નાટ્યાભિમુખ કાવ્યની શોધ એ ઉમાશંકરનો ગંભીર પ્રયાસ રહ્યો છે, કાવ્યનો ધ્વનિ તથા લય અને નાટકનો સંઘર્ષ બંનેનો મેળ મળે તેવો છંદોવ્યવહાર, આ શોધના આવા વિવિધ આયામો છે, ‘કુબ્જા’, ‘મહાપ્રસ્થાન’, ‘યુધિષ્ઠિર, ‘૧૯મા દિવસનું પ્રભાત’ આ શોધનાં નાનાંમોટાં શિખરો છે.
નાટકનો પટવિસ્તાર અને કાવ્યની સપ્રમાણતા બંનેનો મેળ મેળવવો એ પણ એક કઠિન વ્યાયામ છે.
કવિ ઠાકુરે ‘કચ-દેવયાની’, ‘કર્ણ-કુંતી’, ‘ગાંધારીનું આવેદન’માં આવો પ્રયાસ કર્યો છે, અને ‘ગાંધારીના આવેદન’માં તેમણે કાવ્યમાં નાટ્યાવતારની સિદ્ધિ પણ મેળવી છે.
ઉમાશંકરની આવી સિદ્ધિ મેં ‘કર્ણ-કૃષ્ણ’માં અનુભવી છે.
કાવ્ય એક છંદ-હિલ્લોલ અને અલંકારચમત્કૃતિ માગે છે અને નાટક માગે છે તુમુલ સંઘર્ષના પ્રવેશો, ચઢ-ઊતર અને પ્રકાશભરી પરિણતિ.
‘કર્ણ-કૃષ્ણ’નો સંઘર્ષ છે સાચી રીતે માનેલો અન્યાય કરનારા સામેના તીવ્ર રોષનો, ઉમાશંકરના શબ્દમાં પ્રરોષનો (‘ઊભી થઈ જાય શિખા પ્રરોષે’), જેને કૃષ્ણે પોતે ‘શસ્ત્ર તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ’ કહ્યો છે તે કુંતીજાયો હોવા છતાં, કૌમાર્યાવસ્થામાં ત્યજાયો હોવાથી સુતને ત્યાં ઊછર્યો. તે કારમાં અપમાનો પામેલ છે; એવાં કારમાં કે કર્ણને તે કોઈ સંભારી આપે તે પણ તેને પસંદ નથી.
કૃષ્ણ આ સંવાદમાં કુમારોની પરીક્ષા-રંગમંચ વખતે, દ્રૌપદી સામે વરવાં ધોષયાત્રામાં, વિરાટઝાંપે તેનાં થયેલાં અપમાનો સંભારે છે ત્યારે અભિજાત પુરુષની જેમ કહે છે:
ઘટે નહીં હે યદુવીર ખોલવા
વ્રણો રૂઝ્યા-અધરૂઝ્યા બીજાના.
કાવ્યની પરિણતિ આ તીવ્ર, અંદર ને અંદર ભડકી રહેલો રોષ – તેના તીવ્ર પ્રાકટ્ય, અંતે ધીરજભરી સમજાવટ અને સમાધાનમાં પરિણમે તે છે.
કૃષ્ણ સંધિમાં નિષ્ફળ જાય છે, યુદ્ધ ટાળી શકાય તેમ નથી, દુર્યોધનને બદલાવી શકાયો નથી, કર્ણને પણ પાંડવપક્ષે લઈ જવામાં નિષ્ફળ જાય છે જ. પણ કર્ણના પિતામહ ભીષ્મ, માતા કુંતી, દ્રૌપદી, ભાઈઓ પ્રત્યેના રોષનું વિગલન કરાવી શકે છે તે આ કાવ્યમાં કંડારેલી વિષ્ટિની સિદ્ધિ છે. તેઓ ‘અર્જુન સિવાય કોઈ પાંડવને નહીં મારું, પાંડવો પાંચના પાંચ રહેશે.’
‘મારે લીધે અર્જુન મૃત્યુ પામતાં,
મારે મર્યે અર્જુનને લીધે વા’
જેવું વચન મેળવી શકે છે.
પણ તેમની ઊંચેરી સિદ્ધિ તો કર્ણને બે વાતનું ભાન થાય છે ને તેના અંતરાત્માનો આયામ બદલાય છે તે છે.
કર્ણને ભાન થાય છે કે તે ખોટે સ્થળે ફસાયો છે, અને તેનો પક્ષ જીતવાનો નથી, એટલું જ નહીં તે જીતે તે ઇષ્ટ પણ નથી. છૂટા પડતી વખતે કહે છે — જતાં જતાં
કાને ધરો જે કહું આટલુંક:
ન લેશ આની કદી થાય જાણ.
સ્વપ્નેય તે પાટવી ધર્મરાજને.
સ્વીકારશે એ, નહીં તો, ન ધર્મવત્
ક્ષણાર્ધ માટે પણ રાજ્ય રાજા.
‘યુધિષ્ઠરને હું તેનો મોટો ભાઈ છું તેની જાણ ન જ કરતા, નહીં તો તે રાજ્યને ઘડી માટે પણ નહીં સ્વીકારે – મને આપશે, અને હું દુર્યોધનને આપીશ, કારણ કે એના મૈત્રીપ્રભાવે હું જીવું છું. તેમ કહીને તે સ્વીકારે છે કે –
થશે ન એ શોભતું, ધર્મબંધુ,
ભલે થતા રાજવી ધર્મરાજ
છે કૃષ્ણ જેને સચિવ પ્રબુદ્ધ,
ને સવ્યસાચી સમ યુદ્ધવીર.
આ એક કડીમાં કર્ણનું ચેતસુ-પરિવર્તન આવી જાય છે. ઘડી પહેલાં જ જે દ્રૌપદી અને અર્જુનની યાદ આપતાં બોલે છે –
ન વાત છેડો, કિરીટીસખા, તે.
સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય
છો ભોગવે તે અભિજાત કન્યા.
ઉખેળશો ના પડ ભૂતકાલનાં.
દ્રૌપદીએ તેને સ્વયંવરમાં બધા વચ્ચે કહેવરાવ્યું કે ‘તું સુતપુત્ર છે માટે તેની નહીં વરી શકું.’ આ અપમાને તેને બોલાવેલ કે ‘એ ઉચ્ચ કુળની કન્યા ભલે પાંચ પતિનું સુખ ભોગવે.’ અને પછી, દ્રૌપદીજિત્ અર્જુન માટે તીવ્ર સ્વરે બોલી નાખે છે—
‘વેગે જઈ સમ્મુખ તેડી લાવો,
એ દ્રૌપદીજિતુ અભિજાત અર્જુન.
યુદ્ધાંગણે કોલ જુએ ન કોણ
કુજાત કે કોણ વળી સુજાત.’
એ જ કર્ણ અંતે કેવી વિનમ્રતાથી, સમજથી, કાંઈક પસ્તાવાથી કહે છે—
ભલે થતા રાજવી ધર્મરાજ.
અને માતા પ્રત્યે હૃદય ઊભરાતું હોવા છતાં પણ માતાએ તેને ત્યજી દીધાના અન્યાયની પીડા જે વીસરી શક્યો નહોતો અને તે કુંતીજાયો છે તેમ શ્રીકૃષ્ણ જણાવે છે ત્યારે પીડા, વક્રતા, વિદ્વેષથી બોલી ઊઠે છે –
કુંતીજાયો? તેર વર્ષોની વાત!
અજ્ઞાત અન્યોન્યથી હસ્તિનાપુરે
વસ્યાં અમે મા-શિશુ વર્ષ તેર!
પાંડવોના વનવાસકાળમાં વૃદ્ધ કુંતાજી વિદુરને ત્યાં હસ્તિનાપુર રહ્યાં હતાં. અને પીડાના ઉદ્રકથી કેવો ભાવોત્કર્ષ પ્રગટાવે છે:
વર્ષે વર્ષે માસ તો બાર બાર,
માસે માસે ને દિનો ત્રીસ ત્રીસ,
ને ત્રીસમાંથી દિન એક એક,
મૂકે ઘડી ગણિતી, તેની સાઠ.
મળી ઘડી, અર્ધઘડી ન માતને,
વાત્સલ્યથી વંચિત બાલ કારણે!
અપૂર્વ આશ્ચર્ય ન એ શું કૃષ્ણ?
એ ભારતે અદ્ભુત માપ ધર્મનું!
પાંડવોના ધર્મ પર તેનો કટાક્ષ ઉઘાડો છે, કારણ કે ભગવાને તેને આરંભમાં ‘ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના’ આવવાનું કહ્યું છે. તેનો વળતો ફટકો કર્ણ મારે છે:
‘એ ભારતે અદ્ભુત માપ ધર્મનું!’
આવો રોષિત, પ્રત્યાક્રમણ માટે ઉતાવળો કર્ણ – તેને રથથી ઉતારતાં કૃષ્ણ કહે છે:
સુબાહુ, થંભ્યો રથ… હસ્તિનાપુરે
છે કુંતીને એક જ પુત્ર, જોજે
રહે ન એ વંચિત માતૃભક્તિથી.
અને કર્ણ શું કહે છે:
લો, ઊતરું… ઉર ચક્ષુથી ઊભરાતું
આ અશ્રુ ને અંજલિ માતૃભક્તિની.
જીવનમાં સમજપૂર્વકનું સમાધાન, તે જ સ્થાયી સુખનો પાયો. એ સમાધાન વનવાસ આપે, પરાજય પણ આપે, કર્ણના પ્રસંગમાં મૃત્યુ પણ આપે પણ ચિત્તનો દાહ શમી જાય, આંતરિક ઝંઝાવાતને વટાવી મનુષ્ય સહજાવસ્થાની ઝાંખી કરે. કર્ણને એ ઝાંખી થાય છે એટલે છેલ્લે કહે છે—
હવે નહીં જન્મ, ન જોવું જીવન,
હવે રહ્યું જ્યાં ધ્રુવ મૃત્યુ એક….
આરંભ નકારથી, રોષથી; અંત સમજદારીથી, સમાધાનથી. નમ્રતાથી.
કર્ણ-કૃષ્ણની આ નાટ્યસભર પરિણતિ છે.
પણ કવિએ આ ક્રિયા, કેવી, દીર્ઘ, કઠિન, વિવિધ ભયોવાળી છે, તેમાં તેમની શ્રેષ્ઠ પ્રતિભા છે. હૃદયપરિવર્તન તે બચ્ચાંના ખેલ નથી, તે અગ્નિ સંભવ છે, અને તે કૃષ્ણ જેવા પ્રાજ્ઞ, સમદશી સારથી માગે છે. વિગતે જોઈએ.
શ્રીકૃષ્ણ ભાઈ-ભાઈઓ, સગાંસ્નેહીઓ, જાતિબંધુઓનો મહાસંહાર અટકાવવા જાતે સંધિ કરાવવા ગયા, પણ દુર્યોધન ન માન્યો; ભગવાનના હાથ હેઠા પડ્યા. એમણે સભામાં જોયું કે ભીખ-દ્રોણ લડવા માટે ઉત્સુક નથી. તેઓ આ સમાધાન કરવાની જ સલાહ આપે છે – છતાં દુર્યોધન માનતો નથી. તો તે કોના પર મુસ્તાક છે? તેમની ચકોર આંખે. કર્ણ ચડ્યો. તેને લડવાનો, અર્જુનને હણી પોતાનું પરાક્રમ બતાવવાનો ચડસ છે. તે કહે છે હું અર્જુનને હણીશ, દુર્યોધન ભીમને હણશે. શ્રીકૃષ્ણ તો હથિયાર લેવાના નથી, પછી રહ્યું કોણ? કુંતી, ભીમ, દ્રૌપદી, ભીષ્મ અને સામાન્ય જનોથી એ દાઝેલો, દાનવીર છતાં બડાઈખોર કર્ણ જ આ શાંતિસ્થાપનાની આડે આવે છે. એને સમજાવી શકાય તો મહાસંહાર અટકે, એટલે નીકળતી વખતે કર્ણને પોતાની જોડે થોડે સુધી આવવા નિમંત્રે છે. ત્યાંથી આ કાવ્યનો આરંભ થાય છે.
ઉપાડ જ કેવો અપૂર્વ ચિત્રાત્મક, અપૂર્વ સૂચનાત્મક, અપૂર્વ અલંકૃત છે!
કર્ણ જાણે છે કે શ્રીકૃષ્ણ એને શી વાત કરવા સાથે લીધેલ છે. એટલે જ કહી. નાંખે છે. તેના મનમાં દ્વિધા જ નથી.
‘જુઓ હસે છે નભગોખ સૂર્ય.’
‘અરે ભગવન, આ સુર્યદેવતા. જે જગતનાં ચક્ષુ છે, જેનાથી કશુંય ગુપ્ત નથી. તે આપણને સાથે બેઠેલા જોઈને મર્માળુ હસે છે – કેવા છીએ આપણે?
‘પાસે પાસે એક જલે ઝૂલંતાં
પ્રફુલ્લતાં કિતું ને જેહ સંગમાં
અધન્ય એવાં પદ્મ ને પોયણાશાં
જોઈ મુખો આપણે બે તણાં અહીં.
એક જ સરોવરમાં પાસે પાસે જ રહેતાં અભાગિયાં કમળ, અને કુમુદિની સાથે મળતાં નથી. એક કરમાય ત્યારે બીર્જ ખીલે – એવા આપણે બેઉને સાથે રહેવાની ઇચ્છાથી બેઠેલા જોઈને સૂર્યભગવાન હસે છે. આ દુર્દૈવ્ય છે જ, પણ તે ટાળી શકાય તેવું નથી અને પછી, વળી. બીજી ઉપમા આપે છે:
ઝાઝી વેળા વ્યોમ માંહે ન સોહે
સાથે સાથે સૂર્ય ને સોમ, કૃષ્ણ,
સોહે નહીં એક રથેય એવા
પ્રવીર બે કૌરવપાંડવોના.
સૂર્ય ને ચંદ્ર આકાશમાં એકીસાથે ઝાઝી વાર હોય તે શોભારૂપ નથી એવું જ આપણું છે. મને ઉતારો, હું પાછો હસ્તિનાપુર જાઉં, જ્યાં યુદ્ધ આવ્યે શૌર્યઉન્માદ-વ્યાકુળ કૌરવો મારી વાટ જોતા હશે, જ્યાં –
‘અને કુરુજાંગલ – રે સમગ્ર
આર્યાવર્તે આણ જેની પ્રશસ્ય
એવા મહારાજ–’
કર્ણ આટલું બોલી દુર્યોધનનું નામ લે તે પહેલાં જ વિલક્ષણ ચતુરાઈથી શ્રીકૃષ્ણ કહે છે. ‘હા, એવા મહારાજની ભેટ યુધિષ્ઠિરને તેમના ધર્મધ્વજાળા શિબિરે ભલે આજે થઈ જાય.’ શ્રીકૃષ્ણ ચતુરાઈપૂર્વક ‘મહારાજ તો કહ્યું છે? તે કહી નાંખે છે, અને પછી સંવેદનાને હિલ્લોળે ચડાવવા કહે છે કે – ‘પાંડુપુત્રો આ દિશામાં નજર માંડીને બેઠા હશે, તેઓ ધારતા હશે કે કાં તો હું યુદ્ધ લાવીશ, અને કાં તો ભાઈ-ભાઈઓની પ્રીતિ લાવીશ. બેમાંથી એકની જ તેમની ધારણા હશે, પણ આજે બેઉ ધારણાઓ ભલે ફળતી.’ કેવી રીતે? –
‘પ્રીતિ-પ્રતીક્ષા પણ આજ એમની
ભલે ફળે બેવડી: યુદ્ધશ્રદ્ધા
સંતોષાશે વિષ્ટિ હું હારતાં, ને
બંધુપ્રીતિ પાંડુ પુનઃ જીવ્યા સમી
સૌ પામશે, આજ પધારતાં ઘરે,’
હું સંધિ નથી કરી શક્યો, તેથી તેમની યુદ્ધચ્છા તો સંતોષાશે, પણ ભાઈ ભાઈની પ્રીતિ પણ સંતોષાશે.’ – કેવી રીતે? –
કારાગારે કૌરવોને પડેલ,
ધનુર્ધરોમાં સહજે શિરોમણિ.
શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ
કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ.’
શ્રીકૃષ્ણ જરૂર પડ્યે વાણીને ઉલ્લસિત કરી શકે છે. આપણા કાનમાં તેનો ઘોષ, તેની સાર્થકતા ગાજે છે. તેમાં અતિશયોક્તિ નથી, પણ યથાર્થતાનો – સાર્થકયનો ઉન્મેષ છે.
ઉપરની ચાર લીટીમાં એક વ્યક્તિને જ નહીં, એક સમગ્ર સમયને સમાવી દે છે; પણ છતાં કણ ઉલ્લાસિત થતો નથી, ઊલટો આક્રોશિત થાય છે.
તે તો કહે છે: ‘કુંતી તો મારી બાજુમાં જ તેર વર્ષ રહ્યાં. આ તેર વર્ષમાં હું યાદ ન આવ્યો અને હવે યાદ આવ્યો? ભારે તમારી ધર્મવૃત્તિ, સ્વાર્થ વખતે સગપણ યાદ આવ્યું?’ શ્રીકૃષ્ણ તેના મર્મ પર મીઠો ટકોરો મારે છે – ‘શા સારુ તને આટલાં વર્ષ ને સંભાર્યો તે તારે સાંભળવું હોય તો સહુ ભાઈઓના હિત માટે પોતાની કલંકગાથા તને તારી માતા જરૂર કહેશે.’
બોલાવવી એ જનની મુખે જો
લજ્જા ભરી, શોક-કથા વીતેલી,
‘બોલાવવી’ અને ‘વીતેલી’ – બે શબ્દો મહત્ત્વના છે. દીકરો માને તેની કલેકગાથા કહેવરાવવા ઇચ્છે? તો કહો, અને વળી આખરે તો વીતેલ વાત છે. શ્રીકૃષ્ણ અને કવિનો હેતુ આખરે કર્ણ અંતર્મુખ થાય તે છે. કર્ણમાં તે ત્રેવડું હોવા છતાં વિવિધ કારણોસર તે બહિર્મુખ છે, એટલે તેના ઉગ્ર પ્રત્યાઘાતોના બળતા ઉત્તરો તેઓ આપતા નથી, પણ બહુધા મલમપટ્ટી છે અને તેની અસર વધતી જાય છે.
‘તું કહે તો કુંતી તેની વીતેલી શોકકથા કહેશે.’ તેમ કૃષ્ણ કહે છે એટલે જ તો જ કર્ણ કહે છે:
‘ના, કૃષ્ણ મારે નથી કહેવરાવવી
કલંકગાથા જનનીમુખેથી?
અને પછી તરત એક વિરલ માતૃમહિમા સ્તોત્ર ઉચ્ચારે છે કે “જ્યારે રંગભૂમિ પર મેં અર્જુનને દ્વંદ્વ-યુદ્ધ માટે આવાહન દીધું અને કૃપાચાર્યે મૂંઝાઈને કહ્યું કે આ અર્જુન કુંતી અને પાંડુનો પુત્ર છે, રાજપુત્રો અન્યનાં ગોત્ર જાણ્યા વિના દ્વંદ્વયુદ્ધ કરતા નથી. તારા માતાપિતા કોણ છે તે કહે.’ ઝાંખા પડેલા મને એ વખતે સુયોધન મહારાજે અંગદેશનું રાજ્યપદ આપી અભિષેક કરાવ્યો. તે વખતે મારા પર જલાભિષેક થયો હતો ત્યારે સ્ત્રીવર્ગમાંથી એક સાધ્વીની બેઉ આંખોમાંથી મારા પર વાત્સલ્યનો અખંડ અભિષેક થતો જોયો, આવું વાત્સલ્ય મા વિના કોઈનું ન હોય. મારા રણ જેવા જીવનમાં સ્મૃતિની એ જ મીઠી વીરડી રહી છે. અને અનેક અપમાનો સહન કરતી વખતે એ જ મારો અમૃતાભિષેક યાદ આવ્યો છે.”
‘અનલ્પ રિદ્ધિ મુજ ક્ષુદ્ર આયુની.’
ઊર્મિછલોછલ માતૃવંદના કરીને પણ કર્ણનું ‘કેથાર્સિસ’ પૂરું નથી થયું એટલે કહી નાખે છે—
“પરંતુ, ધર્મજ્ઞ, પૃથામુખેથી
‘છે કર્ણ કૌન્તેય’ ન શબ્દ એવા,
આચાર્યને એ સમયે મળ્યા; મળ્યા
હવે, હવે જ્યાં ડગલુંય પાછું
ક્યાં દેવું તે ના રહ્યું શોચવાનું.
કર્ણના મનની દોલાયમાન સ્થિતિ, કવિએ ભારે લાઘવભરી, સૂક્ષ્મ છટાથી વણવી.
‘મળ્યા. હવે, હવે જ્યાં ડગલુંય પાછું ક્યાં દેવું તે ના રહ્યું શોચવાનું.’ કર્ણના ‘હવે, હવે’ બે શબ્દ — નાનકડા શબ્દો કેવું મોટું સ્થિત્યંતર પ્રગટ કરે છે! સાધારણ તુચ્છ શબ્દોનો આવો મહિમામય ઉપયોગ કેટલાએ કર્યો હશે?
કૃષ્ણ તેના મનમાં ખૂંચતા, નીકળી જવા મથતા શલ્યને જાણે છે — માતાએ તે જ વખતે કેમ ન કહ્યું – નહીંતર આ મહાસંહાર, આ ભ્રાતૃસંહારનો નિમિત્ત હું ન બનત?’
પણ શ્રીકૃષ્ણ, શ્રીપતિ છે એટલે ભારે સ્નેહચાતુર્યથી કહે છે –
‘સુણ્યું હશે, કર્ણ કદી; ન જો સુણ્યું
તો હું કહું: ત્યાં નીરખી તને, પ્રિય,
શો કુંડળે ને કવચે સુહંત’
ઓગાળી નાંખે તેવો શબ્દ ‘પ્રિય’ અને પછી માતાના હૃદયની ઊથલપાથલ, જે જન્મજાત કવચ-કુંડળવાળા પુત્રને બળબળતા હૃદયે વહેતો મૂક્યો હતો તેને આજે નવી ઉદયમાને સૂર્યની જેમ ઓચિંતો પ્રગટતો જોવો, અને તે પણ પોતાના સહોદરને દ્વંદ્વયુદ્ધ માટે નોતરતો જોવો, કેવી કપરી સ્થિતિ, આનંદ-શોક-લજ્જા-ભય-ચિંતા, વિહ્વળતા, કેટલા બધા ભાવો! ન કહેવાય, ન સહેવાય.
‘ને માતથી એ કદી જોયું જાય?
સહ્યો ન જાતાં સ્નેહઑથાર, માતા
મૂર્છા પામી ને ઢળી પૃથ્વીખોળે.’
અરે! તારી માને ‘છે કર્ણ કૌંતેય’ એમ કહેવાની વેળા જ ક્યાં રહી હતી? તે તો પ્રેમ ને શોકના પૂરમાં તણાઈ બેભાન થઈ હતી. અને ભાવપરિવર્તનકળાના જાદુગર જેવા કવિ કૃષ્ણ પાસે ઉચ્ચારાવે છે –
‘સુભાગ્ય કે જીવી ગઈ નિહાળવા,
અંગાધિરાજ તુજને થયેલો
અને થતો ભારતરાજ આજ.’
કોણ અભાગી આ સાંભળીને પીગળ્યા વિના રહે? એટલે કર્ણ કહે છે –
‘વાણી પ્રેરો, કૃષ્ણ, ના ભાવપૂર્ણ
સંસારની ઘોર કઠોર વાતે.
સહ્યાં જવું જે વિધિદત્ત કાંઈ
કાં ઊર્મિની અંજલિ વ્યર્થ પથ્થરે?’
કર્ણનું આ પ્રથમ અંતર્મુખ પગલું છે. કોઈનો દોષ નથી, આ સંસાર છે જ એવો. કેટલાય તાણા-વાણા. કોણ કોનો વાંક કાઢે? વાંક વિધાતાનો –
પણ કૃષ્ણને આટલાથી સંતોષ નથી. ‘સહ્યાં જવું જે વિધિદત્ત કાંઈ, તે એમનો જીવનમંત્ર નથી, તેમનો જીવનમંત્ર તો ધર્મને ઉગારવા માટે સંભવામિ યુગે યુગે – નકારાત્મક નથી, હકારાત્મક છે.
એટલે એને કહે છે:
ના ના, ન એવું વદ, ધર્મ-વત્સલ.
તું કુતાનો અંકુર આદિ ઉજ્જ્વલ.
‘તું પ્રથમ પુત્ર છે, કૌમાર્ય વેચી તને તેણે લીધો છે, એ દુભાંગી કે યૌવનશ્રીનું પ્રથમ ફળ તે ન સાચવી શકી અને ભાગ્યદુર્બળ નારીએ બચવા જ, તને પણ બચાવવા તને અજાણ્યા જગતના હાથમાં સોંપ્યો. તેને ભરોસો હતો કે જન્મજાત સુવર્ણકવચ-કુંડળવાળું આ સંતાન જ્યાં હશે ત્યાં, જ્યાં જશે ત્યાં પ્રકાશ પાથરશે.’
ઓછો જ ઢાંક્યો કદી ક્યાંય રહેશે? અને પછી વધુ અંતર્મુખ કરવા કહે છે –
‘તને થયેલ અપમાનો અપમાનો જ તને યાદ આવે છે, પણ તારી માતાની એ વખતની કારમી આત્મવેદના કેવી હશે તેનું સોણુંય આવે છે? એક નવજાત, સ્મિતસભર, સોહામણા પુત્રને નદીનાં વહેણમાં મૂકતી વખતે તેનું હૈયું કેટલું શીર્ણ વિશીર્ણ થયું હશે? કલ્પી દશા એ કદી માતૃઉરની?–’
અને પછી કોઈ અનન્ય કવિછટાથી આપણને ઊર્ધ્વલોકમાં ઊંચકીને ઉચ્ચારે છે—
‘જે માતને શોણિતપોષણે તું
જન્મ્યો, વહે જેહનું રક્ત તારી
નસે નસે આ ઘડીએય વેગથી;
જેની મૃદુમીઠી મુખાકૃતિની
તારે મુખે અંકનરેખ આછી
ને જેહના કોમળ પાદયુગ્મની
શોભા વસી આ ટેવ પાયયુગ્મમાં;’
પુત્રની ચેતનાના વિયોગે દુઃખદુર્બળ માતાના પૂર્ણ અસ્તિત્વ સાથે એક સ્નેહનીતરતા સંવેદના-સભર ઇશારા –
અંતર્મુખતાની પ્રક્રિયામાં બીજાના ગુણોનું સ્મરણ જ પૂરતું નથી, પણ પોતાના અવગુણોનું સ્મરણ પણ ઉપયોગી છે. ભાવસ્મરણમાં પાપ સ્મરણ પ્રક્ષાલન કરે છે, એટલે અપૂર્વ કોમળતાથી કર્ણને તેઓ પ્રક્ષાલન તરફ વાળે છે.
“હા, આ પાયયુગ્મ – અરે વનવાસમાં યુધિષ્ઠિર જ એક દહાડો કહેતા હતા કે તું જ્યારે અવસ્ત્ર એકાકિની દ્રૌપદીને તપેલાં તેલ જેવાં કુવાકયો-‘દાસી અવસ્ત્રા’ હોય કે વસ્ત્રા એમાં શું? દુઃશાસન, તું તારે વસ્ત્ર ખેંચ. વેશ્યાને નિયત પતિ કેવો?’ સંભળાવતો હતો ત્યારે એ સૌમ્ય શાંતમના મહાત્માના ચિત્તમાં પણ કોપ જાગી ઊઠ્યો હતો તારા પ્રત્યે – પણ યુધિષ્ઠિર કહે, ‘ક્રોધમાં હું એની સામે જોતો હતો ત્યાં એના પગ પર નજર પડતી, અરે એ પગ માતાના જેવા જ જોતાં મારો કોપ શમી જતો, કેમ થતું હતું આવું શ્રીકૃષ્ણ?’
તેનું ઘૃણાસ્પદ વર્તન યાદ કરાવી કૃષ્ણ માતા પ્રત્યે જ નહીં, ભાઈઓ અને તેમાંય શાંતમના–મહામના ભાઈ જોડે પણ કર્ણનું અનુસંધાન કરવા માગે છે, તે સ્પષ્ટ છે. પણ ભાગ્ય – અરે ભાગ્ય – તેમનું છેલ્લું વાક્ય છે – ‘અવસ્ત્ર એકાકિની દ્રૌપદીને’ અને એકદમ કર્ણનો રોષાગ્નિ ભભૂકી ઊઠે છે – દ્રૌપદી?
હા! કૌપદી / પંચપતિ વરેલી
તથાપિ આયુષ્યની જે અનાથા!
ન વાત છેડો, કિરીટીસખા, તે.
સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય
છો ભોગવે તે અભિજાત કન્યા.
વ્યંગ, રોષ, પીડા. ‘અભિજાત કન્યા’ શબ્દ જોડવામાં કેટલા કેટલા ભાવો છે! ‘એણે મને સુતપુત્ર છું માટે તને નહીં વરું– તેમ સભા વચ્ચે જ અપમાન ક૨ેલું — સભા વચ્ચે જ.’
ઉખેળશો ના પડ ભૂતકાલનાં
સંકોરશો અગ્નિ ન માનહાનિનો.
વેગે જઈ સમ્મુખ તેડી લાવો
એ દ્રૌપદીજિત્ અભિજાત અર્જુન.
અહીં પડદાનું — આ નવા અંકનું ઉદ્ઘાટન આકસ્મિક છે કે પ્રયોજિત?
લાગે છે આકસ્મિક. છેલ્લે ‘એકાકિની દ્રોપદીને’ વાક્ય આવ્યું. શ્રીકૃષ્ણે ધારેલું કે કર્ણની ભૂલો – નબળાઈ – અપકર્મ બતાવું તો કાંઈક કૂણો પડે; પણ બન્યું ઊંધું. જોકે કવિની યોજનામાં તે સવળું છે; કારણ કે તે જાણે છે કે કર્ણનો રોષ માતાની સામે જ નથી; તે દ્રૌપદી, અર્જુન, ભીષ્મ સૌ સામે પણ છે. એ રોષનો પોપડા પણ બાળવા જ પડશે. એટલે નવો પ્રવેશ આરંભે છે. દ્રૌપદી સામેના રોષને ઓગાળવાને પ્રસાધન શ્રીકૃષ્ણ તેના આ અણધાર્યા રોષાગ્નિને પણ સ્વાભાવિક જ ગણે છે, તેને તેય અભીષ્ટ છે. એટલે ઋજુતાથી કહે છે –
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા,
જણનારાંના કર્ણ, બે દોષ પી જા.’
કુંતીના દોષની શિક્ષા તેની પુત્રવધૂ કે પુત્રને ન હોય. તેમનો શો અપરાધ? કૃષ્ણ જાણે છે કુંતી સામેનો રોષ તો શમી ગયો છે, બાકીનાનો શમાવવાનો છે.
અને તે કેવી રાજવધૂ જે સાસુની આજ્ઞા માથે ચડાવી પાંચે પતિને સેવે છે! કઈ રાજકન્યાએ આવી આજ્ઞા ઉઠાવી છે? આ કાળમાં? અને પછી હળવે રહીને કહે છે—
ને એ વધૂ, વત્સ, ચડાવી આજ્ઞા
કુંતી તણી મસ્તક, સેવતી સુખે,
ક્રમે ક્રમે પંચ પ્રતાપી ભર્તા,
ક્રમે ક્રમે તેવી જ સેવશે સુખે
એ પંચના અગ્રજ જ્યેષ્ઠ કર્ણને.
અહીં છે દામની શરૂઆત. શાસ્ત્રમાં કાર્યસિદ્ધિના ચાર ઉપાયો દર્શાવ્યા છે – સામ, દામ, ભેદ અને દંડ. શ્રીકૃષ્ણ આ પ્રસંગે ચારે ઉપાયો અજમાવે છે. સામ – સમજાવટ શ્રેષ્ઠ છે, તે સ્થાયી પરિણામદાયી છે; પણ તેનાથી કાર્ય ન પતે તો બાકીના રસ્તા — ક્રમશઃ ઊતરતા રસ્તા લેવાતા રહે છે.
પણ કવિની – આ કાવ્યની રમણીયતા એ છે કે બધા ઉપાયો છેવટે સામમાં જ પરિણમે છે – બધા ઉત્કટ રસો જેમ શાંતમાં પરિણમે છે તેમ – દંડ પણ અવરોધક નહીં પણ સામપોષક જ નીવડે છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી.
દામનો ઉપાય આવતાં જ કર્ણ બોલી ઊઠે છે –
ના, કૃષ્ણ, ના, હોય ન એવી વાર્તા
આજે હવે, જીવન અસ્ત વેળા.
આ ઉચ્ચારણ સંસ્કારિતાનું છે, કારણ કે આગળ જતાં તે ધનુષ્યની પ્રત્યંચાના. લલકારથી કહે છે—
પરંતુ હું પાર્થસારથી કદી
એકીસાથે દ્રૌપદીને ન શોભે
ભર્તાસ્થાને કર્ણ ને – જે કિરીટી,
જાઓ પ્રેરો કૃષ્ણ, શ્વેતાશ્વશોભિતે
રથે વિરાજત રણે ધનંજય.
છતાં એને કાંઈક એવી તો પ્રતીતિ થઈ છે કે આમાં કુંતી – દ્રૌપદી કોઈનો વાંક નથી, એટલે છેવટે કહે છે –
‘આજે હવે બે વિધિના ધનુષ્યથી
છૂટી ચૂકેલાં શર – શા અમે બે
યુદ્ધેપ્સુ કર્ણાર્જુન, કોણ બાણ
વીંધે બીજાને રહ્યું એ જ દેખવું.’
આપણે કર્તા નથી, નિમિત્ત પણ નથી; કર્મ છીએ વિધાતાનું.
એમાં કોના પર રોષ ઠાલવવો?
દામ નિષ્ફળ જાય છે.
એટલે શ્રીકૃષ્ણ ભેદ શરૂ કરે છે. ભીષ્ય-કર્ણ વચ્ચે ફૂટ પડાવી યુદ્ધ અટકાવવું. એટલે કહે છે: ‘ભીષ્મ વિશે શું ધારે છે, મહારથી?’
કૃષ્ણે ‘મહારથી’ શબ્દ જાણીજોઈને વાપર્યો છે. કવિ એક સળી જેટલી વાતે ચૂકતા નથી, કારણ કે ભીષ્મે કર્ણની બડાઈથી કંટાળીને તે ‘મહારથી’ નહીં પણ ‘અતિરથી’ પણ નથી તેમ કહ્યું છે.
પણ કર્ણની અંતર્મુખતા હવે જાગી ગઈ છે. તે બહિર્મુખ જવાબ નથી આપતો. તે કહે છે: ‘ભીષ્મ શા સારું આકળા થાય છે તે તમારાથી અજાણ્યું છે? એમને મારું પરાક્રમ તો ગમે છે, પણ મારો કુજન્મ તેમનાથી સહન થતો નથી.’
પણ તેનો એ જવાબ નથી કે હું કૌરવોને છોડી પાંડવ બનું. સાચો જવાબ તો એ છે કે—
હું કૌરવોમાં રહી કૌરવોની
ગાંગેયથીયે કરું ઝાઝી રક્ષા,
છે એ જ પ્રત્યુત્તર ભીષ્મયોગ્ય
અને ન કે આજ બનું છું પાંડવ.
ભેદનીતિ ઓગળી જાય છે. રહી દંડની વાત.
કૃષ્ણ તેને કહે છે:
‘સારું તો હવે યુદ્ધભોમે મળશું.’
‘હા, યુદ્ધભોમે.’
કૃષ્ણ કહે છે – ‘ત્યાં કાંઈ કપટ દ્યુતની જેમ નહીં ચાલે, ત્યાં કોઈ કપટપાસા નથી; શરથી શરોનો ન્યાય મળશે.’ પણ કર્ણનું કવચ, અહંકાર-રોષ-પ્રત્યાધાતનાં કવચો ઊતરી ગયાં છે. તે શાંતભાવે કહે છે—
એ ભીતિ? ના દંડની હોય કર્ણને,
એ ભીતિ? કે જીવનલ્હાણ ભવ્ય?
જેમાં અપજન્મના કલંકો ભૂંસાઈ જશે ને શુચિમૃત્યુસોયથી કુજન્મનો અંતર કોરનારો કાંટો નીકળી જશે.
શુચિમૃત્યુ કારણે તેણે બધી લાલચો જતી કરી છે – બધી – સૌથી કઠિન દ્રૌપદીની પણ. પોતાના ક્ષાત્રધર્મ માટે એક તસુ જેટલી માંડવાળ તેણે કરી નથી. આ શુચિ અને મૃત્યુ? તો જીવનના બધા બંધો તૂટી ગયા છે. કાંઈ કહેવાનું – બદલો લેવાનું – કશું રહ્યું નથી ને હિસાબ ચૂકતે થઈ ગયો છે. રહ્યું છે સહજ મૃત્યુ. તે મૃત્યુ જ સૌને પ્રતીતિ કરાવશે કે –
“કે હીન જન્મે નવ હીન માનવ
છે હીન કર્મે કરી હીન માનવ
સ્વયંવરે જીવનસુંદરીના
જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ”
પ્રાચીન ગ્રીક નાટ્યકારોની છટાથી કવિ આ સદ્યસ્નાત – શુભ્ર અંત:કરણપ્રાપ્ત પુરુષને ભાવિદર્શન કરાવે છે. જાણે કૃષ્ણથી પોતે જુદો થયો, એટલે ભારતના મહાન રથનાં બેઉ પૈડાં નીકળી ગયાં, અને એ મહારથ ભાંગી રણ વચ્ચે ઊભો રહી ગયો છે.
રથનું લક્ષણ ગતિ છે, જીવનનું લક્ષણ પણ ગતિ છે. આ ગતિનો આધાર કૃષ્ણના મતે સમષ્ટિના હિતની આરાધના છે.
તેથી જ વ્યક્તિત્વની વીરતાની વાત કરનાર, વ્યક્તિગત અન્યાય માટે હૈયાવરાળ ઠાલવનાર, વ્યક્તિગત બદલો લેવા ઊંધાચત્તાં કરનાર સમાજદ્રોહીઓને પક્ષે જનાર કર્ણને તેમણે કહ્યું: ‘તું વ્યષ્ટિ આડે ન જુએ સમષ્ટિને.’
વ્યક્તિ પોતાનો અહંકાર તો ઠીક પોતાના અધિકારને પણ એટલી હદે ન લઈ શકે કે સંસારના મૂલાધારને ધક્કો લાગે.
કર્ણનો બધો મહિમા – ગૌરવ ગાતાં છતાં કવિ તેની વાંકી વાતનાં પરિણામોથી અજાણ નથી જ. એટલે જ કર્ણ પાસે ઉચ્ચારાવે છે—
જાઉં હવે, કૃષ્ણ, જુઓ જુઓ તો…
ધરી થકી ચક્ર પડી જુદાં, સરે
જુદે જુદે માર્ગ અને વિભિન્ન
અપંગ ઊભે રથ થંભી જેમ,
એવો સર્યે આપણ ભિન્નમાર્ગે
થંભી ઊભો ભારતનો મહારથ
શો ખોટકાઈ અહીં કારમો!… અરે!’
વક્રશીલ કર્ણે પરશુરામને છેતર્યા હતા – પોતે બ્રાહ્મણ નહોતો છતાં બ્રાહ્મણ બની વિદ્યા લીધી હતી – સંસારનું મૂલાધાર સત્ય, તેનો જ ઉચ્છેદ કર્યો. તેનું આ. પરિણામ: રણભૂમિમાં અંતકાળે પૈડું પૃથ્વી ગળે અને વિદ્યા નહીં યાદ આવે. તે જાણે તેને પ્રત્યક્ષ થાય છે.
વ્યક્તિત્વની પ્રતિષ્ઠા, મહેચ્છા, હુંકાર ક્યાં સુધી? સમષ્ટિનો નાશ થાય ત્યાં સુધી પણ? તેમ થાય તો કવિ શું જુએ છે? –
થંભી ઊભો ભારતના મહારથ,
શું ખોટકાઈ અહી કારમો!… અરે!
આ શું પ્રાચીન કાળનું દૃશ્ય છે?
ઉમાશંકરે આ કાવ્ય સર્જ્યું ત્યારે વાગ્દેવીએ તેમના પર વરદ હસ્ત મૂક્યો હશે. તે ધન્ય પળ હતી.
આવી ધન્ય પળ મળતી રહો.
૩૧-૧૦-૧૯૮૬