કોણ રોકે! વિશે – ચંદ્રકાન્ત શેઠ

સ્નેહરશ્મિ

કોણ રોકે!

આ પૂનમની ચમકે ચાંદની,

શ્રી ઝીણાભાઈ દેસાઈ – `સ્નેહરશ્મિ’નું આ `પનઘટ’ કાવ્યસંગ્રહમાંનું જાણીતું ગીત છે. આ ગીતની મધુરતા ને સરલતા ભાવકના કાનને અને મનને સદ્ય અસર કરે એવી છે. ગીતમાંનો કેન્દ્રવર્તી ભાવ પણ હૃદયંગમ છે.

મનુષ્યનાં તન-મન જ્યારે ખીલે છે, વિકસે છે, જ્યારે એ પૂર્ણ સૌન્દર્યના આવિર્ભાવ પ્રતિ અભિમુખ – સક્રિય થાય છે. ત્યારે એનો કોઈ અપૂર્વ પ્રભાવ અનુભવાય છે. મનુષ્યના અસ્તિત્વના ઉત્સવનો એક માહોલ રચાઈ જાય છે. મનુષ્યના સૌન્દર્યનો, એના સામર્થ્યનો કોઈ અનનુભૂત ઉદ્રેક ત્યારે વરતાય છે. આ ગીતમાં કવિ પરંપરાગત ઉપમાનો દ્વારા આ ઉદ્રેકના આનંદાનુભવનું ગાન કરે છે. ત્યારે ઉત્સાહ છે, ઉમંગ છે અને કવિનો આવા અવસર પૂરતો અલગારીપણાનો મિજાજ પણ જોઈ શકાય એમ છે.

કુદરતના વિકાસ-આનંદનું કામણ અવનવી રીતે આ સૃષ્ટિમાં મનુષ્યોમાં અને મનુષ્યેતર સત્ત્વોમાં પ્રગટ થતું અનુભવાય છે. પૂર્ણિમાની રાત હોય, અષાઢી વર્ષાનું આગમન હોય, વસંતના પગલાં થતાં હોય ને આંબે મહોર બેસતા હોય, મનુષ્યમાં જોવનાઈનો જાદુ નિર્બન્ધપણે કામ કરતો હોય ત્યારે એમાં આ સૃષ્ટિના સત્ત્વ-સૌન્દર્યની કોઈ અનોખી મુદ્રાઓ-છાકછટાઓ પ્રગટ થતી હોય છે. કવિ સૃષ્ટિના આવા મોહકમુક્ત ઉઘાડ ને ઉછાળની અહીં ભાવકથા માંડે છે.

કવિ પ્રત્યેક કડીનો ઉપાડ આંગળી ચીંધીને `આ’ એવા દર્શક સર્વનામના ઉદ્ગારથી કરે છે. કવિની દૃષ્ટિ સામે જ સૃષ્ટિની સૌન્દર્યલીલાનો સંચાર ચાલે છે. કવિ તેનાથી વેગળા કે દૂર તો કેમ રહી શકે? જે પૂનમની ચાંદનીથી પોતે ભીંજાતા હોય, પોતે જેની ચાંદની ઝીલી ભીતરમાં ભાવભરતીનો ભરપૂર અનુભવ કરતા હોય એ કવિ પૂનમને, એની ચાંદનીને, એ ચાંદનીથી ઉન્મત્ત બનીને ઊછળતા સાયરને કે સાયરોને રોકવા-ટોકવાની ખરેખર ઇચ્છા ધરાવતા હોય ખરા? ઊલટું એ તો એમ કહેવા માગે છે આ પૂનમને, આ ચાંદનીને કોઈ કહેતાં કોઈ રોકી શકે એમ નથી. એ પૂર્ણિમાના સૌન્દર્યનો મનભર અનુભવ કરતા સર્વ સાગરોનેય ટોકવાનું કોઈનું ગજું નથી. સૌન્દર્યના કેફમાં ચકચૂર આ પ્રકૃતિ-સત્ત્વોને રોકવા-ટોકવાની વાત જ મિથ્યા છે; ચિત્તમાં એ ઊગવી જ ન જોઈએ. પ્રકૃતિના-સૃષ્ટિના સાચા સૌન્દર્યેદ્રિકને તો જોવા-ઝીલવાનો, માણવા-પામવાનો જ આનંદ હોય. એમાં અવરોધ થવાનું તો સ્વપ્નેય સૂઝવું ન જોઈએ. કવિ તો પ્રશ્ન ને વિસ્મય બેયના સંમિશ્ર ભાવે, માર્મિક રીતે, આવા ઉદ્ગારો કાઢે છે : `એને કોણ રોકે?’, `કે એને કોણ ટોકે?’ કવિના આ ઉદ્ગારોના પ્રશ્નવિરામમાં આશ્ચર્યવિરામ છે ને આશ્ચર્યવિરામમાં પ્રશ્નવિરામ છે! કવિ બરોબર જાણે છે કે પ્રકૃતિ જ્યારે સૌન્દર્યની મસ્તીમાં સોળે કળાએ ઊઘડતી – ખીલી હોય ત્યારે એની મસ્તીમાં સમુદ્રની જેમ સહભાગી થવામાં – ઓળઘોળ થવામાં જ સાર્થકતા. રોકવા-ટોકવાની તો વાત જ અપ્રસ્તુત છે. કવિ દરેક કડીમાં જે રીતે `એને કોણ રોકે?’ અને `કે એને કોણ ટોકે!’ જેવી ધ્રુવપંક્તિઓની આયોજના કરે છે તેની પ્રભાવકતા સ્વયંસ્પષ્ટ છે. કવિના આંતરભાવની ઘૂંટામણ, એનું દૃછીકરણ એથી સધાતું લાગે છે. વળી `કાંઈ’ પદથી નિર્દેશાતી કવિ મન:સ્થિતિની મુગ્ધતા તથા `કે’ જેવા ઉભયાન્વયી અવ્યયના પ્રયોગે સધાતી આંતરભાવની નજાકતભરી વિસ્ફોટતા પણ અસ્વાદ્ય બને છે.

કવિને જેમ પૂર્ણિમાનું પ્રકૃતિદર્શન તેમ વર્ષાનું સૃષ્ટિદર્શન પણ મુગ્ધ કરે છે. અષાઢી મેહુલાના દર્શને જેમ પેલા કવિ કાલિદાસને તેમ આ કવિનેય ઊંડો રસરોમાંચ થતો જ હોય; એટલે તો પૃથ્વીની પુલકિતતામાં કવિસંવિતની પુલકિતતાયે અનુસ્યૂત હોવાનું લાગે છે. પૃથ્વીની સાથે કવિની સર્જકતાનેય કોળવાનો અનેરો અવસર આ અષાઢી અમીવર્ષણે જ પ્રાપ્ત થતો હોય છે. અને રોકવા-ટોકવાનો તે ખ્યાલ પણ કેમ વેઠાય? કવિ આ સૌન્દર્યના ઉન્મત્ત ઉછાળના સંદર્ભમાં `રોકવા-ટોકવા’નો ખ્યાલ જ ન ટકી શકે એવો હોવાનો મર્મર જ પ્રત્યેક કડીમાં ધ્રુવપંક્તિઓના પુનરાવર્તને ભાવકને સરલતા અને સચોટતાથી પહોંચાડતા રહે છે.

કવિ વસંતના પ્રભાવ-સ્પર્શે વિકસતાં પુષ્પોની અને એ પુષ્પોનો મધુરસ મનભરતાથી માણીને ગુંજારવ કરતા મધુપો – ભમરાઓની વાત માંડે છે. સર્જન અને સ્નેહના સાયુજ્ય સંવાદના અવસરમાં પ્રકૃતિનો – સૃષ્ટિનો જે ઉલ્લાસ-ઉત્સવ સર્જાય છે તેમાં કવિચિત્ત પણ પુષ્પની જેમ વિકસવામાં ને મધુપની જેમ તેનું રસપાન કરવામાં કૃતાર્થતાનો ભાવ અનુભવે છે. કવચિત્ત પણ વસેતના ચેતનાસ્પર્શે `અનાયાસ છંદે લવતું’ થતું હશે. કવિને એનોયે આનંદ જ હોય ને? એમાં એમને કોઈ જાતની રોકટોક કે અવરોધ – વિક્ષેપ મંજૂર ન હોય. જ્યારે ચરાચર સૃષ્ટિ વિકાસના, સર્જનના, સ્નેહ-સંવાદના ભાવસંબંધોમાં લીન અને સક્રિય થઈ સર્વથા વિકાસ સાધતી હોય, આંતરમુક્તિનો રસાનંદ પ્રફુલ્લતાથી માણતી હોય ત્યારે એને વશવર્તવામાં, એમાં પોતાને પૂરેપૂરા ભેળવી દેવામાં જ કવિને તો પરમ લીલારસ, ઉત્કૃષ્ટ સર્જનરસ પ્રતીત થતો હોય એ સ્વાભાવિક છે.

વસંતે જેમ આંબો મહોરે ને કોયલ મન મૂકીને ટહુકે તેમ જ કવિનું ચિત્ત પણ મહોરે ને આનંદમસ્તીમાં ગાનટહુકે ઝૂમે એ જ કવિને તો અભીષ્ટ હોય. આંબે મંજરી આવે તો તેથી કંઈ અફસોસ કરવાનો ન હોય, બલકો રાજીના રેડ થવાનું હોય. આંબાને મહોરતો અટકાવવાનો ભાવ થવો એ જ પાપ કહેવાય. એવા પાપથી તો બચવાનું જ હોય. ઊલટું, મનમાં આ રીતે બધાય આંબા મહોરે – વિકસે એ જ વાંછવાનું હોય; ને ત્યાંયે અટકવું ન જોઈએ. કોયલ જેમ મહોરેલો આંબો જોઈ ટહુક્યા વિના રહી શકતી નથી તેમ સંવેદનશીલ મનુષ્યે કવિએ પણ મહોરતો આંબો જોતાં ભીતરમાં ટહુકો સ્ફુરે એવા ક્ષમતા-સજ્જતા-તત્પરતા પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ. સૃષ્ટિના – પ્રકૃતિના આનંદ ઉઘાડમાં પોતાના અસ્તિત્વને આનંદપૂર્વક – રસપૂર્વક સામેલ કરી દેવાની જીવનકળા – ઉત્સવકળા મનુષ્યે દાખવવી જોઈએ. એમાં જ એના હોવાપણા ને થવાપણાની ધન્યતા છે.

કવિ મનુષ્યના તન-મનમાં, એના જીવનમાં યૌવનનો ઉઘાડ થાય તેને સ્વાભાવિક રીતે જ વાંછે ને વધાવે. મનુષ્યનો એક અનુપમ ચહેરો યૌવનની અરુણાઈમાં ખૂલતો-ખીલતો પમાય છે. યૌવનનું તો સર્વદા સ્વાગત જ હોય. એને રોકવાની વાત કરનારા સોગિયા-ચોખલિયાઓથી જ ખરું તો ચેતવાનું હોય ને એમને જ ખરેખર તો એવી વાત કરતાં ટોકવા-રોકવાના હોય! પવિત્ર યજ્ઞમાં હાડકું નાખનારા દાનવોના જ તેઓ તો અવતાર ગણાય! એમનાથી બચવાનું જરૂરી છે, નહીં કે યૌવનના ઉન્માદમાં પ્રણયની મસ્તીએ ફાટ ફાટ થતાં સ્નેહીજનોથી. કવિ તો `ઉરમાં ઉર ન માય’ એવા સ્નેહના પ્રબળ અને અદમ્ય અનુભવના જ ભાવક અને ગાયક છે. પ્રકૃતિના – સૃષ્ટિના સ્નેહ-સર્જનના તથા સૌન્દર્ય-આનંદના મહોત્સવમાં પૂરેપૂરા પોતાને રમમાણ થવા દેવામાં જરાયે રોકટોક ન થાય એ જ ભાવ અહીં ફરી ફરીને પ્રગટ કરવાનો તેમનો તો રસ દાખવ્યો છે. જ્યારે સૃષ્ટિ-પ્રકૃતિ સ્નેહ-સર્જનમાં આનંદોત્સવમાં પૂરી મોકળાશે ખૂલે-ખીલે છે ત્યારે કોઈ કહેતાં કોઈ નથી તેને રોકી શકતું, નથી તેને ટોકી શકતું. રોકવા-ટોકવાનો વિચાર પણ અભદ્ર લાગે! કવિએ આ બધું અહીં ગીતની લયમધુર, પ્રાસબદ્ધ બાનીમાં વિના કોઈ ભાર-ભીંસ, સરસ રીતે ને સરલ રીતે રજૂ કર્યું છે. કવિએ પરંપરાગત લયઢાળમાં; પૂનમ, મેહુલો, વસંત, આંબો જેવાં પરંપરાગત ઉપમા – સંદર્ભા કે કલ્પનો પ્રયોજીનેય પોતીકી ભાવાનુભૂતિને રમણીય રીતે પ્રગટ કરી છે. ગીતની શ્રવણીયાત પણ અંત:સ્થ ભાવની કમનીયતાને પ્રભાવક રીતે ભાવકચિત્ત સુધી સંક્રમિત કરે છે અને એમાં જ આ ગીતની અને એના કવિની વશેકાઈ છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book