ખાલી હાથે? – હરીન્દ્ર દવે

ઉમાશંકર જોશી

શું શું સાથે લઈ જઈશ હું?

શું શું સાથે લઈ જઈશ હું?

સામાન્ય રીતે આપણે પ્રવાસની યોજના કરીએ ત્યારે સાથે શું શું લઈ જઈશું એની યાદી બનાવવા બેસીએ છીએઃ પરંતુ એક પ્રવાસ એવો કરવાનો આવે છે, જ્યારે ખુલ્લા હાથે જ જવાનું હોય છે; પણ આપણે સાચે જ ખાલી હાથે જ જતા હોઈએ છીએ?

કવિ આ માનવાની ના પાડે છે. એ તો આ યાત્રાની સામગ્રી પણ નક્કી કરી લે છે. કવિ પાસેથી આપણે આ સાંભળીએ છીએ ત્યારે આપણને આપણી પાસે જે સંપત્તિ પડી છે તેનો ખ્યાલ આવે છે. જે ઉઘાડી આંખે જિંદગી જીવે છે, તે આંખો મીંચે ત્યારે તેના ભીતરમાં શૂન્ય નથી હોતુંઃ એ જોયેલી, માણેલી અને જાણેલી જિંદગીનાં સ્પંદનો એ બીડાતાં પોપચાંમાં ભરી શકે છે.

કવિને ખાલી હાથે જવાનું પસંદ નથી. નરસિંહ મહેતા કુંવરબાઈના મામેરામાં જે સામગ્રી લઈ જાય છે તેનું પ્રેમાનંદે એક રસિક વર્ણન કર્યું છે; એ સામગ્રી જેટલી અસામાન્ય છે, એટલી જ અસામાન્ય અહીં આપણા કવિની સામગ્રી પણ છેઃ વૃક્ષડાળીમાં ઝિલાતો તડકો, પથ્થરનું મૌન, પશુની ધીરજ, પ્રિય હૃદયોનો ચાહ, અને સ્વપ્નદાબડોઃ જરા અલગારી લાગે એવી સામગ્રી છે—પણ કવિએ એ પસંદ કરી છે, અને એટલે એનો મહિમા સમજવાનું આપણને મન થાય છે.

વસંતનું કોઈક ઉજ્જ્વળ પ્રભાત કે કોઈ મેઘલી સાંજે વૃક્ષની ડાળી પર ઝિલાતો તડકોઃ કવિને મન આ બંનેનો મહિમા છે. કુદરતના સાંનિધ્યમાંની આવી ક્ષણો આપણી મીઠાશ બની જતી હોય છે. આપણે આ જિંદગીમાં પ્રસન્નતાથી આવી કેટલી ક્ષણો મેળવી એનો વિચાર કરીએ ત્યારે આપણે કેટલા બધા ધનવાન છીએ તેનો ખ્યાલ આવે છે.

અને જીવનની કોઈક સ્વસ્થ પળે બધી જ કડવાશો અને ગ્રંથિઓ ગાળી નાખીને વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે કેટકેટલાં હૃદયોનો સ્નેહ આપણને સાંપડ્યો હોય છેઃ આપણને જોઈને મલકી ઊઠતો કોઈ ચહેરો, આપણા દુઃખમાં ભીની થયેલી કોઈક પાંપણ, આપણી સાથે ઉત્સાહથી ડગલાં ભરતો કોઈ મિત્ર, આપણા પર વરસેલી કોઈની વત્સલતાઃ આ બધાનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે અઢળક હૃદયઉમળકો આપણે પામ્યા છીએ. આપણા હાથ ભલે ખાલી હોય પણ આ હૃદય-ઉમળકો એ આપણી સંપત્તિ બની જાય છે.

કવિ કોઈ ઋષિની કે રાજપુરુષની ધીરજ પસંદ નથી કરતાઃ એ પશુની ધીરજ પસંદ કરે છે. પશુમાંનો આ ગુણ કવિ તારવીને બતાવે ત્યારે જ આપણને સમજાય છે. નૃત્ય જેની સહજ કલા છે એ વિહંગનું નૃત્ય કવિ સાથે લઈ જવા ઇચ્છે છે. અને શિલાનું મૌન. બીજાં મૌન કૃત્રિમ હોય છે. શિલાનું મૌન સાચું અને એટલે જ કદાચ સૌથી વધારે વાચાળ પણ હોય છે. કવિ જે મિલન લઈ જવા માગે છે એ વિરહથી ધડકતું છેઃ જીવનના પ્રત્યેક સુખનો વિચાર આપણે દુઃખના સંદર્ભમાં જ કરતાં હોઈએ છીએ ને?

કવિને મિત્ર-ગોઠડીનું મહત્ત્વ તો છે જ પણ એથીયે વધુ તો કોઈ અપરિચિતના એકાદ લૂછેલા અશ્રુનો મહિમા છે. અને કવિ સ્વપ્નદાબડો પણ લઈ જવા માગે છે. ઉમાશંકરે જ ક્યાંક ગાયું છેઃ

સંપૂર્ણતા હુંથી પરી રહો સદા
આનંદ વાંચ્છું છું અપૂર્ણતાનો

અહીં પણ કવિ પોતાનાં બધાં સ્વપ્નો આ પૃથ્વી પર જ પૂરાં થાય એમ નથી ઇચ્છતા. અધૂરાં સ્વપ્નોનો પણ આનંદ હોય છે. જેનાં સ્વપ્નો જીવનકાળ દરમ્યાન પૂર્ણ થાય એમને શેષ જીવનમાં શૂન્યતા લાગે. અથવા અશક્ય સ્વપ્નો સેવવાની પંગુતા તેમાં જોઈ શકાય. અધૂરાં સ્વપ્નો જીવનને સતત કોઈ પ્રયોજનથી મઢી શકે છે.

છેલ્લે કવિ ઝંખે છે, બાળકોનાં અનંત આશાથી ચમકતાં નેત્રો. આ જગતમાં જો કોઈ પણ સ્થળે પવિત્ર આકાંક્ષાની ઝલક જોવા મળતી હોય તો તે બાળકનાં અપેક્ષાથી ભર્યાંભર્યાં નેત્રોમાં જોવા મળે છે.

જો આટલું સાથે લઈ જઈ શકાય તો આપણા હાથ ખુલ્લા ભલે હોય, ખાલી નથી રહેતાઃ આપણી આ અપાર સંપત્તિનું ભાન આપણને કવિ કરાવે છેઃ એટલા માટે જ જગત કવિનું ઋણી હોય છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book