એક પત્ર
નીતિન મહેતા
કાચિંડો તે જ આ શહેર.
આખી રાત ઠરેલા ડુંગરોની વચ્ચે ઊગેલા પરોઢને શરણું શોધવું જ પડે — કાં તો તાપણામાં કાં તો સૂરજના તડકામાં. પરંતુ સાચા પ્રેમને અને કવિને અંતે તો મૌનનો જ આશ્રય લેવો પડે છે. લાગણી કે કવિતા આમ તો મૌનને આકાર આપવાની એક આંતરિક પ્રક્રિયા જ નથી?
કાચિંડો જેમ પોતાના રંગો બદલતો જાય એમ તારી સાથે મેં અનુભવેલા સુખનું પણ એવું જ થયું. તું અને હું – ત્યાં અને અહીં – આ બન્ને બિંદુઓની વચ્ચે વેરાઈને પડ્યા છે આપણા અનેક અવશેષો. આપણે બન્ને હવે એક શહેર — નિર્જન અને નિસ્તેજ. બન્નેને સાંકળતો આપણો વિરહ એ જ આપણા અવશેષો. સુખની જેમ, આકાશની જેમ ‘બધું બદલાતું જાય છે.’ માંડ મળેલી સુખની એકાદ ક્ષણ તે તારા સાન્નિધ્યમાં સ્પર્શતી ભાષા હતી. હવે વર્તમાનમાં એ જ ક્ષણ ત્વચા ઉપરનો માત્ર ખખડાટ છે. મારી આ ક્ષણ પીડાય છે ‘પછી શું’ની emotional anxietyથી. અને એ ઉદ્વિગ્નતામાં તો તડકા જેવો તડકો પણ ફૂટી ગયો. એ કાચની કચ્ચરો તો ચામડીને રૂંવે રૂંવે એક્કેકો માળો બાંધીને બેસી ગઈ!
કચ્ચરો હાંફે છે એમ કહ્યા પછી પણ લાગણી પૂર્ણપણે પ્રકટ કરી શકાતી નથી એ હકીકતનું ભાન કવિને પીડે છે. આ લાગણી જ અશક્ય છે અને એટલે જ કવિ કહે છે, ‘આ અશબ્દ વિશ્વ મને પીડે છે.’ વાણીમાં પૂરેપૂરો વ્યક્ત ન થઈ શકતો હું માટે તો દર્પણમાં તરડાઈ જાઉં છું. તારા વિના મારા અસ્તિત્વને પીડી રહેલા આ emotional compound fractures કયા પ્લાસ્ટરથી સાંધવાં?
તારું નામ એ જ મારા જીવનનો આરો ને સહારો. તું જ મારી ‘બધી ઋતુ’: અથવા કહો કે મારી બારમાસીમાં તો એક જ ઋતુ છે. એક જ ઋતુ છે: ‘તું’! હરીન્દ્ર દવેની બે પંક્તિ આ સંદર્ભમાં જોવાનું મન થાય જ…
હોઠ હસે તો ફાગુન ગોરી આંખ હરે તો સાવન
મોસમ મારી તું જ કાળની મિથ્યા આવનજાવન.
કાવ્યનાયક આ શહેરમાં રહીને બધી જ ‘mod’ ચેષ્ટાઓ કરે છે, કરવી પડે છે. એ માત્ર ઉદાસ હોત કે હસતો હોત તો ઠીક; પણ જ્યારે એની ઉદાસીનતામાં વ્યંગનું હાસ્ય અને એના હાસ્યમાં ઉદાસીન કરુણતા ભળે છે ત્યારે તારા વિના જિવાતા જીવનનું વન વધુ બિહામણું બને છે, કવિઓ અન પ્રેમીઓ (દરેક પ્રેમી કવિ ન હોય પણ દરેક કવિ પ્રેમી હોય જ છે!) માટે એક પેટીબંધ સદ્ભાગ્ય આદિકાળથી જળવાઈ રહ્યું છે. અને તે પાગલપણાનું લાગણીઓ જ્યારે પોતાની સુગ્રથિતતા કે સુગ્રાહિતા ગુમાવી બેસે ત્યારે જીવન ટકે તોપણ તે જીવનને ઉપચારોની યાંત્રિકતા શાપે છે. એટલે તો ‘વધુ’ પૂછવામાં આવે તો ‘ક્યાંય નહીં’ના નિર્જન પ્રદેશમાં અહીં ત્યાં નિર્હેતુક આવજાવ કર્યા કરતી ટ્રેનની યાંત્રિકતાના આધુનિક પ્રતિરૂપને જ આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે!’
‘હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારા તરફ’માં વ્યક્ત થતી ભાષાની અસહાયતા અને ‘તારે મને યાદ ન આવવું’માં વિચ્છિન્ન સ્મૃતિની અસહ્યતા કોરી ખાય એવી છે. અનેકાનેક પાત્રોની, સર્વકાલીન વ્યથને નવીનતાની વાચા આપતા આ ‘એક પત્ર’માં અનેક પ્રણય-સંહિતાઓનો પુરાણો સાદ છે.
૩૦-૧૧-’૭૫
(એકાંતની સભા)