ખંડિત સ્વપ્નના અવશેષ વિશે – રમણીક અગ્રાવત

કિસન સોસા

ખંડિત સ્વપ્નના અવશેષ

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો

વળાંક પર આવીને સહેજ વિચારવું પડે. રસ્તો જાણીતો હોય તો તો વળાંક પછીનું બધું મનોમન ચોખ્ખું જ હોય છે. પણ અજાણ્યા રસ્તાના વળાંકે કોઈની મદદ લેવી પડે, કોઈને પૂછવું પડે. ચોક્કસાઈ આપણને એમ કરવાં પ્રેરે. અહીંથી આ તરફ જવું કે તે તરફ જવું? વળાંકને વટોળવો તો પડે જ. ચાહે રણ તરફ નીકળી પડો કે નદી તરફ માંડો ડગ. વળાંક પોતાનામાં અગોચરનું કુતૂહલ સંગોપીને રાહ જોતો હોય છે. ખૂબ મહત્ત્વની એક ક્ષણ જીવનમાં આવે છે, જ્યાં વળાંક રચાયો હોય છે. નિર્ણય લેવાનું કપરું હોય તોપણ નિર્ણય તો લેવો જ પડે. ક્યારેક કશીક સૂઝ વળાંકને ઉકેલી આપે છે. ક્યારેક વળાંક એમ ને એમ વતાવી દઈએ છીએ — પછીથી ભલે એની કિમત ચૂકવવી પડે. કાફલો રણ તરફ જશે કે નદી તરફ એ કાફલાએ જ નક્કી કરવાનું છે.

વળાંક વિકલ્પોને પોતાની હથેળીમાં ધરીને ચૂપચાપ ઊભો હોય છે. એક નિર્ણય લઈ જાય સ્વપ્નની રળિયામણી ભૂમિ પર. એક નિર્ણય અંધકારની અગોચર ગર્તામાં ધકેલી દે. ધવલ સુંદર સ્વપ્નમાં રમમાણ થઈ શકાય કે ખીણના બિહામણાં ભેંકારમાં ગરક થઈ રહેવાય. જહે નસીબ! સારું કે ખરાબ એમ તોળો ન તોળો ત્યાં તો વળાંક લેવાઈ ચૂકાયો હોય છે. એક ક્ષણમાં નીકળી પડીએ એ વિરાસત તરફ જે સદી સુધી નવા નવા અર્થોમાં સમજાયા કરે, ઊઘડ્યા કરે.

રસ્તાઓ ફંટાય ત્યાં ઘડીભર થંભી જવું પડે છે. મનને કસી જોવું પડે છે. વિકલ્પોની આંટીઘૂંટીને દૃઢતાથી સમજવાની હોય છે. ભવને તારનાર કે શક્યતાઓને ધૂળધાણી કરનાર સંભવ એક જ પળમાં ભરેલો હોય છે.

મહત્ત્વ પળની પસંદગીનું છે. અહીંથી જ રસ્તાઓ અલગ પડે છે. આ પસંદ કરે કે તે, નિર્ણય જેટલે જ છેટે સંભવ ખડો હોય છે.

એક ક્ષણમાં બધું પૂરું થઈ જાય. એક ક્ષણમાં નવો ઉઘાડ રચાય. અહીંથી પ્રયાણ કરીએ અને મળે ઉમંગોની ઉડાનનો અવસર. અવસરની આડે હોય છે માત્ર એક ક્ષણનો દરવાજો. એ ઉઘડવાના હાથ ઉપાડો અને પહોંચી જાઓ અવસર વચ્ચોવચ. અહીંથી જ પહોંચી શકાય છે કાળમીંઢ વેદનાના દરમાં. રણની અફાટ એકલતામાં વિલિન થઈ રહેવાનું કે નદીની છલોછલ રમણામાં તરતાં થઈ જવાનું નિર્માણ થતું હોય છે માત્ર એક પળમાં. ક્યારેક ઉમંગની ઉડાનમાં વિહાર કરાવતો અવસર લઈ આવે ક્ષણ. ક્યારેક ડંખ્યા કરતી વેદનાનાં કુંડાળામાં પડી જાય પગ માત્ર એક ક્ષણમાં. કબરનાં એકાન્તમાં નકરી વેદના સિવાય બીજું શું હોય? બોરડીનાં જાળાં, કુંવાર ને ઈગોરિયાની કાંટાળી બોથડ ઝાડી વસી હોય એ ભીષણ એકલતામાં. ભૂમિમાં પેસીને ફુસફુસાટ કરતાં જીવજંતુઓની અલસ આવનજાવન અને એકલવાયાં પંખીઓનાં એકધારા સીસકારા. ઘરની ભરપૂર સજીવતા અને કબરના પળે પળ ભૂંસાતા વિલોપ વચ્ચે એક જ ક્ષણ ઊભી હોય છે.

નિર્ણયની ઘડી આવે ત્યારે મોકૂફ રાખવું નકામું. હમણાં, આ જ ક્ષણે આ તરફ કે કે તરફ ફંટાઈ શકાય, કે કદીકના વિકલ્પમાં ઠરી જઈ પણ શકાય. વાસ્તવિકતા એ કશા નવા ઉઘાડનો સતત વિકસતો સંભવ છે કે કોઈ વીતી ગયેલા સ્વપ્નનો ખંડિત અવશેષ? એવા પ્રશ્ન — વળાંક પર રમતાં મૂકીને આ કૃતિ વિરમે છે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book