નરસિંહ
નથની ખોવાણી
નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મોરી નથની ખોવાણી.
રાસની ધૂમ મરી છે. રાધાજી રમણાએ ચડ્યાં છે ને તન-મનનાં સાનભાન ભૂલી ગયાં છે. હરિવરની સાથે હમચી લેતાં લેતાં એમના નાકની નથની કશેક પડી જાય છે. રાધાજીને એનું ભાન રહેતું નથી ને એ રમ્યે જ રાખે છે.
આનંદસમાધિનું એ મહાપૂર્વ પૂરું થાય છે. સૌ ભાનમાં આવે છે. વસ્ત્રાભૂષણ સમારે છે. ને રાધાને ખબર પડે છે કે એનું નાક અડવું છે!
નથની ક્યાં ગઈ? ચારે તરફ શોધાશોધ ચાલે છે. નથનીનો પત્તો નથી લાગતો. ને ચાલે તેમ છે જ ક્યાં એનો પત્તો મેળવ્યા વિના, ગમે તેમ કરીને પણ?
કેવી છે એ નથની? નહિ નાની કે નહિ મોટી. રાધાજીની મુખશોભાની સાથે સહજ અને સ્વાભાવિક રીતે બરાબર ભળી જાય તેવી. અત્યંત મૂલ્યવાન ને કલામય. એની પહેરનારી રાધિકાને સોળસોયે ગોપીઓમાં જુદી તારવી આપે તેવી વિરલ ને વિલક્ષણ!
નથની તો એ જ; ને રાધિકાને એ જ જોઈએ છે પાછી; બીજી કોઈ પણ નહિ.
આટઆટલું શોધતાં યે એનો પત્તો નથી લાગતો તો એ નીચે પડી ગઈ હોય ત્યારે કોઈએ ઉપાડી તો નહિ લીધી હોય? માત્ર પડી જ ગઈ હોય તો આટઆટલી શોધાશોધ કર્યા પછી પત્તો ન લાગે તેનો?
જરૂર કોઈએ ઉપાડી જ લીધી હશે એને! ને એ ‘કોઈ’ એટલે કોણ તેનો વિચાર કરવાની પણ જરૂર છે? ગોકુળનાં માણસો તો ઠીક, પણ પશુપંખીઓયે જાણે છે કે આખા ગોકુળમાં ચોરોનો શિરોમણિ છે એક, ને એના વિના કોઈની ન હોય મજાલ રાધાજીના અલંકારને આંગળી સરખીયે અડાડવાની.
ને સરજોરી પણ ક્યાં ઓછી છે એ ચોરશિરોમણિ શામળિયાની? દમદાટીને એ ગાંઠતો નથી. ને ચોરીનો માલ પણ કાઢી આપવો હોય તો એ કાઢી આપે છે માત્ર એક જ શરતેઃ હાથેપગે લાગીને યાતના કરીએ તો.
આ નથનીનો પ્રસંગ ભાગવતમાં હોવાનો સંભવ નથી; કારણ કે ભાગવતમાં રાધા છે નહિ. નરસિંહે પોતે એ કલ્પ્યો છે કે કોઈ પ્રચલિત કથા કે આખ્યાયિકામાંથી લીધો છે, તેની ખબર નથી. એમ કહેવાય છે કે શિવજી જ્યારે નરસિંહને રામલીલા જોવા તેડી જાય છે ત્યારે તેના (નરસિંહના) જેવા પ્રાકૃત, મૃત્યુલોકના માનવીને જોઈને રાધાજી ચમકે છે. નરસિંહ જેવા પરમ ભક્તને પ્રાકૃત માનવાની જે ભ્રમણામાં રાધાજી પડ્યાં હતાં તેમાંથી તેમને મુક્ત કરવા માટે શ્રીકૃષ્ણ એમની નથની અદૃશ્ય કરી દે છે. રાધાજી નથનીની શોધાશોધમાં પડે છે તે દરમ્યાન રામલીલા જોવામાં તલ્લીન થયેલો નરસિંહ પોતાના હાથમાંથી દિવેટ પર—મશાલ પર—તેલ રેડ્યાં કરે છે ને તેલની ધાર તેના હાથ પર ઊતરે છે. હાથ બળે છે પણ નરસિંહને તેનું ભાન નથી. એ તો એકધ્યાન થઈને જોઈ જ રહેતો હોય છે શ્રીકૃષ્ણ ને ગોપીઓની વિવિધવરણી રીસલીલા. રાધાજીનું ધ્યાન આના પર જાય છે ને નરસિંહ વિશેની પોતાની ભ્રમણામાંથી એ મુક્ત થાય છે. આ દંતકથા પણ ગળે ઊતરે તેવી નથી.
નથની માત્ર ઘરેણું જ છે કે કશાકનું પ્રતીક છે તે પણ બરાબર સમજાતું નથી. પણ રાધાનો પોતાની જ નથની માટેનો આગ્રહ અને કૃષ્ણ પર તેણે ચડાવેલી તેની ચોરી, આ હકીકત લક્ષમાં લેતાં એક વિચાર આવે છેઃ કૃષ્ણ પોતે રાધાને એની નથની આપે અને કદાચ પહેરાવે ને એ રીતે તેને નથની પહેરાવીને તેના નાથ બને ને આમ સોળસેં ગોપીઓમાં રાધા જ પોતાની માનીતી ને સૌથી વિશેષ પ્રિય છે એવી પ્રતીતિ એ સૌને આપે એવું કંઈક તો રાધાને અભિપ્રેત નહિ હોય?
(આપણાં ઊર્મિ-કાવ્યો)