ચાંદરણું
લાભશંકર ઠાકર
હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
‘ચાંદરણું’ લા૰ઠા૰ની કીતિર્દા કૃતિ છે. મને યાદ છે ત્યાં સુધી આ કવિતા ‘સંસ્કૃતિ’ અને ‘કુમાર’ બેઉમાં પ્રગટ થઈ હતી. એવું પણ સ્મરણ છે કે ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠ પર અંકિત છબિ એક કન્યાની હતી, જેના રક્તકપોલ પર ઘેઘૂર વૃક્ષમાંથી ચાંદરણું ઊતરી આવ્યું હતું. એ ચાંદરણું જોનાર કુમારને પ્રાપ્ત થયું હતું. એ સ્મૃતિમાં તાદૃશ છે, સુરક્ષિત પણ છે, જેની મૂળ માલિક એ કન્યા છે તેથી પરત મેળવી શકે.
કેવી રીતે એ કન્યા ચાંદરણું પરત મેળવી શકે?
કન્યા તો કદાચ જાણતી જ નથી કે એના સૌંદર્યવિશેષે શું સરજ્યું હતું? કુમાર જાણતો નથી કે કન્યા ક્યાં છે?
પ્રત્યક્ષ મળવું શક્ય નથી.
કવિતા મેળવી શકે. જો કન્યા સહૃદય ભાવક હોય તો, કવિતા નિમિત્ત બની શકે, મિલન માટે, હેતુરહિત મિલન માટે.
આ મિલન પણ કોઈ ભૌતિક ઘટના નહીં હોય, ધન્યતાની અનુભૂતિ હશે.
સર્જનમાં નિમિત્ત બનનારનો સર્જક બીજી કઈ રીતે આભાર માને? અને નિમિત્ત બનનાર પોતે કેવી રીતે જાણી શકે કે એનો સર્જક પર શો ઉપકાર છે?
લા૰ઠા૰ના પ્રિય સર્જક પન્નાલાલે એમનાં સંસ્મરણમાં બે સખીનો ઉલ્લેખ કર્યો છે. મુગ્ધાવસ્થાના પ્રેમનો નિર્દેશ છે. બહેનબાને ‘મળેલા જીવ’ વાંચવા મળે છે અને પ્રેમની પ્રતીતિનો અણસાર આટલાં વર્ષે આવતાં એની આંખમાંથી ધન્યતાનાં આંસુ વહે છે. આ ઘટના સાથે લા૰ઠા૰ના ચાંદરણાને કશો સંબંધ નથી. પણ નિમિત્ત બનનારનો નિર્દેશ જરૂર છે.
ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, ઉપજાતિ — જે કહો તે, આ કુળના છંદો પર લા૰ઠા૰નું પ્રભુત્વ હતું, અથવા કહો કે આ છંદોલયમાં એમનો સ્વભાવ વરતાય છે, સ્મરણના નિરૂપણને અનુરૂપ છે આ રમ્ય નાદ જગવતી નદીનું વહેવું.
આ રચનાનાં મુખ્ય ઘટકો છે : ઘેઘૂર વૃક્ષ, રમ્યઘોષા નદી, ભીના જલકેશ, કન્યાના રક્તકપોલ અને ચાંદરણાનું અવતરવું — એ ક્ષણ છે — ‘નીરખી મને ને અટકી જરા.’
પરસ્પર પ્રત્યક્ષ થવાની ક્ષણને કવિએ ઘૂંટી નથી. નૈસગિર્ક પરિવેશમાં પરસ્પર દૃષ્ટિ મળે છે. પણ કાવ્યનાયક કશી સ્પૃહાથી કન્યાને જોતોે નથી, એને દેખાય છે ચાંદરણું રૂપેરી ઊતરતું, સ્થિર થતું ‘ભીના ભીના રક્તકપોલની પરે.’ અને સંભળાય છે પાર્શ્વસંગીત — ‘વહી જતી પાછળ રમ્યઘોષા…’ શીર્ષક પણ કેવું રમણીય!
લા૰ઠા૰એ ભલે નવપ્રસ્થાન પૂર્વે ‘કુમાર’ની કવિતા સાથે છેડો ફાડવા પોટલું છોડવાની વાત કરી હોય. સહૃદયોને એમના આ પ્રથમ સંગ્રહની મધુર કોમલ કાન્ત પદાવલિએ જે આનંદ આપ્યો હતો એમાં આજેય ઓટ આવી નથી.
છંદોલય સાથેનો લા૰ઠા૰નો નાભિસંબંધ એમની અછાંદસ રચનાઓમાં પણ સૂક્ષ્મરૂપે સચવાયો છે.
(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016)