અમોને પણ હરીન્દ્રભાઈ, નજરું લાગી! – માધવ રામાનુજ

નજરું લાગી

હરીન્દ્ર દવે

સોળ સજી શણગાર

હરીન્દ્ર મારા પ્રિય કવિ છે. એમની કવિતા અંતરમાં આરપારની અનુભૂતિ કરાવે છે. ‘માધવ ક્યાંય નથી’માં એ અનુભવાય છે. વેદનાની એક અરવ સરવાણી એમાંથી નિરંતર પ્રગટતી રહે છે. એ ગીતમાં ‘ક્યાંય’ શબ્દ વેદનાના વર્તુળનું કેન્દ્ર છે. ક્યાંય નથી… આમ જ ક્યાંય શબ્દ બીજા એક ગીતમાંય પ્રયોજ્યો છે. એ ગીત ઓછું જાણીતું થયું છેઃ

મારે ટીમણની પોટલીની છોડવીતી ગાંઠ
        ભર્યા ભવમાં ન ક્યાંય મળ્યો છાંયો…

આ ‘ક્યાંય’ શબ્દ પણ એક પ્રકારની કરુણતાથી લથબથ છે…

એવો જ શબ્દ, પણ વેદના ન જન્માવતો એવો શબ્દ આ ગીતમાં છેઃ ‘જરીક…’

સોળ સજી શણગાર
       ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,
                  અમોને નજરું લાગી!

અહો!… કેવા એ નીકળનારા ને કેવા એ સોળ શણગાર! જે ‘જરીક’ ઘર બહાર નીકળતાંની સાથે જ નજર લાગવાનું નિમિત્ત બને!

ઉંમર તો હશે જ નજર લાગી જાય એવી. પણ અહીં એનો ઉલ્લેખ નથી. ઉલ્લેખ છે શણગારનો. સોળ સજી શણગાર… પણ કેવળ શણગાર સજવાથી જ દેહ સોહામણો — નજર લાગી જાય એવો — બની જાય એવું બને નહિ. નહિતર નજર લાગે તો શણગારને લાગે, ‘અમોને ન લાગે.’

એટલે આમ પણ નજર લાગે એવું વ્યક્તિત્વ તો હશે જ. નમણું અને નજાકતથી આકંઠ. ઉપરાંત નર લગાડે એવું સ્વજન હશે… પણ એ બાબતને કવિએ અંત સુઘી પ્રગટ થવા ન દઈને ગીતના માધુર્યને એક નજાકતભર્યા શણગારથી સજાવ્યું છે.

એ નજર કેવી રીતે આવીને લાગી!

બે પાંપણની વચ્ચેથી
       એક સરકી આવી સાપણ
             ડંખી ગઈ વરણાગી.

દૃષ્ટિના ડંખનું કેવું વર્ણન. બે પાંપણની વચ્ચેથી નજરની સાપણ સરકી આવી. આવીને એ સાપણે ડંખ માર્યો. એ વરણાગી ડંખી ગઈ!

એ સાપણ ડંખી ગઈ. પણ વરણાગી સાપણ હતી. અહીં એનો ડંખ થોડોક ચાહવાયોગ્ય હોય એવો આછેરો અણસાર અપાઈ ગયો છે. માધુર્યની છાલક અહીંથી અંતરને ભીંજવવાનું શરૂ કરે છે.

નજર લગાડીને પાછા આવ્યા પછી નજર ઉતારવાના ઉપાયો આરંભાયા. એ ઉપાયોથી નજર ઊતરે જ એવું નથી હોતું. પણ નજર લાગી છે કે નહિ એની ખબર પડી જાય છે. નજર લાગી છે કે નહિ એટલું જ નહિ પણ કેવી અને કેટલી હદે લાગી છે એ પણ જાણી શકાય એવી માન્યતા છે. કવિ એ માન્યતાના વિવિધ ઉપાયો આ ગીતમાં અજમાવે છે. ને એમ કરીને નજરની તીવ્રતાને વધુ ઉપસાવવામાં એ સફળ રહે છે.

કાંસાના વાટકાનો ટુચકો છે. થાળીમાં અંગારા મૂકીને ઉપર વાટકો ઢાંકી થાળીમાં પાણી ભરવાનો એ પ્રયોગ છે. એમાં વાટકો થાળી સાથે ચોંટી જાય છે. એ જેટલો સજ્જડ ચોંટે એટલી નજરની તીવ્રતા વધુ…

હવે ન ઊખડ્યો જાય, થાળીને વગી બેઠો સીધો.

અરે ભાઈ, લાગેલી નજરના આવા ઉતાર કામ નહિ લાગે ને એ તાર આમ તૂટશે નહિ. ચાલો ત્યારે બીજો ઉપાય અજમાવીએ. તેલમાં બોળેલી વાટને દીવાલ ઉપર ફેંકીએ તો એ ચપ્પટ ચોંટી જાય. પણ જો વાંકીચૂંકી ચોંટવાને બદલે ખીલાની જેમ ખોડાઈ જાય તો નજર લાગેલી સાચી… ને વાટ દીવાલ ઉપર ફેંકતાની સાથે જ ખીલી સમ ખોડાઈ ગઈ…

જડનેયે આ સૂઝ
          તો રહેવું કેમ કરી અણબૂજ…

આ પંક્તિઓ સુધી આવ્યા પછી પાક્કી ખાતરી થઈ જાય છે કે ‘આમને’ નજર ઉતારવાની તાલાવેલી નથી પણ નજર લાગી જ છે ને કેવી લાગી છે એની પ્રતીતિ કરાવવામાં વિશેષ રસ છે. ગૌરવ છે. કંઈક ગમતું — બહુ ગમતું થયું છે. પછી તો એના ઉતારના પ્રયત્નો પ્રતીતિના ગમતીલા પ્રયત્નો બનતા જાય છે.

સુક્કાં મરચાં સાત વખત માથેથી ઉતારીને આગમાં હોમ્યાં. મરચાં આગમાં જાય પછી અસહ્ય વાસ ઉત્પન્ન થાય એને બદલે…

જલતાં તોય ન વાસ,
        અમોને કેમ ન લાગે પાસ…

નજરું તો લાગી જ છે હવે એનો પાસ લાગવા માંડ્યો.

ભૂવાને બોલાવવો પડે એટલે બોલાવ્યો. એને ન અનુભવ હોય ને! જાણકાર તે તરત જાણી ગયો. જરાક વાર લગાડ્યા વિના કહી દીધુંઃ આમાં અમારું કામ નહિ. નજરુ બહુ આકરી છે.

હવે તો

ક્યાંય ચિત્ત ચોંટતું નથી —
        રહેવાતુંય નથી, સહેવાતુંય નથી…

નજરના આ વળગણ વિના રહેવાતું નથી.

‘લ્યો નજરું વાળી લઉં પાછી,’ એમ કહી કો આવ્યું.

કો આવ્યું. જુઓ, અમે તો ઓળખતાં નથી હોં. શી ખબર, કોણ હશે. કોઈક હશે. હશે કોક. પણ એણે નજરું પાછી વાળ લેવાનું કહ્યું એટલે નજર લગાડનાર જ હશેને!

હવે અહીં સહેજ આરંભની પંક્તિ ફરી એક વાર ગણગણવી પડશે.

— ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર…

જરાક જ બહાર ગયાં ને નજર લાગી ગઈ. તો એ નજર લગાડનાર ઉંબરમાં, ફળિયામાં, શેરીમાં કે એમ ક્યાંક સાવ પાસે જ, પડછાયાની જેમ જ ઊભું હશેને! ઘરની નજીક હશે તો જરીક વારમાં આમ બનેને!… પણ આ જરીકને સમયના માપમાં માપવાનું છે કે ઘરની બહારના કોઈ સ્થળના અંતરના માપમાં સમજવાનું છે? અહીં સ્થિતિને અધ્યાહાર રાખીને મીઠી મૂંઝવણ ઊભી કરી છે. સમય તો ક્ષણનો પણ હોય ને યુગોય વીતી જાય. સોળે શણગાર સજ્યા હોય છતાં યુગોના યુગો વીતે છતાં કાળજાની આરપાર પહોંચી જાય એવી નજર લગાડનારું નયે મળે! ને મળે તો જરાકમાંય મળી જાય!… અને એવું થાય પછી નજર્યુંનું એ દર્દ પાછું આપવાનું ગમે?

નજરું પાછી નહીં મળે
        આ દરદ હવે મનભાવ્યું
હવે નજરનો ભાર
        જીવનનો થઈ બેઠો આધાર,
                અમોને નજરું લાગી!

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book