કવિતાએ કાનમાં કહ્યું
શિવ પંડ્યા
આમ ને આમ
‘આમ ને આમ’, ‘હાથ ફેરવતાં ફેરવતાં’ અને ‘હાથ લાગી ગયું’ આ ત્રણેય સ્વાભાવિક અભિવ્યક્તિને સાથે તપાસી જોઈશું તો કદાચ આપણને પણ ‘હાથ લાગી જાય’ કવિતાનું અને કાવ્યસર્જનનું કૌતુક! ‘વિચારપ્રધાન’ કવિતા માટે ‘બળવંતરાયની કવિતા’માં નિરંજન ભગત કહે છે તેમ ‘… પણ અંતે એ કલ્પનાનો, દર્શનનો અલૌકિક, લોકોત્તર, નિયતિકૃત નિયમરહિતા અને અનન્ય-પરતંત્રા એવી પ્રતિભાનો ઈશ્વરદત્ત પ્રસાદ છે.’ ખુદ બલવન્તરાય ઠાકોરને પણ કદાચ આ જ અભિપ્રેત હશે, નહીં તો તેમણે જ આ બાનીને ‘ભીની’ અને ‘નીતરી’ કહ્યા પછી પણ ‘છાની’ અને ‘શીય બાની’ શા માટે કહેવું પડ્યું હોત! કવિતાનાં અનેક અંગોપાંગોનો વિચાર કર્યા પછી પણ છેલ્લે ચમત્કારનું તત્ત્વ માથું કાઢે જ છે.
આ કવિતા પણ કવિતાના ચમત્કારની કવિતા છે. ભીંત ત્યાં ભેદ: અને ભેદ હોય ત્યાં અંધારું જ હોય, જ્ઞાનનો કે પ્રેમનો પ્રકાશ ન હોય. એટલે આ આંધળી ભીંત ભીંતો પર હાથ ‘ફેરવતાં ફેરવતાં’ અનાયાસ, હાથ ‘લાગી’ જાય છે એક અવડ, અવાવરું બારણું. પ્રત્યેક ચેતનાની ભીંતો પર કાયમ ગુપ્ત રહેવાને જ સર્જાયેલું આ બારણું હાથ લાગી જાય… તો અને ત્યારે પુરુષાર્થ કરવાનો રહે છે માત્ર ‘આગળા’ ખોલવાનો. એ ખૂલતાં ખૂલતાં આગળાઓ અને મિજાગરાંઓ ‘કિચૂડકટ’ જેવો અવાજ કરવાનાં જ, ‘જરી ક્રંદન’ તો કરવાનાં જ.
પણ પ્રત્યેક બંધ દરવાજા પાછળ રહેલી અનુભૂતિ એકમેવ હોય છે, અનોખી ને આગવી હોય છે. ‘આયુષ્યના અવશેષે’માં રજોમય પ્રાંગણવાળા ઘરનું દ્વાર ખૂલતાં રાજેન્દ્ર શાહને ધસી આવી મળે છે વિગતની સ્મૃતિઓ; જેમ કે:
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.
તો આ કવિ સામે ધસી આવે છે, ‘કુમળો કુમળો પ્રકાશ’. પહેલામાં વિસર્જનનો વિષાદ છે તો અહીં સર્જનની ક્ષણનો સદ્યયૌવન અને સદાયૌવન ચમત્કાર છે. દીવાલોની બંધિયાર વાસી હવાથી મોક્ષ અપાવનાર તત્ત્વ પણ આ બારણું જ છે, અને આ બારણું ખૂલે છે અને ચૈતન્યનો વિસ્તાર થવા પામે છે અને પેલો ‘આળસુ અંધકાર’ ભાગી જાય છે. ‘એક એક પાંદડી’માં જેમ પાતાળ પ્રકટ થાય અને કેમ જાણે પહેલી કૂંપળ ફૂટવાનો સૃજન-જૂનો-નવો ચમત્કાર હમણાં જ થયો હોય એમ લીમડાનું ઝાડ ‘ઝૂમી ઊઠ્યું’ અને આનંદવિભોર સર્પની જેમ રસ્તાઓ પણ સળવળી ઊઠ્યા. કવિતાનો સ્પર્શ તો ઝેરી સર્પને પણ, મોરલીના નાદની જેમ, આનંદવિભોર બનાવી દે છે, નિર્જીવ રસ્તાને પણ પગલાં ફૂટે છે!
અને આ ચમત્કાર બુદ્ધિના ‘બધિરત્વ’ને પિગળાવી નાખે છે. જેમ પ્રેમને તેમ કવિતાને પણ ‘કારણો’ સાથે બહુ સંબંધ નથી. કારણનાં અને એના આરોપણનાં જે ચૂંથણાં કરે તે ‘આરોહણ’ ન કરી શકે. આવી ક્ષેપકાસ્ર જેવી વિક્ષેપક બુદ્ધિ પોતા માટે વિનાશકારી બધિરત્વ, બહેરાપણું જ લાવે. બુદ્ધિ જેટલી (હાજર છતાં) ચૂપ એટલો એનો પ્રપંચ ઓછો. પ્રપંચ પાસે કવિતા કદી ફાલતી નથી, મહાલતી નથી: કવિતા પાસે ડોલવાનો પ્રપંચ બુદ્ધિ આદરે તોપણ… જેવું આ બહેરાપણું ગયું કે કર્ણેન્દ્રિય-જ્ઞાનેન્દ્રિય સતેજ બને છે, ‘ચારે કોર કિલ્લોલતા’ અવાજોથી. ‘અંદરનું અંધત્વ’ ઓગળે અને અજવાસ પણ ‘સુગંધભર્યો’ લાગે!
જે ચેતનાને એક વાર આ ચમત્કાર અનુભવ્યો તેને માટે ‘હવે’ અંધકારનો ભય નથી રહ્યો. ‘હવે’ તો એ બારણે બંધાયું છે ‘સાત સૂરજ’નું ઝળહળતું તોરણ, અને આંગણે ચીતરાઈ છે ‘ઇન્દ્રધનુ’ની સપ્તરંગી રંગોળી. પેલો ‘માંહ્યલો’ આત્મા તેજલ અશ્વની જેમ થનગને છે અને સમગ્ર ચેતન સર્જનનો ચમત્કાર પ્રમાણે છે. પરંતુ એ જાગ્રત આત્મા ભીતરનું રખોપું કરવાનું શેં ચૂકે? તે જ તેના ભીતરી તત્ત્વને ‘કાન’માં કહે છે: ‘બારણું હવે ભીડતો નહીં, હોં કે!’
શબ્દની ઉપાસના સાથે સાથે જેણે ‘લીલા’નો નિર્લેપ ભાવ ભેળવ્યો છે તે કવિ માટે શ્રી અરવિંદ કહે છે: ‘કવિ એ એક એવો જાદુગર છે જેને ભાગ્યે જ ભાન છે પોતાનાં જ જાદુનાં કામણ.’ શિવ પંડ્યાને આપણે જાણીએ ચિત્રકાર તરીકે, કાર્ટૂનિસ્ટ તરીકે. પણ અહીં તેમની પીંછીનું રૂપાંતર થયું છે કલમમાં અને તે પણ કવિની કલમમાં. સર્જકે જ્યારે સર્જનના એક બીજા માધ્યમના દરવાજાના ખૂલવાના ચમત્કારનો અનુભવ કર્યો છે ત્યારે આપણને પણ તેમને કહેવાનું મન થઈ આવે કે ‘બારણું હવે ભીડતા નહિ, હોં કે!’
૧૨-૨-’૭૮
(એકાંતની સભા)