અનહદ અપાર વરસે વિશે – રમણીક અગ્રાવત

નયના જાની

અનહદ અપાર વરસે

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,

‘વરસાદ’ અને ‘વરસવું’ એટલે શું તે કોઈને સમજાવવું ન પડે. કોણ એવું અભાગી હોય જે વરસાદથી ભીંજાયું ન હોય, જેનામાં વરસાદે કંઈ રોપ્યું ન હોય. આમ ભલે કાતરક સુદ એકમથી એટલે કે બેસતાં વરસથી નવાં વરસની શરૂઆત થતી હોય. પણ લાગે એવું કે ચોમાસાનો પહેલો વરસાદ પડે કે નવું વરસ શરૂ, નવું ચક્ર શરૂ! એક વરસાદ પડે કે આકરા ઉનાળાની તમામ વિટંબણાઓ ભૂલાઈ જાય. જાણે વરસાદની એક જ છાલકથી બધી આપદાઓ ધોવાઈ જાય છે. અને વરસાદનું છે પણ એવું જ. વરસવું એટલે વરસવું! આકાશમાં ખરકાયેલાં વાદળાંઓ જ્યારે વરસે ત્યારે કોઈ કસર રાખતાં નથી. પૂરેપૂરાં નિચોવાઈ જાય ત્યાં સુધી વરસે! મન મૂકીને વરસે નહીં એ વરસાદ જ નહીં. દુષ્કાળની દારુણતા કેવી હોય તે આપણાં સંચિત અનુભવમાં જમા થયેલું છે. સંવત ૧૯૫૬માં પડેલો ‘છપ્પનિયો’ તો કહેતી રૂપે સૌનાં માનસમાં જડાઈ ગયો છે. આકાશ જ્યારે વરસવું ભૂલી જાય છે ત્યારે માણસાઈના ઝરા પણ સુકાવા માંડે છે. માનવતાનાં ભીતરી વહેણો નંદવાઈ જાય છે. જે માનવતાનાં ગીત ગાતાં આપણે થાકતાં નથી એ જ માનવતા થૂથઈ થઈ બેસે એવાં વરવાં દર્શન કરાવે છે. તો શું વરસાદ જ આવીને આપણને વરસતાં રહેવાનું યાદ કરાવી દે છે? વહેતાં રહેવાનું છે એવું ફરી ફરી આભમાંથી ઊતરતાં પાણીએ જ કહેવું પડશે આપણને? વરસાદ ખેતરોમાં માત્ર અન્ન ઊગાડતો નથી. થાકી ગયેલાં માનવ્યને પણ એ નવપલ્લવિત કરે છે. સુકાઈને ડૂકવાં આવેલાં માનવતાનાં વહેણને પુનઃ ખળખળતું કરે છે વરસાદ. એથી જ લાગે છે કે પહેલાં વરસાદનો છાંટો પડે કે થાય છે શ્રી ગણેશ નવાં વરસનાં. નવા સમયનાં બીજ જીવતાં થાય અને રચાય એક નૂતન ઉઘાડ.

કવયિત્રી નયના જાની એક નવીન વરસાદનો અનુભવ કરાવે છે. અનહદ અને અપાર વરસતા સ્નેહના વરસાદનો. કાવ્યની શરૂઆતમાં જ આ સ્નેહવર્ષણથી જાણે મૂંઝાઈ બેસીએ એવા અનુભવમાં મૂકી આપે છે. ચોમેર ધોધમાર વરસતા આ વરસાદને કેટલોક ઝીલવો, કેમ ઝીલવો એવી મીઠી મૂંઝવણ થઈ પડે એવી ઝડી વરસી છે. ખરેખરા વરસાદનો અનુભવ એને જ કહેવાય કે એને ઝીલતાં એમ લાગે કે હું કેટલુંક ઝીલું? ઝિલનાર ઝીલતાં થાકે એ વરસાદ ન્યારો. આ વરસાદ કંઈ અષાઢ કે શ્રાવણનો જ વરસાદ નથી. એ તો અકળ, અમસ્તો, અનાયાસ વારંવાર વરસતો વરસાદ છે. નવાં નવાં માતૃત્વને પામેલી કોઈ સ્ત્રી પોતાનાં બાળકને પહેલી વાર સ્તનપાન કરાવવાં લે અને માતૃવર્ષાની હેલીમાં નવજાત બાળક મોં અને નાક સુધ્ધાં ભરાઈ જતાં જેમ મૂંઝાઈ રહે એવી જ સ્થિતિ સર્જાય છે આ અનહદ અને અપાર વરસતાં નેહવર્ષણમાં! અને જુઓ ક્રિયાપદોની ભરમાર પણ કેવી મચી છેઃ ‘ભીંજાઉ, ન્હાઉ, ડૂબું.’ આઘે તણાઉ એવું.’ દેમાર ક્રિયાઓનાં વરસાદમાં જાણે ઘટના તાદૃશ્ય થાય છે. નેહના ગગનનો સઘળો સાર જાણે વરસી રહ્યો છે. સ્નેહની આવી વર્ષાથી કોણ ધરાય? અને આવી વર્ષામાં તરબોળ થવા મળે તો કોણ એવું અભાગી હોય કે મન મૂકીને ન માણે?

સ્નેહવર્ષા પણ એવી થઈ રહી છે કે એ પોતાનાં જ કાબૂમાં નથી રહી. એને જ તો સ્નેહવર્ષા કહેવાયને? હા કહો તોપણ વરસે અને ના કહો તોપણ વરસે. વરસી પડવાને ઉતાવળી થયેલી આ સ્નેહવર્ષાને કેમ વારવી એવી મીઠી મૂંઝવણમાં ભીંજાતાં આ કાવ્યકૃતિની વચોવચ આપણે મુકાઈ જઈએ છીએ. હા કહો કે ના, પ્રેમ તો ધરાર વરસવાનો જ છે. જે વરસી પડવા આતુર થઈ જાય છે એને વારવું કપરું બને છે. એ ધરાર વરસે જ. જે સ્નેહ કરશે તે પૂછી પૂછીને નહીં કરે. પ્રેમઘટા જો ઘેરાઈ તો વરસીને જ રહેશે. અરસપરસ એકમેકને સ્નેહવર્ષાની વિપુલતામાં નવરાવતાં હૈયાંઓ સામટું વરસે ત્યારે કેવું સોહામણું દૃશ્ય રચાય! એ અનુભવ તો કાઠા દિવસોમાંય ચાલતાં રાખે એવો બળવાન હોય. ચોમાસામાં ભૂગર્ભજળ ભંડારમાં જે ઉમેરણ થાય છે તેનું બળ ઉનાળાના કપરા દિવસોનાં તાણને ખાળવા કામ લાગે. જ્યારે આવો નેહ ચારે તરફથી વરસે ત્યારે તેની સહજ પ્રતિક્રિયારૂપે અંદરથી જ છલક છલક થઈ જવાનો ભાવ જાગે છે. એ પ્રતિ-ભાવવર્ષામાં છોળ છોળ થઈ જઈએ છીએ. ઘેઘૂર અને ઘૂઘવતો આ ખુમાર અણગમતા દિવસોની અડાબીડ ઝાડીમાં આપણને નચિંત અને નિર્ભયપણે ચાલતાં રાખે છે. સ્નેહથી સંતૃપ્ત થયેલું હૈયું બીજું કશું જ માગતું નથી. સ્નેહવર્ષાની આર્દ્રતામાં અતૃપ્તિની પીડાઓ ભીંજાઈને શમી રહે છે. સર્વત્ર છલક છલક છલી વળેલી પ્રાપ્તિની ‘હાશ’ એવા ખુમાર વચ્ચે ઊભા રાખી દે છે જ્યાં થાકનું તો નામોનિશાન નથી. ઉલ્લાસ અને આનંદનો વરસાદ વરસાદ છે. અનહદ વરસતા નેહની આનંદધારામાં ફરી ફરી નહાવા માટે એક જ ભાવને ઘૂંટી ઘેરો બનાવતી આ ગઝલકૃતિ ફરી વાંચો અને ભીંજાવા દો અંદરથી ઊમટતા ખુમારને!

આ કવયિત્રી આ કાવ્યમાં સ્નેહના વરસાદ પર વરસી પડ્યાં છે. સાવ સંયત રહીને એમણે માત્ર સ્નેહનો જ મહિમા કર્યો છે. આપણે જો સ્નેહવર્ષામાં ભીંજાવું હશે તો એવો જ સ્નેહ કોઈને આપવો પડશે. સ્નેહ પામવા માટે કોઈ શરતોના આડબંધ રાખ્યા વિના માત્ર સ્નેહ કરતાં રહીશું તો અનહદ અને અપાર સ્નેહ મળવાનો જ છે. એ વરસાદ આપણાં કહેણની રાહ નહીં જુએ. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ સ્નેહધારાઓ અનાયાસ ભીંજવતી રહેવાની છે. સૂર્ય જ્યારે અતિ દાહક બને છે ત્યારે જ આવનારી વર્ષાનાં બીજ વવાતાં હોય છે. સારનોય સાર એ છે કે નેહના ગગનમાં જ્યારે બાષ્પ અતિ સંપૃક્ત થશે ત્યારે વરસાદ અચૂક પડવાનો જ છે. વરસ્યાં વિના એનાથી રહેવાશે જ નહીં.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book