ઇતિહાસ અને કલ્પના વચ્ચેનો પરદો ખસી ગયો – રાધેશ્યામ શર્મા

ભાનુપ્રસાદ પંડ્યા

ઉપરકોટ અવલોકતાં

ડૂસકું ભરવા મોટું હોવું અતીત રહે કરી

‘ઉપરકોટ અવલોકતાં’ સૉનેટ, ઇતિહાસ અને ભૂગોળને અનુલક્ષી, વ્યતીતને કલ્પનાથી રસમંડિત કરતી યાદગાર કૃતિ છે.

દારુણ કરુણનો પાસ પ્રથમ પંક્તિથી વિલસ્યો છે:

‘ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી,’ તરત અનુવર્તી ઉપમા–અલંકૃત કડી પ્રકટે છે, ‘ત્યમ લહુ ઉઘાડાં ઊંચેરાં દુવાર.’

લોકેશન છે ગિરનારનો ઉપરકોટ. કાવ્યનાયકને ત્યાં ભવ્ય ભૂતકાળ ડૂસકાં ખાતો અનુભવાયો, ખંડેરનાં ખુલ્લા ઊંચેરા દરવાજા ભાળી થયું હશે, ‘ખંડહર સે પતા ચલતા (ક) ઇમારત કિતની બુલંદ થી…’

ગુરુદત્તકૃત ‘સાહેબ બીબી ગુલામ’ના નાયકની દશામાં જાણે તે પ્રવર્તે છે:

પગ થથરતા, મારી વાંસે ધસે બીજું કોણ આ?’

અહીં કવિશ્રીએ ભય અને વિસ્મયનું કોલાજ મઢ્યું છે:

‘ચમકી રહું – એ મારી છાયા!’ પોતે જ પોતાનો પડછાયો નીરખી ઊઠે છે. ચમકી રહે છે! કર્તા કાચા નથી, ઇતિહાસનો બે જ શબ્દોમાં ઉલ્લેખ મૂકી છાયા પોતાની નહીં પણ (સિદ્ધરાજ-જયસિંહની હોવાની વ્યથા આલેખે છે!

પહેલાં પોતાની છાયાનો ભ્રમ, પછી તુરત જયસિંહની છાયા ગોઠવવામાં એક પ્રકારનું નાટ્યાત્મક કૌશલ્ય પ્રગટ થાય છે.

ઉપરકોટના જૂનાજીર્ણ અવશેષો કેવા છે? ‘અવ ભૂખર સિંદૂરી લીટામહીં ગઢ-ગોખલા’ – નાયક સમક્ષ જાણે ઇતિ–હ–આસ સુભાગ્યના અધ:પતનની પટકથાનું ઉદ્ઘાટન કરે છે:

કથની ઊકલે ઝાંખી પાંખી સુભાગ્ય સર્યાતણી.’

ઉપર શું જોવા-જીરવવાનું આવ્યું? હવડ ગલી, ટીંબા–ટેંબા, ઝાંખરાં…

આ બધો સકલ પરિવેશ ઘણુંબધું ઢબૂરી બેઠો છે, કિન્તુ કશુંય ઉચ્ચારશે નહીં!

ત્રીજો સૉનેટ–સ્તબક, પૂરી રચનાનો નિષ્કર્ષ છે. ગિરનારપ્રવાસી નાયક, ઇતિહાસના શબનું નિર્મમ નિરીક્ષણ કરે છે એમાં કાવ્યસર્જક પણ શરીક છે:

નવઘણ કૂવાના ઊંડાણે તરે ઇતિહાસનું
શબ, ગરગડીથી રોતી ના છતાંય અડીકડી?
ઉપર ચઢું કોટેરહેંસાતી સુણું ચીસ કોમળી?
પવન સૂસવે! કાળું ઓઢી મલીર શિલા મૂગી.

તવારીખે કરેલા પરોક્ષ આપઘાતથી ભાવકચેતના પણ રહેંસાઈ જાય એવી કોમળી ચીસ આપણી ભાષામાં નોંધનીય.

પવન સૂસવે! કાળું ઓઢી મલીર શિલા મૂગી

કાવ્યનો પવન, આ પંક્તિ વાંચતાં સુજ્ઞોને ઇતિહાસથી ઉપર ઊઠી ઊડી છેક પૌરાણિક કાળના રામાયણની મૂક શિલા–અહલ્યાની સ્મૃતિ નિકટ વહી જાય!

આ લખનારને લાગે છે કે આ રચના સૉનેટપ્રકારમાં ના બેઠી હોત તો કેટલું સારું. સૉનેટની તેરમી–ચૌદમી પદાવલિ એટલી પ્રભાવક નથી, જેટલી ઉપરોક્ત આઠ–બાર પંક્તિ છે. અત્રે માત્ર નાયક ધક્કાબારી નીરખી, ઇતિહાસવૈભવ વિલાયા બાદ ગિરિરાજ સમી વ્યથાનું વિજ્ઞાપન કરે છે…

આમ છતાં, સર્જક ભાનુપ્રસાદ પંડ્યાનું ક્રિએટિવ પરફૉર્મન્સ કવિતાના પ્રત્યેક પદમાં, ભાષા, શૈલી સાથેના લયવળાંકોમાં એવી અભિવ્યક્ત સિદ્ધ કરી શક્યું છે કે અભિનંદન સિવાય બીજો શબ્દ નથી સૂઝતો.

બ્રિટિશ ઇતિહાસકાર રિચાર્ડ કૉબ્બે, ઇતિહાસ અને કલ્પના વિશે એક રમૂજ પડે એવું નિરીક્ષણ કર્યું તે પેશ કરું:

‘ધ ફ્રન્ટિયર્સ બિટ્વીન હિસ્ટ્રી ઍન્ડ ઇમેજિનેશન આર વેરી લિટલ મોર ધૅન ચાઇનીઝ સ્ક્રીન્સ, રિમુવેબલ ઍટ વિલ.’

(ઇતિહાસ અને કલ્પના વચ્ચેની સરહદો અતિ અલ્પ છે – ચાઇનીઝ ચિલમન ઇચ્છા થાય ત્યારે ખસેડી શકાય એના કરતાં અધિક!)

‘ઉપરકોટ’ના મુસાફર નાયકકવિએ તો ઇતિહાસ અને કલ્પનોત્થ કલ્પનો દ્વારા ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં વિશિષ્ટ યોગદાન કર્યું છે.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book