આજ કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

પ્રહ્લાદ પારેખ

આજ

આજ અંધાર ખુશબોભર્યો લાગતો,

ગુજરાતી કવિતાના અમર વારસામાં આ કાવ્યનું સ્થાન છે. એના કવિ પ્રહ્લાદ પારેખ સૌંદર્યનિષ્ઠ પ્રકૃતિના કવિ છે. ઉમાશંકરે એમની કવિતાને `આંખ, કાન અને નાકની કવિતા’ કહી છે. એમના કથનનું સબળ પ્રમાણ તે આ કાવ્યરચના છે.

પ્રસ્તુત કાવ્યમાં કેન્દ્રમાં પ્રકૃતિનો આનંદાનુભવ છે. પ્રકૃતિ અહીં આલંબન તેમ જ ઉદ્વીપન બેય વિભાવ તરીકે ઉપસ્થિત છે. પ્રકૃતિ પ્રત્યેનો કવિનો પ્રેમ એટલો પ્રગાઢ, એટલો ઊંડો અને નરવો છે કે તેની અભિવ્યક્તિમાં પણ તેથી પ્રમાદ-પ્રસન્નતાનો, ઉલ્લાસ-ઉઘાડનો તાજગીભર્યો સ્પંદ સાદ્યંત અનુભવાય છે. પ્રકાશના અનુભવની – તેના આનંદની તો વાત ઘણા કરે; અહીં તો અંધારના અનુભવની – તેના આનંદની વાત છે. કવિને અંધારું બિહામણું કે અનિષ્ટના પ્રતીકરૂપ લાગતું નથી, પ્રસન્નકર લાગે છે – સત્ત્વોદ્રેક કરે એવું ઇષ્ટતમ લાગે છે. જેમ દિવસો તેમ રાત્રિ દરમિયાન પણ પ્રકૃતિનો આનંદ લેવા જેવો હોય છે. આ કવિને તો અંધારઘેરી રાત્રિનો અનુભવ પણ લેવા જેવો લાગ્યો છે. રાત્રે અંધકારનું દર્શન તો એમની આંખ જ કરે છે, પરંતુ એ અંધકારમાં રાત્રિ દરમિયાન જે શાલવૃક્ષોની મંજરી ઝરી છે તેની ખુશબો પણ ભળી હોય છે. અંધકારને પુષ્પોની સોબતની મધુર અસર થાય છે તેથી જ અંધકાર કવિને ખુશબોદાર લાગે છે; અંધકાર એ રીતે ઘ્રાણેન્દ્રિયનો વિષય બને છે. અંધકાર સૌરભ દ્વારા સવિશેષ ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. ચક્ષુનો વિષય એવો અંધકાર ઘ્રાણેન્દ્રિયનો વિષય થતાં ઇન્દ્રિયવ્યત્યય તો થાય જ છે અને તેય સુખદ હોવાનું પ્રતીત થાય છે. આ ખુશબોદાર અંધકારના પ્રભાવે કવિનો રાત્રિનો સમય પણ મીઠો મઘમઘતો બની રહે છે.

કવિચેતના કુંટામુક્ત છે; સૌંદર્યાભિમુખ છે. કવિને રાત્રિનો થાક નથી બલકે ઉલ્લાસ છે. શાલ એની મંદરીઓ સતત ઝરીને (ખેરવીને નહીં) જાણે એમની વિશ્રાંતિ માટેની શય્યા (અને તેય પાછી સુવાસિત) તૈયાર કરે છે! રાત્રિ એ રીતે કવિને સર્વથા અનુકૂળ-સુખદાયી બની રહે છે.

શાલવૃક્ષની જેમ કવિની ચેતના પણ ખુશબોદાર અંધકારના સ્પર્શે પુલકિત થાય છે; તે ભૂમાનો અનુભવ કરે છે. `भूवा वै तत्सुखम्।’ કહેવાની ભૂમિકા એમના પ્રાણે ખુશબોદાર અંધકાર શ્વસતાં શ્વસતાં સિદ્ધ કરી લીધી છે. એમને આ ધરતી પરનો અંધકાર જ નહીં, દૂર ગગનમાં પ્રકાશતા તારા પણ પુષ્પો જેવા લાગે છે અને એમની સુગંધીનો પણ અનુભવ કરે છે! આમ, અંધકારની જેમ તારા પણ ચક્ષુ ઉપરાંત ઘ્રાણેન્દ્રિયને માટે આસ્વાદનો વિષય બને છે. ધરતીનાં – શાલવનનાં પુષ્પો જો અંધકારને તો અંધકાર તારાઓનાં પુષ્પોને મધુર-ખુશબોદાર બનાવતો હોય એવી કલ્પના અહીં થઈ શકે. આમ, ધરતી અને ગગન પરસ્પરનો સૌંદર્યમય સંવાદ ઘનીભૂત કરે છે. કવિ બૃહત્તા સાથે, અસીમસાથે એકકારતા અને તાજગી અનુભવે છે. શ્વાસે શ્વાસે એમની ચેતના અપરિપેય આનંદસિંધુની લહરીઓ પર લહરીએ ગ્રહતી રહે છે. ધરા-ગગન વચ્ચે જાણે એમનો આનંદલોક અણુએ અણુ મહેકતો થાય છે. આવો પ્રકૃતિનો પ્રસન્નકર અનુભવ સૂક્ષ્મ-માનસિક હોવા સાથે આધ્યાત્મિક પરિમાણમાંયે વ્યાપતો જણાય છે. કવિની ચિત્તક્ષિતિજને ખુશબોદાર અંધકાર પ્રકાશિત કર છે અને વિસ્તારે છે.

કવિચેતનાને માટે તો સૌંદર્યનું એકેએક ઇંગિત મહત્ત્વનું બની રહે છે. ક્યાંક કોઈ એકાદ પુષ્પનું ખીલવું – એ એમના માટે તો પરમ આનંદની ઘડી બની રહે છે. એ ઘટના જ એમને આનંદમૂર્તિ પ્રભુના પ્રાકટ્ય જેટલી જ મધુર અને મહિમાવાન હોવાનું લાગે છે. કવિને અંધારી રાત્રિ મધુર લાગી છે એનું કારણ પુષ્પને અંધકારમાંયે પ્રફુલ્લવાની અબાધિત અનુકૂળતા સાંપડી છે એ છે. કવિ હરેક શ્વાસે પ્રકૃતિની આનંદભરતીનો ખુશબોદાર અનુભવ લેતાં લેતાં પોતાના અસ્તિત્વની સાર્થકતા – પરમ ધન્યતા અનુભવે છે. એમની એ લાગણીનો પડછંદ રાત્રિની પ્રસન્ન શાંતિમાં નિગૂઢ સ્વરગીતના નાજુક ફુવારા જેવો ન લાગે તો જ નવાઈ. કોઈ ગાતું નથી, ક્યાંક કોઈ તારની રણઝણ નથી અને છતાં સૂરના ફુવારાની રેલમછેલછે. પ્રસન્ન શાંતિ અલૌકિક-લોકોત્તર સંગીતના પર્યાયરૂપ છે. અંત:શ્રુતિની આસ્વાદાય એવી પ્રસન્ન શાતિ આ અંધકારભરી રાત્રિની છે.

કવિના હરણ જેવા ચંચળ ચિત્તને સહજતયા જ સ્વરસંગીતની જે દિવ્ય પ્રસન્નકર અનાહત નાદ-શી સુરાવટની અપેક્ષા હતી; આ અનિત્ય-ક્ષણભંગુર સંસારમાં નિત્ય એવા આનંદની જે અભીપ્સા હતી તે જાણે અંધારભરી રાત્રિના આનંદસભર એકાંતમાં સંતર્પાતી હોવાનું વરતાય છે. અહીં કવિના ભાવોલ્લાસને ખૂબ પ્રભાવક રીતે ઝૂલવાનો લય અહીં મૂર્તરૂપ આપે છે. કવિની બાની પણ ભાવાનુકૂળ ઉછાળ સાથે અહીં વળોટ લેતી, વિસ્તરતી, શબ્દ અને અર્થના સંવાદમધુર સહકારથી અંધકારની રમણીયતાને પ્રત્યક્ષ કરે છે. એમાં વાગ્ગત સ્વર-વ્યંજન-સંકલનતાનું ઝીણું કામ કવિપ્રતિભા દ્વારા અનાયાસ રીતે સધાયું હોવાનું પ્રતીત થાય છે. અહીં છંદ, પ્રાસ, અભિવ્યક્તિ વગેરેમાં આયાસનો ભાર નથી; બલકે સહજતાભરી પ્રફુલ્લતાનો ઉભાર છે. કવિને રાત્રિનો અંધકાર ખુશબોદાર લાગ્યો એમાં જ એમની ખૂબી; એમાં જ એમના અનુભવની વિલક્ષણતા. પ્રકૃતિનો સૌંદર્યપ્રેમ-સભર અનુભવ અહીં આધ્યાત્મિક અનુભવમાં – દિવ્યાનંદની અનિર્વચનીય ભૂમિકામાં સંક્રાન્ત થાય છે અને એ રીતે કવિચેતનાના ઊર્ધ્વીકૃત આનંદ-સંચારનું ઉલ્લાસપ્રેરક દર્શન કરવાની સત્ત્વસુંદર-સુગંધીદાર ભૂમિકા ખોલી આપે છે.

આમ, `આજ’ની અનેરી આનંદમૂલક અનુભૂતિનું આ સાદ્યંત ખુશબોદાર કાવ્ય પ્રહ્લાદ પારેખનું તો ઉત્તમ કાવ્ય છે જ, પણ શરૂઆતમાં સૂચવ્યું તેમ, ગુજરાતી કવિતાનુંયે એક ઝળહળતું આનંદશૃંગ છે. `નીરખને ગગન’વાળા નરસિંહ મહેતાની `સાગર અને શશી’વાળા કવિ કાન્તની મંડળીમાં `આજ’ના કવિ પ્રહ્લાદ પારેખનેય એમના આ જાજરમાન ઝૂણાના બળે હળેલાભળેલા જેવા જોવી-પ્રીછવા એ પણ કંઈ નાનોસૂનો અવસર નથી. `બારી બહાર’ ડોકિયું કરવાની ટેવવાળા કવિને જ ખુશબોભર્યો અંધકાર રામવાનો આવો રમણીય અધિકાર સાંપડી શકે ને? આમ, આ અંધકારનું કાવ્ય કવિસંવિતના આનંદના પ્રકાશે તેજસ્વી ને ખુશબોદાર હોવાની પ્રસન્નકર પ્રતીતિ ભાવકચિત્તને કરાવીને રહે છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book