દેવોને સુ–વાસથી રૂંધવાનો ઉપક્રમ! – રાધેશ્યામ શર્મા

દિલીપ મોદી

એક વખત

એક વખત વૃક્ષોની સભાએ

રચનાનું શીર્ષક ‘એક વખત’, સંસ્કૃતમાં વારે વારે વપરાઈ ચૂકેલા ‘એકદા’ શબ્દની પુનરાવૃત્તિ છે. ‘પોએટિક સ્ટ્રક્ચર’માંના પાંચે સ્તબકોનો પ્રારમ્ભ ‘એક વખત’ના વિનિયોગથી થયો છે. આ

વૃક્ષો, રેલવેના પાટા, રસ્તા, ફૂલો અને પવન – એ પાંચે વિષયવસ્તુઓના ભાવોની અભિવ્યક્તિ એન્થ્રોપોસેન્ટ્રિક – માનવભાવારોપણ રીતિએ અહીં થઈ છે.

પાંચ ગુચ્છોને, ગદ્યકાવ્યના મલ્લિનાથી ટીકાકારો કહી શકે કે પાંચ સ્તબકોની વિભાજિત પંક્તિઓને એક સીધી સળંગ લીટીમાં લખી શકાય. પણ કૃતિ–પઠન–ભાવન યથાર્થ રીતિએ કરવામાં આવે તો છુટ્ટી લખેલી પંક્તિઓ, શબ્દો વચ્ચે જે પોઝ, વિરામ આવે છે ત્યાં કવિનો આંતરલય ઉપસ્થિત છે.

કાવ્યને ગદ્યવત્ સળંગ લીટીમાં લખતાં જે સ્પેસ યોજાય અને અહીં છે તેવી રીતે (છાપતાં) જે અવકાશ રહે એની વિઝુઅલ સ્ક્રિપ્ટના મહિમા વચ્ચેય મસમોટું અંતર છે. આ ના સમજવા માગતા આલોચકોએ પ્ર-માણવા જેવું નથી?

‘એક વખત’ના વ્યાપમાં પહેલી આવે છે વૃક્ષસભા જે ઠરાવ પસાર કરે છે કે આપણે પણ પક્ષીઓની પાંખ પર બેસીને આકાશમાં ઊડવું જોઈએ.

સામાન્યપણે વૃક્ષોની ડાળી પર – એટલે જાણે કે વૃક્ષપંખીની પાંખ સમી ડાળ પર પક્ષીઓ બેસતાં યા માળો બાંધતાં હોય છે, જ્યારે કૃતિમાં એ ઘટનાનો વિપરીત ક્રમ છે. વૃક્ષો સ્થાણુવત્ મૂળિયાં સમેત પૃથ્વીપટે રોપાયેલાં છે, ક્યારેક વાવંટોળ જ એમને ઉન્મૂલિત કરી કાઢે છે. એટલે સ્વાભાવિક છે કે થાંભલાની જેમ ખોડાયાની બંદી દશામાંથી મુક્ત પંખી પેઠે ઊડવાનું મન કરે.

વૃક્ષો પછી એવા જ ધરતી સાથે ચપોચપ મડાગાંઠ પાડી જકડાયેલા રેલપાટાનો વારો આવે. બે પાટાઓ પ્રશ્નાર્થી છે પોતાની અ–લગતા બાબતે. બંને વચ્ચે રહેલી સમાન્તર જગા દ્વૈતનો અણગમતો ખ્યાલ આપે છે. એ કઠતું હોવાથી દ્વૈતમાંથી અદ્વૈત પ્રતિ ગતિ કરવાનું સૂચન આપે છે: આપણે બંને એક ન થઈ જઈએ?

રસ્તાની ‘સ્થિતપ્રજ્ઞતા’ કહી કર્તાએ એક સૂક્ષ્મ વ્યંગનું ઇંગિત ઢોળ્યું છે. રસ્તાની સ્થિતિચુસ્તતા એની જડબેસલાક અવદશા હોવાથી એ એકદા કહી ઊઠે છે કે આવી સ્થિતપ્રજ્ઞતા (?) છોડીને મારે પારાવારના પ્રવાસી થઈ અત્રતત્ર સતત બધે હરવુંફરવું છે.

રેલવેપાટા પાસે કે રસ્તાની આજુબાજુ ફૂલોનો સંસાર કોણે–ક્યાં–નથી જોયો? ફૂલોનું અભિયાન વૃક્ષો–રસ્તા–પાટા કરતાં રિબેલનું હોય એવું વિદ્રોહપ્રેરિત છે. નિજી સુવાસ વડે જ મંદિરસ્થિત દેવના શ્વાસોને ચાલો ‘રૂંધી નાખીએ’! ‘આયર્નિ’ ધ્યાનાર્હ છે. દુર્વાસથી નહિ, દેવોને સુવાસથી જ ગૂંગળાવી મારવાનો ભાવ છે!

સૌથી પ્રકર્ષક પવનની ઊર્મિ છે. રસ્તાની સઘન પરાકાષ્ઠા પાતળા પવનની કરુણ વિમાસણમાં તદ્દન સહજતામાં વ્યક્ત થઈ છે: ક્યાં ગયા મારા હાથપગ? ક્યાં ગયો મારો ચહેરો? મારી આંખો ક્યાં હશે? અને ––

મને બધું કોઈ લાવી આપો
મારે
મારી જાતને ઓળખવી છે

– અહીં ત્રણ ડૉટ… મૂકી છેવાડે ‘એક વખત…’ લખી કવિ દિલીપ મોદીએ રસાનુભવનું વર્તુળ, સમ્યફ શૈલીમાં મૂર્ત કરી આપ્યું છે. ઉપમા–અલંકાર વગર પણ કવિતા રચી શકાવાનો ઉપક્રમ નોંધપાત્ર છે. પવન પોતાની જાતનો – આત્મપરિચય પામવા વિચારે એવી કલ્પના આ રૂપકાશ્રિત કથાકાવ્યનો પ્રાણ છે.

‘એક વખત’નાં આવર્તનોમાં વખતનું નહીં એટલું ભાવસંચલનોનું આધિપત્ય છે:

Feeling sometimes make a letter calander than dates.

— Rod Steiger

(રચનાને રસ્તે)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book