જવાહર બક્ષી
આજના માણસની ગઝલ
ટોળાંની શૂન્યતાં છું જવા દો, કશું નથી
શ્રી પ્રિયકાન્ત મણિયારે કેટલાય સમય પહેલાં જાહેર કરી દીધું છેઃ ‘એક છાપાની હજારો પ્રત સમાં સૌ આપણે.’ રોજ સવારે લાખો નકલોમાં ઘેર ઘેર પહોંચી જાય ઘટનાઓ. હજી પૂરી ચા પણ પીવાઈ ન રહે ત્યાં જ ઓસરવા માંડે એ ઘટનાઓનાં ફીણ. છતાંય એ જ ઘટન કે દુર્ઘટનને સહારે-કરવો હોય તો-આખો દિવસ પસાર થઈ શકે. એનાં પડ પછી પડ ઉખેળીને હાથમાં શું શું લાધે છે એ તો સૌના અનુભવનો વિષય છે. છતાં કોણ જાણે કયા કુતૂહલથી દોરવાઈને આ ઘટનાઓમાં ડોકાં કાઢ્યાં જ કરીએ છીએ એ પણ ખરું. શ્રી લાભશંકર ઠાકરે એમના એક કાવ્યસંગ્રહનું શીર્ષક આપ્યું છેઃ ‘ટોળાં અવાજ ઘોંઘાટ.’ પોતાની સર્જનશીલતામાં રત સર્જક જાણ્યે અજાણ્યે વ્યક્તિ કે વ્યક્તિઓનું-અને એમ પોતાના સમયનું-વિવેચન કર્યા જ કરતો હોય છે. કોઈ દબાયેલી બૂમ એકાએક ઊછળી પડી હોય એમ શ્રી જવાબર બક્ષી બોલી ઊઠે છે.
ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
વ્યક્તિ વ્યક્તિ મટીને ટોળામાં પ્રવેશ કરે તે પછી તેની તે જ વ્યક્તિ રહેતી નથી. એ પછી વ્યક્તિ રીતભાતોનાં વરવા ગુણાકારમાં વર્તવા માંડે છે. ત્યારે સમજણનો તો નકરો ભાગાકાર જ ભાગાકાર હોય છે. ટોળાંને મગજ નથી હોતું. એને માત્ર હાથપગ જ હોય છે. અને એને દોરતી હોય છે બેફામ બેલગામ વૃત્તિ. છતાંય બને છે એવું કે એ જ ટોળામાંથી સરકીને કોઈક બાજુ પર ખસી જાય, બાજુ પર ઊભું રહી જાય એમ પણ બને. એવું બનતું રહે ત્યાં સુધી આશા જળવાઈ રહે છે. એવી વ્યક્તિ ભલે સ્પષ્ટપણે બોલે નહીં કશું પણ એનો મનોભાવકંઈક આ લયમાં વહેતો હોય છેઃ ‘ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી.’ ક્યારેક મર્મ સાવ હાથવેંતમાં આવીને ઉદઘાટિત થતો થતો રહી જાય છે. પોતાના પગ હેઠળની જમીન સમજાઈ જાય ત્યારે ક્યારેક હાકાબાકા થઈ જવાય છે. જીવનનો મર્મ શોધવા બહુ લાંબે જવાની જરૂર નથી. નિર્ભાંતિ સાવ સહજપણે મળી જાયઃ ‘હું છું ને હું નથી.’ આમ તો આપણે માની શકીએ કે આપણે આપણાંમાં હોઈએ જ છીએ. ક્યારેક નથી હોતાં કે વાત હાથ બહાર ચાલી ગઈ હોય છે ત્યારેય — ભલે મોડું તો મોડું — સમજાઈ તો જાય છે જ કે સ્થિતિ શું છે. ફરી પાછાં આપણાંમાં સ્થિર થઈ જવાનું હોય છે, ફરી પાછાં.
આજના સમયનું એક બહુ મહત્ત્વનું લક્ષણ છેઃ જાહેરાત. ચોતરફ જાહેરાતોનો તાશેરો મચ્યો છે. પ્રચાર તેની ચરમસીમાએ છે. બધી બાજુથી આપણને બધું જ સમજાવી દેવાની જાણે હોડ મચી છે. હોય તે કરતાં વધુ સારું જાહેરાતથી સાબિત કરી શકાતું હશે એવું સૌના મનમાં વસી ગયું હોય તો નવાઈ નહીં. પણ આ કવિ જરાક ખેલદિલ છે. પોતાને નગરનો ઢોલ ગણાવીને પીટવાનું કહે છે. પીટો, ખાલીપણાંનો બૂંગિયો પીટો બીજું કશુંય નહીં થાય તોય ઘોંઘાટ તો થશે જ. ઘોંઘાટથી બધું ભર્યું ભર્યું લાગે. તહેવારો, ઉત્સવો, અરે કુટુંબજીવનનાં નાનામોટા પ્રસંગો સુધ્ધામાં ઘોંઘાટ છવાઈ ગયો છે. અન્ય પ્રદૂષણો જેમ જ ઘોંઘાટ દિવસે ન વધે એટલો રાતે અને રાતે ન વધે એટલો દિવસે બસ વધતો જ ચાલ્યો છે. ઘોંઘાટનો મોટામાં મોટો ફાયદો એ જ કે ત્યાં વિચાર ટકે નહીં. વિચારને ફળવા માટે શાંતિ જોઈએ. ચારે તરફ મચેલા ઘોંઘાટમાં શાંતિ કઈ દિશામાં ગાયબ થઈ ગઈ છે તે જ સમજાય તેવું નથી.
ઈસુનો તો એક વારની શૂળીથી છૂટકારો થઈ ગયેલો. આધુનિક ઈસુઓ રોજેરોજની શૂળીથી ટેવાઈ ગયા છે. એથી જ કવિને લાગે છે કે તેનામાં અને ઈસુમાં બીજો કશો ફરક નથી. શ્રી જયંત પાઠક એમના એક કાવ્યસંગ્રહનું શીર્ષક જ આપ્યું છેઃ ‘શૂળી પર સેજ.’ પ્રશ્નોનો પારાવાર ફરી વળ્યો કે પરિવારના મોભી તરીકે ભીષ્મને બાણશય્યા સિવાય આરોવારો જ ન રહ્યો એમ મહાભારતમાં શ્રી વ્યાસે આપણને બતાવ્યું જ છે.
નામર્દ શહેનશાહ અને ઢોલનું ખાલીપણું એ બન્નેમાં કોઈ તાત્ત્વિક ફરક નથી. આજના રાજનાયિકોના વચનોમાં કેમ કોઈને શ્રદ્ધા બેસતી નથી એ સૌની સમજનો વિષય છે. અબી બોલા અબી ફોક જેવી ઉક્તિ તો સાવ જુનવાણી લાગે એટલે ઝડપે ફરી બેસતા માણસો હવે નવી નવાઈ નથી રહ્યા. પરસ્પર વચ્ચેની સમજણને હવે ખવાણો હણી રહ્યા છે ત્યારે એક માત્ર ખાલીપણું જ બચ્યું છે જોરશોરથી પીટવા માટે. ચારે તરફના સન્નાટામાં એકમેકનું ખાલીપણું જ સંભળાયા કરે એ પણ કેવી કરુણતા!
એકબીજાને સાંત્વન આપવા લંબાતા હાથ જાણે થાકી ગયા છે. કોણ કોને સાંત્વન આપશે? કેવું સાંત્વન આપશે? હજી મોંમાંથી ફૂટે તે સાથે જ શબ્દ પોતાની સંજ્ઞા ગુમાવી દે છે. પોલા શબ્દોનાં ફોતરાં આમથી તેમ ઊડ્યાં કરે. બસ આવી જાહોજલાલી નિહાળતા નિહાળતા એક પછી બીજી બીડી ચેતાવતા રહેવાની છે. ધીમે ધીમે ઘેરી વળતા સૂનકારમાં સાંભળી શકાય તો ખાલીપણાની ઢોલ ઊંડે ઊંડે બજી રહ્યો છે. ગઝલ આમ તો પ્રિયજન સાથે નરવી વાત કરાવતું માધ્યમ છે. આ કેવા સ્વર લઈ આવ્યા જવાહર બક્ષી જેમાં રણની એકલતાને વળ ચઢાવતા ઢોલની દાંડી પીટાઈ રહી છે.
(સંગત)