એક પ્રશ્નગીત વિશે – સુરેશ દલાલ

રમેશ પારેખ

એક પ્રશ્નગીત

દરિયામાં હોય એને મોતી કહેવાય છે,

ગુજરાતી કવિતાસાહિત્યમાં અફાટ સર્જકતાને કારણે વૈપુલ્યથી ગીત, ગઝલ અને અછાંદસતા વૈવિધ્યથી રમેશ પારેખનું નામ ઊર્મિકવિતા સાથે ગૂંથાયેલું ને ગંઠાયેલું છે. એની કલમમાંથી આખો ને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. એમાં અનેક મનમોહક શંખો, છીપો અને મોતીઓ છે. એમાંથી કોની પસંદગી કરવી એ એક સહૃદય તરીકે મૂંઝવે એવી વસ્તુ છે. અને આપણી મૂંઝવણ એ રમેશની કવિતાની સિદ્ધિ છે.

મને ગમતાં એનાં અનેક ગીતોમાંથી હું આ ‘એક પ્રશ્નગીત’ પસંદ કરું છું ‘કવિતા’ના તંત્રી તરીકે આ ગીત જ્યારે મારી પાસે આવ્યું ત્યારે એના ઉપાડથી જ હું ઘવાઈ ગયો. રમેશ પારેખનાં મોટા ભાગનાં ગીતોના ઉપાડ, એની જ પંક્તિને આધારે કહેવું હોય તો કહી શકીએ કે ‘એક ખુલ્લી તલવાર જેવી છોકરી’ જેવા હોય છે.

કવિતા એ વર્ડ્ઝવર્થના કહેવા પ્રમાણે કેવળ લાગણીનો ઊભરો નથી તેમ કેવળ શાંતિની ક્ષણોમાં જાળવેલી ઊર્મિ પણ નથી, પણ આ બે અંતિમોની છીપમાં બંધાતું મોતી છે. આવેશ અને અનાવેળ એ બંનેની આવશ્યકતા છે. આવેશ કવિતાનું પ્રારંભબિંદુ હોય તો અનાવેશ કલાકારનું ચરમબિંદુ છે.

શું દુનિયા છે! દરિયામાં હોય એને મોતી કહે, પણ આખ્ખા ને આખ્ખા દરિયાને, એની વિશાળતા અને એની ખારાશને, એની માછલીઓને, ચિરાયેલા સઢોને અને નૌકા ડૂબે એવી પરિસ્થિતિઓને મનુષ્ય પોતાની આંખમાં સમાવી લે અને પછી, જાણે કે આખો સાગર ઘૂંટાઈને એક પાણીદાર મોતી જેવું આંસુ બંધાયું હોય એને શું કેવળ આંસુ જ કહીશું? આ વેદનાને કોઈ નામ નહિ? નિશાન નહિ? પણ કાવ્યનાયિકાએ, એનું નામ આપવું હોય તો શું આપી શકાય એ પ્રશ્ન, જેને કારણે એ વેદના ઊમટી છે એ વ્યક્તિને જ પૂછ્યો છે.

વેદનાનું મૂળ છે વહી ગયેલી વ્યક્તિ, અને એને કારણે જન્મેલી એકલતા. પણ કવિ એ એકલતાને ભારે માર્મિક રીતે પ્રગટ કરે છે. નિરુત્તર કરી મૂકે એવા પ્રશ્નો પૂછીનેઃ

પંખીવછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?

‘વછોઈ’ શબ્દ વેણીભાઈની પંક્તિમાં કહીએ તો ‘વ્હાલાં જેને જાય વછોડી, એ હૈયું ગુપચુપ જલે છે’ની યાદ આપે છે. પંખી નથી પછી એ ખાલી એકલી જગા છે, એ કોઈ જગા છે. બહુ ઉદાર થઈએ તો જેમાં એકલતાનું પંખી બિડાયેલી પાંખે ફફડ્યા કરે એવી બખોલ છે. પણ એ માળો તો નથી જ નથી. માળામાં તો વાસ હોય અને સહવાસ હોય. પછી તો કવિએ અધીરી પ્રતીક્ષાનું એક ચિત્ર આપ્યું છે, કોઈક આવશે એના ભણકારા વાગે છે કે ઢોલ? સહૃદયની પ્રતીક્ષા અને તિતિક્ષા સિવાય એનો જવાબ બીજું કોણ આપી શકે? જાણે કે ઉખાણું પુછાયું હોય એમ ‘બોલો સુજાણ’ કહીને પ્રશ્ન ઘૂંટે છે. પણ કેટલાક પ્રશ્નો એવા હોય છે કે એના ઉત્તર નથી હોતા, અને ઉત્તર હોય છે તો એનું પૂર્ણવિરામ નથી હોતું. કાંટે કાંટો નીકળે એમ સામો પ્રશ્ન પૂછીને જ પ્રશ્નને અવાક્ કરવાનો પ્રયત્ન કર્યો છેઃ

બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?

આ કયા વૃક્ષની વાત છે? પ્રતીક્ષા વૃક્ષ થઈને ઊગે છે. વિરહમાં જ પ્રેમનું ચૈતન્ય પાંગરે છે અને એક ચિત્ર તમે કલ્પી પણ શકો કે કાવ્યનાયિકા પ્રતીક્ષા કરતી વૃક્ષ પર ચડી ઊંચે જીવે કોઈનાં આવતાં પગલાંના ભણકારાને પોતાની આંખમાં સમાવવાનો પ્રયત્ન કરતાં કરતાં એટલી બધી તલ્લીન અને તદાકાર થઈ ગઈ છે કે એના અને વૃક્ષના આકારનું અદ્વૈત રચાયું છે.

મને તો આ કાવ્ય વાંચતાંની સાથે એઝરા પાઉન્ડના ‘A Girl’ કાવ્યની પહેલી પાંચ પંક્તિઓ યાદ આવી ગઈઃ

The tree has entered my hands,
The sap has ascended my arms,
The tree has grown in my breast-Downward.
The branched grow out of me, like arms.

વૃક્ષ મારા હસ્ત મહીં પ્રવેશ્યું છે,
વૃક્ષ કેરો રસ મારા બાહુ લગી ચડ્યો છે
વૃક્ષ મારી છાતી મહીં વિકસ્યું છે—
નીચે જતું,
મારામાંથી ડાળીઓ ફૂટે છે, બાહુ જેમ.

(ગુજરાતી અનુવાદ વાડીલાલ ડગલીનો છે.)

સ્મૃતિએ આટલું જ કામ નથી કર્યું. ગંગોત્રી ટ્રસ્ટ તરફથી માર્ટિન ઑલવુડ કાવ્યસંગ્રહ ‘પ્રેમ વાચા માગે છે’નું મુખપૃષ્ઠ જોયું છે? રમેશ પારેખની આ પંક્તિઓ, એઝરા પાઉન્ડની પાંચ પંક્તિઓ અને ‘પ્રેમ વાચા માગે છે’નું મુખપૃષ્ઠ એ ત્રણે મળે છે ત્યારે મારી આંખ સામે એક નવી જ કવિતા રચાય છે.

જે વ્યક્તિ ગઈ છે એ મામૂલી વ્યક્તિ નથી, મહામૂલી વ્યક્તિ છે — મોટા ઘરનું માણસ હોય, જેની ઘોડી ઊંચી હોય, જેનો અસવાર ઊંચો હોય, એનું શું મોટું ને શું ખોટું? જાણે કે એણે આપેલો વાયદો અને વિરહનો આ પ્રલંબ રસ્તો, એ બંને એકમેકની સ્પર્ધામાં ઊતર્યા છે. દરિયો તરવો છે પણ એની હોડમાં કોણ ઊતર્યું છે? દરિયાનું પાણી અને પરપોટા. પ્રેમમાંથી વિરહ પ્રગટે છે અને વિરહમાંથી પ્રેમ. આમાં કોણ દરિયો, કોણ પાણી ને કોણ પરપોટા! આકાશમાં નવી સૂરજ, અને છતાંયે કશું જીવલેણ ઝિંકાય છે. ઉઘાડી આંખે પણ સમજ નથી પડતી કે આ તડકો કહેવાય કે લૂ કહેવાય. પ્રણયની વિફળતાને માત્ર આપણી જ ભાષાના નહિ, દુનિયાની ભાષાના કવિઓ ગાતા આવ્યા છે અને કવિતાને સફળ કરતા આવ્યા છે. પ્રણયવૈફલ્ય એ નિયતિનો કેવો શાપ છે કે મનુષ્યને જયન્ત પાઠક કહે છે એમ રસ્તા કે ઝરણાનું પણ અલ્પ કે પૂર્ણ સૌભાગ્ય ન મળ્યું. એમનું જ એક કાવ્ય અંતે મૂકું છું, કદાચ એમાં બધા પ્રશ્નોના જવાબ સમાયા હોય અથવા ન પણ હોયઃ

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયાં.

અમે અચાનક મળી ગયાં
—અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે—
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં!

૧૨-૧-૧૯૮૫

(વરસાદ ભીંજવે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book