચાલમાં વર્ણસંગીત તો ઠીક, ‘ને’ નો વિશિષ્ટ સાંધો પણ કેવો સ્ફૂર્તિ પામી રહે છે!

વ્રજની નારીને મળ્યો હતો ગમતો માધવ. એની મટુડીમાં એ પુરાઈ ગયો અનુભવતાં જ એ ટહેલ પુકારી રહી, ‘માધવ લ્યો! માધવ લ્યો.’ એ ભરવાડણનું ભોળપણ કવિ ન બિરદાવે તે કેમ બને? આ ગીતમાં કવિ તેથી જ, ગમતું ગુંજે ન ભરતાં, એનો ગુલાલ ઉરાડનારનાં કરતાલ પેલી ‘માધવ વેચંતી વ્રજનારીને સંગ’ રણકી ઊઠવાનાં એમ સંભારી આપે છે. જૂની જ વાત, તોય ક્ષણે ક્ષણે વીસરાઈ જતી-ચુકાતી વાત. મોમનો ચાર્લ્સ એ જાણે છે; માટે જ ઇચ્છિતની પ્રાપ્તિમાંની કરુણતા ચીંધતો હશે ને?

જાગી ઊઠે માંહ્યલો પ્રાણ, તો પછી સૂઝી જાય છે સાચો રાહ. ચાર્લ્સે કહી તે કરુણતા કઈ રીતે ટાળવી, એની સલાહ લેવા કોઈ કને જવાનું રહેતું નથી. ખૂબ જાળવી રાખ્યું, તે પછી તો વહેલું વહેલું ગુમાવવાની ઇચ્છા જ જાગે, આવી મળે તે આંસુએ ધોઈને દઈ દેવું ગમે. ગોઈથેએ કહ્યું છે કે સંતપ્ત દિલે પોતાનો રોટલો ન ખાનાર કે કાલને માટે રડીને અને જાગીને આજની રાત પસાર ન કરનાર, ભગવાનને કદી ઓળખતો નથી. ‘આવી મળ્યું તે–દઈશ આંસુડે ધોઈને,’–ની અહીંની વાતે સૂર એ જ છે.

ગરથ ગાંઠે બાંધવાથી જિંદગી કશુંજ રળતી નથી; અરે, એ તો હરદમ સરી જાય એ સ્વભાવની છે. ત્યાં ગાંઠે બંધાવાની જ ક્યાં છે? એ આવે છે તેય એની જ મરજીએ ને! મુઠ્ઠીમાં વાળી લેતાં એ માટી રહે અને વેરી દેતાં જ થઈ જાય ‘ફોરમનો ફાલ’—જિંદગીની ‘ગરથ’ની ખૂબી જ એ છે. ગગન ભરી વરસતું વહાલ તે વળી ખાબોચિયે બંધાતું હશે? સાગરની લહરીઓ વળી કદીચ પુરાઈ રહેતી હશે? એ તો ચલતી જ ભલી. આવું બધું બોધ લાગે. કવિતામાં એ રૂપે કશું ન આવે એમ તો કહેવું સાહસ, પરંતુ એ રૂપે અનુભવાય-જણાય નહીં એમ કહેવામાંય ક્વચિત્ અપવાદ વિચારવા જેવું લાગે છે. અહીં ‘સરી સરી જાય એને…’થી આરંભાતી અને તે પછીની પંક્તિથી એમ લાગે કે આમ સીધું કથાય છે તે ઠીક છે? પણ તરત કવિ ‘મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી, ને વેર્યે ફોરમનો ફાલ’ એમ ગાઈ ઊઠે છે ત્યાં, પેલી લાગણી ભુલાઈ જાય છે. ઓવરને રમી કાઢતાં છેલ્લે દડે ચોગ્ગો ધમ્મ કરતોકને વીંઝાય એવું થતું જણાય છે અહીં.

પંડમાં જ સમાતી પ્રીતિ પાંગળી વર્ણવતા કવિ ગમતાંનો ગુલાલ ન કરનારને, એમ કરવા આડે હાથ ધરનારને ઓશિયાળો કહે છે. પોતાને લાધ્યું તે બધામાં ન વહેંચનાર ખુમારી ખૂએ છે, સ્વતંત્રતા ગુમાવે છે. આ ઝીણી વાત ભારે ફક્કડ છે અને કહેવાઈ છે ય ફક્કડ રીતે; ‘આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી…’ કવિ, પ્રણયી, સંત, શિક્ષક, સહુની છે આ વાત. આ ગીતમાં પ્રેમ અને ભક્તિની પરિભાષામાં વાત કરાઈ છે.

બોધને કાવ્યથી તરબોળ કરવો કઠિન છે. કાવ્યમાં એ ઓતરાઈ થઈ રહે તેમ કરવામાં કવિની કસોટી થતી હોય છે. અર્વાચીન સમયની કવિતા પણ વચ્ચે ત્રીસી-ચાલીસીના ગાળામાં તે કરવા જતાં ઘણીવાર અધૂરી ઊતરી છે. તોયે પુનઃ પુનઃ બોધકાવ્યની ચેલેન્જ કવિમાત્રને આકર્ષવાની જ, કારણ એમાં વસ્તુતઃ એ નિજી પ્રબોધને ગાવા ચાહે છે. પ્રબોધની ક્ષણ ઉત્કટ હોય, ઊંડી હોય, તે ઉપરાંત કવિત્વની ખબરદારી સાથેની હોય, તો કામ પાર પડે. કવિ મકરંદ દવે આ જાતનાં કાવ્યો સાહજિક સૌંદર્યથી ઝળકાવી આપે છે. એવાં એમનાં કાવ્યોમાં ‘ગમતાંનો કરીએ ગુલાલ’ અચ્છો જશ મેળવે તેમ છે.

(ક્ષણો ચિરંજીવી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book