એક ઝાડ… : જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ — રમણીક સોમેશ્વર

બારીમાંથી ઓરડામાં ઝરમરી જતા સવારના કૂણા તડકાને ઝીલતો બેઠો છું. બેઠો છું આંખો મીંચીને ચૂપચાપ. એક ઝાડ — એક સુકાઈ રહેલું ઝાડ તળે-ઉપર કરી રહ્યું છે મારી ચેતનાને આ ક્ષણે. શાખાબાહુઓ લંબાવી મને પાસે બોલાવતું, રેખાઓનું જાળું રચી મને એમાં ખેંચતું, પોતે ફંગોળાઈ મને ફંગોળતું આ અધ:મૂલ વૃક્ષ ઊર્ધ્વમૂલ બની નાટારંગ કરી રહ્યું છે મારી સામે.

હા, મારી સામે તો છે કવિ શ્રી ઉમાશંકર જોશીનું એક નાનકડું કાવ્ય. એ કાવ્ય સાથે તંતુ જોડતાં સ્મૃતિલોકમાં તરવરવા લાગે છે કવિનાં અને અન્ય કવિઓનાં કાવ્યો, કવિની સ્મૃતિઓ અને ઘણુંબધું. પરંતુ મારે તો અહીં એ બધાને વળોટીને કેન્દ્રિત થવાનું છે કેવળ આ કાવ્યમાં. કવિ ઉમાશંકર જોશીનાં કાવ્યોમાં પ્રકૃતિની રમણા સાથે એક દર્શન પણ જોવા મળતું હોય છે. કેવળ વર્ણન નહીં, વર્ણન અને દર્શન એકી સાથે.

કાવ્ય ફરી ફરી વાંચું છું અને પંક્તિએ પંક્તિએ કોઈ જુદો જ આલોક પામું છું. પછી ઝાડ કેવળ ઝાડ નથી રહેતું. પ્રકૃતિ અને પરિદેવનાની પાર કશુંક ઊઘડતું જણાય છે. પંક્તિઓ વચ્ચેના અવકાશમાં મહોરતી કવિતાને ઝીલતો રહું છું મારી સંવિત્તિમાં.

‘એક ઝાડ…’ એવા શીર્ષક સાથે કવિની વૃક્ષ-પ્રીતિ મનમાં ઝિલાય એટલામાં તો કવિતાનો આરંભ થાય છે એક સીધાસાદા વિધાન સાથે:

‘મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.’

જરા થોભીએ આ પંક્તિ પાસે તો દેખાય સામેના ઝાડ સાથે નજર મેળવી દૂર દૃષ્ટિ ફેલાવતા બારણે ઊભેલા કવિ. પછી બારણામાં દેખાય કોઈ ગોપિત ઝાડ. આમ જોતાં જોતાં એક મૃત ઝાડ સામે ઊભેલું એક મરણાસન્ન ઝાડ એવી આકૃતિ આપણા કલ્પનાલોકમાં રચાતી જાય. એટલામાં તો સંભળાય કવિના મુખેથી સહસા સરી પડેલા બોલ —

‘હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.’

ચિત્રકાર તો એ કે જે રેખાઓ અને રંગોમાં પકડી રાખે સમયને. શુષ્ક રેખાઓમાં પ્રાણ પૂરી નર્તન્તી કરે એને. નિરાકારને સંકેતિત કરે આકારોમાં. સરકતી પળને મરકતી રાખે સદા આપણી સામે. તેથી તો કદાચ મરણ પછી સ્મરણ માટે છવિનો મહિમા છે. ચિત્રકાર બની કવિને ઝીલી લેવી હશે એ છવિ જે ચિરકાળ પર્યન્ત ધબકતી રહે આપણી સામે! એક વિલાતી ક્ષણને અ-વિલય નહીં રાખી શકાયાનો અફસોસ હશે કવિના ચિત્તમાં!

જુઓ, ત્રીજી જ પંક્તિમાં ફરી કેવી છલાંગ! કહે છે કવિ:

‘નર્યું રેખાઓનું માળખું છે એ.’

કોઈ ચિત્રકારની અદાથી કવિ શબ્દાંકિત કરે છે આ — ‘નર્યું રેખાઓનું માળખું.’ હું આશ્ચર્યવત્ જોતો રહું છું અને એ રેખાઓ રૂપાંતરિત થતી રહે છે કોઈ જીર્ણ-જર્જર કાયમાં. નર્યું અસ્થિપિંજર જાણે! (પિંજરુ છોડી ઊડવા કરતો હંસલો પણ કલ્પનાલોકમાં પ્રત્યક્ષ થાય.) બધાં જ પરિમાણો જાણે અચાનક બદલાવા લાગે છે.

પછી કવિ ઉંબરો ઓળંગી ઝાડને ચરણે જઈને ઊભો છે અને નિરખે છે એને. (મરણાસન્નના તો ચરણે જ ઉભાય ને!) અને જાણે ઉપનિષદ રચે છે એ ઝાડની સાથે. અને પછી જુએ છે તો:

‘પીધું લીધું દીધું એ ખંખેરીને ઊભું ન હો.’

ત્રણ ત્રણ ક્રિયાપદો એકીસાથે — એકીશ્વાસે કવિ મૂકી દે છે. પણ એ ત્રિપદી એમ ક્ષણાર્ધમાં માપી કે પામી શકાય એવી નથી. પહેલા જ શબ્દે મારી સામે તો તાદૃશ થાય છે ધરતીને ચસચસ ધાવતું વૃક્ષ. આકાશને પીતું — વર્ષાની ધારા, સૂરજનાં કિરણો, ચાંદની કટોરીને હોઠે માંડતું વૃક્ષ. અને બીજા પગલે ભૂમિનો ભેજ, આસમાની તેજ અને સૃષ્ટિમાંનું સારું-નરસું જે કંઈ મળ્યું તે સહજભાવે ગ્રહણ કરતું વૃક્ષ. પરંતુ સંગ્રહ એ વૃક્ષનો સ્વ-ભાવ નહીં. એ તો પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ્ રૂપે (હા, જલચક્રના એક ભાગ રૂપે તોયમ્ — જલ પણ) બધું જ સૌને વહેંચતું રહે. પણ, કવિને જે વાત કરવી છે તે તો જુદી જ છે. એમની દૃષ્ટિમાં તો છે ‘પીધું લીધું દીધું’ના — લેણ-દેણના તમામ ભાવોને ખંખેરીને ઊભેલું વિતરાગ વૃક્ષ. તટ-સ્થ, ઝાડને ચરણે ઊભીને કવિને લાધેલું આ છે જીવન-દર્શન.

બધું જ ખેરવીને નહીં પણ એક ઝાટકે ખંખેરીને ઊભેલું આ વૃક્ષ પછી રાત્રિઓની રાત્રિઓ કવિની ચેતનામાં લીલા કરતું રહે છે. પળ પળના પર્દા ઊંચકાય છે અને અટારીએ બેઠેલા કવિ રાતના આછાઘેરા ઉજાસમાં ઝાંખી કરે છે ઝાડનાં વિધવિધ રૂપોની — એના વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓની. કેવી છે એ અદાઓ!—

‘મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…’

મસ્તકથી મૂળ સુધી ત્રિવિધ રૂપમાં વિવિધ છટાઓ. પહેલી નજરે જ દેખાય ટટ્ટાર, અડોલ, અવિચળ ઊભેલું વૃક્ષ. કશું ન બોલે કેવળ ડોલે. ગૌરવભર્યું. મૌનમાં પ્રગટ થતી વ્યક્તિત્વની ગરવાઈ. પછી સહેજ નીચે નજર નાખતાં દેખાય ‘બરછટ શુષ્કતા’. એ તો ઝાડનું વ્યક્તમધ્ય. એક નોખી અદા વ્યક્તિત્વની, અધો અને ઊર્ધ્વનાં પ્રસ્ફુટનોને સંગોપીને બેઠેલી બાહ્ય શુષ્કતા. મસૃણતાનું કવચ બની બેઠેલી બરછટતા. અને હા, ‘ખરી મમતા તો આ ધરતીની…’ ઝાડના વ્યક્તિત્વની એ ગંગોત્રી. (જુઓ, આખું જીવનચક્ર આ ત્રણ પગલાંમાં કેવું સમાઈ ગયું!) પાતાળ ભણી જતાં મૂળિયાં ને આકાશ ભણી જતી શાખાઓ. વિરાટદર્શન જાણે. અટારીએ બેઠા બેઠા કવિ આમ આમૂલ-મસ્તક ઝાંખતા રહે છે ઝાડને અને એ દ્વારા જીવનને.

વાંચતા જઈએ તેમ તેમ આપણી અંદર વિસ્તરતું જાય છે આ કાવ્ય, બારણા સામે સુકાઈ રહેલું આ ઝાડ કાવ્યાન્તે કેવું જુદા જ રૂપે પ્રત્યક્ષ થાય છે!:

‘શાખા બાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે: મૃત્યુફળ.’

વહાલસોયા બાળકને છાતીએ વળગાડ્યું હોય તેમ છાતીસરસું ઝાલી રાખ્યું છે — મૃત્યુફળ. (ઝાડ સાથે ફળ અને ફળ સાથે પાછો નવજીવનનો સંકેત…!) નમણાં શાખાબાહુઓ વચ્ચે ક્રીડા કરતું મૃત્યુફળ. આમ કવિ-ચિત્રકાર શબ્દલસરકે કેવાં કેવાં ચિત્રો રચે છે આપણી સામે! અધ:મૂલ અને ઊર્ધ્વમૂલ ઝાડ જાણે ઓગળી જાય છે એકબીજામાં. અને જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ લીલયા વિસ્તરતું રહે છે આપણી ચેતનામાં.

આમ કવિતા સાથે ગોઠડી કરતાં મારા ભાવલોકમાં ઝિલાયું જે થોડું કંઈ તે મૂક્યું મેં અહીં મારા શબ્દોમાં. સંભવ છે તમે આંખ મીંચો અને કાનથી ઝીલવા લાગો આ કાવ્ય તો એમાંથી ફરી કોઈ જુદાં દૃશ્યો પણ ઊઘડે…

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book