‘અરધી સદીની વાચનયાત્રા’(1-2)ના બંને ભાગના લેખકો અને એમાં પ્રસિદ્ધ થયેલાં લખાણોનું વૈવિધ્ય ઊડીને આંખે વળગે તેવું છે. આવા સંખ્યાતીત લેખકોનાં ઢગલાબંધ લખાણોમાંથી ચયન કરી મૂકવાં, એ એક મહાભારત કાર્ય છે. પછી એવાં લખાણોમાં કાપકૂપ કરવી, અમુક અંશો જતા કરવા વગેરે પણ ભારે સૂઝ અને ધીરજ માગી લે તેવું કાર્ય છે. આ બંને ભાગ જોતાં શ્રી મહેન્દ્રભાઈ એમાંથી સાંગોપાંગ પાર ઊતર્યા છે. તેમણે આ દળદાર બે ભાગમાં અનેકવિધ વિષયોનો મધુપર્ક આપણી સામે ધરી દીધો છે. દેશ-વિદેશના જાણીતા-ઓછા જાણીતા એવા અનેક લેખકો તેમની અડફેટમાં આવ્યા છે. અમુક જ વિષયને કે એવાં લખાણોને જ મૂકવાં તેવું અહીં ધાર્યું નથી. માત્ર એક બાબત સર્વત્ર રહી છે : અને તે પસંદ કરેલી સામગ્રી માણસને વિચાર કરતો કરી મૂકે, તેના જીવનરસને ઉત્તેજે, જીવન જીવવાનું તેને બળ મળે, તેની સભ્યતા અને સંસ્કૃતિનું તે વડે સંવર્ધન થાય – એવો એમનો સતત અને સર્વત્ર આગ્રહ રહ્યો છે. કહો કે જીવન અને જીવનોન્નયનને સાથે લઈને તેઓ ચાલ્યા છે. આવાં લખાણો વિસ્તારી નથી; ગાગરમાં સાગર સમાવતાં હોય તેવાં, સંક્ષિપ્ત, ભાવસભર સાથે મૂલ્યસભર છે. કહો કે આ બંને ભાગ સર્વત્ર જે કંઈ ઉત્તમ છે તેનું વિવેકી સંદોહન છે.
અહીં અનેક લેખકો અને લખાણોના મેળામાં હરફર કરનાર જોઈ શકે છે કે વિવેક શું છે, જીવન અને જીવનધર્મ શું છે, સભ્ય હોવું તે શું છે, સંસ્કૃતિ શું છે અને સૌથી વધુ તો માણસ હોવું તે શું છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષા વડે પ્રકટ થયેલ જીવનસત્ત્વ, એમ બંનેનો વૈભવ અહીં પ્રકટ થયો છે. પુસ્તકનું ગમે તે પાનું ઉઘાડીને વાંચી શકાય છે. ઘણી વાર શું વાંચવું અને શું ન વાંચવું એનો વિવેક વાચકમાં પૂરેપૂરો ઊગ્યો નથી હોતો; આ પુસ્તકોનું વાચન સુરુચિના ઘડતરમાં નવી પેઢીનું માર્ગદર્શક નીવડે તેમ છે.
[‘વિશ્વવિહાર’ માસિક : ઑક્ટોબર 2004]
**
આ ઘણું ઉપયોગી કાર્ય થઈ રહ્યું છે. આ કાર્યથી માત્ર વાચનરુચિ જ વધતી નથી, પણ મૂલ્યો તરફ પણ પ્રજાનું ધ્યાન જાય છે. આ એક રુચિવર્ધક ને મૂલ્યવર્ધક એવું સાંસ્કૃતિક કામ થઈ રહ્યું છે.
‘ઉશનસ્’
[તા. 16-08-04ના પત્રમાં]