પ્રદ્યુમ્ન તન્ના
છોળ
અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!
વિલા કેથરની એક નવલકથામાં ચોમાસામાંના પર્વતોનું વર્ણન આ રીતે કરાયું છેઃ ‘પર્વતોના ઢોળાવ પર આછો લીલો અને ઘેરો લીલો રંગ એકબીજામાં ભલી ગયા વિના પથરાયેલો પડ્યો હતો.’ આ રંગ-સૂઝ વર્ણનને કેટલું તાદૃશ અને જીવતું કરે છે?
આ હમણાં વાંચી એ ‘છોળ’ કવિતા પણ આવી જ રંગસૂઝની કવિતા છે. કલાકાર ચિત્ર પર જુદાં જુદાં રંગોના લસરકા કરે અને એકાએક કોઈ કળાકૃતિનો ઘાટ ઊપસી આવે, એમ જ અહીં પણ થોડાક રંગો આલેખાયા છે અને એમાંથી એકાએક તાદૃશ શબ્દચિત્ર ઊઘડતું આવે છે.
ચિત્રની પહેલી જ રેખા કેવી મુલાયમ અને કલાત્મક છે? ‘છોળ’ની સાથે ‘ભીંજવી જવું’ એ શબ્દો બીજા કોઈ પણ કવિને સૂઝ્યા હોતઃ છાકમછોળ શબ્દ વાપરતી વખતે પણ કવિ આ છોળ ચક્ષુ-ગમ્ય શબ્દ છે એ વાત નથી ભૂલ્યા. એટલે જ એ શરૂ કરે છે કે રંગની આ છાકમછોળ મારા નેત્રને અડકી ગઈ.
નેત્ર એટલે જ આકાશ. ક્યારેય નેત્રમાં સમાય એથી વધુ આકાશ આપણે જોઈ શકતા નથી. એટલે નેત્રને અડકતી છોળની સાથે જ નેત્રના જ રંગના ભૂરા આકાશની વાત કવિને સૂઝે છે; સોનાવરણાં ખેતરોને કવિ યાદ કરે છે. વચ્ચે વળાંક લેતાં રૂપેરી વહેણનો નકશો દોરે છે! આઘેના ડુંગરોની શ્રેણીઓ જાંબલી રેખા આંકી રહી છે.
કવિતાની આ થોડીક પંક્તિઓમાં જ રંગોની છોળ કેટલી બધી ઊડતી આવે છે? કવિ હવે આ ચિત્ર દોરવામાં આગળ વધે છે, રાનસૂડાનું ટોળું આકાશમાં વળાંક લઈને નીચે ઊતરે છે. અહીં એમણે કોઈ રંગ વર્ણવ્યો જ નથી. છતાં એ જંગલી પોપટના ટોળાંનો રંગ આપણે આખાયે વાતાવરણમાં કલ્પી શકીએ છીએ. એ જ રીતે કોઈક પંખી દેખાતું જ નથીઃ પીળચટી થોરવાડની પાછળથી ચંડોળનું ગીત સંભળાય છે, પણ ચંડોળ પોતે દેખાતું નથી. જે દેખાતું નથી એ પંખીનો વર્ણ કયો? કવિ કહે છે, એનો સૂર એ જ એનો વર્ણ છેઃ અહીં થોડો અમૂર્ત કલાનો લસરકો આવી જાય છે.
ચંડોળ પંખીના વર્ણ તરીકે જે અમૂર્ત છે એવા સૂરને આપણે કલ્પીએ છીએ. પણ હવા જે અમૂર્ત છે તેને કવિ મૂર્ત રંગ આપે છેઃ દક્ષિણ વાયુની લહેરખી તો ફૂલગુલાબી છેઃ અને લીલો નાઘેર આંબાવાડિયાનો રંગ તો છે જ.
આ આખાયે ચિત્રમાં રંગોની છોળથી કંઈક બંધાતું આવે છેઃ પણ એ આખાયે ચિત્રને જીવંત બનાવવા માટે કલાકારનો એક આખરી લસરકો જરૂરી છે, અને છેલ્લી પંક્તિઓમાં એ આવે છેઃ એક રેખા અંકાય છે અને અત્યાર સુધી અસંબદ્ધ લાગતી બધી જ રેખાોની સાર્થકતા સિદ્ધ થઈ જાય છે.
મહેકની સાથોસાથ કંઈક ઊડતું આવે છે, એ છે રાતીચોળ ચૂંદડીઃ જળસ્થળે એની ઝાંય પણ રેલાતી આવે છે.
આ રાતીચોળ ચૂંદડીને જ ઊડતી દેખાડીને કવિએ કવિતાને સંપૂર્ણ બનાવી છે. આ આખાયે વાતાવરણમાં ચૂંદડી ઓઢીને આવતી નારીનું ચિત્ર આંકવાનો પ્રયત્ન કર્યો હોય તો કદાચ એ એટલો સુસંગત રીતે ન બેસત. ઊડતી આવતી રાતીચોળ ચૂંદડી દ્વારા જેટલું કહી શકાય છે એટલું માંડીને વાત કહેવા બેઠા હોત તો કદાચ ન કહી શકાયું હોત.
આ કવિ ચિત્રકાર છે એ આપણે ન જાણતા હોત તો પણ આ કવિતાએ એ વાત કહી દીધી હોત. શબ્દો કેટલું સુંદર ચિત્ર દોરી શકે એમ છે તેના થોડાં સુંદર ઉદાહરણોમાં આપણે ‘છોળ’ને મૂકી શકીએ.
(કવિ અને કવિતા)