આત્માનાં ખંડેર : ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ — ચન્દ્રકાન્ત ટોપીવાળા

ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ’ના સ્વપ્નસેવી ભાવનાવ્યાપની પડછે ‘આત્માનાં ખંડેર’ના યથાર્થસેવી નિર્ભ્રાન્ત સંકોચને મૂકી જોતાં સ્પષ્ટ જણાય છે કે કવિ પોતે કહે છે તેમ વ્યક્તિની અશાંતિ હવે કેન્દ્રમાં છે. ગાંધીયુગની ઉત્કટતા ૧૯૨૧થી ૧૯૩૧ સુધી રહી ને પછી ઓસરી અને સમાજવાદનું આક્રમણ થયું. એનાં એંધાણ એમાં મોજૂદ છે. દૂરનું જોતી દૃષ્ટિ હવે પોતાની સામેના પ્રત્યક્ષ પર અને એની કઠોર વાસ્તવિકતા પર મંડાયેલી છે. કવિસંવિદમાં આવેલા આ ફેરફારનો આલેખ ‘આત્માનાં ખંડેર’માં પ્રગટ થાય છે. અને તેથી ‘વિશ્વશાંતિ’ પછીનો અને ‘નિશીથ’ પહેલાંનો કવિનો આ પડાવ મહત્ત્વનો બન્યો છે.

ઉમાશંકર જોશીનો વારંવાર આગ્રહ રહ્યો છે કે કવિ માત્ર હકીકત-કથન કરતો હોતો નથી, સાક્ષાત્કારતો હોય છે. એની ભાષા પ્રત્યક્ષીકરણમાં રાચે છે. કાવ્યમાં વિચારોના સ્ફટિકો રહેવા ન દેતાં, એ સ્ફટિકોને કવિ ઊર્મિદ્રવ રૂપે પ્રસ્તુત કરે છે. ભટ્ટ તૌતના કવિપ્રતિભા અંગેના ખ્યાલને આગળ કરતાં ઉમાશંકર કહે છે કે વિકલ્પગોચર (તર્ક) અને પ્રત્યક્ષગોચર (particular) જે કાંઈ છે એને કવિની પ્રતિભા ‘પ્રત્યક્ષકલ્પ’ બનાવે છે. ઉમાશંકર જોશીને મન કવિતા એ જગત (બાહ્ય) અને કવિ, એમ બંનેના પરસ્પર Interactionમાંથી નીપજેલું વિશેષ જગત છે.

એવું પણ જોઈ શકાશે કે ૨-૯-૧૯૩૫નાં સૉનેટ મુખ્યત્વે વિધાયક (positive) ભાવમુદ્રા લઈને આવે છે, પણ પછી ૬-૯-૧૯૩૫ અને ૯-૯-૧૯૩૫નાં સૉનેટ મુખ્યત્વે નકારાત્મક (Negatine) ભાવમુદ્રાને આગળ કરે છે. એટલે કવિનું સંવિદ ઝાઝે ભાગે વિધાયક ભાવમુદ્રાથી નકારાત્મક ભાવમુદ્રા તરફ આગળ વધ્યું છે; એવો સર્જનપ્રક્રિયાનો દબાવ સ્પષ્ટ જોઈ શકાય છે. બીજી રીતે કહીએ તો ઉત્સાહિત (elevated) સ્તરેથી ધીમે રહીને સૉનેટમાલા છેવટે અવસાદ (depressed) સ્તરે સ્થિર થાય છે. કવિએ વિવિધ સંવિદ ગતિનાં સ્વતંત્ર સૉનેટચોસલાંઓને સાંકળીને અને વચ્ચે — આગળ-પાછળ રચાયેલાં સૉનેટનું પૂરણ (padding) ભરીને કુનેહપૂર્વક એક સાભિપ્રેત આકાર ઊભો કર્યો છે. ભોમનો વિજેતા થવા નીકળેલો સ્વપ્નસેવી કાવ્યનાયક નિર્ભ્રાન્ત થઈને અંતે કઠોર હકીકતના સ્વીકાર સાથે કેવી રીતે વાસ્તવસેવી કાવ્યનાયકમાં પલટાયો એનો એક આભાસ આ રીતે ગોઠવીને રચેલા સ્થાપત્યમાંથી ઊભો થાય છે. અહીં કોઈ એક કેન્દ્રમાંથી પ્રગટેલાં સૉનેટોની ગતિ, એમનું સાતત્ય કે એમની ઉત્કટતા તપાસવાનો ઉપક્રમ આથી જતો કરી, સૉનેટને કાવ્યકલગી ગણતા ઉમાશંકર જોશી જેવા કવિનું વ્યક્તિગત સૉનેટકર્મ, એનો વાચોવિન્યાસ, એની વર્ણસંઘટના — અર્થસંઘટના, નાદસંદર્ભ, ભાવસંદર્ભ, સમાજસંદર્ભ તપાસવાનો તેમજ એમાં રહેલો ફિલસૂફી-સંભાર કઈ રીતે ‘કાવ્યાનુભૂતિ’માં ઢળ્યો છે તે તપાસવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે.

કુલ ૧૭ સૉનેટોમાંનું પહેલું સૉનેટ ‘ઊગી ઉષા’માં ‘સુરભિવેષ્ટિત’ એવા ‘ઉષા’ના વિશેષણ દ્વારા સવારનો ઘ્રાણેન્દ્રિયથી કરાવેલો પરિચય, એક બાજુ ઊંચે ટેકરીશિખર (કવિના મનમાં મુંબઈની મલબાર હિલ હોવાનો પૂરો સંભવ છે)થી જોવાની પદ્મવેશી ઉષા, બીજી બાજુ નીચે ફેનિલ કેશવાળી ઉછાળી, ઘુર્રાટતા સમુદ્રમાં આરોપાતું સિંહનું બિંબ — આ બધું ઊંચાઈનો અનુભવ કરાવે છે, તો સાથે પછીથી ‘ગર્જી’ રહેતા અતિથિના આત્મા માટે સિંહનું બિંબ ભૂમિકા તૈયાર કરે છે. અહીં અવકાશ (space) અને અંતર(distance)ની ઇન્દ્રિયસંવેદ્ય પ્રતીતિ ઊભી કરી છે. કોલાહલ ચગવા જતાં ગર્જી રહેલો પુલકંત આત્મા (અલબત્ત, ત્યારે ઉમાશંકર જોશીએ રિલ્કે વાંચ્યો નહીં જ હોય) રિલ્કેની પહેલી કરુણિકાના ‘If I Cry’નો પ્રતિષોઘ મનમાં ઊભો કરી એક જુદા જ આનંદની પ્રતીતિ કરાવે છે. ‘ઊંચે ઉછાળી જરી ફેનિલ કેશવાળી’માં ‘ઉછાળી’ તેમજ ‘કેશવાળી’ — મારફતે મોજાનાં આવર્તનોનો અર્થસંદર્ભ-નાદસંદર્ભ રચાય છે. વસંતતિલકાએ પુલકિત નાયકના ભાવઉછાળ માટે સફળ ભૂમિકા ભજવી છે. છેલ્લી પંક્તિ ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’માં પદોના વ્યુત્ક્રમ દ્વારા પંક્તિને છેલ્લે મુકાયેલા ‘વિજેતા’ શબ્દ પર આવતો ભાર અર્થસંપન્ન છે.

છઠ્ઠા સૉનેટ ‘કુંજ ઉરની’માં પ્રકૃતિના મોહિનીસ્વરૂપ સામે, મનુષ્યે છાયેલી ઉરની કુંજને એટલે કે મનુષ્યપ્રીતિને કવિએ તોળવી છે. તેથી પહેલા ખંડમાં આકર્ષણ ઊભું કરવા પ્રકૃતિનાં રમણીય સંવેદનોને અભિવ્યક્તિ અપાયેલી છે. પહેલી બે પંક્તિ કુશળતાપૂર્વક પાછળ વહે છે: ‘શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા, અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા’ — અહીં વર્તમાનથી આગળ વધતી પંક્તિઓ પ્રાચીન ભૂતકાળમાં પાછળ લઈ જાય છે. કાલની દ્યુતિ ચમકાવતાં તળાવનાં ઊંડાં નયન કે બીડના ઘાસમાં સ્મિતની ઘૂમરીઓ રચતો પવન તો અહીં સાક્ષાત્કરાયો છે પણ ‘દ્રુમે ડાળે માળે કિલકિલી ઊઠે ગીતઝૂલણાં’માં તો વન અને પંખીનો આખો ને આખો સંસાર અને સંસ્કાર કવિએ ભરચક ઊભો કર્યો છે. પરંતુ, બીજો ખંડ લગભગ લીધેલી પ્રતિજ્ઞાની પ્રતિપાદનપૂર્તિમાં ખર્ચાયો છે.

બારમું સૉનેટ ‘મૃત્યુ માંડે મીટ’ આ સૉનેટમાળાનું સૌથી પહેલું ૧૯૩૦માં રચાયેલું સૉનેટ છે. માત્રામેળમાં સૉનેટબંધ બરાબર નથી રહેતો એવી આ કવિને પ્રતીતિ હોવા છતાં માત્ર ૧૯ વર્ષની વયે, નર્મદની અસર હેઠળ રોળાવૃત્તમાં રચાયેલું આ સૉનેટ ઠીક ઠીક રીતે સફળ બન્યું છે. વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ, સમાસોમાં આગળ વધતું આ સૉનેટ પ્રારંભકાલીન હોવા છતાં ઉત્તમ રુચિનો પરિચય આપે છે. ‘મૃત્યુ માંડે મીટ’નો લયસંવાદ, ‘વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી’ના સમાસોથી ઊભો થતો સઘન અનુભવ, ઉષાની પીરોજી પાંખનો જાદુ નવો ચમકાર આપે છે, તો ‘સફરઆનંદ’ જેવો સંકટ સમાસ સહેજ ખચકાટ પણ પહોંચાડે છે. આ સૉનેટની સુશ્લિષ્ટ પંક્તિ ‘વિદ્યુદ્ધલ્લી હોય કથવી શાને પુષ્પ-લતા?’નો ગર્ભિત રૂપકસંસ્કાર સઘન સૂત્રાત્મક છે. આ પછી સૉનેટમાં આવતું આહ્વાન, ‘વક્રદંત અતિચંડ, ઘમંડ’નું પ્રભાવક કઠોર આવર્તન ને અંતે ‘શાકુન્તલ’ના દૃશ્યની પ્રશિષ્ટ ઝાંય વેરતી પંક્તિ ‘મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’ — આ સર્વ વાનાં આ સૉનેટમાળાનું મહત્ત્વનું સૉનેટ સાબિત કરે છે.

સોળમું સૉનેટ ‘અફર એક ઉષા’ પ્રારંભના સૉનેટ ‘ઊગી ઉષા’ના વિરોધમાં ઊભું છે. ‘સુરભિવેષ્ઠિત’ પ્રારંભની ઉષાની સામે અહીં સફર નમેરી (નિર્દય) ઉષાને ધરી છે. રાત્રિની રુધિર-ટપકતી છાતી અને કબર પર પથરાયેલા મરણમ્લાન તારાઓ — એલિયટે ઊભી કરેલી elherised સાંજની સ્મૃતિને જગાવે એટલી સબળ છે. કબરનું સ્થાન અને ઉપર પથરાયેલા તારાઓના ‘મરણમ્લાન’ વિશેષણથી તારાઓનું પ્રચ્છન્ન રૂપકબળ પણ વ્યંજિત છે. પછીની ચાર પંક્તિમાં ‘વેરાયું ક્ષિતિજ થકી ધુમ્મસે ને’ પંક્તિનો અન્વય સુખદ નથી. પછીની પંક્તિ ‘રંગો ભરી જવનિકા સરી પાંપણેથી’માં અર્થને લયનો અદ્ભુત આધાર સાંપડ્યો છે. સૉનેટનો બીજો ખંડ સૉનેટમાળાની અર્થવત્તાને જઈને સ્પર્શે છે. પહેલા સૉનેટનો ‘અહંઘોષ’ અને પુરના જીવંત કોલાહલની પડછે અહીં ઘવાયેલો ‘જયમનોરથ’ તેમજ અરધભગ્ન ઊભેલાં અડધાં ખંડેરો છે. પહેલા સૉનેટની સામે બરાબર વિરોધમાં તણાઈને આ સોળમું સૉનેટ ઊભું છે.

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book