આંખોનું વિશ્વ – જગદીશ જોષી

આપણને જોઈ

રાવજી પટેલ

પ્રીતિ હોય અને સાથે સાથે એ પ્રીતિની પ્રતીતિ પણ હોય તો બે વ્યક્તિના જીવનમાં કેવો મોટો હિલ્લોળ આવે! આ કાવ્યમાં એવા આનંદનો કોઈ કેફ, કોઈ ઉન્મત્ત લલકાર અહીં જોઈ શકાય છે. એક ઇટાલિયન ચલચિત્ર જોયેલું એમાં સ્ત્રી દુ:ખી થાય છે, કારણ કે તેનો પતિ હજી એવો તો સુકુમાર હતો કે એની છાતી પર વાળનું પૌરુષ હજી ફાલ્યું ન હતું. મિત્રો ઠેકડી ઉડાડે અને સ્ત્રી તો બળીને બેઠી થઈ જાય. સ્ત્રીના માનસચક્ષુને આ ઊણપ સાલ્યા કરે… પણ જીવનમાં કોઈક વિરલ પ્રસંગ એવો આવતો હોય છે કે બળિયાનાં બળ અને સતિયાનાં સત સાચે જ પરખાઈ જાય. એવા કોઈ પ્રસંગે સ્ત્રીને ખાતરી થાય છે કે પૌરુષ છાતીના વાળમાં નહીં, પણ હૈયાની હામમાં હોય છે. આમ, પુરુષને વાળ હોય એટલું બસ નથી; સ્ત્રીના શરીરમાં આકૃતિનું તસતસ તાણ હોય એટલું પણ બસ નથી. જીવનના સુખ માટે તો વાળ કરતાં વહાલ અને આકૃતિ કરતાં વૃત્તિનો વધારે ખપ પડે!

બે વ્યક્તિ વચ્ચે આંતરમનનો મેળ જામ્યો હોય એવા બે હળેલામળેલા જીવનો આ આનંદ-ઉદ્ગાર છે. આખા કાવ્યમાં ‘આપણને જોઈ’ અને ‘પેલા’ શબ્દોનું પુનરાવર્તન સતત જોવા મળે છે. ‘આપણને’ કેન્દ્રમાં રાખીને કૅમેરાની આંખો ફરતી રહે છે અને બહારનું કંઈ કંઈ ચીંધીને ભીતરની ભાવદશાની જ છબી ઊપસી આવે છે. આ સર્વમાં આપણું જ પર્વ ઇંગિત છે.

સૌથી પહેલાં કવિ બગીચાનો ઉલ્લેખ કરે છે. બગીચો તો નગરસંસ્કૃતિની ઊપજ છે. બગીચામાં શિસ્તનો શિરસ્તો હોય છે. ફૂલો કદાચ ત્યાં ફરકતાં હશે, ઘાસ કદાચ ત્યાં થરકતું હશે; પણ વાયુની લહેરખીના સ્પર્શનો વન્ય રોમાંચ ત્યાં હશે ખરો? પણ અહીંયાં તો આપણને જોઈ બગીચાની આખીયે લીલોતરી સળવળી ઊઠી છે. બગીચો એ તો રસ્તા ઉપર મૂકેલંુ ફ્લાવરવાઝ છે; અને છતાં એમાં પણ ફૂલ, ઘાસ, છોડ એવો કોઈ ભેદ રહેતો નથી. અને એનું આખુંય અસ્તિત્વ રોમાંચ અનુભવે છે. પેલાં પતંગિયાં હજીય ઊડ્યા કરે છે, એમ કહી કવિ પોતાની લાગણીનાં લાલ–પીળાં–ભૂરાં પતંગિયાંની રમણાની વાત કરતા હશે? કે ચશ્મેસરાઈમાં ઠરીઠામ થયેલાં સપનાંની વાત કરતા હશે?

આપણને જોઈ આપણને પોંખવા માટે ડાળીઓ પણ ફૂલના મોડિયા પહેરી લે છે એમ કહીને કવિ તો મનની લગનનો–લગ્નનો–આખોય માંડવો ઊભો કરી દે છે!

ઝૂમાં – પ્રાણીબાગમાં પ્રાણીનાં પીંજરાં હોય; પણ સારસબેલડીને અન્યોન્ય પરાયણ ભક્તિની લગન ન હોય ત્યાં સુધી પશુમાં રહેલી ધોળી કૂંણી લાગણીઓની પ્રતીતિ કેમ થાય? પ્રસન્નતા વગરનું દાંપત્ય એ તો પ્રાણીઓનું સહઅસ્તિત્વ હશે, સહિયારું અસ્તિત્વ નહીં હોય. પ્રાણીઓની વસાહતને બાગની શોભા આપવા માટે તો સારસની એક જોડ પણ બસ છે! (અનેક જોડાં શોધવાં પણ ક્યાંથી?)

આપણું જીવન એવું પ્રસન્ન છે કે પેલાં છોકરાં પણ વર–વહુ ‘બન્યા’ કરે છે,  માત્ર ‘રમ્યા’ કરતાં નથી. બીજાની આંખોમાં સ્વપ્નશીલ રંગોની રેખ ખેંચીને અને એ આંખોમાંથી હતાશાનું આંસુ ખેરવી લઈને આપણું જીવન બીજાઓને beingનો આનંદ આપી જાય છે. ઘરડાઓને પણ ‘ચપોચપ’ દાંત ફૂટે એવાં આપણા જીવનનાં પ્રસન્નતા, શક્તિ, ઉત્સાહ બધા માટે નયનરમ્ય છે.

દેખીતી રીતે આ કાવ્યમાં પંક્તિ બાર છે; પણ ખરેખર તો અહીં સપ્તપદી જેવી સાત જ નાનકડી પંક્તિઓ છે. નગરના બગીચાની કે વૃક્ષની ડાળીઓની કે ‘ઝૂ’ની કે આસપાસના મનુષ્યની વાત કરીને કવિએ અંતે તો આસપાસ–ચારે પાસ પોતાની લાગણીના જ અરીસા ગોઠવી દીધા છે. આ અરીસાઓ માંહોમાંહ્ય ગુફતગો કરતા હોય ત્યારે કહાન સિવાય બીજું કંઈ પણ જાણવાની કે માણવાની ના પાડતી રાધાની આંખો કેવી આનંદવિભોર બની જાય! રાજેન્દ્ર શાહના ગીતની પંક્તિઓ જુઓ:

વનવન મ્હોરી વનરાઈ રે.
આખુંયે વિશ્વ એક રંગમાં તણાય
જેમ રાધાની આંખમાં કન્હાઈ રે!

૧૫–૧૨–’૭૪

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book