કવિના ‘હોંકાર’માં ઓમકાર સં–ભળાણો – રાધેશ્યામ શર્મા

હરીશ મીનાશ્રુ

સોય દોરો ને

સોય દોરો ને બટણ

તાજેતરમાં જાણ્યું કે આપણા વિરલ સર્જક હરીશ મીનાશ્રુને શ્રી મોરારિબાપુના હસ્તે બહુમાનપૂર્વક પ્રતિષ્ઠિત પારિતોષિક અર્પણ થાય છે. કવિને સહૃદય સાધુવાદ પાઠવવા સાથે આ લખનાર સીધો બ્રિટિશ લેખક નીગેલ ડેનીસના કથન નજીક પહોંચી ગયો, જેનો સંદર્ભ નોબલ પ્રાઇઝ સાથે છે. તે અહીં પ્ર–માણીએ:

‘It is usually a mistake to confuse the author’s point of view with the form he has discoverd for it, when the Second is admirable we give him the Noble Prize for the First.’

(New York Review of books 1971)

ઉપર ઉતારેલી રચના ‘સોય દોરો ને…’ લઈ હરીશના દૃષ્ટિબિન્દુ સાથે તેમણે સ્વીકારેલ ફૉર્મને ક્યૂઝ કર્યા વિના રસાસ્વાદનું ફયૂઝન તાકીશું.

નવ શેર અને અઢાર પંક્તિઓની આ રચનાના અન્તે ફૉર્મનો સંકેત છે: ‘મંત્રવત્ ફૂંકું ગઝલ.’ તાત્પર્ય કે ગઝલપ્રકારમાં કાવ્યકળાએ આકાર લીધો છે. પણ મને અનુકૂળ છે સાવ છેવાડાની પંક્તિ ‘અબ ઘડી દટ્ટણ પટણ.’ કોઈ સિદ્ધ તાંત્રિકની અદાથી કર્તા ગઝલને ફૂંકી મારી તત્કાલ ‘ટ્ટણપટણ’ યા ‘પટણદટ્ટણ’ કરવાનું ગજું કાઢી શક્યા છે. એમની સાથે એટલે કે એમના દર્શન સાથે સંલગ્ન રહી રદીફકાફિયા, મત્લા–મક્તાની માયાજાળમાંથી છૂટી કળાકૃતિ સાથે સોયસન્ધાન, સીધેસીધું ફ્યૂઝન માણીશું.

સંવાદ જ સાધવો છે, સંવાદિતાને લક્ષમાં લીધી છે… એને કાતરથી કાપવાનું ક્યાંથી સૂઝે? સોય-દોરાનો સંબંધ અવિનાભાવી, વળી ભેળું બટણ, એથી ઊંચેરું નિશાન ‘સાધવું છે, આભ’, પરંતુ પછી ડોકાતો શબ્દ ‘પણ’ બીજા શ્લોક–શેર પાસે વહી જાય છે:

પાંખ ક્યાં ને ક્યાં ચરણ
તોય પળનાં પર્યટણ

આભની આંગળીએ પંખીની પાંખ આવે તે સ્વાભાવિક, પણ ચરણ? તો ચરણનું પ્રક્ષાલન એક બેનમૂન મિસ્રા–એ–શાની કડીએ સાધ્યું છે: તોય પળનાં પર્યટણ.

આખી સંરચના ‘ણ’કારના પ્રાસ–નાદમાં ગુંજી રહી છે. એ માટે બટનને બદલે બટણ’ અને પર્યટનને ઠેકાણે ‘પર્યટણ’ના સહજ પ્રયોગ પઠન ટાણે નવો જાયકો લહેરાવે છે!

‘પળ’ને અનુગમે છે ત્રીજા શ્લોકનો ‘ક્ષણ’ શબ્દ. ત્યાં સૌના પાલનહારની જિકર (કદાચ ફિકર) અવનવી સ્વગતોક્તિમાં ફ્રેમ થઈ છે:

ક્ષણ મને, પંખીને ચણ

પાલનહારની નવાજીશ તો પઢો, સર્જકને ‘ક્ષણ’ – જેની હરોળમાં યોજક દર્શાવે છે, ‘પંખીને ચણ.’ ફિદા થવાય એવી પંક્તિ સ્ફટિકની પારદર્શિતા ઝળહળાવી રહી છે. ‘ક્ષણ’ એક મનુજ સર્જકને એની શુચિતા સાથે મળી જાય તો ત્યાં ‘સુંદરમ્‌નું તત્ત્વ’ અને ‘પંખીને ચણ’ના માત્ર ઉલ્લેખથી બોધવિહોણું ‘શિવમ્’ ઝબકી જાય.

ચોથા સ્તબકમાં જાણે કવિ પેલા પાલનહારની આગળ ધા નાખતો સવાલી બની રાવ કરે છે: ‘રમ્ય આંબા ડાળ પર કેમ પિંજરનું રટણ’. (દોઢ શાણાને કહેવાની છૂટ છે, રસીલી કેરીઓથી વાજ આવી જઈ કેટલાક પોપટો ચળકતાં પિંજરોના કન્ડિશન્ડ સળિયા પાછળ પુરાવાનું પસંદ ના કરે?!)

હવે રચના ના–ના કરતી તત્ત્વના ટૂંપણા ભણી અજાણ્યે જ સરકી રહે છે, ‘તત્ત્વને શું ટૂંપણું’ સમક્ષ; પણ તુરત જ સર્જકનો મિજાજ સુણાવી દે છે, ‘તુચ્છ સઘળાં વ્યાકરણ.’ કવિભક્ત દયારામની છાતી તંબુર સાથે ભળાઈ–સંભળાઈ: વસ્તુને શું જાણે વ્યાકરણની, મુખપર્યંત ઘૃત ભર્યું શું જાણે બરણી!

ઉપનિષદ લખવાં ફરી / હું નવેસરથી અભણ.’ ઝેનમર્મીઓ, આપણા રહસ્યવાદીઓ પણ ભણવાનું બધું ભૂલી જઈ પૂર્ણ અ–ભણતા તરફ–પિઝાના મિનારાની માફક–ઢળી પડવાનું કથે છે!

તું સજીવન હોય તો
શબ્દને હોંકાર ભણ

હરીશજીના ‘હોંકાર’ શબદમાં મને આ ઘડીપળે ‘ઓમ્‌કાર’ એટલા માટે સંભળાણો કે કવિ મૃગનાભિમાં રહેલી સંજીવની કસ્તુરીને ચૅલેન્જ કરવાનું શહૂર દેખાડી શક્યા છે.

નેતિ કહેતાં શું થશે
રેતી કહેતાં વ્યક્ત રણ

ન–ઇતી ન–ઇતિની નેતિધોતીની પળોજણમાં પડ્યા વગર વ્યક્ત રણની રેતીને રમણ–રેતી માની વાસ્તવનો સ્વીકાર કરવાનું ઇંગિત સહજ છે!

કહેવું પડે, યંત્રવત્ નહીં મંત્રવત્ ગઝલને ફૂંકી મારી અબઘડી પટણને દટ્ટણ, દટ્ટણને પટણ સિદ્ધ થયું છે.

કવિવર હરીશ મીનાશ્રને પુનઃ અભિનંદન, ગ્લોબલ રામચરિત માનસકાર મોરારિબાપુના હાથે સંમાન પામી ધન્ય થવા બદલ.

મૂળ તો આ રચના કાવ્યસંચય ‘તાંબૂલ, ઘરવખરી’માંથી પૃ. ૮૯ પર પ્રકટ થઈ હતી, જે ૨૦૦૭માં ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં ઉદ્‌ધૃત થઈ.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book