ગાન અમે તો ગાશું
રતિલાલ છાયા
ગાન અમે તો ગાશું
ગીત ગાવું એ કંઈ સહેલું નથી પડ્યું. જોકે આપણે સૌ ગદ્યકાવ્યો પર મચી પડ્યા અને તેની નીપજ રૂપે આપણે ત્યાં જે લખાયે જ જાય છે એમાંથી ઘણી બધી કૃતિઓ જોયા પછી લાગે કે ગદ્યકાવ્ય કેટકેટલી આસાન કલમોને થાપ આપીને છટકી જાય છે! ગીત ગાવા માટે, ગાઈ ઊઠવા માટે તો એક પ્રકારનું પાગલપન વ્યક્તિમાં હોવું જોઈએ. પાગલપનનું સૌથી મોટું અને સૌથી સાચું વરદાન આપણે ત્યાં કદાચ એકલી મીરાંને જ પ્રાપ્ત થયું છે. એક પરભાષી વિચારકે કહ્યું છે તેમ જે ડાહ્યાડમરાઓ તર્કની વાડમાં બંધાયા હોય તેઓ કદી ગાઈ ન શકે – ‘પીપલ ડુ નૉટ સિંગ વ્હેન ધે આર ફીલિંગ સેન્સિબલ.’
આ ગીતમાં ગાંધીયુગમાં પોષણ પામેલી આ કવિની ચેતના કવિકર્મનો એક વિશેષ ચીંધે છે. ‘અમે’ એટલે કે કવિઓ ગાયા વગર રહી જ કેમ શકીએ? અને એકાદ ગીત ગાવાથી કદી કરાર વળે ખરો? કવિઓ તો અનંત અજંપાનું શાશ્વત વરદાન લઈને આવ્યા હોય છે. ઉમાશંકરે ૧૯૪૫માં ‘અમે ગાશું’ ગીત આપ્યું અને બાદરાયણ, મેઘાણી વગેરે અનેક કવિઓએ આ ભાવને ઘૂંટ્યો. ગુલાબી આશા અને સિંદૂરિયા ભાવો છે જ પણ પ્રેમથી પલળે નહીં. તો કવિ શાનો? એટલે અહીં ‘માંડવે ઝૂલતાં બે હૈયાં’ની વાત કહે છે. રિલ્કે ભલે ને કહે કે ‘નવલોહિયા કવિઓએ પ્રેમકાવ્યો લખવાનું માંડી વાળવું.’ કદાચ રિલ્કે પોતે પણ જાણતા હશે કે આ સૂચનાનો સમાદરપૂર્વક ભંગ થવાનો જ… પહેલા અંતરામાં જ કવિ ભાવસમુન્દર (કે ભવસમુન્દર) તરવાની કે તરી જવાની કે પાર ઊતરવાની વાત નથી કરતા, પણ એ સમુન્દરમાં નાહવાની વાત કરે છે. કોઈ ‘સૂતાં’ હોય આડું પડખું ફરીને તો તેને જાગૃતિ કવિ નહીં આપે તો કોણ આપશે? અને ગીત એટલે માત્ર શબ્દ નહીં, સૂર પણ ખરો. એટલે કવિએ અહીં વાંસળી, ભેરી અને બિભાસ રાગની વાત કહી છે.
કોઈ પણ ઋતુ હો, બધું થોભી શકે પણ ઝરણ થોભી જ ન શકે. આ ઉર તો ‘અણખૂટ’ એવી ‘સ્વરની ધારા’ વહ્યા જ કરશે. ગીતનું ઝરણ તો વણથંભ્યું વહ્યે જ જશે. ‘પર્ણની ઘૂઘરમાળા’ ચિત્ર ખાસ ધ્યાન ખેંચે એવું છે. વૃદ્ધાવસ્થામાં પણ ‘ગાન અમે તો ગાશું’. ઉમાશંકર પણ કહે છે: ‘અમે દિલદિલને કંઈ પાશું.’ ગમે તેવી વિટંબણા હોય: ગાઢ રાત્રિ હોય. વાટ વિજન હોય અને કોઈ સાંભળનારુંય ન હોય (‘એકલો જાને રે’) તોપણ જેને ‘મેઘલ સૂર’ જડ્યો હોય, જેને ગમે તે મુશ્કેલીઓમાં પણ છલકાઈ ઊઠે એવો ગંભીરો કંઠ મળ્યો હોય તેને શું? સમાનધર્મા ન મળે તોપણ કવિ ગુંજનનો જ ધર્મ અંગીકાર કરે. કવિએ અહીં આ મેઘલ સૂર એક નવો સૂર આપ્યો છે. આ ગીતને કવિ ‘હિંડોલ’ સંગ્રહમાં ‘આજીવન ગાયકો’ એવું શીર્ષક આપે છે.
પોરબંદરમાં રહીને શ્રી રતિલાલ છાયાએ ‘સુમુન્દરને’ ખૂબ નજીકથી જાણ્યો છે. સમુદ્રનાં અનેકાનેક સ્વરૂપોને કવિએ માણ્યાં છે. સાગરગીતોની આટલી છોળ ઉડાડનારા આપણા કવિઓની વાત કરતાં શ્રી છાયાને યાદ કરવા જ પડે. સાગરના ઊંડા ને ઘેરા નિનાદને કવિ ફરી ફરીને વર્ણવે છે અને એટલી જ મસ્તીથી ગાઈ સંભળાવે છે. એમની કેટલીય રચનાઓમાં કવિએ સાગરને કંઠના કાંઠામાં છલકાવવાનો પ્રયત્ન કર્યો છે.
૮-૮-’૭૬
(એકાંતની સભા)