કાગવાણીનો કેફ – જગદીશ જોષી

હાલો

દુલા ભાયા કાગ

હાલો હાલો, માનવીઓ! મેળે…

નશ્વરતાની સામે જેનો દેહ નમ્યો પણ જેની ‘વાણી’ ન નમી એવા ભક્ત-કવિ ને લોકગાયક દુલા ભાયા કાગ આજે નથી રહ્યા આપણી વચ્ચે. પરંતુ ટાગોર અને મેઘાણી જેવાની પ્રીતિ ને આદર પામેલો આ સૌરાષ્ટ્રની ધરતીનો ગજાવર આદમી આપણને ‘કાગવાણી’માં ભિનાળવા કંઠનો અમર વારસો આપતો ગયો છે.

‘ભગતબાપુ’નું આ ગીત વાંચતાં એમ લાગે કે જેનું કર્તૃત્વ જ જાણીતું નથી હોતું એવું આ કોઈ લોકગીત જ છે. લોકગીતની ઢબે અહીં પંક્તિએ પંક્તિએ ‘દુલા’ કાગે આ ગીતને બહેલાવ્યું છે, દોહરાવ્યું છે. લોકસાહિત્ય તો જેને માતાજીએ ગળથૂથીમાં પાયું છે એવા આ ચારણ લોકસાહિત્યકારને જ આવો લય અને લહેકાવાળો ઉપાડ હોઠવગો હોય. લોકસાહિત્યમાં પ્લાસ્ટિકનાં ફૂલોમાં દેખાઈ આવતી સુઘડતાની  ચમક ન હોય પણ એમાં હોય છે પ્રજાના હૃદયના તળિયે જામેલી લીલનું પારદર્શક દર્શન: બળતા ઉનાળામાં પણ સીમને લીલી ભીનાશ ને ટાઢક અર્પતા ખાખરાનાં નાનકાં નાનકાં ઝાડનું સમૂહગાન!

પ્રારંભમાં જ એક છાક સાથે પંક્તિ ફૂટે છે: ‘હાલો હાલો, માનવીઓ મેળે…’ મેળો એ તો ગ્રામજીવનને આજે પણ હેલે ચડાવતો એક અનોખો અવસર. રંગ, રાગ, ઉલ્લાસ, મુક્ત હવા, બેકાબૂ ભીડ, નવાંનક્કોર લૂગડાંનો ફૅશન-શો… અજાણતાં થઈ જતો કોઈ મૃદુ સ્પર્શ, પછી સભાન થતું પ્રણયનું ચૈતન્ય, ઘૂમતો ચકડોળ, સૌ ‘ચંત્યા’ને નેવે મૂકી મનની મોકળાશ માનતો મનખ્યો… આવા મેળામાં તો પન્નાલાલ પટેલનાં જીવી-કાનો જેવા ‘મળેલા જીવ’— બળેલા જીવ — એકમેક તરફ વળેલા જીવની ઊર્મિકવિતા જેવી કથા પડેલી હોય છે. પણ એમાંય આ મેળો તો મનમેળો છે, રંગમેળો છે, કારણ કે ત્યાં તો છે મારા ‘મનનો માનેલ’, મારો કળાયેલ મોર.

આંટિયાળી પાઘડીની ચપોચપ બાંધણીમાંથી પણ ઓડિયાં દેખાઈ જાય છે અને સામી વ્યક્તિ એ ‘ઠાઠ’ પર ઓવારી જાય છે. પ્રેમ એટલે માત્ર શરીર નહીં એવાં કોઈ તત્ત્વનાં ટૂંપણાંને ખખડાવ્યા ભભડાવ્યા વગર આ કવિ ‘તનડાં ઓવારું’ કહીને અટકી નથી જતા. તેમાં ઉમેરે છે ‘મનડાં નિચોવું’. કેવા સહવાસથી  અને સહયોગથી પ્રેમ સાર્થક બને છે તેની લોકપ્રતીતિને આ લોકગાયક વાચા આપે છે.

આ ઊમટેલા મલકમાં એક જ એવો છે જે મનનો માનેલ છે, જે ઘોડલાં ઘુમાવે છે. એના ડાબલાના બોલમાં તો હસતાં હૈયાની હાવળ છે ને નાચતાં મનડાંનો મોડિયો છે! ચાહેલા પુરુષની ને એના પૌરુષની વાત કવિએ ભાવ-લય-ચિત્રમાં ગૂંથી લીધી છે અને ‘ઘોડલાં ઘુમાવતો’, ‘ડાબલાના તાલ’, ‘તનડાં ઓવારું’, ‘મોરલડી’ ને ‘વાદણ’ જેવા પ્રયોગો કસબ વિનાના કસબની વાત કહી જાય છે.

વાગતી મોરલીના નાદે કોઈ ખુદ ‘વાદણ’ બની જાય અને પાછી ‘જોગણ’ બની જાય એવા ભવ-તરિયા ભેખની વાત વાંચતા જ ન્હાનાલાલની પંક્તિ ‘હું તો જોગણ બની છું મારા વ્હાલમની/રસ આલમની’ની યાદ અપાવે છે.

પાવાની ‘ધૂન’ મચી છે ત્યારે આ જોગણ ભોળા શંભુને  ન વીનવે તો જ નવાઈ! મારી ‘અરદાસુ’— અરજ — સાંભળજો, એને ધ્યાન પર લેજો એમ કહે છે અને ‘છોરું’ એવા દેજો એમ જ્યારે આ જોગણ વિનંતી કરે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે તે કયા મેળાની વાત કરે છે? જીવનમેળાની કે જીવમેળાની? ખોળાના ખૂંદનારને માટે પ્રભુ પાસે ખોળો પાથરીને વીનવતી માતાના ચિત્રમાં જાણે આ કોડભરી જુવાનડીના પ્રેમનું વિશ્વ નાનકડી પરબનું ઐશ્વર્ય પામતું હોય એવી, લોક-હૈયા-ઉકલતની વાત આ લોકહૈયાનો લાડીલો કવિ કરતો લાગે છે.

મિત્ર અને કવિ હરીન્દ્ર દવેનો દુલા કાગ સાથેનો એક પ્રસંગ યાદ આવે છે. (લેખક તરીકેના મારા અધિકારનો છેક છેદ  ઉડાડીને તંત્રીશ્રી આ વાક્ય કાઢી નહીં નાખે એવી આશા સાથે હરીન્દ્રની ક્ષમાયાચના ઝંખું છું.) ‘માધવ ક્યાંય નથી’ નવલકથા દુલા કાગે વાંચી, ગમી. આ નવલકથાકારને માંદા માંદા પણ ભગતબાપુએ જીંથરી હૉસ્પિટલમાં તેડાવ્યા અને એક કામળો પ્રેમપૂર્વક ભેટ આપ્યો. સ્વ. મુરલી ઠાકુર કહેતા કે આ ‘દુલા’એ ગાડાં જોડાવી જોડાવીને સાહિત્યકારોને નોતર્યા છે અને તેમને હૂંફ અને હૂંફાળવાપણાના પ્રતીક સમા કામળા ઓઢાડ્યા છે! આવી અને આટલી હૂંફ કયો સાહિત્યકાર બીજા સાહિત્યકારને આપી શકે છે?

ચારણ બોર્ડિંગને છેલ્લે સુધી સેવા આપનાર આ ‘દેવીપુતર’નું નિધન થયું ત્યારે — અત્યારે પણ — મૃત્યુના કાનમાં ‘કાગવાણી’નો કેફ હશે……

૨૭–૨–’૭૭

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book