આંતરસૂઝની પગવાટે – જગદીશ જોષી

આવડે છે કે?

જયન્ત પાઠક

કવિતા કરીએ છીએ
શબ્દોના કોથળામાં

એક વખત એમ મનાતુંકે મનુષ્ય કુદરતનું અનુકરણ કરીને કલાકૃતિ આપે છે. ત્યાર પછી તો અનેક વાદ-વિવાદ — નાદ-નારા અને વાડાઓમાં કલાના ઉદ્ભવસ્થાન વિશે વિચારો વહેંચાયા. (અને વેચાયા પણ!) કલા કઈ રીતે જન્મે છે તેની વિદ્વચ્ચર્ચામાં ન પડીએ તોપણ એક હકીકત તો હજી સાબદી છે કે અનુકરણ કહો કે ઊર્ધ્વીકરણ કહો, છતાં કુદરતની કોઈક રચનાને જોઈને તેમાં રહેલી કલા-કારીને કોઈ કલાકારની પારેટી આંખો બોટી જાય અને પછી કલાકાર જે દર્શન કરે અને કરાવી શકે એવું દર્શન માત્ર કલ્પનાનો કે માત્ર કસબનો આગ્રહી ક્યારેય ન કરાવી શકે.

લાકડા સાથે કે લોઢા સાથે કે હીરા સાથે પનારો પાડનાર સુથાર, લુહાર કે ઝવેરી પોતાનું કામ પોતાની રીતે કર્યે જાય છે. તેમ જ શબ્દો સાથે પનારો પાડે તે કવિ. પરંતુ કવિ છીએ, કલાકાર છીએ એટલે સમાજથી દશાંગુલ ઊંચે ચાલવાનો જાણે પરવાનો મળી ગયો એવા ફાંકા સાથે ઘણા કલાકારો ફરતા હોય છે. કવિ એટલે ધૂની, લાંબા લાંબા વાળ, ખભે થેલો, વાણીમાં ઉપહાસ, વર્તનમાં ઉદ્દંડતા અને (ખરેખર તો લઘુતાગ્રંથિમાંથી જન્મતી) સ્વ-પ્રીતિ. આ બધું કવિતાવેડા હશે, કવિતાચેડાં હશે, પણ કવિચેતના નથી જ.

જ્યારે કુદરત તો સજીવ અને નિર્જીવ – કહો કે સકળ – ની સાથે પનારો પાડે છે અને છતાં દીધાંનો દર્પ નથી ભળાતો. આપણે શબ્દ સાથે કામ પાડીને જાણે કે કીર્તિનો રાજસૂય યજ્ઞ આદરી બેઠા! અને છતાં કરી-કરીને આપણે કરીએ છીએ શું? શબ્દોના કોથળામાં અર્થનો ભાર ભરીએ છીએ: કહો કે શબ્દને કોથળા જેવો બનાવી મૂકીએ છીએ – અથવા તો અર્થની પ્રકૃતિમાં શબ્દના ખખડાટ-ભભડાટ-ચડભડાટની રણગાડીઓ દોડાવીએ છીએ. હાંઉ, એટલું જ ને? શબ્દ તો અર્થને નિતાર્યા પછી હળવોફૂલ બની જાય. આપણે આપણું કર્મ પણ કુશળતાથી પાર પાડીએ છીએ! આપણી અને અન્યની ‘કુશળતા’ના સંદર્ભમાં પણ?

આપણી ફૂંકે વાંસળી તો વાગે નહીં! ત્યારે કરવું શું? ચાલો, પતંગિયાં ઉડાડીએ, પણ આ તો પાંખ વિનાનાં પતંગિયાં. ઊડે કેટલું? આપણી ફૂંકમાં ગતિ હોય એટલું! અને આપણી ફૂંકમાં તે છાણ હોતું હશે! અને છતાં આપણે જાણે બધાંના (માર્ગ ભૂલેલાના) માર્ગદર્શક હોઈએ તેવી વાતો. (અને આ વાત પણ કાનમાં એક અને માઇકમાં બીજી!)

અને પછી તો જે ખરેખર વરવું છે તેનું કવિએ વ્યંગચિત્ર (કાર્ટૂન) પૂરી લંબાઈથી દોર્યું છે. આપણે રાજ વિનાના – અને પાટ કે પાર્ટ વિનાના પણ – રાજા. કારભાર વિનાના આપણે કર્તા. પોતાનું કે કોઈનું રક્ષણ કરી ન શકીએ – કવિતાનું પણ નહીં; અને છતાં આપણે गोब्राह्मणस्रोरक्षपाल? છંદનું છત્તર (ખુશામતનું વસ્તર ને નિંદાનું અસ્તર), પોતે જ ‘મુગટ ધારણ કરીને’ આપણે કાઢીએ છીએ આપણી સવારી… દબદબાભરી. (ના, ના; કવિ તો કહે છે ‘કવિતા’ની. સારું છે કે અંબાડી પર આપણે જ નથી ચઢી બેસતા!). કવિતાના આ જુલુસમાં આપણે ગાલ ફુલાવી પુલાવી (કે ભવાં ચઢાવી ચઢાવી કે બાંય ઉલાળી ઉલાળી) બૅન્ડવાળાની જેમ આગળ ને આગળ. હવે તો રાજા કરતાં બેન્ડવાળા વધારે રજવાડી પોશાક ધારણ કરે છે! અને ‘વાંકાંચૂકાં’ વાજાં વગાડીએ છીએ કે ‘વાજાં’ વાંકાંચૂકાં વગાડીએ છીએ?

પરંતુ, કુદરતની દેણગીમાં રહેલી કલાદૃષ્ટિનાં ઉદાહરણો આપી કવિ આપણને પૂછે છે કે આફણને એવું એવું આવડે છે ખરું? ક્યારે આવડશે? કરોળિયાના જાળાને અહીં સૌંદર્યનો નવો સંદર્ભ આપીને અને સુગરીના માળાની કારીગરી ઉપરાંત તેના આકારને મહુવર સાથે સરખાવીને સર્જક-કર્મ-ધર્મ વિશે વધુ ને વધુ મનનશીલ થતી જતી જયન્ત પાઠકની વિકાસોન્મુખ કલમ આપણને કટાક્ષના રાજમાર્ગ પરથી આંતરશોધની નાનકડી પગવાટે લઈ જાય છે.

૨૩-૧-’૭૭

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book