‘અમર’ પાલનપુરી
અમર હમણાં જ સૂતો છે
પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે
આ કવિનો દમામ તો જુઓ, પવનને પણ એ પોતાની શરતે દાખલ થવાની પરવાનગી આપે તો આપે. પવનને પણ આવવું હશે તો કવિની શરતે જ આવવું પડશે. પવન આવવાથી આ એક પાંદડું પણ ફરફરશે તો એ પાંદડાના ફરફરાટથી કાવ્યનાયકનો સ્વપ્નભંગ સર્જાઈ શકે તેમ છે. કોઈને સ્વપ્નમાં માગીને ‘અમર હમણાં જ સૂતો છે.’ ભલે વાસ્તવ પર કાબૂ ન હોય, આપણાં સ્વપ્નમાં શા માટે કોઈની દખલ સ્વીકારવી! ‘ડૂ નોટ ડિસ્ટર્બ’ની જેમ જ ‘અમર હમણાં જ સૂતો છે.’ એવું નિર્દેશાત્મક સૂચન ચિટકાવીને કવિ નચિંત છે.
જીવનના બધા જ ભેદ પામી ગયા પછી એ બધા ભેદોથી મુક્ત થઈને અમર સૂઈ ગયો છે. હવે દવા તો શું સાક્ષાત્ સંજીવના પણ કામ નહીં આપે. નિર્ભ્રાંતિની ચરમ અવસ્થા જાણે પમાઈ ગઈ છે. જાતે વહોરી લીધેલો આ કેવો ભાવવટો! દવાઓની કોઈ જ વિસાત નથી રહી ત્યારે સંજીવનીની કારગરતા પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. કશુંક પામી ગયા પછીની ચિર વિશ્રાંતિમાં જીવ સૂતો છે.
મિલનની પરંપરાને અંતે અનિવાર્યપણે જે હાથમાં આવે છે તે તડપનને છાતીએ ચાંપીને અમર ‘શાન્ત’ થઈ ગયો છે. વિરહનો ગાઢ રંગ એને હવે રાસ આવી ગયો છે. એ રંગમાં રમમાણ થઈને ‘અમર’ સૂતો છે. એની રંગસમાધિમાં વિક્ષેપ ન કરશો. મિલનનું દરેકે દરેક દૃશ્ય એક નવી ઉદાસીનતા ઘૂંટી જવાનું હોય તો વિરહના રંગમાં રાચી રહેવું એ જ હાથમાં બચે છે.
તેના નિયત સમયે ગગનના દીવડાઓ ભલે પ્રગટી જતા. હવે એ દીવડાઓ ઝાંખા પડી જાય તોપણ કશો ફરક પડે એમ નથી. પોતાના નયનદીપ ઠારીને અમર સૂતો છે. હમણાં જ સૂતો છે. અંધકાર અને અજવાસનાં ઝઘડાનું મૂળ જ એણે વાઢી નાખ્યું છે. ઉજાસ એને આંજી નહીં શકે. અંધકારનો મૂંઝારો એને આંબી નહીં શકે. દીવડાઓ છો ઝગમગે.
બધાં જ મોં ફેરવી લે છે ત્યારે પણ માથે હેતાળ હાથ ફેરવતી મા સાથે ને સાથે જ હોય છે. બિના એવી બની છે કે ગગનના ખાળી નહીં શકતાં આંસુઓથી ધરતીનો પાલવ પણ ભીંજાઈ ગયો છે. સૂરજના પહેલાં કિરણનાં આવતાં સાથે જ ધરતીને આ ખબર મળ્યા કે એનાં આંસુઓ રોકાતાં નથી. આંસુ રૂપે જાણે મા સાથે જ વહી ચાલી છે.
મરણની આમન્યા ન જાળવે એવો ધૃષ્ટ તો નથી જ આ કાવ્યનાયક. એ એવું જીવી ગયો છે કે ખુદ જીવન એના ઓવારણાં લે છે. કોઈ કચાશ પીડી શકે તેમ નથી. એનાં સુખ કે દુઃખને એ ભરપૂર જીવ્યો છે. જીવ્યાનો આનંદ એને મરણથી ભયભીત થવા દેતો નથી. એ ગાઢ નિશ્ચિતતામાં સૂતો છે.
જીવન ખુદ જેના ઓવારણા લે એવું જીવી ગયેલા આ કાવ્યનાયકના શત્રુઓ પોતાનો રાજીપો સંતાડી શકતા નથી. ‘જેને કદી નમાવી શકાયો નથી એ મૃત્યુથી તો ટળ્યો’ એવો ભાવ એમના હરખનું કારણ છે. શત્રુઓ અને મિત્રો સૌ એક થઈ ગયા છે. મરણના આ ઉત્સવને કોઈ ખામી ન રહી જાય એમ ઊજવવાનો છે. મિત્રતાને અને શત્રુતાને પણ અમરે બરાબર નિભાવી છે. એમાં કોઈ કસર રહેવા દીધી નથી.
દુનિયાથી જે કદી બંધાયો નથી તે તમામ બંધનો ફગાવીને સૂઈ ગયો છે. હવે તો એ હાથથી ગયો જ. બંધનોની વચ્ચે પણ જે અવિચલ રહ્યો છે તે હવે નવીન નિશ્ચલતામાં વસી ગયો છે. બંધનોના ખખડાટમાંથી છટકીને એ મૃત્યુની પ્રશાંતિ પામ્યો છે. હવે કોઈ પણ ભાવપાશની કારી ચાલવાની નથી. ‘અમર’ ખરે જ સૂતો છે.
તમામ બંધનોની પાર પહોંચી ગયેલાને તે જાગી ન જાય તેવી તકેદારી સાથે ઊંચકવાનો છે. કોઈ ભાવસ્પંદનોનો જરા પણ ખખડાટ નહીં. સમયકચમાં કદમતાલ કરતાં કરતાં થાકી ગયેલો કાવ્યનાયક હવે સૂતો છે. પૂરા મલાજાથી એને હવે વિદાય કરવાનો છે. અપાર થાક વચ્ચેથી તે હવે વિરમ્યો છે ત્યારે એના વિરામનો આદર કરીએ.
ખુદ્દારી અને ઠસ્સાથી વિહરતી આ ગઝલ આપણને ચકિત કરે છે અને ક્ષુબ્ધે પણ કરે છે. મૃત્યુની ગંભીરતા તો છે જ, આદેશ કે સૂચનની મુરખતા પણ સાથોસાથ ચાલે છે. કોઈ એમ જ ઊંઘ ખેંચતી વ્યક્તિની વાત થતી હોય એમ ચિર નિદ્રામાં પોઢી ગયેલ વ્યક્તિત્વ ચિતરાતું રહે છે. મૃત્યુનો પડછાયો એની કડીએ કડીને ગાઢો બનાવતો જાય છે. ભાવની ખુમારી અને છટા આ ગઝલનો વિશેષ છે.
(સંગત)