આનંદલોકની આમંત્રણપત્રિકા – ઉદયન ઠક્કર

મારી સાથે આવો

કૃષ્ણ દવે

મારી સાથે આવો
લ્યો પહેરી લ્યો પવનપાવડી
શબ્દોની, છંદોની, લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની
હું દેખાડું નર્તન એનું જેની રૂમઝૂમ પગલીઓમાં તમેય તાલ મિલાવો
મારી સાથે આવો.
ત્યહીં દૂર દખણાદા તટ પર
પનિહારીશી કૈંક વાદળી હેત ભરે જાણે પનઘટ પર
મમતાથી ભરપૂર નીકળે, વરસે જેની ઉપર વરસે, પળભરમાં તો ન્યાલ કરી દે
કેવળ માલામાલ કરી દે
છત છોડી નીકળો નીકળો આ પથ્થર દૂર હઠાવો
મારી સાથે આવો.
જરા કાન દઈને સાંભળજો
આ પર્વતની ભીતર ભીતર ક્યાંક કશીક તૈયારી ચાલે
પહેલાં લીલીછમ ઘટનાઓ પછી અચાનક ખળખળ વહેતા જળની એક સવારી ચાલે
પૃથ્વી જેનો લેપ કરીને અંતરને નિર્લેપ કરે છે
એવાં આ જળની વચ્ચે જઈ જળનું તિલક લગાવો
મારી સાથે આવો૰
કેટકેટલાં બીજ સમાધિમાં બેઠાં લીલાંછમ બનવા
કેટકેટલી કૂંપળ થનગનતી ધરતીના ખોળે રમવા
અહીં ક્યાંક ઝરણુંય વહે છે, આ માટીની મ્હેક કહે છે
લ્યો અહીં જ વાવી દઉં તમને, તમેય કંઈ ફણગાવો
મારી સાથે આવો૰

આ કેવળ ગીત નથી, આનંદલોકની આમંત્રણપત્રિકા છે.

એક વાર આ ગીતનું પઠન કરો. અર્થ સમજવા ન રોકાઓ, વિચારવા પણ ન રોકાઓ, બસ પઠન કરો. ‘ખળખળ વહેતા જળની સવારી ચાલતી હોય’ એવો નાદ તમને ‘પળભરમાં ન્યાલ કરી દેશે.’ કટાવ છંદ આમેય તે ગુજરાતી કવિઓને પ્રિય રહ્યો છે.

આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હુંયે તડકે બેસું.

– મણિલાલ દેસાઈ

કવિતા એટલે કેવળ અર્થ નહીં. કવિતા એટલે અર્થ વત્તા નાદ. કવિ દાદે ચારણી છંદમાં કરેલું હિરણ નદીનું વર્ણન સાંભળો:

ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી.

કાન ભીંજાયા? ‘મારી સાથે આવો’ — પહેલી જ પંક્તિથી કવિ તમારી આંગળી ઝાલી લે છે. ‘લ્યો પહેરી લ્યો પવનપાવડી’. પાવડી એટલે પાદુકા. ગ્રીક દેવતાઓનો દૂત હર્મીસ પવનપાવડી પહેરતો. કાવ્યવિશ્વમાં પ્રવેશવું હોય તો વ્યવહારવિશ્વથી ઉપર ઊઠવું પડે. પદ્યની પાદુકા પાંખાળી ખરી પણ પાદુકાને માથે ન ચડાવાય. ‘પરિશુદ્ધ’ જેવો ભારેખમ શબ્દ ગતિશીલ છંદને કારણે નભી જાય છે. ‘હું દેખાડું નર્તન એનું’. ડબલ્યू. એચ. ડેવિસની પંક્તિ છે, ‘આ તે કેવી જિંદગી, જો આપણને સૌંદર્યનાં નર્તનશીલ ચરણ જોવાનોય સમય ન મળે!’ કવિ આપણને સૌંદર્યનું નર્તન દેખાડીને એમાં સહભાગી થવાનું ઇજન આપે છે : ‘તમે ય તાલ મિલાવો’.

‘ત્યહીં દૂર દખણાદા તટ પર…’ સાચું કહેજો, દખણાદી ક્ષિતિજે તાકીને તમે છેલ્લે ક્યારે જોયેલું? ‘મમતાથી ભરપૂર વાદળીઓ નીકળે’, ‘ધરતીના ખોળે રમવા કૂંપળ થનગને’ ઇત્યાદિ કહેતા કવિની શૈલીમાં વિદગ્ધતા નહીં, પણ મુગ્ધતા વરતાય છે. પર્વતની ભીતર કશુંક સળવળે છે. ઝરણું સમીપે હોવાની સુગંધમય સાબિતી હવામાં તરવરે છે. બીજ કાચી વયે દીક્ષા લઈને સમાધિમાં બેઠાં છે.

રાતે એકધારો વરસાદ ટપકે છે — પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો… તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે — જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે… પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે.

– સુરેશ જોષી

‘જળની વચ્ચે જઈ જળનું તિલક લગાવો.’ જળથી દીક્ષિત થયેલા કવિ સૃષ્ટિના સહજસંપ્રદાયમાં ભળી જાય છે.

પ્રથમ પંક્તિથી સાથે ને સાથે ચાલતા કવિ એકાએક તમારી આંગળી છોડી દે છે, ‘લ્યો અહીં જ વાવી દઉં તમને, તમેય કંઈ ફણગાવો.’

કવિની વાત પૂરી થઈ. હવે તમારો વારો.

(હસ્તધૂનન)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book