મીરાંબાઈ
બંસીવાલા! આજો મોરા દેશ!
બંસીવાલા, આજો મોરા દેશ,
‘થોડા દિવસમાં જરૂર પાછો આવીશ’ એમ કહીને માધવ મથુરા ચાલ્યા ગયા છે. દિવસો પર દિવસો વીતતા જાય છે. ને માધવ જાતે તો આવતી નથી જ; પણ નથી આવતા તેમના ખત કે નથી આવતા ખબર અને એમના વિરહે તલખતી ગોપીના મનમાંી માધવની પીળાં પીતાંબર, જરકશી જામા ને મોરપીછના મુગટવાળી સાંવરી સૂરત, મનમોહન મૂર્તિ, ખસતી જ નથી.
‘હું આવીશ, જરૂર આવીશ’ એમ કહીને એ ગયા તો છે; ને વચન પણ જાતજાતનાં એમણે આપ્યાં છે. પણ એ ક્યાંય દેખાતા નથી. આ એક દિવસ ગયો, આ બીજો ગયો, આ ત્રીજો, આ ચોથો… એમ બોલતાં બોલતાં આંગળીના વેઢા પર આંગળી મૂકી મૂકીને દિવસો ગણતાં, ગોપીની જીભ થાકી જાય છે ને આંગળીના વેઢા પર એકના એક સ્થળે નિયમિત રીતે અંગૂઠો ફર્યા જ કરતાં, વેઢાની રેખાઓ પણ ઘસાઈ જાય છે.
વિરહવ્યાકુલ ગોપી પોતાના પ્રાણાધારને શોધવા માટે વનેવનમાં ભમ્યાં કરે છે. સંસાર એને મન ખારો થઈ જાય છે. અને એ ભગવાં ધારણ કરીને જોગણ થઈ જવા પણ ધારે છે, જો એ રીતે માધવ મળી શકે તો.
પણ માધવ નથી વનમાં, નથી જનમાં, નથી વાટે, નથી ઘાટે. એમનો પત્તો લાગતો નથી.
ને ગોપીને થાય છે કે એને પત્ર લખીને મારી વ્યથાનું નિવેદન કરું. પણ પત્ર પણ લખવો કેવી રીતે? નથી એની પાસે કાગળ, નથી શાહી, નથી કલમ, ને સંસારી સાસરિયાંઓએ એના પર ચોકી પણ એવી બેસાડી દીધી છે કે પંખી પણ એની પાસે ફરકી શકે તેમ નથી. આમ નથી તેની પાસે લખવાની સામગ્રી; ને લખે તોય નથી એની પાસે એનો સંદેશો લઈને કૃષ્ણને પહોંચાડનારું કોઈ માણસ તો ઠીક પણ પંખી પણ!
ગોપી તો, આમ, બની ગઈ છે સાવ એકલવાયી ને અસહાય. એનો તલસાટ તીવ્ર ને દુર્દમ છે અત્યંત; પણ એ તલસાટનો ખ્યાલ એ કૃષ્ણને આપી શકે તેમ નથી કોઈ પણ રીતે ય.
એક જ આશા છે હવે. મીરાંના પ્રભુ શ્રીકૃષ્ણ અન્તર્યામી છે. ગોપીના અંતરની વ્યથા એમનાથી છાની હોય જ નહિ. તો એ પોતે સદય બનીને પોતાની મેળે ગોપીની પાસે આવે ને ગોપીના હૃદયમાંથી ખસતી જ નથી તે મૂર્તિ વાંકડિયા વાળ, મોરપીંછનો મુગટ, પીળાં પીતાંબર, જરકશી જામા, ગળામાંત વૈજયંતીમાલા ને શિર પર છત્ર, એવી મૂર્તિનું તેને દર્શન આપે તે. કૃષ્ણ મળે, કૃષ્ણ પોતે જ કરુણા કરે તો.
(આપણાં ઊર્મિ-કાવ્યો)