ખોટ વર્તાયા કરે વિશે – ચંદ્રકાન્ત શેઠ

`ગની’ દહીંવાળા

ખોટ વર્તાયા કરે

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,

ગુજરાતના બાગમાં `ગઝલ-બુલબુલ’નું નામ-કામ સંસ્મરણીય છે. તેમની નજરમાં નજાકત છે અને તેથી એમની શાયરીની દુનિયા ફૂલ જેવી ફોરી અને ફોરમતી લાગે છે. એમની ગઝલની બાની સરળ-સીધી પણ સંવિદમાં સોંસરી ઊતરી જાય એવી સ-ચોટ પણ ખરી! એમની અનેક જાણીતી ગઝલોમાં ઉપરની `ખોટ વર્તાયા કરે’ ગઝલને પણ મહત્ત્વનું સ્થાન છે. એમાં શાયર `ગની’ભાઈના જીવન અંગેનું નરવું ને નમણું દર્શન પ્રગટ થયું છે.

જેઓ ધરતીના પુત્રો છે તેમણે ધરતીની જેમ જ મક્કમ ને મજબૂત રહેવું જરૂરી છે. ધરતીની જેમ જ તેમના મનની ધારણ સમતુલાવાળી રહેવી જોઈએ. ધાર્મિકતા પણ એવી સમતુલામાંથી જ પામી શકાય. ધરતીના પુત્રો એવા મનુષ્યો જો શિવ-સંકલ્પ કરે, જીવનના ઝંઝાવાતો વચ્ચેય માતા ધરતીની જેમ જ અડગ-અડોલ રહેવાનો નિશ્ચય કરે તો પછી તેમને ઉન્મૂલનની સ્થિતિનો ક્યારેય અનુભવ કરવાનો નહીં આવે. `धर्मो रक्षति रक्षितः।’ – એ ન્યાયે તેમની રક્ષા તેમના જ પ્રભાવે પ્રાદુભાવ પામેલ હસ્તીઓથી – એમનાં બળ-સમર્થનથી થઈને જ રહેશે એવી કવિની અડગ શ્રદ્ધા છે. મનુષ્ય પોતાની દૃઢ નિર્ધારણશક્તિ દ્વારા પોતાનામાં ઊતરેલા ધરતીના સત્ત્વ-તેજનો બળવાન પરિચય આપી શકે.

જે જીવનવીર છે, જિંદાદિલ છે એ નિષ્ક્રિય તો રહી જ કેમ શકે? નિષ્ક્રિયતા એઠલે મરણ| ખરા અર્થમાં જીવવું એટલે જ સાચી દિશામાં સક્રિય રહેવું. મનુષ્યની સાચી સક્રિયતામાં જીવનની શક્તિ તથા સમૃદ્ધિ છે. જે જીવનમાં સતને વળગી રહીને સક્રિય છે, જે કળામાં સતને વળગી રહીને સક્રિય છે તે જ જગતને પરમ લાભદાયી છે. એના જીવન થકી જ જગતને ખોટ કે ઊણપ, અછત કે અભાવાની વેદના વેઠવાનો વારો આવતો નથી. કવિ જેવો જિંદાદિલ મનુષ્ય તો જીવનના ઉદ્ગારરૂપ શબ્દની ઉપાસના કરતો સક્રિય જ રહેવાનો અને પોતાની સભરતાથી જગતનેય ભર્યુંભર્યું કરવાનો ને રાખવાનો!

જીવનમાં ધ્યેય તો ઉન્નતિનું જ હોવું જોઈએ. જેમ ભરઉનાળામાં – ચૈત્રમાં પ્રખર તાપે તપતા સૂરજ આડે એકાદી વાદળી આવીને શીળી છાંયડીનો અનુભવ કરાવી રહે તેમ જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાદિના સંતાપ વેઠતા ને ઊંચે ચડવાનું તપ તપતા ઊર્ધ્વગામી મનુષ્યોને પ્રભુની સત્કૃપા કોઈ અમિયલ છાયાનો આશ્રય – આધાર મળવાની સંભાવના હોવાનું કવિ શ્રદ્ધાપૂર્વક દર્શાવે છે. જીવનમાં એવા અનુભવો થાય છે, જ્યારે ભગવાનની જ કરુણા વાદળીની જેમ જીવનના ધોમ ધખતા સંતાપમાં મનુષ્યને શીતળતા ને સધિયારો આપી રહેતી હોય. આ કાવ્યમાં કવિ સૂર્ય-વાદલીના ઓઠાથી જીવનની આ મીઠી-આશ્વાસક અનુભૂતિનો ખ્યાલ આપે છે. જીવનમાં સંતાપ છે તો સ્નેહ ને શીતળતાયે છે જ.

આ કવિને વિશ્વસર્જક પરમાત્મા સાથેય સીધો ને હૂંફાળો સંબંધ છે, તેથી તો તેને સંબોધીને ફરિયાદ કરવાની પરિસ્થિતિ આવે છે તો તે ફરિયાદ કરીને રહે છે. `પ્રભુનાં બનાવેલાં’ મનુષ્યો જીવનમાં સતત ઠોકરો ખાતાં રહે તો કવિને તો વેદના થાય જ ને? કવિને તો મનુષ્યની – પરમાત્માના શ્રેષ્ઠ સર્જનની – હાલાકી કે તકલીફ જોતાં જ પરમાત્માની સર્જનલીલામાં, એની ઘાટ-ઘડતરની પ્રક્રિયામાં ત્રુટિ કે અવળાપણું આવી ગયાનો ભાવ થાય છે. જે મનુષ્ય પરમાત્મા દ્વારા આનંદાર્થે સર્જાયો એને ઠોકરો ખાવાનો વિષમ અનુભવ શા માટે? – એવો આ ઋજુહૃદયી કવિને પ્રશ્ન ઊઠે તો સ્વાભાવિક છે.

કવિ પોતાની હસ્તીની કોઈનેય બાધા કે ડખલ ન થાય એ માટે સાવધાની રાખે છે. તેઓ કોઈનું હેત ભરતીની જેમ ઉછાળા લેતું ધસતું હોય તો તેને રોકવામાં માનતા નથી. તેઓ તો ઊલટું હેતથી ભરતીને અનુકૂળ થવામાં માને છે. કાંઠા જેવો કાંઠોયે પણ ઊછળતાં ભરતીનાં મોજાં જોઈને, તેને પૂરતી મોકળાશ આપવા ખસી જવું જોઈએ એમ માને છે. મનુષ્યના હૈયામાં હેત ઊભરાતું હોય ત્યારે તેને તો મસ્તી ને મોકળાશથી માણવામાંજીવનની ખરી સાર્થકતા ને ધન્યતા છે. કવિ પોતે જ પોતાને એ વાત ઠસાવવાનો સરસ ઉપક્રમ અહીં રચે છે.

કોઈક પૂનમ જેવા સદ્ભાગી હોય તો તેને પૂર્ણ ચંદ્રના અમિયલ તેજનો આનંદાસ્વાદ સાંપડે; પરંતુ એવું સદ્ભાગ્ય કંઈ સૌનું નથી હોતું. કોઈને વળી બીજનેયે ભૂમિકા મળી હોય એવું બને. એવે વખતે એનીયે ઉપેક્ષા ન થાય, પણ એનેય પેલા પૂર્ણ ચંદ્રના અમિયલ તેજનો યત્કિંચિત પણ અનુભવ મળતો રહે એવી ભાવના કવિ સેવે છે. કોઈ પણ જણ ચંદ્રના અમિયલ તેજથી વંચિત તો ન જ રહેવું જોઈએ!

શાયરના-કવિના જીવને તો કોઈનીયે વંચિતતાની સ્થિતિ મંજૂર ન જ હોય!

જે કવિ છે તે તો અંતરના ઊંડાણનાયે મામલા જાણતો હોય. એને તો દુનિયા જેમને ઓળખતી ન હોય તેવાં શાંત તોફાનોનોયે અંદાજ હોય. સ્નેહ અને વેદનાનાં ઊંડા રહસ્યોનો એ પાકો જાણતલ હોય; તેથી જ એની દૃષ્ટિ કોઈની સ્નેહ-અશ્રુ વરસતી આંખને તો બીજી બાજુ એ જ કારણે કોઈ અન્ય એથી ભીંજાતું હોય એવા ભાવસંબંધનું મૂર્તિમંત દર્શન પામી શખે છે. કોઈના સ્નેહથી ભીંજાવું અને પોતાની સ્નેહાર્દ્રતાથી કોઈ ભીંજાય એવી સ્થિતિનો અનુભવ કરવો એમાં જીવનની ખરી લીલપ-તાજગી પ્રત્યક્ષ થતી હોય છે. કવિ એનું માર્મિક રીતે અહીં નિરૂપણ કરે છે.

કવિ એ પછી પોતાની `આગવી પરાધીનતા’નો પરિચય કે પરચો આપી રહે છે. જીવનમાં અનેક તબક્કે, અનેક પ્રકારનું સહિયારાપણું અનુભવાતું રહે છે. પારસ્પરિકતા અને સાપેક્ષતા તો જીવનમાં સાદ્યંત અનુભવાતી રહે છે. આપણું હોવું ને થવું અનેકને આભારી હોય છે. આમ તો ભગવાનની ઇચ્છાએ આપણે જીવતા હોઈએ છીએ; પણ ભગવાન આપણા જ આત્મબંધુઓ દ્વારા આફણને જિવાડવાની ને એ રીતે આપણા જીવવાની જવાબદારીનો નિર્વાહ કરતો હોય છે. ખરેખર તો પરમાત્માની કૃપાથી આપણે જીવતાં જીવતાં અવિનાભાવિ સંબંધે અનેકને જિવાડવામાં નિમિત્તભૂત થતા હોઈએ છીએ અને અનેકોના સદ્ભાવથી – અનેકોના જીવનબળના પ્રભાવે જ આપણા જીવનનો આનંદ માણી શકાય છે.

જીવનનું સ્વરૂપ જ એવું છે કે વ્યક્તિઓ આવે ને જાય એનો પ્રવાહ નિરંતર ચાલતો-વહેતો જ રહે છે. સાચું જીવન જીવ્યા તો તેઓ જ કહેવાય, જેઓ મરણને શરણ થયા પછીયે સ્મરણમાં સતત પ્રત્યક્ષ થતા રહેતા હોય. એમનું નામ આપણા કાનમાં ગુંજતું રહે અને એમનું કામ આપણા હૃદયમાં કાયમનું અંકાયેલું રહે. એથી અદકેરું કયું અ-મૃતત્વ કે અમરત્વ મનુષ્યને જોઈએ? મનુષ્યની જિંદગીોન ખરેખરો પ્રતિસાદ તો વ્યક્તિ ક્ષરદેહે ન હોય ત્યારે અક્ષરદેહે સતત આપણા કાનમાં ને પ્રાણમાં એનું નામ ગુંજતું રહે ત્યારે પમાય છે. કવિ પણ એની કવિતામાં – `ગની’ પણ એની ગઝલમાંથી પામી શકાય ત્યારે એ કવિતાની – એ ગઝલની સાચી સાર્થકતા લહી શકાય. આ ગઝલ એ રીતે જીવનની સત્ત્વશીલતા ને સાર્થકતાનો ઉમદા ખ્યાલ આપી રહે છે. ભાવ-ભાવના ને વિચારનું તે જ કલ્પનાબળે રસાઈને અહીં કેટલાક શૅરોમાં ઉત્તમ રીતે આવિર્ભાવ પામ્યાનું આપણને પ્રતીત થાય છે. ગઝલની ગઝલિયત પણ આવી ગાઢ ને ગૂઢ પ્રતીતિમાં હોવાનું સહૃદયોને અવશ્ય લાગશે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book