ગાંધીયુગના અને ગુજરાતી કાવ્યવિશ્વના પણ પ્રથમ પંક્તિના કવિ ઉમાશંકર જોશીની કલમે ગદ્ય-પદ્યનાં અનેક સાહિત્યસ્વરૂપો-પ્રકારોમાં એમની અંતરચેતના એક નિતાંત કવિની છે. અર્થ અને ચિંતનનું ઊંડાણ તેમજ સ્વસ્થ, સંયત, પ્રશિષ્ટ અભિવ્યક્તિરીતિ ‘કવિ-મનીષી’ બિરુદને સાર્થક ઠેરવે છે. ‘ભલે શૃંગો ઊંચાં’ સૉનેટ કવિ ઉમાશંકર જોશીનું એક ઉત્તમ કાવ્ય છે. “સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે.” જેવો દીક્ષામંત્ર આપનાર આ કવિએ ‘ભલે શૃંગો ઊંચાં’ સૉનેટમાં ભાવનામુકુરિત-સૌંદર્યરસિત કવિબાનીનો પ્રસન્નકર પરિચય કરાવ્યો છે. આ કવિ ગાંધીયુગના છે. તેથી ભાવનાશીલતા અને જીવનલક્ષી અભિગમ એમનાં સર્જનમાં હોય એ સ્વાભાવિક છે, પરંતુ તેઓ યુગસ્પંદનોને ઝીલનારા સામાન્ય કવિ નથી, પ્રજ્ઞાશીલ કવિ છે. એટલે સૌંદર્યાનુરાગ જે કળાકાર માત્રને મળેલું વરદાન છે, તેનાથી જરાયે વંચિત નથી. ‘ભલે શૃંગો ઊંચાં’ સૉનેટમાં આ બંનેનો સુભગ સમન્ય કેવી રીતે ‘કાવ્ય’માં પરિણમે છે તે હવે ક્રમશ: જોઈએ.
કાવ્યનો આરંભ ઉન્નત ગિરિશિખરો પર ઢોળાતા મૃદુ તડકાનાં રમણીય ચિત્રાંકનથી થાય છે. કાવ્યનાયકનાં ચિત્તને આકર્ષતાં, નિમંત્રણ આપતાં મૌન શિખરોને કવિ આ રીતે વર્ણવે છે — “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો…” અહીં નજીકમાં હોવાનો બોધ કરાવતા “આ”ને બદલે દૂરતાસૂચક “ઓ”નો પ્રયોગ કરીને કવિએ કાવ્યભાવકની દૃષ્ટિને ઊંચાં ગિરિશિખરો તરફ પ્રત્યગ્ર કરી આપી છે. તો વળી, “બોલાવે” અને “મૌનશિખરો” શબ્દપ્રયોગ વડે જક્સ્ટાપોઝરચીને, ચમત્કૃતિ સર્જીને કાવ્યનાયકના હૃદયમાં ગિરિશિખરો માટે જાગેલા પ્રબળ આકર્ષણને જીવંત અભિવ્યક્તિ આપી છે. આ કાવ્યની પ્રથમ બે પંક્તિમાં સર્જાતું ગતિશીલ ચિત્ર પણ કવિની ઉત્ફૂલ્લ સર્જકતાનું દ્યૌતક બની રહે છે. પ્રથમ પંક્તિમાં ‘ઓ’નો પ્રયોગ કાવ્યભાવકની દૃષ્ટિને દૂરનાં ઉન્નત ગિરિશિખરો તરફ પ્રત્યગ્ર કરે છે, એ પછી તરત ‘ધસે ધારો ઊંચી’, એ અર્ધપંક્તિમાં “ધસે” શબ્દપ્રયોગથી પ્રપાતની ગતિનો અને ચટ્ટાનોની તીક્ષ્ણ ધારોની વેધકતાનો કવિ અનુભવ કરાવે છે. ‘ધ’ વર્ણનું પુનરાવર્તન અને અર્ધપંક્તિની યોજના પણ પ્રપાતના વેગને પ્રત્યક્ષ કરી આપવામાં સહાયક બની રહે છે. એ પછીની અર્ધપંક્તિમાં શિખરદર્શન માટે ઉન્નતગામી બનેલી, ધસી આવતી ધારો સાથે અવનિગામી બનેલી કાવ્યભાવકની દૃષ્ટિને “તુહિન તહીં ટોચે તગતગે’ વર્ણનથી ફરી ઊર્ધ્વરેખ બનાવીને ટોચ ઉપર પ્રભાતકિરણને ઝીલીને ઝળહળતા ઝાકળબિંદુ પર સ્થિર કરે છે. સ્થિતિ-ગતિની રમણીય લીલા રચતી આ પંક્તિઓ કવિ ઉમાશંકરની સર્ગશક્તિનું એક ઉત્તમ દૃષ્ટાંત બની રહે છે.
સૉનેટના બીજા ચતુષ્કમાં કવિ “ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત” પંક્તિમાં “શૃંગસ્તન” જેવાં પરંપરિત અલંકરણમાં સરી પડે છે, પરંતુ સવારના સુકોમળ “મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!” વર્ણન વડે કવિ સમગ્ર ચિત્રને એક નિર્મળ માંગલ્યસભર સંસ્પર્શ અર્પીને કાવ્યપ્રભાવને અખંડ રાખી શકે છે. ઊંડાણસભર નીલ આકાશ અને શીતસ્પર્શે દિશાઓને રસીને મત્ત ભમતા મરુતનો નિર્દેશ કરીને કવિ ગિરિશિખરો ઉપરની આહ્લાદક સવારની રમણીયતાનો તાજગીસભર, મધુર પરિવેશ રચી આપે છે.
સૌંદર્યાનુરાગી કવિએ પ્રથમ આઠ પંક્તિમાં રચેલી ગિરિશિખરોની રમણીય સૃષ્ટિનો અનુભવ ત્રીજા ચતુષ્કથી પલટાય છે, એમાં ગાંધીયુગીન જીવનલક્ષિતા અને ભાવનાશીલતા પ્રવેશે છે — “ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!”ની ઘોષણા કવિની પ્રતિબદ્ધતાને પ્રગટ કરે છે. અલબત્ત કવિ-કળાકારની સૌંદર્યરસિત દૃષ્ટિ તો અકબંધ રહે જ છે. તેથી જ તળેટીમાં સહજપણે રચાયેલી શાલતરુની વીથી અને એમાં રમતી છાયાલીલા, પર્ણકુટિઓમાં સૌમ્ય ગૃહિણીઓ વડે પ્રગટાવાતા સાંધ્યદીપકોનો ઉજાસ અને આંખોમાં છલકાતા હાસ્ય સાથે રમતાં બાળકોનું એક જીવનરસછલકતું કમનીય ચિત્ર કવિ આલેખે છે. ગૃહમાંગલ્યનું આ એવું ચિત્ર છે જે “સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવમુકુલો” — હતાશ-નિરાશ હૃદયોમાં પણ નવાં સ્પંદનો જગાવી જાય છે, જીવનરસની નવકળીઓને ખીલવી જાય છે. એટલે જ અંતિમ પંક્તિમાં કવિ રમણીય ઉન્નત શૃંગોના આકર્ષણને પરહરીને ‘અવનિતલ વાસો મુજ રહો!’ એવો સંકલ્પ પ્રગટ કરે છે. “વ્રજ વ્હાલું કે વૈકુંઠ નહીં આવું” કરતાં ન્યારી રીતે ગાંધીયુગના આ કવિએ અવનિતલનો મહિમા કર્યો છે. સૌંદર્યરસિત અને ભાવનામુકુરિત આ કવિબાની કાવ્યત્વનાં ઊંચાં શિખરો સર કરે છે, એવું કહેવાની ભાગ્યે જ જરૂર હોય!
(આત્માની માતૃભાષા)