કફન માપસરનું ન પામ્યા દુલારા! વિશે – મનસુખલાલ ઝવેરી

જમિયત પંડ્યા—જિગર

કફન માપસરનું ન પામ્યા દુલારા!

અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,

જીવન કેવું વિચિત્ર છે? આપણા પોતાના કે બીજા કેટલાકના અનુભવોને સાચા માનીને, જીવન એટલે આ, કે જીવન એટલે તે એવો સિદ્ધાંત નક્કી કરવા જઈએ કે તરત આપણા પોતાના ને બીજા પણ અનેકના એવા અનુભવો આપણી સામે ખડા થઈ જતા હોય છે, જે પેલા સિદ્ધાન્તોને ખોટા ઠેરવતા હોય. ‘સત્યમેવ જયતે’ ને યાદ કરીએ ત્યાં તરત જ ખડી થઈ જતી હોય છે લંગાર, સત્યાસત્યની પરવા કર્યા વિના, પડે તેવા દીધે રાખીને, ઊંચે આસને ચડીને ચીટકી બેસનારાઓની. સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સિદ્ધાન્તનિષ્ઠાઃ આ બધાંનું ગૌરવ ગમે તેટલું ગાવામાં આવે, પણ માત્ર વ્યવહારના જગતમાં ખરેખર શી કીમત છે એમની? ત્યાં તો ફાવ્યા જ વખણાતા હોય છે ને જે કોઈએ આર્થિક, રાજકીય, સામાજિક, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તેનો જ વાગતો હોય છે ડંકો! એ સફળતા તેણે કયે માર્ગે, કઈ રીતે પ્રાપ્ત કરી તે જોવા કોણ બેસે છે દુનિયામાં? સફળતા જ, ખરું કહીએ તો, છે દુનિયાનું ઉપાસ્યદૈવત. ને એને માટેનાં સાધનોની શુદ્ધિ કે અશુદ્ધિનો વિચાર કરનાર ગણાતા હોય છે વેદિયા ને ફેંકાઈ જતા હોય છે એક તરફ.

અને આ સફળતા પણ, ઊંડા ઊતરીને જોઈએ તો, માણસને મળતી હોય છે તેની શક્તિથી કે કાર્યકુશળતાથી, એવું પણ નથી. ઘણા માણસો તો કેવળ સંજોગોને બળે જ ફાવી જતા હોય છે, વંટોળિયામાં ચીંથરાં કે કાગળના ડૂચા ઊડતાં ઊડતાં ઝાડની ઊંચામાં ઊંચી ડાળીએ ચડી જાય તેમ. સંજોગ બદલાયા કે તરત તેનાં ‘વહી ધનુષ વહી બાણ’ થઈ જતાં હોય છે નકામાં. આ રીતે જોઈએ તો, મનુષ્ય છે માત્ર સંજોગોનું પૂતળું. એની સિદ્ધાન્તનિષ્ઠા કે સિદ્ધાન્તહીનતા, આવડત કે બિન-આવડત, વ્યવહારકુશળતા કે વ્યવહારનું અજ્ઞાન, કશું પણ તાત્ત્વિક મહત્ત્વનું હોય છે ભાગ્યે જ. કવિને જગતના આ વ્યવહારનું દર્શન થયું છે. એટલે એ કહે છે કે માનવજાતિના અનુભવને વ્યક્ત કરતાં જીવનસૂત્રો, વાસ્તવમાં હોય છે અર્ધસત્ય, પણ ભોળે ભાવે અમે તેમને માની લીધાં હતાં પૂર્ણ ને ત્રિકાલાબાધિત સત્ય, અને તે સૂત્રોને આધારે અમે કલ્પના કરી હતી જીવનની ને મથ્યા હતા તે પ્રમાણે જીવવાનો. પણ વ્યવહારમાં સાવ જુદો જ અનુભવ થાય છે. એ સૂત્રોએ બતાવેલી વ્યવહારજીવનની દિશા ખોટી ઠરે છે, અને સાચી દિશા કઈ તે સૂઝતું નથી.

દિશાશૂન્ય બનીને હું ભટકી રહ્યો છું કોઈ મહાન રણમાં, તરસે ટળવળતો. કંઠે કાચકી બાઝી છે. જીવન બની ગયું છે કોઈ અફાટ રણ જેવું, જેમાં નથી ક્યાંય સાચી છાંયડી, ને નથી ક્યાંય તરસ છિપાવે એવા સાચેસાચા જળની વીરડી. હાશ કહીને બેસવાનું ને હૈયું ઠારવાનું ઠામ દેખાતું નથી ક્યાંયે. ધર્મ, તત્ત્વ, સાધુસંતોની વાણી, ક્યાંયથી સાચું સમાધાન કે સાન્ત્વન સાંપડતું નથી. દુનિયામાં સાચા અને મોટા ગણાતા માણસો અનુભવે નીકળે છે સાવ ખોટા, ને આપણા પોતાના ગણ્યા હોય તે માણસો પણ ખરે ટાણે કામ લાગતા નથી ઘસીને ગૂમડે ચોપડવાનેય.

સગી આંખે અમે જોયા છે મૂખે લીંબુ લટકાવીને ફરનારા માંધાતાને. શો હતો એમનો વટ? ને શો હતો એમનો દમામ? એમનો સિતારો ચમકતો હતો ત્યાં સુધી એમણે અવળે હાથે નાખેલા પાસા પણ પડતા હતા સવળા, ને દુનિયા ઉપાડતી’તી તેમનો પડતો બોલ. પણ ભાગ્યનું ચક્ર ફર્યું, ને શાહ આલમનાં એ સગાંઓનો વારો આવ્યો શેરીએ શેરીએ ભીખ માગવાનો. એમની આસપાસ બણબણતી માખીઓ ઊડીને થઈ ગઈ અલોપ ને કોઈ કરતાં કોઈ ફરક્યું નહિ એમને પાવળું પાણીયે પાવા.

અમે જોયા અનેક મોટા માણસોને. કોઈ પાસે હતી અઢળક લક્ષ્મી; કોઈ હતા પ્રકાંડ પંડિત, તો કોઈ હતા પ્રતિભાશાળી સર્જક, કોઈ હતા સેવાના ભેખધારી, તો કોઈ હતા ત્યાગ અને તપશ્ચર્યાની મૂર્તિ! એમનાથી આકર્ષાઈને અમે તેમની નજીક ગયા. જીવન સફળ થઈ જાય તેવું કશુંક તેમની પાસેથી મળશે એ આશાએ અમે તેમના જીવનમાં ઊંડા ઊતર્યાં. પણ ઊતરતાં વેંત આંખ ઊઘડી ગઈ અમારી. એ મહાપુરુષો મહાસાગર જેવા હશે એની ના નહિ, એમના પેટાળમાં મહામૂલાં રત્નો છૂપાયાં હસે તેની પણ ના નહિ. પણ અમને તો જોવા મળી તેમનાં હૈયામાં માત્ર રેતી જ. નજીક જઈને જોતાં, એ મહાપુરુષો પણ અમને દેખાયા બીજાઓ જેવા જ ક્ષુદ્ર ને પામર, સ્વાર્થી ને ભીરુ, દંભી ને નિષ્ઠુર. છોળો છલકાતી દેખાતી હતી માત્ર દૂર દૂરના કિનારા પર. દૂરથી ડુંગરા દેખાતા હતા રળિયામણા. ઉપર ઉપરના સામાન્ય વ્યવહારમાં જ લાગણી, ઉદારતા, સહાયવૃત્તિ વગેરે જોવા મળતાં હતાં એમનામાં, સહેજ નજીક આવ્યા ને ઊંડા ઊતરીને જોયું તો દેખાયું કંઈક જુદું જ સ્વરૂપ!

અમે હરાજ થઈ રહ્યા છીએ—અને તે પણ જાહેરમાં—તે વખતે જાણે કોઈ ત્રાહિત માણસો હોય તેવી રીતે ઠંડે કલેજે ને પેટનું પાણી પણ હાલવા દીધા વિના અમને જોઈ રહ્યા છે એ જ લોકો, જેમને અમે અમારા નિકટમાં નિકટનાં સ્વજનો માનતા હતા. જાહેરમાં અમારી બેહાલી અને બદનામી થતી હોય ત્યારે કોઈનું રુંવાડું યે ફરકતું નથી, ને જેમને અમે અમારાં પોતાનાં ગણ્યાં હોય તેઓ પણ જોયાં કરે છે તમાશો, તીરે ઊભાં ઊભાં.

કાળ કોઈનો કદી થયો નથી, કોઈનો કદી થવાનો નથી. એની ગતિને લૌકિક કાર્યકારણના નિયમો લાગુ પડતી નથી, ને કઈ ઘડીએ તે કેવો વળાંક લેશે તે કોઈ કળી શકતું નથી. આ પૃથ્વી પર એવા કેટલાયે આવી ગયા છે નરોત્તમો, જેમણે, કૃષ્ણે કાળિનાગને નાથ્યો હતો તે પ્રમાણે કાળને નાથ્યો હોય, પોતાને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એમ દેખાતું હોય; અને છતાં, જે સંજોગોના દોરડાથી પોતે કાળને નાથ્યો હતો તે જ સંજોગોના દોરડાથી અન્તે નથાઈ ગયા હોય પોતે જ, સંજોગો પલટાઈ જતાં, બની ગયા હોય બકરી જેવા રાંક ને ઘેંશ જેવા નરમ. મનુષ્ય સંજોગોનો સર્જક કે સ્વામી નથી, સંજોગોનું રમકડું છે.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book