આદમથી શેખાદમ સુધી વિશે – ચંદ્રકાન્ત શેઠ

શેખાદમ `આબુવાલા’

આદમથી શેખાદમ સુધી

માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી

ઉદાર અને ઉન્નત ભાવનાઓ તથા સુકુમાર અને સૂક્ષ્મ સંવેદનાઓની સચોટ રંગપૂરણીના કલાકાર તે શેખાદમ આબુવાળા. અતલ વેદના ન સરલ સ્મિતને લીલયા રમાડી શકે એવી એમની ગઝલિયત. એમની ગઝલને સતત માવજત મળી સ્નેહ અને સૌન્દર્યભર્યા જીવનના સીધા અનુભવ અને દર્શનની. વેદના ખરી પણ તેનુંયે સૌન્દર્ય ને માધુર્ય! કાંટામાંથીયે સુવાસ પકડવાની ફાવટ; ફૂલોનાયે ડંખ ઝીલવા ને જીરવવાની તાકાત. આ ફાવટ ને તાકાતના નમણા નમૂનારૂપ આ ગઝલ છે.

પ્રસ્તુત ગઝલમાંનો `આદમથી શેખાદમ સુધી’ – એ રદીફ જ અજોડ અને આકર્ષક છે. એમાં `શેખાદમ’ની ગઝલકાર તરીકેની અસલિયતની મહોર છે. પોતાના તખલ્લુસનો આ પ્રકારનો સફળ રીતે વિનિયોગ કરનારા મોટા ગજાના જે પાંચસાત ગઝલકારો લેખાય, એમાં `શેખાદમ’નો નિર્દેશ કરવો જોઈએ. એક બાજુ આદમ છે. (બાવા આદમ!) બીજી બાજુ આપણા આ વીસમી સદીના (૧૯૨૯-૧૯૮૫) શાયર છે. એમના મૂળ નામમાં `આદમ’ હતું તો એમના ખાનદાનમાં `શેખ’ નામ હતું. બંનેના સુભગ યોગે સિદ્ધ થયેલું `શેખાદમ’ આપણા આદિપુરુષ બાવા આદમ સાથે પૂરા પ્રાસ-મેળમાં ને અનુસંધાનમાં છે અને તેનો આનંદ અને તેની સિદ્ધિ થતી ખૂબી અહીં રદીફમાં માણવા મળે છે. માનવજાતનો ઇતિહાસ – એની તવારીખ એટલે આદમથી શેખાદમ સુધીનો સમયગાળો એમ ખુશીથી કહી શકાય. માનવજાતની આવી અને આટલી દીર્ઘ પરંપરામાં કેટકેટલા રંગ, કેટકેટલા અવનવા સંચારો સતત ચાલતા રહ્યા છે ને છતાંય મૂલગામી દૃષ્ટિએ જોતાં કેલુંક સનાતન ભૂમિકાએ બચેલું ને ટકેલું પમાય છે. આદિમાનવમાંથી આધુનિક માનવ સુધીની ઉત્ક્રાન્તિની યાત્રામાં જાણે હજુયે આદમનો પગરવ શેખાદમની ચાલમાં પડઘાતો પમાય એવી હાલત છે. મનુષ્યનો જીવવા માટેનો સંઘર્ષ જે બાવા આદમના વારામાં હતો તે આજેય ચાલુ જ છે. આજેય સત ને અસત વચ્ચે, પુણ્ય ને પાપ વચ્ચે, દૈવત અને દુરિત વચ્ચેની લડત ચાલતી જ રહી છે. સંસાર એટલે જ સુરાસુર સંગ્રામ, સદસત્નો સતત ચાલતો મુકાબલો. શેખાદમને એક અદના શાયરને નાતે આ પાકી રીતે સમજાયું છે.

આ ધરતી, આ સાગર, આ આકાશ, આ હવા – સૃષ્ટિનો આ સમગ્ર ઘટાટોન પહેલાંની જેમ આજેય માનવજાત માટે મહત્ત્વનો ને પ્રભાવક છે જ. આ સૃષ્ટિલીલાના જાતભાતના રંગોનું લીલામય પ્રાકટ્ય આ શાયરને વિસ્મય અને આનંદની પુલકિત કરે છે. ભલે ધરતી ને આકાશ સદીઓ પુરાણા ંહોય, ભલે મનુષ્ય પોતેય સદીઓ પુરાણી પરંપરાનું ફરજંદ હોય; પણ આજેય એમના પુરાણાપણામાં સાતત્ય છે, નવતા ને ક્ષણેક્ષણ પ્રકટ્યા કરતી રમણીયતા પણ છે. શેખાદમ આ સૃષ્ટિતત્ત્વોની આનંદજન્ય રંગભરી ક્રીડા-લીલાની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લે છે.

શેખાદમ આ દોરંગી દુનિયામાં હુસ્ન અને ઇશ્કની, રૂપ અને પ્રેમની વાત કરવાનું ચૂકે કે? એ તો એમને અહીં તુરત જ નજરે ચડે છે. માનવલીલા ને સંસાર-લીલાના મૂળમાં રહેલી તન-મનની સંયોગલીલાનું જે રહસ્ય છે તે તરફ એમનું યોગ્ય રીતે જ ધ્યાન દોરાય છે. તેઓ રૂપની ગૌરવલીલાની વાત કરતાં, પ્રેમની વેદના ગર્ભ ગતિવિધિનોયે માર્મિક રીતે નિર્દેશ કરી રહે છે. તેઓ જાણે છે કે માણસો એકમેકને જોઈને ખેંચાય છે, મળે છે તો તેઓ કોઈ ને કોઈ મિષે કે નિમિત્તે એખબીજાની છૂટાયે પડતા હોય છે. પ્રેમમાં – ખાસ તો સ્ત્રીપુરુષના પ્રણયસંબંધમાં તો વિયોગની અંતર્ગૂઢઘનવ્યથાનો પાર હોતો નથી; તેથી તેનો સંકેત અહીં કવિ પ્રેનો લાચાર હાલ નિરૂપીને કરે છે. જોકે પ્રેમમાં જો લાચારીના અનુભવો અવારનવાર થતા રહેતા હોય છે તો ખુમારી ને ખમીરનાંયે કસુંબલ તેજ એમાં ઊંડે ઊતરનારને તો અચૂક સાંપડતાં જ હોય છે.

જીવનમાં જેમ કોઈ ને કોઈ રીતે ભગવાનને ચરણે બેસવામાં, સ્નેહના શરણે રહેવામાં સાર્થકતા છે તેમ મૃત્યુદેવતાનેય ચાહીને અભિનંદવામાં જિંદાદિલી તેમ જ જીવનની રમણીયતા છે. જે મૃત્યુના ભય હેઠળ જીવે છે તેનું જીવન પામરતાના પર્યાયરૂપ હોય છે. જીવનની કલા તો મૃત્યુનેય વશ કરવામાં, મૃત્યુનીયે મહેફિલ માણવા-મણાવવામાં રહી છે. જીવનની કળા – જિંદગીની આવડત – જેટલી સાર્થક રીતે જીવવામાં એટલી જ દિલાવરીથી મૃત્યુનેય આવકારવામાં રહેલી છે; અને શેખાદમ એવી સાર્થકતાવાળી જિંદગી જીવવામાં પોતાની ધન્યતા માને છે.

જિંદગીમાં સુખ સાથે દુઃખ, ફૂલ સાથે જ કાંટા તો અનુભવવા મળવાના જ. સ્નેહ ને ધિક્કાર, આકર્ષણ ને અપાકર્ષણ – આ બધાંનાં અનુકૂળ-પ્રતિકૂળ મોજાં-આંદોલનોયે ચાલવાનાં. હાસ્ય ને રુદનની ધૂપછાંવ ખેલાતી સતત જોવા મળવાની. જિંદગીમાં આવી સંવેદનાની-લાગણીની રમત તો ચાલ્યા જ કરવાની. આ રમતનેય ખેલદિલીથી સ્વીકારી તેને અનુકૂળ થઈ જીવવામાં જ મનુષ્યની વસેકાઈ છે.

જિંદગીમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વગેરેનાં જાતભાતનાં સંચાલનોની એક સંકુલ જટાજાળહોય છે. એવી જટાજાળમાં અસલી બાબત તો સતની છે. બુદ્ધિના અજવાળે કેટલો અંધાર કપાય ને કેટલું આગળ જવાય એ પ્રશ્ન ખરો જ. પણ સતના આધારે, આત્મપ્રતીતિના આધારે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ છતાં, એમાંથી સોંસરા – આરપાર બહાર નીકળી શકાય એવી સુદૃઢ પ્રતીતિ આ શાયરની જણાય છે. જીવનમાં એક જ સત જૂજવે રૂપે રમમાણ જણાય છે. અસતની ઇદ્રજાળ વચ્ચેથીયે સતની અસલિયતને પરખીને પામી લેવી એ ખરું કાર્ય છે અને આદમથી શેખાદમ સુધીની માનવ-સંસ્કૃતિની કારવાંએ એ કામ નિષ્ઠાપૂર્વક કર્યું જ છે. એ કાર્ય જ બુનિયાદ છે સાચા જીવનની અને નરવી કલા-સંસ્કૃતિની.

મનુષ્યને બુદ્ધિનું વરદાન મળ્યું છે, એનો દીપપ્રકાશ એને અનેકધા ઉપયોગીયે થાય છે; એમ છતાં જીવનમાં કેવળ બુદ્ધિથી ચાલવામાં ઘણાં જોખમો ને મર્યાદાઓ છે. મનુષ્યે જે પરિવાર ભાવનાની પ્રતિષ્ઠા કરી, જે સમાજસંસ્કૃતિની સંગીન પરંપરા ઊભી કરી, જે ધર્મ ને સેવાની ભાવના સુદૃઢ કરી એનાં મૂળ તથા વિકાસમાં બુદ્ધિની તો ખરી, પણ કદાચ તેથીયે વિશેષ મદદ અને પ્રેરણા-પુષ્ટિ પ્રેમનાં મળ્યા છે. પ્રેમની લતને પ્રસન્નતાથી ને કંઈક વિનોદથી `બૂરી લત’ તરીકે તેઓ નિર્દેશે છે, પણ અંતરતમ રીતે તેઓ જાણે જ છે કે આદમથી શેખાદમ સુધીની માનવની ગૌરવપૂર્ણ સંસ્કાર ને સંસ્કૃતિની પરંપરા સર્જવામાં સિહફાળો પ્રેમનો જ રહ્યો છે.

મોત તો જીવનને ઘેરીને ઊભેલું જ છે પણ તેથી માનવ કંઈ જીવન જીવવાનો એનો દિલચસ્પ કાર્યક્રમ મુલતવી કે મોકૂફ રાખતો નથી, બલકે એ કાર્યક્રમ પૂરેપૂરો કારગત નીવડે એ માટેની એની પૂરી મથામણ રહે છે. આવી મથામણના ઇતિહાસનું આદમથી શેખાદમ સુધીની સતત પ્રવર્તન જોઈ શકાય એમ છે. મનુષ્યે તો અજરામર હોય એ રીતે માત્ર વિદ્યા ને અર્થનું જ નહીં, જીવન સમસ્તનું જતન-સંવર્ધન ને સમારાધન કરવાનું રહે છે. જો મનુષ્ય જીવનને ઉત્સવની રીતે જીવી જવાનો રસ-પુરુષાર્થ દાખવશે તો એનામાં જીવનને ઘેરીને ઊભેલું મોત પણ અમૃતમય, મંગલ ને તેથી ઇષ્ટ ને ઉપકારક હોવાની પ્રસન્ન લાગણી પ્રકટશે જ.

જીવનમાં પેરમ એ ઘણી બધી છૂટીછવાઈ બાબતને એકસૂત્રે બાંધી આપનારું અને એને પુષ્ટ કરનાનું ભાવબળ છે. જ્યાં પ્રેમ નથી ત્યાં રૂપનો અનુભવ ફિક્કો લાગે, યૌવનમાં ઓટ જેવું લાગે ને પ્રેમમસ્તી ને કલાનાં શિખરોય ધબી જતાં લાગે. પ્રેમ જ જીવનની, માનવસંસ્કૃતિની સિદ્ધિરિદ્ધિ તથા રોનક ને રોશની છે. આદમથી શેખાદમ સુધી માનવની સંસ્કૃતિયાત્રાનું – વિકાસયાત્રાનું ઇષ્ટ ને મિષ્ટ ફળ – જે સંવાદિતાનું, તે સિદ્ધ થયું છે સ્નેહથી – પ્રેમ ને સમર્પણભાવથી.

જીવનમાં ખરી વિશ્રાંતિ, ખરી શાંતિ પ્રેમના ખોળે, પ્રેમની છત્રછાયામાં સાંપડે છે. જે આશ્વાસન, જે સુખ, જે તાજગી પ્રિયાના હૂંફાળા ખોળે માથું ટેકવતાં સાંપડે છે તે તો વિરલ જ! માનવીની સતત મથામણ રહી છે ચાહવાની અને સૌની ચાહતના પાત્ર રહેવાની. આ જ આરાધના છે ઇન્સાનિયતની ને આ જ સાધના છે કલાની સાચપ ને સારપ માટે સાચુકલા શાયરની.

સમય તો સતત વહેતો રહે છે; પરિવર્તનો આવતાં રહે છે. જીવનમાં અનેકાનેક વારાફેરા પણ અનુભવવા મળવાના. એમાં જાતભાતના રંગોયે દેખવાના થવાના. આ બધાંયે વચ્ચે સ્નેહપ્રેરિત સમતાથી શાંત અને સ્વસ્થ રહેવું ને પરમાત્માની પ્રસાદીરૂપ, સર્જનહારની સોગાદરૂપ આ સૃષ્ટિની ને સ્નેહની સર્વ સંચારલીલાનું પ્રસન્નચિત્તે સ્વાગત કરીને સ્નેહ ને આનંદનો અર્ઘ્ય સૌને સમર્પવો એમાં જ વડાઈ છે સાચદિલ આદમીની – આદમની ને તેની ઓલાદની.

શેખાદમ એક શાયરના નાતે, એક જિંદાદિલ જિગરના આદમીના નાતે આદમથી આરંભાઈને જે જીવનલીલા, પ્રકૃતિલીલા, સંસ્કૃતિલીલા પોતા સુધી (શેખાદમ સુધી) વિસ્તરી ને વિકસીને આવી તેનું સ્વાગત કરવામાં જ પોતાની સાર્થકતા સમજે એ સ્વાભાવિક છે. એક શાયર તરીકે શેખાદમનું જીવનદર્શન, માનવદર્શન કેવું પથ્ય ને પ્રસન્નકર છે કેવું ગહન અને ગરવું તે આ ગઝલ દાખવે છે.

આદમમાંથી શેખાદમ સુધી જે રીતે જીવનસંસ્કૃતિનું વહન અને વિસ્તરણ થયું છે તેમાં મનુષ્યના આતંરજીવનનાં અનેક પરિબળોનો – સ્નેહ, સત, જિંદાદિલી, નિર્ભયતા, સાહસ, ઉદારતા ને મસ્તી વગેરેનો કેવો વિધેયાત્મક ફાળો તે અહીં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે, સમ્યગ્ રીતે બતાવવામાં આવ્યું છે. શેખાદમ નું શાયર હોવું એ કેટલી મોટી વિરાસત જાળવવાનું જવાબદારીભર્યું કર્તવ્ય-કાર્ય છે તે આ ગઝલમાંથી પામી શકાય છે.

શેખાદમ શેખાદમ છે ને છતાંયે એમાં આદમ મોજૂદ છે જ છે. કશુંયે ખોવાયું નથી, ખર્યું નથી, ગયું નથી; બધું હાજરાહજૂર છે આ કવિના અંતરમાં – એની અશલી મિજાજ અને મહોબતમાં – એમની શાયરીમાં. અહીં બધું જ ગઝલના સહારે, શાયરીના સથવારે ખલે છે ને ખીલે છે. આ કાવ્ય એ ખૂલવાના ને ખીલવાના ચમત્કારનું કાવ્ય છે. એ ચમત્કારનું ચણિયારું છે : `માનવી ને આ જગત આધમથી શેખાદમ સુધી.’ સરસ ને સચોટ બાનીમાં અંદરની અસલિયતનો ઉઘાડ ને અંદાજ આપતી આ ગઝલ શેખાદમની સહીરૂપ, મુદ્રા કે મહોરરૂપ છે. ગુજરાતી ગઝલિયતનું અહીં એક શાનદાર શિખર જોવા મળે છે. કિં બહુના?

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book