અનુત્તર પ્રશ્ન-પરંપરા – જગદીશ જોષી

કેમ છો

ચિનુ મોદી

કેમ છો? સારું છે?

આ કાવ્યમાં પ્રશ્નો કેટલા બધા છે! બલ્કે, પ્રશ્નો જ છે. અને તે પણ એવા કે જેનો કોઈ ઉત્તર નથી. જિંદગી પ્રશ્નોની જ પરંપરા છે અને જીવન એક અનુત્તર પ્રશ્ન.

‘કેમ છો? સારું છે?’ આ બુઢ્ઢો થઈ ગયેલો પ્રશ્નઃ તે એટલી હદ સુધી કે એના ઉત્તરની અપેક્ષા ન તો છે પૂછનારને કે ન સાંભળનારને. આ પ્રશ્ન તો આપણે એકમકને જોયા છે તે હકીકતની નોંધ લેવા પૂરતો, એ હકીકતને register કરવા પૂરતો, એક opening gambit પૂરતો જ તેનો ઉચ્ચાર છે. પરંતુ બોલચાલના આ ચીલાચાલુ શબ્દને લયનો સ્પર્શ આપીને અહીં કવિ નવા પરિમાણનો કેવો જાદુ સર્જી જાય છે!

બે ચિરપરિચિત અને છતાં અલગઅલગ બે વ્યક્તિના મિલનની અહીં વાત છે – મનુષ્ય અને તેનું પોતાનું પ્રતિબિમ્બ. દર્પણમાં જોયેલા ‘ચહેરા’ (મહોરા?)ને રોજ રોજ ‘આમ જ’ ખબરઅંતર પૂછવા પડે એ જ બતાવે છે કે માનવજાતનું ભીતરી તંત્ર કેવું કથળી ગયું છે! કોઈ પૂછે ‘પણ, તને થયું છે શું?’ તે તેનો જવાબ કંઈ નથી. The wound is there; but you cannot ‘localize’ the pain… આ માર્ગ ઉપર માનવજાતની આહટની નિશાનીઓ સ્પષ્ટ સબૂત આપે છે; પગલાંની છાપ દેખાય છે પણ આ માર્ગનું કોઈ નામ નથી. આ ‘નામ વગરનો’ મારગ છે. વાતવાતમાં દુણાઈ જતી લાગણીના રક્ષણ માટે આપણે defence mechanismની ઢાલ ઊભી કરી છે. આ દરવાનોની ખડીચોકીનો ખપ શું? કોઈની – લાગણી કે વ્યક્તિની આવનજાવન હોય તો ને! આખીય વાતને એક સશક્ત image દ્વારા કવિએ કેવી આબેહૂબ મઢી લીધી છે! દરિયો ઉલેચવાના ભગીરથ કાર્ય માટે આ ગભરુ પારેવડાં એકઠાં તો થયાં પણ છેક કાંઠે આવીને પૂછે છે કે ‘આ પાણી ખારું છે?’ જીવનમાં પણ આવું જ નથી બનતું? બહુ જ આવેગથી ને આવેશથી અપનાવેલા માર્ગમાં ખરેખરી કટોકટીનો વળાંક આવે ત્યારે આપણે પણ પ્રશ્નના પાટિયાને વળગીને વચમાં જ ફસડાઈ નથી પડતા?

અહીં જળ કે સ્થળની, સર્પ કે રજ્જુની આશંકા કે વંચના નથી. પાણીમાં દર્પણ દેખાય છે. વહેતી વસ્તુ, વહી જતી વસ્તુ, જાણે કે ધારણ કરી શકે છે પણ જે સ્થિર છે, નક્કર છે તે – અરીસો – પ્રતિબિંબને નહિવત્ કરી મૂકે છે. ‘કોઈ નહીં?’નો અનુભવ આંખોમાંથી ઝરમરિયા વરસાદ રૂપે વહે અને છતાંય અંતે તો કોઈ નહીં! ઑક્ટેવિયો પાઝની જેમ કહેવાનું મન થાય કે “all night you are raining” અને છતાંય આ પાણીમાં, વહી જતા પાણીમાં, કોણ કે કોની સ્મૃતિ કે કોની – you –ની સ્મૃતિમાં પ્રતિબિંબો છે એ માણવા થોભો તો એ આભલાંની જેમ જડી શકાશે? “Somebody is the culprit” અને છતાંય એ સ્મૃતિના કે એની વિસ્મૃતિના પરિપાક રૂપે બે આંસુઓ ખરે છે ત્યારે આપણી જ આંખ પૂછી બેસે છે કે આ ‘પાણી’ તારું છે? ત્યારે કહેવું શું – ‘સારું છે?’

વિક્ષુબ્ધ થયેલી લાગણીનો દરિયો આ કાવ્યમાં છલોછલ લહરાય છે. કેટલાય પ્રશ્નોનાં પારેવાં એને ઉલેચવા આવ્યાં છે. પરંતુ કાંઠાના પાણીની ખારાશને બરોબર પિછાણનાર કવિ જ્યારે એ વ્યથાને મધુર ગીત રૂપે વહેતી મૂકે છે ત્યારે તેઓ આપણામાં એક સુંદર કાવ્ય માણ્યાની સભર આનંદની લાગણી મૂકી જાય છે.

૨૩-૨-’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book