અંધકારમાં આકારનો અવતાર – જગદીશ જોષી

અંધકાર

સુરેશ જોષી

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.

અંધકાર ભલભલા રૂપને, આકારને નિરાકાર બનાવે છે: પણ છતાં તેં તો તારા અંધકારને ખુદને એક આકાર આપ્યો છે, એક સ્વરૂપ બક્ષ્યું છે!

કાવ્યની પહેલી પંક્તિનો પહેલો શબ્દ કેટલો સાર્થક લાગે છે!  ‘આજે હું તારા અંધકાર સાથે બોલીશ.’ કોઈ બીજો વિકલ્પ નથી એ હકીકતમાંથી જ આજનો આ સંકલ્પ જન્મ્યો છે. ઘણીબધી ગઈ કાલોનાં મૌનનાં જંગલોમાંથી આજની આ ગર્જના સંભળાય છે.

નારી, પુરુષને માટે, હંમેશાં અકળ ને રહસ્યમયી રહી છે. એક ‘અણજાયા’ માયા જ રહી છે. અહીં એક પક્ષે કશુંક ગુપ્ત છે, સુષુપ્ત છે. (પણ કદાચ લુપ્ત નથી); અને એ અંધકારને જાગ્રત કરવાની ઝંખના છે. સામી વ્યક્તિ શું બોલે છે એ મહત્ત્વનું નથી પણ શું નથી બોલતી એ જ મહત્ત્વનું છે, નહીં બોલાયેલો શબ્દ જ એનો સાચો સાદ છે. પ્રિય વ્યક્તિ સામે હોય, એની આંખે ઘેરાયાં વાદળનાં પડળ હોય: આપણે જોઈ શકીએ છતાં જાણી ન શકીએ! જાણવાનો પ્રયત્ન કરીએ, કોઈક તંતુ હાથ આવે ને સત્ય સરકી જાય અને જે અંધકારનો સામનો કરવો પડે તે માટે તત્પર થવાનું છે.

વર્ષો સુધી વાગોળેલી વાણીનો ઓગાળ ઘણો પડ્યો. લાગે છે કે એ અંધકારને જ હવે આશ્લેષમાં લઈ તેની સાથે મૌનની વાણીથી વ્યવહાર બાંધવો પડશે. વાણીનું ચક્ર જ્યાં પાછું ફર્યું છે ત્યાં હવે ‘મૌનના ચકમક’ને જ કામે લગાડવું રહ્યું.

કાવ્યનાયક અંધકાર સાથે વાત કરવા માગે છે, તારા અંધકાર સાથે. કેટલીય ગઈ કાલની ગૂંગળામણો છે. થયેલી બધી જ વાતોને મૃગજળ બનાવી મૂકવાની શક્તિ ધરાવતા બે હોઠનો તરત જ ઉલ્લેખ છે. તારા બે હોઠની વચ્ચેના કોઈક પોલાણમાં ટૂંટિયું વાળીને જે કૂણો અંધકાર પડ્યો છે તેની સાથે મારે જીભાજોડી નથી કરવી, એક સેતુ બાંધવો છે. ગઈ કાલના કવિઓએ સ્ત્રીનું સંસ્કૃત વર્ણન કરતાં કરતાં પોતાની કલમને બુઠ્ઠી કરી નાખી: ત્યારે આજનો કવિ એ જ સામગ્રીનો નવી રીતે વિનિયોગ કરે છે. પરવાળા જેવા હોઠ, કેશકલાપ વિશેનો રોમૅન્ટિક પ્રલાપ કે તલ ઉપર સર્વ ભૂતલ ઓવારી નાખવાની ઇશ્કી વૃત્તિનો અહીં ઇશારોય નથી. પણ એની એ જ સામગ્રીને કવિ અહીં એકાદ શબ્દથી નોખી પાડી દે છે, અનોખી કરી દે છે. પ્રિય વ્યક્તિ વાત કહે છે અને છતાં કંઈ કહેતી નથી: એની વાતમાં સત્યનારાયણ પૂર્ણકુસુમ રૂપે પ્રગટતા જ નથી એ હકીકતને કવિ ‘કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર’ કહે છે. કેશકલાપનો અંધકાર કુટિલ છે, તો ચિબુક પરનો તલ ‘અંધકારનું પૂર્ણવિરામ’ છે. અહીં લાગણીની ઇતિશ્રી તો નહીં હોય ને?

અંધકારનાં ચિહ્નોની વાત થઈ; પણ એની સાથે કામ કેમ પાડવું? ‘તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ.’ કશુંક ગુહ્ય છે, ગુપ્ત છે, લપાયેલું છે અને એટલે જ હૃદયના અવાવરુ ઊંડાણમાં વસેલા ‘જરઠ’ અંધકારને ઢંઢોળવાનું કવિ ચૂકતા નથી.

ઢાંકપિછોડામાં કે છાનગપતિયાંમાં ગતિની કોઈ સ્વાભાવિકતા રહેતી નથી. એમાં વૃક્ષની નૈસર્ગિકતા નથી. કવિ એટલે જ તો કહે છે કે વૃક્ષની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય હું તારા ચરણને શીખવીશ. તારા ચરણની ચાલ(ચલગત) કશાક inhibitionથી પીડાય છે. ઓતપ્રોત થવાનો હવે એક જ રસ્તો છે: તને અંધકારનો ચહેરો ગમે છે?… તો હવે ‘આજે હું અંધકાર થઈને તને ભેદીશ.’

જે ગર્જના કરવા હું આજે તત્પર થાઉં છું એ ગર્જના ગઈ કાલે કરી હોત… તો? જવાબમાં કદાચ — નસેનસમાં વ્યાપેલો અંધકાર…!

૧-૧૨’૭૪

(એકાંતની સભા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book