‘વિરાટ પ્રણય’ ‘અન્ન બ્રહ્મ’ આદિ પ્રથમ કક્ષાની કૃતિવાળા એક મહત્ત્વના કાવ્યસંગ્રહનું આ નામદાતા કાવ્ય છે કવિ તરીકેની ઉમાશંકરની લાક્ષણિકતાઓનું એ પ્રતિનિધિ થઈ શકે એવું એ સત્ત્વશીલ છે.
કેટલીક વાર સંગ્રહોના નામદાતા કાવ્યો કવિની પ્રધાન પ્રેરણાઓના ધ્વનિરૂપ હોય છે, તો કેટલીક વાર તેને આખા સંગ્રહના એકત્વ (unity) સાથે ખાસ સંબંધ નથી હોતો. સંગ્રહો માટે પણ તેમાં રજૂ થતા બધાં કાવ્યો કોઈ એક ચોક્કસ હેતુપૂર્વક ગ્રંથિત થયા હોય છે એવું હંમેશ નથી હોતું. પણ નિશીથ કાવ્યસંગ્રહ માટે એમ કહી શકાય; કે એ કાવ્યસંગ્રહનું એક ખાસ લક્ષણ છે કવિની ઊર્ધ્વગામી વિશ્વદૃષ્ટિ, અને બીજું છે કવિનો વ્યાપાક સમભાવ-વ્યથિત અને પીડિત જગત પ્રત્યેની ઊંડી અનુકમ્પા. આ બન્ને ભાવો આ કાવ્યમાં સારી રીતે અંકિત થયેલા છે એવી જ રીતે ઉમાશંકરની શૈલીનું ખાસ લક્ષણ તેની પ્રૌઢિ છે, ‘નિશીથ’ની પંક્તિએ પંક્તિએ એ પ્રૌઢિના દર્શન થઈ શકે છે. આમ ઉચિત રીતે જ ઉમાશંકરના બીજા કાવ્યસંગ્રહનું આ કાવ્ય મુખ-કાવ્ય ને નામદાતા કાવ્ય બન્યું છે.
બ. ક. ઠા. એ આ કાવ્ય ઉપર મહત્ત્વનું વિવેચન લખ્યું છે, અને ઉમાશંકરે આ કાવ્યના રસાસ્વાદમાં તે વિવેચનની મદદ લેવા ભલામણ પણ કરેલી છે. એટલે આ કાવ્યના પરિશિષ્ઠ ભાગ તરીકે તે વિવેચન પણ લખાય. એ બન્નેને ધ્યાનમાં રાખી ‘નિશીથ’ના કાવ્યતત્ત્વને આપણે હવે તપાસીએ:
નિશીથ એટલે મધ્યરાત્રિ–ગાઢ અંધકાર, આવું નામ શાથી ઉમાશંકરે પોતાના સંગ્રહને આપ્યું હશે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ મનમાં જાગે, આનો એક ઉત્તર એ સંભવી શકે કે, કવિ પોતાના યુગના આદર્શો અને વેદનાનો વૈતાલિક છે. આપણે જે યુગમાં જન્મ્યા છીએ તે તીવ્ર નૈરાશ્ય, અતલ વેદના અને પ્રાણસંહારક દાસત્ત્વનો યુગ છે. આ જાતની પરિસ્થિતિનું પરંપરાગત પ્રતીક છે રાત્રિ અથવા અંધકાર. એટલે સંભવ છે કે નિશીથનું પ્રતીક ઉમાશંકરને આપણા પ્રજાજીવનના વ્યાપક વિષાદને ગાવાની ઊર્મિમાંથી સાંપડ્યું હોય. પણ આપત્તિઓ, વ્યથા અને યાતનાઓથી કચરાઈ જઈ રડવું એ તો જનસાધારણાનું કાર્ય. કવિની દૃષ્ટિ તો કાન્તદર્શી કહેવાય છે. અન્યને જે અંધકારમાં અંધત્વ પ્રાપ્ત થાય તે જ જો એ કાન્તદર્શી દૃષ્ટિને નસીબે હોય તો એ દૃષ્ટિની વિશેષતા ક્યાં રહી? એથી જ ગીતાના પેલા શ્લોકના ભાવમાં સહેજ શબ્દફેર કરી કહી શકાય કે, ‘સૌ ભૂતોને જે નિશારૂપ છે તે કવિને ઉષારૂપ છે.’ અંધકારનાં બિહામણાં, ડરામણાં, અકળાવનારાં સ્વરૂપની જગ્યાએ કવિ તેના ‘રુદ્ર-રમ્ય’ સ્વરૂપનું દર્શન કરે છે. તે દર્શનથી ધન્યતા અનુભવે છે, અને તેને સ્તુતિના અર્ઘ્યો અર્પે છે.
આ અંગે બ. ક. ઠા. કહે છે કે, ‘પ્રકૃતિ—સૌંદર્યનું આવું કાલ્પનિક ઉદ્દીપન કાલગ્રસ્ત (ઑબ્સોલિટ) લાગે છે. અર્વાચીન બુદ્ધિકલ્પનાને એ અકૃત્રિમ લાગે ભાગ્યે. અદ્ભુતતા કરતાં કૃત્રિમતાની છાપ જ વધુ ઊપસે છે.’ જો આ વિધાન સાચું ઠરે તો આ કાવ્ય કેવળ એક તરંગ-લીલા જ બની રહે. કાવ્યનો હેતુ તરંગલીલા કરતાં ઘણો મોટો ને ઊંડો છે. વળી સાચું કાવ્યતત્ત્વ તો ત્રિકાલાબાધિત છે. તેને કાલગ્રસ્ત થવાપણું હોતું નથી. પ્રકૃતિસૌંદર્યને ઉદ્બોધન—બલકે પ્રકૃતિ માત્રને ઉદ્બોધન જો એક યુગે કાવ્યનું જનક બની શકતું તો આ યુગે શા માટે ન બની શકે? બ. ક. ઠા.નાં ખુદનાં જ અનેક કાવ્યો એમના વિધાનની આંકણીએ ચકાસતાં તરંગલીલા જેવાં બની રહે, વળી ભાવપ્રતીક તરીકે પ્રકૃતિ કદી પણ કાલગ્રસ્ત નહિ બની શકે. સાગર, ઉષા, તારા, અંધકાર, પ્રકાશ જેટલાં પ્રાચીનકાળમાં કલ્પના સમક્ષ જીવન્ત બની શકતાં તેટલાં જ આજે પણ બની શકે છે.
વળી અંધકાર પ્રકૃતિનું એક એવું તો અદ્ભુત સ્વરૂપ છે કે એની ભવ્યતા અને એની સુન્દરતા નિત્યનૂતન જ રહેવાની. વેદકાળના ઋષિઓને એનું જેટલું આકર્ષણ હતું તેટલું જ આજના કવિઓને પણ છે. નાસદીપ સૂક્તના ઋષિથી માંડી આજના બધા જ કવિઓએ એક અથવા બીજી રીતે અંધકારને પોતાના કાવ્યાર્ધ્ય અર્પ્યા છે, એ બધામાં ‘નિશીથ’નું માનભર્યું સ્થાન છે.
પોતાનો કોઈ ચિરપરિચિત હોય તેમ નિશીથને એક વિરોધાભાસી સંબોધનથી કવિ કાવ્યની શરૂઆત કરે છે. કોઈ પણ નટરાજ હોય તે રીતે નિશીથ કવિના કલ્પના-ચક્ષુ આગળ ‘ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો’ અને ‘તાલી લેતો દૂરના તારકોથી’ પ્રત્યક્ષ થાય છે. અને એ કોઈ સામાન્ય નટ નથી–એ તો છે ‘રુદ્રરમ્ય’ નટરાજ, આવા નટરાજનું બિરદ આપણી કલ્પનાએ કેવળ એક જ વ્યક્તિને આપેલું છે—શંકરને. સંહારના એ અધિદેવની સંહારક પ્રવૃત્તિમાં વિશ્વે પરમમાંગલ્યનાં દર્શન કરી તેને શિવનું મહિમાવન્તુ ઉપનામ આપ્યું છે. એ નટરાજ મહાદેવનાં કેટકેટલાં વિવિધ સ્વરૂપો છે! પ્રલયકાળે સંહારનું તાંડવ કરનાર એ રુદ્રમૂર્તિના મુખ પર તો ઘોરતમ સંહારમાં ય શાન્તિનું સ્મિત જ લહેરતું હોય છે! એ તપસ્વી છે, સંન્યાસી છે અને નારીશ્રેષ્ઠ ગૌરીનો પ્રિયતમ છે. નિશીથના શિવરુદ્ર સ્વરૂપનાં દર્શને શિવનાં આવાં અનેક સ્વરૂપ કવિને દૃષ્ટિગોચર થતાં હોય એવું એ કાવ્ય વાંચતાં આપણે અનુભવીએ છીએ ને આપણા મનમાં જાગતી નવી નવી અપેક્ષાઓને કવિ તેમની વેધક કલ્પનાઓ વડે સંતોષી પ્રફુલ્લ બનાવી મૂકે છે.
પ્રથમ દર્શને જાણે રજનીની જવનિકા ઊપડતાં બ્રહ્માંડની રંગભૂમિ પર કોઈ ભવ્ય નટરાજને પ્રવેશતો આપણે જોઈએ છીએ, કેવો છે એ નટરાજ! એને ગળે સ્વર્ગંગાનો હાર સોહે છે, કરમાં ઝંઝાનું કરાલ, ડમરું બજી રહ્યું છે, એના મુગટમાં ધૂમકેતુના પીંછાં ફરફરી રહ્યાં છે ને દૂર દૂર સુધી તેજ રૂપી મેઘની બનેલી એની પામરી લહરાઈ રહી છે! રાસ રમતાં જેને તાલી દઈ શકાય એવા એના સાથીઓ કોણ? દૂર દૂરના તારકો સિવાય અન્યનું ગજું જ શું? અને એના એ નૃત્યની અસર શી? લયોચિત પડતી એની પગપાની હેઠળ ‘પૃથ્વી ચંપાય મીઠું’ અને એને સ્પર્શે ‘તેજ રોમાંચ દ્યૌને.’ આ સાંભળતાં કોઈ કદાચ કહે કે આ તો અતિમાનવ સૃષ્ટિની વાત થઈ, એમાં મનુજોને શો રસ? પણ એ શંકા જાગે તે પહેલાં તો કવિ આપણને કહે છે કે નિશીથની હૂંફથી તો કોક પ્રીતિપ્રોયાં દમ્પતીઅંતરે વિકારવંટોળ મચી રહે છે!
આવો જ ઊંડા ખગોલના તાગ લેનારો તે ‘અમારે રંકાંગણે ઊતરે’ છે! કેવું અપૂર્વ સદ્ભાગ્ય! પણ કવિને કંઈક અંસતોષ રહી જાય છે, પોતાને જે કંઈ કહેવું છે તે બરાબર નથી કહેવાયું એવું જાણે તેના મનમાં મન્થન ચાલતું હોય તેમ તે ફરીથી કહેવા મંડે છે—‘તું કોણ?’ તું થોડો જ કોઈ સામાન્ય અતિથિ છે? અમારાથી તો અનેકગણાં મહાન ભવનોનો તું અતિથિ છે! અગસ્ત્યની ઝૂંપડીએ કોઈક વાર તો કોઈ વાર પેલા મૃગલુબ્ધ શ્લાનને પ્રેરતો તો કોઈ વાર સપ્તર્ષિનો પતંગ કરી ધ્રુવની સાથે ખેલતો તને અમે નથી જોયો? અને તું તો ભારે રસિયો છે! તારા નૌકાવિહારેય કેવા! કોઈ વાર પુનર્વસુની હોડલી લઈ સહેલ કરતો હોય તો કોઈ વાર દેવાયાનીમાં ઝોલાં ખાતો હોય!
જેના હાથમાં પ્રામાણિક શ્રમથી પડેલાં આંટણ ન હોય તેવાઓને પરોપજીવી એદી લેખનાર ચુસ્ત ગાંધીવાદી યુગના આ કવિને જાણે નિશીથનું આ સ્વરૂપ રખેને કોઈ વિલાસીના વર્તનમાં ખપી જાય એવી ભીતિ લાગી હો કે કેમ પણ તરત જ તેમની કલ્પના એક મોટો પલટો ખાય છે, દેવયાનીમાં ઝૂલવાનું ભૂલી નિશીથ હાથમાં મઘાનું દાતરડું લઈ સુપક્વ તારાગણો રૂપી ધાન્યકણો લણતો નાભક્ષેત્રે આપણી નજરે ચઢે છે. આવો રસગજ અને આવો શ્રમવીર એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ તો છે વર્ષમા અભ ઓઢી લેટી જતો, રૂપોમાં રાચતો નવ્ય યોગી.
યોગીરૂપ બનેલો નિશીથ સ્વાભાવિક રીતે જ શાન્તમના તપસ્વી બની હિમાદ્રિ જેવા દૃઢ પલાંઠીએ આસનસ્થ બનેલો આપણી દૃષ્ટિ સમીપ વિકસી રહે છે. પણ એ શાન્તમના હોવા છતાં આપણા જેવા વામનો માટે તો અલભ્ય જ. અર્જુનની—ભગવાનના મુખમાં વિરાટનું દર્શન થતાં જે દશા થયેલી તેવી જ સ્થિતિ નિશીથના જુમ્ભાવિકારયા ચંડ મુખ આગળ આપણી બની રહે છે, અને તેથી એનું એ પ્રફુલ્લ શિવરુદ્ર સ્વરૂપ ભૂલી આપણે આપણી નાની ઘરદીવડીને જ દૃગોથી વીંટી રહેવા મથીએ છીએ.
આ ચિત્રથી એવો ભ્રમ જાગવા સંભવ છે કે, નિશીથની એ અતિકાય વિરાટતા તો આપણને ઠીગરાવી દેવામાં જ પરિણમી! કવિ જાણે આવી શંકાનું સમાધાન કરતા હોય તેમ કહે છે કે, ‘તારા વિરાટ સ્વરૂપથી અમારી નાની શી ઘરદીવડીને અમારાં દૃગોથી વીંટી લેવા મથતી અમારી અસહાય સ્થિતિ જોઈ, તુ બંકિમ અષ્ટમી કે પૂર્ણિમાના છલકન્ત ચંદ્રનું કમંડલુ લઈ, અંગે કૌમુદી-શ્વેત ભસ્મ ચોળી, ચોદિશે રસપ્રોક્ષણ કરતા કોઈ ઊર્ધ્વમૂર્ધા સંન્યાસીની જેમ અહાલેક જગાવતો જગતમાં ઘૂમી રહે છે. તારો આ રસપ્રૌક્ષણથી ઉન્નિદ્ર હૈયાકમલોમા ચેતનનો મીઠો પરાગ તું સ્ફુરાવી શકે છે. તું તો સાચે જ શાન્ત તાંડવોનો ખેલન્દા છે!
આવો અમિત વીર્યશાળી અમારે રંકઆંગણે તું જ્યારે ઊતરવાની કૃપા જ કરે છે ત્યારે હે નિશીથ! અમે તારી પાસે કયા વરની યાચના કરીએ! માગવાનું તો ઘણું ઘણું છે, પણ દ્યૌનટ વિરાટ, મારા પ્રાણ આજ આકુળવ્યાકુળ છે. મારી દૃષ્ટિ આજ કુઠિત બની ગયેલી છે. જાણે છે તું શાથી? મારા દેશ પર કોક શાશ્વતી શર્વરી ઊતરી છે. આમલોકોના લોચનો નિદ્રાઘેરાં બન્યાં છે, અમ ભોળુડાં લોકહૈયાં મૂર્છાછાયાં બન્યાં છે. તે સૌને તારા નીરવ નૃત્યતાલે હે વિરાટ, તું નહિ જગાડી જાય? ચિત્તમાં જે મૃત્યુઘેરી તિમિસ્રા જામી ગઈ છે, રક્તસ્રોતે જે દાસ્ત-દુર્ભેદ્ય તન્દ્રાનો જમાવ થયો છે, અને તેથી જે અસહ્ય વિષાદમાં હૈયું રૂંધાઈ ગયું છે, તે મૃત્યુઘેરી તમિસ્રા, તે દાસ્યદુર્ભેદ્ય તદ્રા, તે અસહ્ય વિષાદને તારા નૃત્યના તાલે તાલે ગાળી અહીં નવાં સંગીત હે નટરાજ, તું નહિ સ્ફુરાવે!
અમારી આ માગણી તારાથી ન સંતોષાય એવી તો નથી જ. શ્રાન્તોને ચેતના આપવાની તારી શક્તિ તો વિશ્વવિદિત છે. પ્રકૃતિપ્રિયાને તું નવ પલ્લવિત કરી મૂકે છે, ને માનવોની મનોવૃત્તિકામાં તું સ્વપ્નોનાં અનેરાં બી વાવે છે. તું તો સૃષ્ટિની નિત્યનૂતન આશા છે. તારે માટે આટલી વાત કંઈ ભારે ન કહેવાય, અને વળી તું તો ઉષાનો-નવી નવી આશાઓનો, પ્રકાશનો, આનન્દનો વૈતાલિક છે! જે તું ગાય છે, તારા ગીતનું જે શાશ્વતધ્રુવપદ છે તેની જ અમે તારી પાસે માગણી કરીએ છીએ, કહે, કહે હે ઉષાના વૈતાલિક, તારાથી આટલું થશે ને?
વિષયને અનુરૂપ છંદ, વાણી અને સંગનું આ કાવ્યની પંક્તિએ પંક્તિએ આપણને દર્શન થાય છે, અને એનો વેગ એવો તે પ્રચંડ છે કે કાવ્યમાં કોઈ ક્ષતિઓ છે કે કેમ તેનો વિચાર કરવાની પણ આપણને તક નથી મળતી. કોઈ મોટા ચલચિત્રમાં એક પછી એક નવાં નવાં ચિત્રો જોતાં આપણી રસવૃત્તિ જેમ આનંદમાં તરબોળ બની રહે તેવો જ અનુભવ આ કાવ્યનાં અનેક ચિત્રો જોતાં આપણે કરીએ છીએ. ‘ભૂગોળાર્ધે પાયાની ઠેક’ લઈ નૃત્ય કરતા એ નટરાજથી માંડી અંગે કૌમુદી–શ્વેત ભસ્મધારી બંકિમ અષ્ટમીનું કમંડલુ કરે લઈ ઘૂમતા એ સંન્યાસી સુધીનાં ચિત્રો કેવાં સુરેખ રીતે આપણા કલ્પના-ચક્ષુ આગળ દોરાઈ રહે છે!
કાવ્યના એ પ્રચંડ પ્રવાહમાંથી નીકળી તટ પર ઊભા રહી વાસ્તવિકતાની દૃષ્ટિએ જ્યારે આપણે આ કાવ્ય તપાસવા બેસીએ છીએ ત્યારે એક પછી એક અનેક શંકાઓ આપણા મનમાં જાગે છે. નિશીથને નટરાજ કહેવા માટે કવિ પાસે કયાં પ્રમાણો છે? જો એને નટરાજ કહો તો મહાકાળભુજંગ શા માટે નહિ? અથવા દિશાઓ રૂપી ભવ્ય પાંખો વિસ્તારી ઊડતા ગરુડ પર આરૂઢ થયેલ ભગવાન વિષ્ણુ કેમ નહિ? નિશીથને નટરાજ કે રસપ્રોક્ષણ કરતા સંન્યાસી તરીકે સંબોધતાં પહેલાં કવિએ એ માટેની અપેક્ષા જાગ્રત થાય એવી કોઈ પૂર્વભૂમિકા રચી હોત તો સંભવ છે કે એ સંબોધનો વધુ સ્વાભાવિક અને સહજ બનત. ઉદાહરણ તરીકે દિવસભરના પ્રખર તાપથી બળીઝળી રહેલી પૃથ્વી બહેબાકળી બની, ચારે દિશામાં આશ્રય-સ્થાન ઢૂંઢતી, પોતાની અસહાય હતાશ દૃષ્ટિ નાખી નાખી હતપ્રાણ જેવી બની, નિઃશ્વાસ નાખતી, અધોમુખ દૃષ્ટિએ નતમસ્તકે બેઠી હોય છે ત્યારે તેને શિરે કોના મૃદુ સ્પર્શે રોમાંચ જાગી ઊઠે છે? આવા કોઈ પ્રશ્નસહ એ નટરાજનો જો કવિ આપણને પરિચય કરાવત તો, જે સમ્બન્ધો કલ્પનાના નિરંકુશ વિલાસ જેવાં કોઈકને લાગે તે વધુ સ્વાભાવિક ન બનત? એવી જ રીતે તારાઓને એક જગ્યાએ નિશીથની રાસમંડલીના જીવન્ત સભ્ય જેવા ચીતરી, તેમની સાથે નિશીથને તાલી લઈ ખેલતો દર્શાવી, જ્યારે કવિ તેજ તારાઓને નભના સુપક્વ ધાન્યક્ષેત્રે નિશીથના હાથમાં રહેલ મઘારૂપી દાતરડાથી ધાન્યરૂપે લણતા વર્ણવે છે ત્યારે ચિત્રોની જીવન્તતાને કંઈક હાનિ પહોંચે છે, કાવ્યનું સમત્વ (Balance) જોખમાય છે—અને તેટલે અંશે રસક્ષતિ થવા પામે છે. એવી જ રીતે:
પ્રીતિ-પ્રોયાં દમ્પતીઅંતરે કો
વિકારવંટોળ મચે તું-હૂંફે.
પંક્તિમાંનો ‘વિકાર-વંટોળ’ સમાસ એક પક્ષે નિશીથને તો બીજે પક્ષે કામની ઊર્મિને અન્યાય કરતો હોય એમ ખૂંચે છે. વિકારના બે અર્થો—ફેરફાર અથવા વિકૃતિ—મનનો બગાડ. પહેલો અર્થ અહીં અભિપ્રેત નથી. કામની વૃત્તિ એ મનનો બગાડ છે એવો ખ્યાલ સામાન્ય રીતે લોકોના મનમાં હોય છે, પણ તાત્ત્વિક દૃષ્ટિએ તો એ ખ્યાલ તદ્દન ખોટો જ લેખાય. કામને ધર્મ, અર્થ અને મોક્ષ સાથે એક આસને બેસાડી આપણા તત્ત્વચિન્તકોએ એક મહાપુરુષાર્થ લેખી તેનું બહુમાન કરેલું છે. દમ્પતીના જીવનની એ એક મંગલ કડી છે—અદ્વૈતનું એ પરમ રસાયણ છે. એ કોઈ વિકાર નથી — અને નિશીથ ઉમાશંકરના નિશીથ જેવું દેવતત્ત્વ વિકારને તો સ્પર્શે જ ક્યાંથી, પણ વિકારને તેના ચરણ સુધી ગતિ જ ક્યાંથી સંભવે? તે તો ત્યાં પહોંચતાં પહેલાં જ ગળી જાય. એટલે કવિને મન તો કામ જ અહીં અભિપ્રેત હોવા છતાં ‘વિકાર’ શબ્દે એ ભાવને થોડીક હાનિ પહોંચાડી છે.
એવી જ રીતે આપણી પૃથ્વીયે ઘણો મોટો પટ લઈ કવિ અન્ત ભાગમાં જ્યારે આપણા દેશ પર ઊતરેલી શર્વરીની વાત કરે છે ત્યારે એ પટને ઘણો સંકુચિત કરી દેતા હોય એમ લાગે છે. એ શર્વરી કેવળ—‘મારા દેશે’ જ નથી—સારી પૃથ્વી પર પ્રવર્તે છે—અને અન્યત્ર—અનેક ગ્રહો ને નક્ષત્રોમાં નહિ હોય એવું આપણે કહી શકતા નથી, એની સીમા આટલી સાંકડી ન થઈ હોત તો?
પણ આપણે ઉપર જોયું તેમ આ પ્રશ્નો તો કાવ્યના પ્રવાહમાંથી નીકળી આપણે ‘તટસ્થ’ બનીએ ત્યારના છે, પ્રવાહમાં તો એ પ્રશ્નોને અવકાશ જ નથી. અને પ્રીતમે નથી ગાયું કે,
તીરે ઊભા તે જુવે તમાશો!
આપણે ત્યારે તપાશગીર ન બનતાં માંહી પડેલા જ રહી નિશીથના આ કાવ્યનદમાં વિહરતા વિહરતા મહાસુખ પામીએ અને ગાઈએ કે નિશીથના
તાલે તાલે નૃત્યના રક્તવ્હેણે
સંગીત કેવાં સ્ફુરતાં નવાં નવાં!
(ઊર્મિ-નવરચના)