અતિ–વાસ્તવમાં સમ્ભવેલો કરમોક્ષ – રાધેશ્યામ શર્મા

નલિન રાવળ

હાથ

અન્ધારના દોરડે લટકે છે ઓરડો એક

આધુનિક અને આધુનિકતાની કવિતા પર કવિ નિરંજન ભગતનો પ્રભાવ અમુક તબક્કે અચૂક રહ્યો. નિરંજન સાથે, એમના અનુગમન કરતાં પ્રેરણા યા પ્રોત્સાહન પામી કેટલાક શબ્દનિષ્ઠ કવિતારસિકોએ પોતાની રીતે–ભાતે સંગતિ કરી એમાં નલિનનું નામ પ્રધાન સ્થાને. ‘લયલીન’ (૧૯૯૬) પ્રગટ થયો ત્યારે કવિએ ઉપશીર્ષક પંક્તિ સરકાવી: ગુજ્જુ હૃદયમાં કાવ્યના અવકાશવ્યાપી છન્દ, સાથે નિરંજનીય ‘છન્દોલય’ પણ હજુ નલિન ગુંજ્યા કરતા હોય એનો રસાત્મક અહસાસ ‘હાથ’માં અતિશય નહીં પણ ક્યાંક ક્યાંક ઝળકી જાય. નિરજંન ગાય: ‘લાવો તમારો હાથ મેળવીએ.’ એમના કેમ, સન્તપ્રસાદ ભટ્ટના વર્ગમાં શેક્સપિયરની પંક્તિ રિપીટ થઈ જતી હોય…The hand of little employment hath the daintier sense..

– કવિ નલિન રાવળનો ‘હાથ’ બધાથી અલગ પડી જાય…. અન્દાજે બયાં ઔર.. કેવી રીતે? ‘હાથ’ મથાળા પછીનું જ નિરૂપણ ફરી વાંચી જુઓ તો… એક ઓરડો અન્ધારના દોરડે લટકે છે, અજ્ઞાત પ્રાણી યા ભૂત ભટકતું હોય એમ ભટકે છે. છતની વળીઓમાં ઠેર ઠેર – ભૂલાં પડેલ પગલાં અનેક… ભેદભરમ ઘૂંટતો haunting setting ખડો થઈ ગયો. પણ એથી આગળ વધીએ તો, રસેન્દ્રિય ઉત્તેજે એવી સામગ્રી સાંપડે:

પતંગિયાં સ્વપ્નોનાં ઊડે ઊડે ભોંયતળિયે છેક
ઘડિયાળે સમયનું સૂકું જંગલ ટિંગાય
ભેજથી ભીની ભીંતો ફુગાય
ઘરડી હવા હાંફી પડી ફસડાય

સ્વપ્ન–પતંગિયાં છેક ભોંયતળિયે (અનકૉન્શ્યસ સ્તરે?) જે ઊડે ને! આવી સાભિપ્રાયતા સાથે ‘ઊડે ઊડે’નું આવર્તન ગતિસૂચક પણ છે. ‘સમયનું સૂકું જંગલ ઘડિયાળે ટિંગાય એ કોઈ મોટા ગજાના કર્તાને અચાનક સ્ફુરે એવી પંક્તિ મનાય, પણ ‘ભેજથી ભીની ભીંતો ફુગાય,’ ‘ઘરડી હવા હાંફી પડી ફસડાય’ ત્યાં ક્ષયિષ્ણુતા (decadence) પ્રદર્શિત કરવાનો અતિ ઉત્સાહ કળાત્મક સંયમને જરાક જાકારો દેતો સ્પષ્ટ જોઈ શકાય છે.

ખુરશી ઉપર અડધો ઢળી જે કોઈક પડ્યો છે ત્યાં ‘હાથ’ આમ પ્રકટે છે. બે હાથ ઢાળી ટેબલે માથું નમાવી.’ ઓરડાના અન્ધારઘેર્યા વાતાવરણમાં, ફુગાયેલી ભીંતો અને સમયનું સૂકું જંગલ જ્યાં ટિંગાયું છે એ ઘડિયાળની હયાતી વચાળ જે પાત્ર પડ્યું છે એને માથે, ઓછું હોય તેમ કર્તાએ ‘ટાલ’ પણ દર્શાવી છે! પણ આ બધો છેતરવાનો કસબ સપાટી પરનો વધુ છે. ટાલ શાથી પડી હશે? કેવા વૃદ્ધ માણસની આ ટાલ છે? જે રાત–દિન કશું લખવા મથામણ કરી રહ્યો છે ને નિષ્ફળ નીવડ્યો છે. કોરા કાગળમાં (લાભશંકર ઠાકરવત્?) બૂમ પાડી હશે પણ પડઘો પડ્યો નથી, પાછો મળ્યો નથી! સાત સાગર તરવું કે ચન્દ્રરોહણ સ્કેલ, ‘પણ આ એક કોરા કાગળ લખવું ઘણું મુશ્કેલ…’ સોયના નાકામાંથી ઊંટ સરકીને જવાનો ઉલ્લેખ બાઇબલસન્દર્ભ ઝંકૃત કરી જાય પણ નલિન જેવાએ આવા ‘ક્લિશે’ને તુરત તિલાંજલિ કેમ ના આપવી જોઈએ?

અહીં સુધી હ્યાસબુભુક્ત વાસ્તવ સાથે પનારું પાડી ચૂકેલી રચના એકદમ અતિવાસ્તવ પરિમાણ ધારણ કરી લે છે. નાકામયાબ લેખકનું પાત્ર ઊભું થતાં જ એના અંગૂઠા મહીંથી બાહુક શો વિરૂપ પડછાયો હળવેકથી ફૂટે છે ને ઢમઢોલ થઈ ઓરડે અત્ર–તત્ર–સર્વત્ર ‘છવરાઈ’ જાય છે. ફરીથી ફૂગથી (નલિને આ ‘ફૂગ’થી બચવા જેવું છે જે એમની ઘણી રચનાઓમાં વારે વારે ફૂટી નીકળી આવી છે!) ભીંતો ભોંય છત ટેબલ અને ટેબલ પરનો પેલો ‘કમનસીબ’ કાગળ જેના પર હાથ એક કાળો અક્ષર પાડી શકતો નથી તેવું સકલ ‘ઊભરાય’ છે.

પ્રૌઢ લેખક–સર્જકમાં, એના ભોંયતળિયે ઊડતાં સ્વપ્નોને સાકાર ના થવા દે એવી Sterility કોઈક અગમ્ય અણસાર શા અનિષ્ટના પ્રતિરૂપ સમો બાહુક વિરૂપ પડછાયો સર્વત્ર છવાઈ કદાચ ફૂલીને ‘ડિફ્યુઝ’ થઈ ‘ફૂટી ગયો. કહો કે લયલીન અવકાશમાં વિ-લીન થઈ ગયો.

પ્રતિબદ્ધ નહિ પણ પરિબદ્ધ હાથ તો બહાર’ છે પણ કવિ ‘ભીતર’ની ગતિના જાણતલ હોવાથી સુરરિયલ રીતિએ એક અભિનવ હાથ અચાનક ફૂટાડે છે ને પેલો લેખનાતુર જુએ છે કે હાથ બારી બહાર નીસરી ગ્રહો, તારા, નિહારિકા ભર્યા અવકાશનીય પાર ઘણે આગળ ‘લમ્બાય છે એ હાથ…’ આવા મુક્ત હાથ માટે સમસ્ત જગત, બ્રહ્માંડ પણ કાગળ બની ગયું!

હાથને અહીં પરાત્પર, લૌકિકતાની પેલે પાર, ભૌતિક પરિવેશને ઉલ્લંઘી શકતી સર્જનાત્મકતાના આકસ્મિક આવિષ્કારનું પ્રતીક બનાવી ‘ટ્રાન્સડેન્ટલ સ્ટેટસ’ પણ અર્પ્યું જે અભિનન્દનીય છે.

કાવ્યમાં કથા જેવું ગૂંથી લીધું હોવાથી અહીં મને ઝાંખી યાદ બચી છે તે કદાચ વિલિયમ સારોયાનની કોઈક વા–ર–તામાં હાથ લાં…બો થઈ સ્વિચબૉર્ડ કે બારણા લગી પહોંચી જવાનો ચમત્કૃતિજનક ઉપક્રમ છે તેવો અહીં પણ ફરી ડોકાયો!

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book