આત્માનાં ખંડેર: યથાર્થનો સેતુબન્ધ — જયંત પાઠક

અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને જિવાતા વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી. બંને યથાર્થના સેતુથી સંધાય છે… મોકળે હૈયે, મોકળે ચિત્તે યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.

— ઉમાશંકર જોશી

‘આત્માનાં ખંડેર’ સોનેટમાલામાં કુલ સત્તર સોનેટમણકા છે. એમાંની બાર કૃતિઓ ૧૯૩૫ના વર્ષમાં ટૂંકા સમયગાળામાં રચાયેલી છે ને બાકીની પાંચમાંની એક ૧૯૩૦માં, એક ૧૯૩૨માં, એક ૧૯૩૩માં, એક ૧૯૩૪માં ને એક ૧૯૩૬માં રચાયેલી છે. માલાનાં છ સોનેટ શિખરિણીમાં (૧૧મા સોનેટમાં છેલ્લી બે પંક્તિ અનુષ્ટુપમાં છે), પાંચ વસંતતિલકામાં, ત્રણ પૃથ્વીમાં ને હરિણી, મંદાક્રાન્તા ને રોળાવૃત્ત–પ્રત્યેકમાં એક એક કૃતિ રચાયેલી છે. રચનાકાળની દૃષ્ટિએ જોઈએ તો કવિએ એમના આયુષ્યની પહેલી પચ્ચીસીમાં, ૧૯થી ૨૫ વર્ષની વય દરમિયાન આ સોનેટમાલાનાં સત્તર સોનેટનું સર્જન કર્યું છે.

કોઈ વિચાર કે ભાવ એકાદ ટૂંકી રચનામાં સમાઈ શકે એવો ન હોય, એના કેન્દ્ર ફરતે કેન્દ્રને સઘન કરનારું, ઝીણી-મોટી વીગતોથી પુષ્ટ કરનારું, આસપાસના અધ્યાસ–સંદર્ભથી અલોકિત કરનારું વાતાવરણ આલેખવાનું હોય ત્યારે દીર્ઘ રચના આવશ્યક બને. આવી દીર્ઘ રચના સળંગ નિરૂપણ રૂપે થાય ને અહીં આ સોનેટ-માલામાં થયું છે તેમ એકથી વધુ કૃતિઓને સાંકળીને પણ થાય. પ્રો. બ. ક. ઠાકોરે સોનેટને પ્રચલિત કર્યું તે સાથે એક ભાવસ્થિતિ કે વિચારતંતુને અવલંબીને રચાતી અનેક સોનેટ કૃતિઓને સાંકળીને થતી સોનેટ-માલા જેવી રચના પણ પ્રચલિત કરી ને એમના પ્રભાવ હેઠળના નવકવિઓએ એને સફળતાથી પ્રજી. સોનેટમાળામાં પ્રત્યેક કૃતિ એક સ્વતંત્ર સ્વયંપર્યાપ્ત એકમ તરીકે ટકે એવી હોય ને તે સાથે આખી માલાના એક મણકા તરીકે પણ બંધબેસતી હોય. એક સળંગ સ્વરૂપની દીર્ઘ કૃતિ કરતાં આ રચનાતરીકો જુદો તેથી વિષય વસ્તુના નિરૂપણ–નિર્વાહનું સ્વરૂપ પણ તેમાં જરા જુદું હોય. સોનેટમાલાની પ્રત્યેક કૃતિ એક એકમ તરીકે અલગ કરીને પૂરી આસ્વાદી શકાય એવી રચવાની હોય છે એટલે કવિને એમાં એની સર્જનલીલાના બધા ઉન્મેષોને વિકસાવવા-વિલસાવવાની તક મળે છે, એની સર્જકતાને રમણાની વધુ મોકળાશ રહે છે. વળી એમાં એક બીજો લાભ કે સગવડ ગણો તે એ છે કે આગળ-પાછળ જુદા સમયગાળામાં રચાયેલી પણ પ્રસ્તુત વિષય કે ભાવે સાથે કઈ રીતે સંબંધ હોય તેવી કૃતિઓને પણ નિરૂપણમાં ઉચિત સ્થાને સમાવી, ગોઠવી શકાય છે. આ સોનેટમાલામાં પણ એના કવિ કહે છે તેમ કેટલાંક સોનેટો આગળ-પાછળ રચાયેલાં છતાં માળામાં સહેજે ગોઠવાતાં હોઈ, મુખ્ય વસ્તુને ઉપકારક હોઈ વચ્ચે સ્થાન પામ્યાં છે. (નિશીથ ત્રી. આ, પૃ. ૧૭૨) અલબત્ત આવા મોકળાશ ને સગવડના લાભને લીધે કદાચ માલામાં સળંગ દીર્ઘ કૃતિમાં થાય તેવી સુદૃઢ સંકલના સિદ્ધ ન થાય, બે મણકા વચ્ચે જગા રહે એવું બનવાનો સંભવ કલ્પી શકાય. સામે લક્ષ્યને જ તાક્તી સીધી કેડીએ ચાલવામાં તે લક્ષ્યને નજર સામે રાખીને વાંકવળાંકવાળી કેડીએ ચાલવામાં જેવો ફેર તેવો ફેર કદાચ આમાં ખરો.

‘આત્માનાં ખડેર’ એક સંવેદનશીલ યુવાન ચિત્તને જીવનમાં ને જગતમાં ડૂબકી મારતાં થયેલા અનુભવનો આલેખ છે. મુગ્ધ ઉત્સાહમાં વ્યક્તિને આખું જગત ૨ંગબેરંગી ઉલ્લાસમય દેખાય છે ને એની ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો ઓરતે થાય છે. પણ એના અહમ્‌ને જેમ જેમ વસ્તુજગત ને જીવનવાસ્તવ સાથે સંપર્કસંઘર્ષમાં આવવાનું બનતું જાય છે તેમ તેમ એની મુગ્ધ કલ્પનાની, કુંવારા ઉત્સાહની પાંખો શિથિલ થતી જાય છે. વ્યક્તિને ધીમે ધીમે જગતની ને જીવનની અનિવાર્ય પરિસ્થિતિઓની વાસ્તવિકતા સમજાતી જાય છે. એક વાર જે ભૂમિની ભભકથી કાવ્યનાયક અંજાયો હતો, જેના ઉપર વિજય મેળવવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હતો તે ભૂમિ તેને જીર્ણ ખંડેરોથી ખીચોખીચ ભરેલી દેખાય છે. જીવન અને જગતના આકર્ષક રંગરોગાનની નીચેના કટાઈખવાઈ ગયેલા પડને એ ભાળે છે ને એની વિજયની આકાંક્ષા ઓસરી જાય છે. અહીં એના અહમ્‌નો એને પરાજય થતો સમજાય છે. એટલું જ નહિ પણ એવા પરાજયના, હતાશાના ગર્ભમાં નિહિત સત્યની પણ એને ઝાંખી થાય છે. એ સત્ય એટલે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેના સંબંધનું યથાર્થદર્શન. આવા દર્શનને પરિણામે વ્યક્તિમાં એક સમજ ઊગે છે. આ સમજ એને મુગ્ધ ઉત્સાહની મહત્ત્વાકાંક્ષાઓથી અશક્યાકાંક્ષાઓ સુધીના અનુભૂતિફલકને નજરમાં રાખવાની ને તે અનુસાર જીવનનો પંથ ખેડવાની શીખ આપે છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ (સોનેટ-૧) એવા દર્પોદ્ગાર કાઢનાર વ્યક્તિનો અહમ્ છેવટે યથાર્થ ને ઈષ્ટ જીવનગતિ ને જીવનરીતિને સ્વીકાર કરે છે.

યથાર્થ જ સુપથ્ય એક સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈ ય તે. (સોનેટ-૧૭)

આવા સ્વીકારને પરાજય ન કહીએ, એને જીવનનું એક યથાર્થ દર્શન કહીએ, જીવનની એક ઉપલબ્ધિ કહીએ, આધ્યાત્મિક અનુભૂતિ કહીએ. સામાન્યતઃ ‘નિશીથ’ની કવિતાના ને વિશેષતઃ ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સંદર્ભમાં કવિની કેફિયત મહત્ત્વતી, દ્યોતક હોઈ અહીં ઉતારીએ. “…અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી બંને યથાર્થના સેતુથી સંધાય છે. સોનેટમાળાના (‘આત્માનાં ખંડેર’) અંત ભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ (Nihilism), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અગેના પરાજયવાદ (Defeatism) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિઃસારતાવાદ (The absurd), અસ્તિત્વવાદ (Existentialism) એ બધાંનાં ઇંગિતો છે, પણ પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટીપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મકળે ચિરો યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.” (કવિનો શબ્દ, સં. સુરેશ દલાલ પૃ. ૨૩૭) કવિનું આ દર્શન ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સમસ્ત રચનાપ્રપંચમાં કેવી રીતે પ્રત્યક્ષ ને સિદ્ધ થતું આવે છે, કેવી રીતે નિખરી આવે છે એ જોવું રસપ્રદ થાય એમ છે.

સોનેટમાળાના પ્રથમ સોનેટ ‘ઊગી ઉષા’માં કાવ્યનાયકે ઉષઃકાળે ટેકરી ઉપરથી જોયેલા દૃશ્યનું ‘૨ંગપરાગછાયું’ વર્ણન છે. ઊગતી ઉષાને ‘આયુષ્યની અણપ્રીછી મધુ પ્રેરણાશી’ કડી છે એમાં નાયકની ચિત્તાવસ્થાના અણસાર મળી જાય છે. જોનારને હજી જીવનની બરાબર ઓળખાણ પડી નથી, આયુષ્યના આરંભકાળમાં એનું ચિત્ત મધુર પ્રેરણામાં રાચે છે ને એની નજર વસ્તુઓને રંગબેરગી રૂપમાં ને ઠાઠમાં જુએ છે. આના પરિણામરૂપ ઉત્સાહ-ઉલ્લાસના ઉદ્દેકમાં એનો આત્મા ગર્જી ઊઠે છે: ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’ આમ પ્રથમ કૃતિમાં કાવ્યગત વસ્તુના બીજનો નિક્ષેપ ને સાથે નાયકની આંતર યાત્રાના આરંભનો નિર્દેશ પણ થઈ જાય છે. બીજા સોનેટનું શીર્ષક ‘અહમ્’ ભાવકને તરત સંકેત કરે છે કે પ્રથમ સોનેટનો ‘અતિથિનો પુલકંત આત્મા’ તે તેનો અહમ્, વ્યક્તિમાં રહેલો સ્વચેતનાઅંશ. આ આ અહમ્ વિશ્વના વિકાસવિસ્તારના, તેના નાના પ્રકારના રૂપરંગવૈભવના કેન્દ્રમાં પોતાને જુએ છે ને એમ સ્વ-નો મહિમા કરે છે. સ્થલ-કાલની અનેકવિધ સ્થિતિગતિની રંગરમણા પોતાને લીધે જ છે, પોતાને માટે જ છે, પોતાના વિના એ સઘળું નહિવત્ છે એવો ભાવ એનામાં જાગે છે. કવિએ વિજેતા બનવાની મહત્ત્વાકાંક્ષા સેવનાર આશાવાદી અહમ્‌નું સર્વવ્યાપી ને સર્વશક્તિમાન્ સ્વરૂપ અહીં પ્રગટ કરી આપ્યું છે. ત્રીજું સોનેટ ‘સત્ત્વપુંજ’ બે મહેરામણો-ઉદધિ અને માનવરાશિના તુલનાવર્ણનથી ને માનવજીવનમાં જુવાળ લાવે એવા કોઈ પ્રેરક સત્ત્વની અપેક્ષા-ઝંખનાના નિરૂપણથી એક ઓજોગુણયુક્ત સરસ રચના બની છે. છતાં એમ લાગે છે કે બીજા સોનેટને ચોથા સોનેટ ‘અશક્યાકાંક્ષા’ સાથે જેવો ને જેટલું સહજ, સીધો ને અનિવાર્ય સંબંધ છે એવું ને એટલે આ ત્રીજા સોનેટ સાથે નથી. બીજા સોનેટમાં અહમે સ્થાપેલા સ્વ–મહિમાભાવને આ ચોથા સોનેટનો ભાવ વધારે સઘન ને પુષ્ટ કરે છે તથા તેમાં ક્રિયા ને ગતિની પ્રેરણા ભરે છે. ચિત્તમાં જાતભાતની મહત્વાકાંક્ષાઓ જાગે છે ને નજરની સામે આવી મહત્ત્વાકાંક્ષાઓ સિદ્ધ કરનાર પ્રતાપી વ્યક્તિઓનાં ચરિત્ર પણ ખડાં થાય છે. સિકંદર, બાબર, જોન કે કીટ્સમાં જે ચેતનાતણખો હતો તે જ મારામાં પણ છે, તો ઉત્ક્રાન્તિક્રમમાં મનુષ્ય સુધી આવેલે હું વધુ વિકાસ કરીને મહામાનવ પ્રજ્ઞાપુરુષ કેમ ન બનું? પેલો અહમ્ અહીં જાણે પોતે જ પોતાને પડકાર ફેંકતો ને પડકાર ઝીલતે જણાય છે.

‘દે પયઘૂંટ મૈયા!’માં કવિની વિશ્વજનનીને, સર્વ ચૈૈતન્યસ્પંદની આદ્ય જનનીને, એ જનનીના વાત્સલ્યને આરતભરી પ્રાર્થના છે, માગણી છે. આ જનનીથી વિખૂટા પડીને તે વ્યક્તિથી કશું થાય એવી માન્યતા પણ એક ભ્રાન્તિ છે. સોનેટના ષટ્કમાં કવિએ વિશ્વજનનીનું ચૈતન્યસ્રોતની આદિ ધારિણીના માનવી રૂપનું રમ્યભવ્ય ચિત્ર આલેખ્યું છે. એના તેજઅંબાર પાછળ ધડકતાં થાનની, રવિહીરલાના તેજઅંબાર પાછળ છુપાઈ રહેલી છાતીની પયધારાનો ઘૂંટ પામીને જ વિકાસ કરી શકાય એમ છે. ‘એ દૂધથી છૂટી ભ્રમે જ થવાય મોટા’ એવી કાવ્યનાયકની સમજ છે. પ્રજ્ઞાપુરુષ થવા માટે જોઈતી વિકાસશકિત આ વિશ્વચૈતન્ય પાસેથી જ પામવાની છે. આ ચૈતન્ય સમગ્ર વિશ્વમાં, સચરાચરમાં વ્યાપ્ત છે, પણ તે અધિક સભાનતામાં ને સ્વભાનતામાં પ્રગટ્યું છે તે તો પ્રકૃતિમાં નહિ તેટલું મનુષ્યમાં. ‘કુંજ ઉરની’માં એટલે જ કવિ પ્રકૃતિનાં રમણીય રૂપો કરતાં મનુષ્યહૃદયની સંપત્તિ-સમૃદ્ધિ ભણીનો પક્ષપાત, મનુષ્ય પ્રતિને અધિક પ્રેમ પ્રગટ કરે છે. ‘પ્રણય જગને અર્પણ કર્યો’માં ‘જગ’ એટલે મનુષ્યજગત. ભલે મનુષ્ય પોતાને ચાહે કે ધિક્કારે, ગણે કે અવગણે, પણ એ જ આરાધ્ય, એમાં જ જીવનના અમૃતનો સંભવ. કવિ સોનેટની છેલ્લી બે પંક્તિઓમાં કાવ્યોચિત વિધાનની રીતે આ વાત કહે છે:

મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.

(સોનેટ-૬)

આ ઉરકુંજની, વ્યક્તિહૃદયની સંપત્તિ જગતમાં વેચવી છે, વહેંચવી છે, લૂંટાવવી છે. જેવું છે તેવું આ હૃદય, હૃદયનો પ્રેમ જગતને ચરણે ધરવો છે, પણ નાયકને સંકોચ છે, ન્યૂનતાની નમ્રતા સાથે એને અવગણનાને કે વગોવણીનો ભય પણ છે. એટલે જ નિજની હૃદયસંપત્તિને જગત સમક્ષ ખુલ્લી મૂકતાં તે આર્જવભરી વિનંતી કરે છે: ‘પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.” (સોનેટ-૭) અકિંચન, તુચ્છ, અલ્પસત્ત્વ છતાં મોંઘેરું એવું માનવહૃદય છે, એમાંથી ભલે જે મળે તે લેજો પણ એને કાચશોપીડશો નહિ. આવી ઉરની દેખાતી લઘુતામાં ખરેખર તો વિરાટનું દર્શન પામવાની ક્ષમતા રહેલી છે, અથવા એમ કે વિરાટનું દર્શન કરવા વિરાટ સ્વરૂપની અપેક્ષા નથી, આપણી અ૫ દૃષ્ટિશક્તિમાં પણ વિરાટનું આકલન કરવાનું સામર્થ્ય છે, એટલે અલ્પતા અંગે અસંતોષ સેવવાનું કારણ નથી. આખા વિશ્વને વ્યક્તિ એની સામેની સૃષ્ટિના આછાઓછા દર્શનથી પામી શકે છે ને એણે પામવું જોઈએ. કવિ મનુષ્યની આ અલ્પ પણ સર્વસમર્થ શક્તિને અનુલક્ષીને કહે છે:

જહીં સ્થિર ઊભો તહીં જનસ્વભાવના કીમતી
પ્રકાર બહુયે, કદાચ સહુયે વસ્યા, આંખ જો.
અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે.

(સોનેટ-૮)

‘અનંત ક્ષણ’ (સોનેટ-૯) અને, આ સોનેટમાળાના રચનાસમયની દૃષ્ટિએ છેલ્લું (૧૯૩૬માં) લખાયેલું ‘સમય-તૃષા’ (સોનેટ-૧૦) કાળને, સમયને વિષય કરે છે. કોઈને કદાચ આ રચનાઓની ગોઠવણીને ક્રમ ઉલટાવવાનું, એટલે કે ‘સમય-તૃષા’ને ૯મા ને ‘અનંત ક્ષણને ૧૦મા મણકા તરીકે ગણવાનું ઠીક લાગે. ‘સમય-તૃષા’માં સમયની સાથે સમયના વાયરામાં આમતેમ ઊડવાની દશાનું ને સમયને નવે નવે રૂપે ભોગવવાનું આકર્ષણ વ્યક્ત થાય છે. વર્ષો જાય છે, ક્ષણે અતીતમાં સરી જાય છે, પણ એ બધીને સમજીને, ઓળખીને જીવનવિકાસમાં પ્રયોજવાનું બનતું નથી, એમ કરવાનું શાણપણ હજી ઊગ્યું નથી, એટલે હૈયાને એનો સ્પર્શ થતો નથી. સમયની સાથેના નાયકના આવા બેખબર, બેદરકાર સંબંધનું સૂચન ‘સમયની સુરા, ઢીંચ્યે રાખી અહર્નિશાલીમાં’ એ પંક્તિમાં ગાઢપણે થાય છે. ‘અનંત ક્ષણ’માં ક્ષણની અનંતતાને કંઈક ઠાવકાઈથી ક્યારેક ગદ્યનિબંધ લખાતો હોય એ રીતે સમજાવાઈ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યના સળંગ સમયતંતુનો અનુભવ ક્ષણોની જ ગતિનું’ ગતિશીલ ક્ષણોનું જ સજન છે, પરિણામ છે. જે ક્ષણો ગઈ તે વર્તમાનમાં ફરી જીવવી પડે છે ને ભવિષ્યની પળ પણ વર્તમાનમાં આશા બનીને રહેલી સમજાય છે. આમ ક્ષણના અનુભવમાં ત્રિકાલના અનુભવો નવે નવે રૂપે સ્ફુરતા અનુભવાય છે. કાલ વિશેનું મનુષ્યનું આવું જ્ઞાન એનામાં જીવનસાતત્યનો ભાવ જગાડે છે, આશા જગાડે છે ને એને ક્રિયામાં પ્રેરે છે.

સોનેટમાં જેમ અમુક પંક્તિઓ પછી એક ભાવવળાંક આવે છે, મોડ આવે છે, ફોટો આવે છે તેમ આ સેનેટમાળામાં ૧૧માં સોનેટથી કાવ્યનાયકની ભાવાનુભૂતિમાં એક વળાંક આવતા જોવાય છે. આગળનાં સોનેટમાં ને ખાસ કરીને ‘અશક્યાકાંક્ષા?’માં નાયકના ચિત્તમાં જે ઉત્સાહ-ઉલ્લાસ ને આશા-આકાંક્ષા સ્ફુરતાં જણાય છે તેના સામેના છેડેના ભાવો ‘આશા-કણી’માં પ્રગટ થાય છે. નાયકને સર્વત્ર નિરાશા, જાડ્ય, રુદન ને મરણ વ્યાપેલાં જણાય છે. એનો પરાજયનો ને નિઃસારતાનો ભાવ એટલો તો ઉત્કટ છે કે એ આત્મહત્યાનો પુરસ્કાર કરે છે ને આશામાં વ્યક્તિની આત્મહત્યા કરી લેવાની અશક્તિ જુએ છે. મૃત્યુનો ડર સેવનાર જિંદગી મૃત્યુનો જ અર્ક છે, નિચોડ છે, એટલે કે મૃત્યુ જ સર્વોપરિ છે એમ કહી એ જીવન ઉપર મૃત્યુના પ્રભુત્વને સ્થાપવા સુધી જાય છે. ૧૨મું સોનેટ ‘મૃત્યુ માંડે મીટ’ રચાયું છે ‘આશા-કણી’ પહેલાં, છેક ૧૯૩૦માં. કવિએ અહી એને ‘આશાકણી’ પછી મૂકીને મૃત્યુના પુરસ્કારના ભાવને વધુ તીવ્રોત્કટ કર્યો છે. મૃત્યુ વિશે નાયક હવે કોઈ ભ્રમમાં નથી. મૃત્યુ એટલે નવજન્મની ઉષા, અન્ય આનંદ પ્રવાસનો પંથ–એવા એવા ભ્રામક ખ્યાલોથી મુક્ત થઈને તે મૃત્યુને એની સમગ્ર રુદ્રતામાં, ભીષણતામાં સ્વીકારવા, ભેટવા તૈયાર થાય છે. ‘મુખ ઉઘાડ તુજ શાંતચિત્ત તવ દંત ગણીશ હું’ એ પંક્તિમાં કવિની મૃત્યુનો સામનો કરવાની તેના પર વિજય મેળવવાની એષણાનો નહિ પણ મૃત્યુને શાંતિથી સ્વીકારી લેવાની ધીરતા-દૃઢતાને ભાવ વ્યક્ત થાય છે. આ બન્ને સોનેટમાંના મૃત્યુ વિશેના ઉદ્ગારોમાં મૃત્યુના તટસ્થ તાત્ત્વિક દર્શન કરતાં વધારે તો તેનું ભાવપૃષ્ટ ભાવાવેશી ચિંતન રહેલું સમજાય છે.

અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો,
મૃત્યુથી ત્રાસતાં તો યે જિંદગી અર્ક મૃત્યુનો.

(સોનેટ-૧૧)

*

આવે, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે,
નહીં ન્યૂન, વધુ ભલે, રુદ્ર તવ રૂપ ધરીશ તું.
વક્રદંત અતિચંડ ધમંડ ભરેલ વિષાદે
મુખ ઉઘાડ તુજ, શાંત ચિત્ત તવ દૂત ગણીશ હું.

(સોનેટ-૧૨)

સોનેટમાળાના આ વળાંકે આવતાં ભાવકને નાયકચિત્તમાં અંતે સ્થિર થયેલા ને યથાર્થ સમજવાસ્વીકારવાના નિશ્ચયભાવના પ્રગટીકરણનો આરંભ પણ થતો જણાશે. આશા-આકાંક્ષા, જીવન-મૃત્યુ જેવા વિષયમાં નાયક હવે નિશ્ચિંત થતો જાય છે, યથાર્થ ને સામનો કરવા તત્પર થતો જાય છે.

આમ નિર્ભાન્ત થવા કરતો નાયકને અહમ્ વળી એક વધુ આશા-અપેક્ષામાં લપટાય છે. એ હવે એની એકલતાને, એની જીવનવ્યર્થતાને ભૂલવા ને સાર્થક્ય પામવા પ્રકૃતિ પાસે જવાનો નિરધાર કરે છે ને જાય છે. જલનિધિ પાસે એ અમૃતની આશા રાખે છે, જગતથી થયેલા કૂડા અનુભવો ભૂલવાની ને આશ્વાસન પામવાની ખેવના રાખે છે, પણ જલનિધિ-પ્રકૃતિ પણ એને ઉપેક્ષાથી હતાશ કરી મૂકે છે. શાતા પામવા માટે સમુદ્રમાં ઝંપલાવનાર નાયકના દેહને કાંઠા ભણી પાછો હડસેલીને સમુદ્ર ભણે છે:

‘જા રે તારે જગ, ઉભયથી કે ન સંબંધ મારે.’

(સોનેટ-૧૩)

નિરાશા, હતાશા, ઉપેક્ષા, વૈફલ્યથી ઘવાયેલું વ્યક્તિત્વ હવે મનુષ્યને લાચાર બિચારો જુએ છે. આ જગતમાં એણે કેટકેટલા સપ્રયત્નો કર્યા, સૌન્દર્યની, પ્રેમની કેટકેટલી ઝંખના ને સાધના કરી, પણ એ બધું અવરથા ગયું, એટલું જ નહિ એમ કરતાં જે આભાસનું, ભ્રાન્તિનું સુખ હતું તે પણ ગયું. આખરે નિયતિએ, વિષમ વિરોધી તત્ત્વો–સત્ત્વોએ એને છેતર્યો, એની પાસેથી મૃગજળની રમ્ય ભ્રમણા પણ ખૂંચવી લીધી.

બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;
વૃથા યત્ને ખુએ મૃગજળની યે રમ્ય ભ્રમણા.

(સોનેટ-૧૪)

આવા અનુભવને અંતે એ એક સમજણમાં આવીને ઠરે છે. આ સમજણ એટલે જીવન નહિ, પણ મૃત્યુ, સુખ નહિ, પણ દુઃખ જ યથાર્થ છે. આનંદો બધા અસત્ છે, મિથ્યા છે ને એ મિથ્યાના સુખની મદિરા કરતાં તો યથાર્થના દુ:ખનાં આંસુ જ વધારે સારાં એવી સમજ એનામાં ઊગે છે. આ યથાર્થના અસ્વીકારમાં રહેલી વંચનાની અકળામણમાં એ જાણે પોતાને જ ટોકતો હોય, ઠપકો આપતો હોય એમ કહે છે:

અસત્ આનંદોની પરબ રચી વહેંચો ન મદિરા,
ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં.

(સોનેટ-૧૫)

૧૬મા સોનેટ ‘અફર એક ઉષા’ના સ્વતંત્ર સોનેટ ઘટક તરીકે નભવા સંબંધમાં કવિને ભલે અંદેશો હોય (જુઓ. ‘નિશીથ’ ત્રી.આ.નું વિવરણ, પૃ. ૧૭૨), પણ માલામાં આ કૃતિ પ્રથમ સોનેટ ‘ઊગી ઉષા’ના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની છે. બન્ને સેનેટની કલ્પન–સામગ્રીની સમાનતા ને ભાવ-વિરોધ સમગ્ર સોનેટમાલાના વસ્તુ-વિષયનું કેન્દ્ર છે. જે ભૂમિ ઉપર ઊભા રહીને નાયકે પોતાના અહમ્‌નો વિસ્તાર અનુભવ્યો હતો, વિજેતા થવાનો ઓરતો સેવ્યો હતો તે જ ભૂમિ હવે જીવન અને જગતના પ્રાપ્ત અનુભવે પછી એને ખંડેર લાગે છે. અહમ્‌ને જે પછાડ મળી તેનાથી હતપ્રભ થઈને હવે એ રૂદનનો આશ્રય લે છે, દિલાસો શોધે છે. આ દિલાસો ગીતમાંથી મેળવવો એ મથે છે, પણ માત્ર ખંડેરનું કરુણ ગીત એને આશ્વાસન આપી શકે એમ નથી. હાર ખાઈને નાયક ગીત ગાવામાં દિલાસો શોધીને અટકી ગયા હોત તે તો માળાનું આ છેલ્લું સોનેટ હોત, પણ એમ બન્યું નથી. પછડાટમાંથી ઊભા થઈને એણે જીવનને માર્ગ શોધવાનો છે, ને એ માર્ગે ગતિ કરવાની છે. આ માર્ગ, આવા માર્ગની સમજ એ અંતે પામે છે. ૧૭મા છેલ્લા સોનેટ ‘યથાર્થ જ સુપથ એક’માં કવિએ એવી સમજને નાયકના સંકલ્પરૂપે રજૂ કરી છે. હવે માણસ, પ્રકૃતિ કે નિયતિ પાસે કશી આશા અપેક્ષા રાખવાની નથી, એમના થકી મળેલી ઉપેક્ષા, અવગણના, વિફલતાને ગાયાં કરવાનું વ્યર્થ છે; કટુ અનુભવો વિશે ફરિયાદ કર્યા કરવાને પણ કશો અર્થ નથી. હવે રાવફરિયાદ, અજંપો, શક્તિની યાચના, આદર્શ, દુરિતલોપની ઝંખના—બધું છોડીને યથાર્થના સ્વીકારમાં જ સમાધાન શોધવું રહ્યું. એ જ ઇષ્ટ છે, એ જ અનિવાર્ય છે ને એ જ ભાવિ જીવનના પંથનું પ્રેરક ચાલક તત્ત્વ, બલ બની શકે એમ છે. નાયક જાણે એક નિર્ણય-નિશ્ચય જાહેર કરતા હોય એમ કહે છે:

યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.

(સોનેટ-૧૭)

‘આત્માનાં ખંડેર’ સોનેટમાલામાંના આવા વ્યક્તિના અંતિમ ઉદ્ઘાટને કવિ નાસ્તિવાચક નહિ, અસ્તિવાચક, મૂલ્યોદ્બોધક, આધ્યાત્મિકતા ભણી લઈ જનાર આત્મપ્રતીતિના ઉદ્ગાર તરીકે ઓળખે છે, જગત સાથેના સંઘર્ષમંથનમાંથી સારવેલા નવનીતરૂપ દર્શને તરીકે જાણે છે; એથી જ ‘આત્માનાં ખંડેર’ કૃતિ નાસ્તિકતાની અભિવ્યક્તિ નહીં પણ કવિની જીવનઆસ્થાની અભિવ્યક્તિ છે. અહી નાયકનું ચિત્ત સ્વસ્થ છે, અખંડ ને એકાગ્ર છે. એક રચના તરીકે જોઈશું તો ‘આત્માનાં ખંડેર’નાં સોનેટ જેવાં એક જ ભાવ-ભાવનાથી અન્વિત તેવાં માલામાં ચુસ્ત રીતે નિબુધ્ધ નથી લાગતાં. એમાં આપણી ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ (સુન્દરમ્) કે ‘અનહદની સરહદે’ (ઉશનસ્) ને કદાચ ‘પ્રેમનો દિવસ’ (ઠાકોર) સોનેટમાળામાં છે તેવી તીવ્રતા ને સધનતાને અનુભવ થતો નથી.

(કિમપિ દ્રવ્યમ્)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book