અરીસાની આરપાર પ્રલંબાતું કવિકૌશલ્ય – રાધેશ્યામ શર્મા

રાજેશ પંડ્યા

અરીસામાં દોરી લંબાય છે

દોરીને ઓરડામાં

શીર્ષકથી જ ભાવકચેતનાને વાસ્તવિક ઘટના અથવા ઘટનાના વાસ્તવ તરફ કર્ષી જોવાની રચનારીતિ મોટે ભાગે ક્યારેક જ સાંપડે છે.

‘અરીસામાં દોરી લંબાય છે’ આલેખી કર્તા નિજી નિરીક્ષણની તિર્યક્ દિશા સૂચવે છે.

દોરી લંબાય છે ખીંટી વળગણી પરથી એવું યા એને મળતું લખ્યું હોત તો તે કદાચ સામાન્ય દૃશ્ય બની રહેત. અહીં અરીસામાં દોરી લંબાતી દર્શાવીને, તે કેવી રીતે-ભાતે કવિતારૂપમાં ‘ફ્રેમ’ થાય છે તે માણવાની અપેક્ષા પણ એક પ્રકારનું પ્રતિકારસભર નિમંત્રણ બની જાય.

શીર્ષકને અનુવર્તતી પ્રારંભિક પંક્તિઓ કાવ્યનાયકના ભાવને, આગ્રહને છતો કરે છે, ‘આ દોરીને ઓરડામાં લટકતી રહેવા દેવી જોઈએ.’ અહીં અરીસાને સ્થાને ઓરડાના પરિવેશમાં પ્રવેશ કરાવાયો છે.

નાયક શા માટે આવી મોંમાથા વગરની ઉક્તિ ઉચ્ચારી બેઠો કે દોરીને ઓરડામાં લટકતી રહેવા દેવી જોઈએ?

આનો સંકેત કૃતિના દ્વિતીય પરિચ્છેદમાં શોધી શકાય.

પૂરવાઈ પૂરવૈયા કહેવાતો પવન નહીં, પશ્ચિમનો પવન વાય છે. ઉદયમાન નહિ, અસ્તાભિમુખ પશ્ચિમિયો પવન વાય છે, અને એમ થતાં જ ભયવિસ્મયપ્રેરક પંક્તિ ઓચિંતી ફૂટી નીકળે છે:

‘ત્યારે દોરી ફાંસીના ગાળિયાની જેમ હાલે છે.’

ઓરડામાં દોરી લટકતી રહેવા દેવાનો આગ્રહ રાખતો નાયક દોરીને ફાંસીના ગાળિયા સ્વરૂપે જુએ ત્યારે અશીકશી નૈતિક નિસ્બતપૂર્વક અપરાધભાવના નિવેદિત કરે છે. (સાંભરે મુને ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’નો નાયક). પશ્ચિમી પવન સાથે જ ફાંસીના ગાળિયાની જેમ હાલત દોરીની દૃશ્યઘટનાને સંકલિત કરવાનું કવિકૌશલ્ય રસોત્તેજક છે.

હવે પદપંક્તિ–બંધમાં ‘ક્યારેક’નું બે વાર આવર્તન કેવું છે?

ક્યારેક
વચ્ચેથી અંધાર ટપક્યા કરે છે.

અસ્તાચલસદૃશ પશ્ચિમી પવનનો પૂર્વોલ્લેખ કેટલો સમયસરનો અને સૂચક હતો તે અહીં, અંધાર ટપકવાની ઘટના સાથે જોવાથી સમજાઈ જાય. પણ આવું અહીં કાયમ નહીં, ‘ક્યારેક’ જ બને છે.

અંધાર ટપક્યા કરે છે ક્યારેક, પણ બીજું સામા છેડાનું પણ એવી જ પૅટર્ન-ઘરેડમાં સંભવે છે:

ક્યારેક
એને ઝાલી તડકો હીંચકા ખાય છે
દીવાલથી પેલી દીવાલ સુધી

ગાળિયાદોરી પર અંધાર જ નહિ, અંધારને અને દોરીને ઝાલી તડકો હીંચકા ખાય છે – આ દીવાલથી પેલી દીવાલ સુધી.

દોરી ઉપર અંધકારનું ‘ટપક્યા’ કરવું તમસ્‌નું ભેજભર્યું જળરૂપ દર્શાવે છે, એને ઝાલી બેતમા બાળકશો તડકો પાછો હીંચકા ખાય છે. પણ થોભો – ‘આ દીવાલથી પેલી દીવાલ સુધી’ પછી પૂર્ણવિરામ કે અલ્પવિરામ જેવું ચિહ્ન નથી, રચના આગળ વધે છે, ‘સામસામે’ શબ્દની ઉપર ‘સ્પેસ’ છોડીને…

બારીઓ ખૂલી જાય છે ત્યારે
અરીસામાં
આરપાર
દોરીનો છંડો લંબાયા કરે છે

અહીં પરસ્પર ઘટનાત્મક અવલંબન છે. સામસામે બારીઓ ખૂલી જાય છે ત્યારે જ અવનવીન વિસ્મયસૂચક દૃશ્ય–ઘટના (phenomenon) પ્રભવે છે: અરીસામાં આરપાર દોરીનો છેડો લંબાયા કરે છે. બધું બને છે અરીસામાં જ, પણ હકીકત અરીસાને ‘ટ્રાન્સેન્ડ’ કરી, ‘આરપાર’ દોરીનો છેડો લંબાયા કરે છે.

દોરી, દોરીનો છેડો જેમાં નાયક ફાંસીગાળિયો ભાળે છે તે ભાસે છે પ્રતિબિમ્બમાં, પણ અરીસાની આરપાર લંબાયા કરીને નાયકના સૂક્ષ્મ સંકુલ પ્રજ્ઞાપરાધનું દૂરવર્તી સૂચન કરે છે. કવિશ્રી રાજેશ પંડ્યાની આ પણ એક અભિનંદનીય રચના બને છે. મને તે બૉદલેરના મંતવ્યની સુખદ પ્રતીતિ કરાવતી ઊભી છે આ ક્ષણે:

The aim of poetry is not to plunge to the depth of the infinite in the quest of something new, but rather to depth of definite to find the inexhaustible…

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book