અમર આશા કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

મણિલાલ નભુભાઈ દ્વિવેદી

અમર આશા

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે!

પ્રેમને પામવા માટે મનુષ્ય હરઘડી ઝૂર્યા કરતો હોય છે. પોતાને જે જે માર્ગ સૂઝે તે બધા એ લેતો આવે છે. પણ પ્રેમ એનાથી આઘો ને આઘો જ રહેતો હોય છે. અને છતાં આશ્ચર્યનું આશ્ચર્ય તો એ છે કે આજે નહિ તો કાલે ને કાલે નહિ તો કાલાન્તરે પણ પોતાનો પ્રેમ સફળ થયા વિના રહેવાનો નથી એવી મનુષ્યની આશાનો તાર તૂટતો નથી. ચારે તરફ નિરાશા, નિરાશા ને નિરાશા જ છાઈ રહી હોય ત્યારે પણ તેની વચમાં આશાની લકીર ક્યાંક રહી જ હોય છે. સનમ ખફા થઈને ખંજર હુલાવતી હોય ત્યારે પણ તેમાં ઊંડે ઊંડે લપાઈ હોય છે એની રહમ જ. આપણી આશાઓને નિષ્ફળ બનાવીને સનમ જ્યારે આપણને ખંજરના ઘાની વેદનાનો અનુભવ કરાવી રહી હોય ત્યારે પણ એ વર્તતી હોય છે એવી રીતે કે આપણી આશાનો તાંતણો સાવ તૂટી ન જાય. આ એની રહમ, એની કૃપા.

સનમની આ જુદાઈ, આ વિયોગ કંઈ આજકાલનો નથી, જિંદગીભરનો છે. આખી જિંદગી રડી રડીને વીતાવી છે એ વિરહને લીધે, ને કરદન કપાઈ છે તો પણ વસ્લની, સંયોગની, આશા રહી જ ગઈ છે અધૂરી. વલખી વલખીને જિંદગી ગુજારી ને પ્રાણાન્તિક કષ્ટ સહન કર્યું તો પણ વસ્લની આશા ફળી જ નહિ અમારી.

સનમ સાથે અમે વાતો કરી; વાતો કરવામાં રાતોની રાતો ગાળી નાખી; પણ વાતોનું જે પરિણામ આવવું જોઈએ, વાતોને અંતે વસ્લની—સાચા મિલનની—જે ઘડી આવવી જોઈએ તે ન આવી. આમ, સનમ ટટળાવી ટટળાવીને ચાલી ગઈ; ને કમાણીમાં કમાણી અમે કાઢી, રાતોની રાતો વાતોમાં ગાળી નાખી તે.

અમારી દશા તો જુઓ! સનમ સાથે વાતો કરવામાં અમે, રાતની રાત, મશગૂલ થઈ ગયા હતા ત્યારે દુનિયાની ઝેરીલી જીભ અમારી નિન્દા કરી રહી હતી, શબ્દે શબ્દે તે વાક્યે વાક્યે અમારા હૈયાને ઘાયલ કરી રહી હતી; ડગલે ડગલે મુસીબતો ઊભી કર્યે જતી હતી, ને ખોફનાં ખંજર ખંજર જેવાં ક્રોધવચન, અમારા હૃદયમાં હુલાવ્યે જતી હતી. ને બીજી તરફ સનમ અમારી કતલ કરી રહી હતી તો પણ અમે એની કદમબોસી કરતા રહ્યા! આમ, અમે ન રહ્યા દુનિયાના ન બન્યા સનમના! દુનિયા ને સનમ બન્ને બાજુએથી અમારે તો સહન કરવાનું જ આવ્યું. પણ એ અમે સહન કરી લીધું, એક જ યકીનથી કે અમારો ઇન્સાફ કરવાવાળો બેઠો છે ખુદા ત આલા. કયામતને દિવસે એના દરબારમાં અમારો ઇન્સાફ થવાનો જ છે.

દુનિયાએ અમને વગોવ્યા ને તરછોડ્યા, ને સનમે સાચા દિલથી અમારો સ્વીકાર કર્યો નહિ એનો, અલબત્ત, અમને ખેદ નથી. પ્રેમીઓની તો એ જ દશા થતી આવી છે, દુનિયાભરમાં અનાદિકાળથી. પતંગિયું દીપકની જ્યોતમાં ઝંપલાવે છે ને ફરહાદ શીરીને ખાતર મોતને ભેટે છે. આમ, જે વસ્તુ અગમ્ય છે, પામી શકાય તેવી નથી, તેને ગમ્ય કરવા માટે, પામવા માટે પાયમાલ થઈ જવું, ને વિનાશ નોતરી લેવો એમાં જ પ્રેમીઓને મન સાચી મજા રહી છે. ને એ મજા જો પ્રેમીઓ લૂંટતા આવ્યા છે.

કારણ કે પ્રેમનો તો પંથ જ છે ફનાગીરીનો. એમાં પ્રેમીઓને પોતાના સર્વરવને ફના કરી નાખવાનું ને પોતે જાતે પણ ફના થઈ જવાનું હોય છે. પ્રેમનું સાચું સામર્થ્ય જ વસ્યું છે ફનાગીરીમાં. તમે જેટલા વધારે ફના થઈ શકો તેટલો પ્રેમ તમારો વધારે સમર્થ. દિલબરે પોતાની દુહાઈ, ફરમાનરૂપે મંત્ર એક જ આપ્યો છે. મરીને જીવવું તે. પ્રેમને માર્ગે જતાં જે મરે છે તે જ સાચું જીવે છે. સાચું જીવન વસ્યું છે. પ્રેમ અશક્ય છે તે જાણ્યા પછી પણ તેને માટે પ્રાણ પાથરી દેવામાં.

જીવવું હોય તો મરવું જોઈએ, ને મરવું હોય તો ઝેર પીવું જોઈએ. એ ઝેર તું શોધી કાઢ ને તેનો પ્યાલો ગટગટાવી જા લહેરથી. એ ઝેર કયું? એક તરફથી જગતના ફિટકાર ને ધૂત્કાર, નિન્દા ને ઉપેક્ષા, ને બીજી તરફથી બેરહમ સનમ તરફથી મળતી, મળ્યાં જ કરતી નિરાશા; આ ઝેરનો પ્યાલો તું પી જા. એ ઝેરનો પ્યાલો માત્ર ઝેરનો પ્યાલો જ નથી, પણ પોતાના પ્રિયજનને સગે હાથ આપેલી રફાઈ છે. એ રફાઈ, પીરની પ્યાલી, પીવાથી હકીકતનું–પરમ સત્ય–નું જ્ઞાન થાય છે.

હૃદયનો અહોરાત્ર તલસાટ, તલસાટ જ નહિ, અદમ્ય આકુલતા જ સનમને પામવાનો માર્ગ છે એ પ્રસિદ્ધ છે. માશૂકને માટે હૃદય તડપવું જોઈએ; એવું તડપવું જોઈએ કે તડપતાં તડપતાં એ તૂટી જાય. માશૂકને વિરહે આકુલવ્યાકુલ થઈ ગયેલા હૃદયના જ્યારે ટુકડેટુકડા થઈ જાય ત્યારે એની અંદર ઊભેલી દેખાશે, આશકને પોતાના બાહુપાશમાં સમાવી લેવાને ઉત્સુક પ્રિયતમા. માશૂકનું આલિંગન એને મળે, જેનું હૃદય એના અસહ્ય વિરહને લીધે તૂટી ગયું હોય. મોંઘી વસ્તુ માથા સાટે જ મળે.

ગુલાબો પર આફરીન થઈને, એના સૌંદર્યસૌરભથી મુગ્ધલુબ્ધ થઈને તું બાગમાં આવ્યો છે. માશૂકના પ્રેમનો મધુર આસ્વાદ લેવાને લોભે તું આ માર્ગે વળ્યો છે. પણ ગુલાબ ચૂંટવા નીકળનારનું ગુલબદન, ફૂલ જેવું સુકુમાર શરીર, કાંટાથી બચી શકે ખરું? સનમને પામવી હોય તો આ બધી યાતનાઓ, નિરાશાઓ, જગતના ધૂત્કારને મહેણાંટોણાં વગેરે સહન કરવાની તારી તૈયારી હોવી જ જોઈએ. પ્રેમને માટે કશું પણ સહન કર્યા વિના, જો પ્રેમ સિદ્ધ થઈ જતો હોય તો તે તો નવાઈની જ વાત ગણાય.

અને આ રીતે, પ્રેમને ખાતર ખુવાર થઈ જવાને માર્ગે જનારો તું કંઈ પહેલો જ નથી કે એકલો જ નથી. પ્રેમમાં હજારો ઓલિયા અને મુરશિદો–બીજાઓને પ્રેમમો માર્ગ બતાવે તેવા સમર્થ ગુરુઓ–પણ ડૂલ થઈ ગયા છે, ખુવાર થઈ ગયા છે. અને જે ડૂલ્યા છે તે જ સાચું જીવ્યા છે; જે ડૂલ્યા નથી, ભયને લીધે જે પોતાની જાતને સમાલીને બેસી રહ્યા છે તેઓ મૂઆ છે, જીવતે મૂઆ જેવા છે, જીવનનો સાચો ધબાર અનુભવી જ શક્યા નથી. પ્રેમનો પંથ તો, આપણા મધ્યકાલીન કવિ પ્રીતમે કહ્યું છે તે પ્રમાણે પાવકની જ્વાળા જેવો છે. પણ એ પાવતની જ્વાળા વિચિત્ર પ્રકારની છે. એ એવી જ્વાળા છે, જેમાં મહાસુખ માણવા મળતું હોય છે અંદર ઝંપલાવનારાઓને જ ને દાઝતા હોય છે દૂર ઊભાં ઊભાં જોયા કરનારાઓ. મરણના દ્વાર સુધી પહોંચી જવાની જેનામાં ત્રેવડ હોય તે જ જીવનનો સાચો ધબકાર અનુભવી શકે છે પ્રેમની દુનિયા જ એવી છે, જ્યાં મરણ એ જીવન છે; ને જીવન એ મરણ છે. સાચું જીવન એટલે સનમને માર્ગે જતાં ડૂલ થઈ જવું તે. જે લકો ડૂલે નહિ તે જીવતા હોય તો પણ મૂવા જ ગણાય, એમ સાફસાફ કડક શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે.

મણિલાલનું આ અંતિમ કાવ્ય છે. એ તેમનાં સારામાં સારાં કાવ્યોમાંનું એક છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમણે પોતાના ‘ઇન્ડિયન ઓપિનિયન’માં આ કાવ્ય ઉતારેલું ને તેનો અર્થબોધ કરાવેલો. એક જમાનામાં ગુજરાતનાં સૌથી વિશેષ લોકપ્રિય કાવ્યોમાં આ કાવ્યનું સ્થાન હતું. એનો અર્થ કેટલેક સ્થળે અસ્પષ્ટ રહી ગયો છે. અને શબ્દો પણ કોઈ કોઈ સ્થળે અપુષ્ટાર્થ છે.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book