સંગમાં રાજી રાજી વિશે – રમણીક અગ્રાવત

રાજેન્દ્ર શાહ

સંગમાં રાજી રાજી

સંગમાં રાજી રાજી

એક લોકગીતમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને જોડે રહેવાની વિનવણી કરતાં સંભળાય છે. વિવિધ ઋતિઓ અને સમયનો ઉલ્લેખ કરીને તેની ટેકપંક્તિમાં વારંવાર કહેવાય છે કેઃ ‘જોડે રહેજો રે રાજ…’ આપણે સાથે ને સાથે રહીશું તો ગમે તેવા સંજોગોનો સામનો કરી શકીશું. ઋતુઓના ચડાવઉતાર અને સમયના સંતાપને સહન કરી લઈશું. શિયાળાની શારતી ટાઢ, ઉનાળાના આકર તાપ અને ચોમાસાની તાવણીને સાથે રહીને સહીશું. આપણે સાથે ને સાથે ડગલાં માંડતાં હોઈશું તો શી મગદૂર છે દુઃખની કે આપણને હંફાવી શકે? એકમેકના સંગાથની તોલે આવે એવું અન્ય કશું નથી. જ્ઞાનપીઠ સમ્માનથી વિભૂષિત કવિ શ્રી રાજેન્દ્ર શાહની ઘણી ઉત્તમ રચનાઓમાં પણ આપણી પરંપરાનો આવો નરવો સાદ વારંવાર સંભળાતો રહ્યો છે, ‘સંગમાં રાજી રાજી’ એવી એક મધુર ગીતરચના છે.

શ્રી રવીન્દ્રનાથ ટાગોરની એક બહુખ્યાત રચનામાં એવી આહલેક જાગી છે કેઃ તારી હાંક સૂણીને કોઈ ન આવે તો એકલો જાને રે… જેમ જીવન તેમ સાહિત્ય પર કશાયનો નકાર કરતું નથી. આ સાચું અને તે પણ સાચું. જંગલના ભીષણ ઘેરામાંથી એકલ પંગદંડી જ રસ્તા કાઢે છે. શક્ય છે કે સમયનો સાદ કોઈ એકલકાનને સંભળાઈ ચૂક્યો હોય એવો અન્યોને ન સંભળાયો હોય. એવા સંજોગોમાં કોઈ એકલવાર પણ સાચો નીવડે. જો કે એકલવીરો હંમેશા ઓછા જ મળવાના. માણસને માણસ વિના કદીય ચાલ્યું નથી. એને સારા સંગાથની હંમેશાં શોધ રહી જ છે. સાચા સંગમાં માણસાઈ પણ કોળી ઊઠે છે.

જોને જોતાં જ રાજીપો ઊભરાય એનો સંગ મળે એથી મોટી બીજી વાત કઈ? સાચો સાથી કે સાચી સાથી એક નજરમાં જ પરખાય. આ લઘુક રચનાની છીપમાં આવી સાચુકલી વાત સંગોપીને કવિ લઈ આવ્યા છે. ભલે કશું બોલી શકાતું ન હોય, એકમેકને કહી શકાતું ન હોય પણ સંગમાં રહેવાથી રૂંવાડે રૂંવાડે રાજીપો દેખા દેતો હોય તો એવો સંગ સાચો. લાગણીને વ્યક્ત કરવા ભલે શબ્દો ન મળતાં હોય પણ કહેવાનું બધું જ આંખથી આંખને પહોંચી જતું હોય તો એવો સંગાથ રાજી રાજી રાખે.

કોઈને પણ આપવા માટે આપણી પાસે મોટામાં મોટી અને હાથવગી મૂડી છે પ્રેમ. જરાય દિલચોરી વિના એ પ્રેમને બસ વહેંચતાં રહેવાનું છે. જેમ જીવતાં તળમાંથી આપમેળે ઝરણ ફૂટ્યાં કરે ને નવાણ કદી ખાલી ન થાય એમ જ પ્રેમની આ મૂડી વહેંચતાં રહેવાથી ક્યારેય ઓછી થતી નથી. બલકે એમાં અણધાર્યાં ઉમેરણો થતા રહે છે. સ્નેહના મીઠા વીરડાને ગમે તેટલો ઉલેચો તોય એ કદી ઊણો થવાનો નથી. સતત ઉલેચતાં રહો તે પછી પણ એ છલોછલ જ રહે છે. આપલેના આવા અવસરો જે હૈયાંઓમાં ઉજવાતા હોય એ હૈયાંઓ એમની મસ્તીમાં જ રહે એ શક્ય છે, એમને કોણ પાગલ ગણે? કદાચ એવાં હૈયાંઓને કોણ પાગર કહે તોપણ એ તો એમની નિજી મસ્તીમાં બસ રાજી રાજી હોય છે.

આવી મધુર આપલેમાં રમમાણ હૈયાંઓને એમની વીતેલી વેળાની યાદ પણ આનંદદાયક જ હોય છે. પછીથી પીડા ભોગવવી પડે એવા સંભવને જ પ્રેમ ઊભો થવા દેતો નથી. પ્રેમને હવાલે થનારાઓની સંભાળ પ્રેમ જ રાખે છે. ભાવિના સુંદર સપનાંઓના સાદ સાંભળતાં સાંભળતાં એવાં હૈયાઓ બસ પ્રેમમાં જ ઓતપ્રોત રહે છે. અષાઢી આભમાં ભલે ગાજવીજ થતી હોય પરંતુ એ વાદળાંઓ અંતે તો બધું જળબંબાકાર કરીને જ જાય છે, શાતા વરસાવીને જ જાય છે. આષાઢનો મેઘ આખું વરસ ટળવાનું બળ આપે છે એમ એકમેકના પ્રેમમાં તરબોળ હૈયાંઓ ખુદ તો રાજી રહે જ છે, એમની સાથે સંકળાયેલા સૌને પણ એ રાજીપાનો રંગ લગાડે છે. એકમેકના સંગની ઉજવણીના આ ગાનનું પઠન આપણને પણ જરૂર રાજી રાજી કરી શકે. સાયુજ્યનો આનંદ આઠેય કોઠે વ્યાપી વળ્યો હોય ત્યારે આવું ગાન સહજપણે ફૂટી નીકળે. એ આનંદ ગણગણાટમાંથી ગાન નિપજાવે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book