ઘાણીના બળદની વાત-નવનીત સેવક

            કોઈ એક ગામને વિષે કોઈ એક વેળાએ નારણ નામે પટેલ વસતો હતો. અતિ પ્રયાસે પાંચમા પ્રયત્ને ‘એસ. એસ. સી.’ પરીક્ષા પાસ થઈ છે જેના વડે એવા તે પટેલને, ત્યાર બાદ, પોતાનો ખેતીનો ધંધો કનિષ્ઠ અને ગામડાના ખેડૂતોને છેતરીને પાંચ પૈસા પેદા કરતા વણિકનો ધંધો શ્રેષ્ઠ લાગ્યો. એટલે, એક વેળાએ જ્યારે પરચૂરણ વેપાર કરનાર ગામના વણિકની દુકાને ખેડૂતો વડે કપાસ તેમજ અનાજના બદલામાં માલસામાન લઈ જવાતો હતો, અને વણિક વડે તેલમાં બોળેલ હાથે ગોળ જોખાતો હતો, ત્યારે તે નારણ નામે પટેલ વડે તે વણિકને આ પ્રમાણે કહેવાયું : “હે બંધુ, વૈદને હાથે મરવા કરતાં જેમ ડૉક્ટરના હાથે મરવું ઉત્તમ છે, તેમ ખેડૂતનો ધંધો કરવા કરતાં તમારો ધંધો કરવો વધુ સારો છે. માટે, હે મિત્રા ! મારો વિચાર તમારા જેવો ધંધો શરૂ કરવાનો છે, તો કૃપા કરીને મને તેના લાભાલાભ સમજાવો.”

            પટેલનું આવું ઉદ્બોધન સાંભળીને, દુકાનમાંથી માખીઓ ઉડાડતા તે વણિક વડે આ પ્રમાણે કહેવાયું : “હે ભાઈ ! તારું કહેવું યથાર્થ છે; પરંતુ વેપારીઓને જેમ સેલ્સ-ટૅક્સ નડે છે તેમ અમને પણ આ ગામનો મુખી નડે છે. કહેવત છે કે –

         “સિનેમા-ટિકિટના કાળાબજારિયાને જેમ મેનેજરનો લાગો હોય છે, શહેરમાં ફરતી લારીઓને જેમ એનક્રોચમેન્ટવાળાઓનો લાગો બાંધેલો હોય છે, સટ્ટા- ફીચરિયાઓને જેમ પોલીસનો લાગો હોય છે – તેમ ગામડાના વેપારીને મુખીનો લાગો બાંધેલો હોય છે.

           (1)  “તે માટે, હે બંધુ, જો તારે વગર મહેનતે કમાવાનો ધંધો કરવો હોય તો ગામનો મુખી થવા માટે પ્રયત્ન કર.”

તે પછીથી તે વણિકની આપેલી પૈસાની બેવાળી બીડી પીને ખુશી થતાં તે નારણ નામે પટેલ વડે ગામના મુખી પાસે જઈને આ પ્રમાણે કહેવાયું : “હે મુખી ! દેવો જેમ વૃત્રાસુરથી ડરે, તેમ ગામનાં લોકો આપ વડે ડરે છે. અમેરિકાની પેઠે આપ પણ અનેક સંધિઓ કરાવો છો, ને અનેક તોડાવો છો. રશિયાની જેમ આપનો વીટો-પાવર પણ અસીમ છે. માટે હે બંધુ ! એસ. એસ. સી. પાસ થયેલા એવા મારા વડે હવે મુખી થવાનો વિચાર કરાયો છે; તો આપના આ મુખીપણાના લાભાલાભ મને સમજાવો.”

             તે પરથી તે મુખી વડે આ પ્રમાણે કહેવાયું : “હે નારણ ! જોકે યાલ્ટા કરારની જેમ, અમારા ધંધાની વાત પણ બહાર પાડવામાં મજા નથી; તો પણ હું તે તને કહું છું તે તું શ્રવણ કર. હે ભાઈ ! ગામડામાં અમે સર્વસત્તાધીશ હોવા છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટરના આગમન વખતે તો અમે પણ સાવ બકરી જેવા થઈ જઈએ છીએ. કહ્યું છે કે –

            “રેશનાલિઝેશન આવતાં જેમ મજૂર ગભરાય છે, ટી.ટી.ઈ. આવતા જેમ ખુદાબક્ષ મુસાફર ગભરાય છે, પરીક્ષા આવતાં જેમ વિદ્યાર્થી ગભરાય છે, મહેમાન આવતાં જેમ અમદાવાદી ગભરાય છે – તેમ પોલીસ ઇન્સ્પેક્ટર આવતાં ગામડાનો મુખી ગભરાય છે.

           (2) “માટે કરીને, હે ભાઈ, તારા વડે ગમે તેમ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર થવાનું યોગ્ય છે.”
ત્યાર બાદ, ફ્રાન્સના પ્રધાન-મંડળની પેઠે વિચારો બદલાયા છે જેના, એવા તે નારણ નામે પટેલ વડે પોલીસ ઇન્સ્પેક્ટર થવાનો વિચાર થયો. તે પછીથી એક વેળાએ જ્યારે ગામમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું આગમન થતાં ઉતારો સજ્જ કરાવાતો હતો, માગી આણેલાં ગાદલાં પથરાતાં હતાં,

             રાવણિયાઓ વડે દોડાદોડી થતી હતી, કુંભારને ત્યાંથી મફત માટલાં આવી રહ્યાં હતાં, અને હજામને ચંપી કરવાની વરધીઓ અપાતી હતી – ત્યારે તે નારણ વડે તે ઇન્સ્પેક્ટર પાસે જઈને આ પ્રમાણે કહેવામાં આવ્યું : “હે સાહેબ, બેકારોની સંખ્યા જેમ અપરિમિત છે, તેમ આપની સત્તા પણ અપરિમિત છે; આપની કૃપા વડે કરીને અનેક કેસો દબાઈ જાય છે અને અકૃપા વડે અનેક નિર્દોષો રહેંસાઈ જાય છે; આવી આપની સત્તાનું વર્ણન સાંભળી પોલીસ- અધિકારી બનવાની આકાંક્ષાવાળો હું આપને આ સંબંધમાં પૂછવા માટે આવ્યો છું.”

               તે પરથી તે ઇન્સ્પેક્ટરે કહ્યું : “હે મિત્રા ! પોલીસ ડિપાર્ટમેન્ટમાં અત્યારે ‘વિનય-સપ્તાહ’ ચાલતું હોવાથી તારા પ્રશ્નોના ઉત્તર હું શાંતિથી આપું છું તે તું શ્રવણ કર. હે ભાઈ ! વકીલાતનો ધંધો મૂકીને પોલીસ થવું એ કાýગ્રેસ કારોબારીના સભ્ય મટીને ગવર્નર બનવા જેવું છે. સરકારના અનેક પ્રશ્નોમાં માથું મારતી કારોબારીની જેમ વકીલો પણ પોલીસોનાં અનેક (સારાં-નરસાં) કામોમાં માથું મારે છે. કોર્ટમાં અનેક વખતે અમારે વકીલથી ડરવું પડે છે. કહેવામાં આવ્યું છે કે –

          “જેમ (અમદાવાદી) કાછિયાને રખડતી ગાયોનો ડર છે, લેંકેશાયરના કાપડ ઉદ્યોગને ભારતનો ડર છે, વેપારીને ઇન્કમટેક્સ અધિકારીનો ડર છે, ફિલ્મ-નિર્માતાને સેન્સરનો ડર છે – તેમ પોલીસના સિપાહીને વકીલનો ડર છે.

          (3) ”ત્યાર બાદ, તે પોલીસ ઇન્સ્પેક્ટરની સલાહ ગમી છે જેને એવા તે પટેલ વડે વકીલાતનું ભણવાનો વિચાર કરવામાં આવ્યો; તથા એક વેળાએ જ્યારે કોર્ટ પાસે ‘….હાજર હૈ !’ની બૂમો પડતી હતી, બનાવટી જામીન થનારાઓ ઘરાક માટે આમતેમ ફરતા હતા, બોગસ પંચનાં નામોના સમન્સો નીકળતા હતા, રજૂ કરવા માટે લવાયેલા કેદીઓ પાસેથી બીડીઓ માગીને સિપાહીઓ પીતા હતા, તથા રૂઆબવાળા વકીલોને મેજિસ્ટ્રેટ ધારીને અજાણ્યાઓ વડે સલામો ભરાતી હતી – ત્યારે તે નારણ નામે પટેલ વડે એક વકીલ પાસે જઈને (તથા તેની દક્ષિણાના પૈસા અપાઈને) આ પ્રમાણે કહેવાયું : “હે સાહેબ ! હોલાંડના ડૉક્ટરો જેમ પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ બનાવી શકે છે, તેમ આપ પણ સત્યને અસત્ય અને અસત્યને સત્ય બનાવી શકો છો. હે સાહેબ ! મારા વડે વકીલાતની પરીક્ષા આપવાનો વિચાર કરવામાં આવ્યો છે તે યોગ્ય છે કે નહિ તે આપના વડે કહેવાઓ.”

             તે પરથી તે વકીલે કહ્યું : “હે બંધુ ! ગોવધ-સત્યાગ્રહીઓની જેમ તારા મગજમાં અનેક વિચારો આવે તે સ્વાભાવિક છે; પરંતુ અમદાવાદી જીવદયાપ્રેમીઓ જેવી રીતે કૂતરાને પકડીને બીજા ગામની સીમમાં મૂકી આવે, તેવી જ રીતે તારા મનમાંથી વકીલ થવાના વિચારોને તું કાઢી મૂક; કેમ કે સારાનરસાનું જ્ઞાન હોવા છતાં પણ રાષ્ટ્રપ્રમુખની જેમ અમારી પાસે પણ કાંઈ કરવાની સત્તા નથી. વકીલોની દલીલ કરતાં મેજિસ્ટ્રેટના વિચારો ઉપર કેસ વધારે આધાર રાખે છે; માટે વકીલ કરતાં મેજિસ્ટ્રેટ શ્રેષ્ઠ છે. કહેવત છે કે –

           “સો ડબા વેજિટેબલ ઘી કરતાં એક ડબો અમેરિકન ઘી સારું છે, સો રૂપિયાના ફીચર કરતાં એક રૂપિયાની (શબ્દરચના) હરીફાઈ સારી છે, સો ઠરાવ કરતાં એક કાયદો સારો છે – અને સો વકીલ કરતાં એક મેજિસ્ટ્રેટ સારો છે.

          (4) “તેથી કરીને, હે વીર ! જો તારો કોઈ પણ લાઇન લેવાનો વિચાર હોય તો તું ગમે તેમ કરીને મેજિસ્ટ્રેટ થા, અને તારા ઓળખીતા-પાળખીતા વકીલોના ઉદ્ધાર માટે પ્રયત્ન કર.”

          તે પછીથી મેજિસ્ટ્રેટ થવાની ઉત્કંઠા વધી ગઈ છે જેની એવા તે નારણ નામે પટેલ વડે એક થર્ડ ક્લાસ મેજિસ્ટ્રેટના ઘેર જઈને આ પ્રમાણે કહેવાયું : “હે માન્યવર ! હું કોઈ કેસના કામ માટે નથી આવ્યો; પરંતુ સર્વે ધંધાઓમાં મેજિસ્ટ્રેટ થવું ઉત્તમ છે એ પ્રમાણે સાંભળવામાં આવવાને લીધે તે સંબંધમાં આપની શી સલાહ છે તે જાણવા માટે હું અહીં આવ્યો છું.”

             તેનું આવું કથન સાંભળીને તે મેજિસ્ટ્રેટે તે નારણ નામે પટેલને કહ્યું : “હે ભાઈ ! તારાથી આ પ્રમાણે અહીં અવાયું છે તે યોગ્ય જ છે, જેવી રીતે પરભાષામાંથી ગુજરાતીમાં અનેક અનુવાદો પ્રગટ થયા કરે છે, તેમ મેજિસ્ટ્રેટોની સત્તા બાબતમાં પણ અનેક અફવાઓ ઊડયા કરે છે; પરંતુ, હે બંધુવર ! ખરું જોઈએ તો અમારા વડે તો કાયદાઓ પ્રમાણે જ ચુકાદો અપાય છે; પણ જેમણે ઊંઘતાં ઊંઘતાં ઘડેલા કાયદાઓનો અભ્યાસ કરીને પિટક્લાસના પ્રેક્ષકની જેમ અમારી ગરદન દુઃખી જાય છે, એવા ધારાસભાના સભ્યો જ ખરેખરા સત્તાવાળા છે. માટે, હે વિપ્ર ! જો તારે આરામ અને પૈસા બંને જોઈતા હોય તો તું ધારાસભાનો સભ્ય થા. કહ્યું છે કે –

             “ઉંમરલાયક કન્યાનો પિતા રાત્રે તેમજ દિવસે જાગે છે; તસ્કર, વેશ્યા ને વિદ્યાર્થી રાતના જાગીને દિવસે ઊંઘે છે; પરંતુ ‘એસ.ટી.’ના વહીવટકર્તાઓ તેમ જ ધારાસભાના સભ્યો તો રાત્રે અને દિવસે બેઉ વખત ઊંઘે છે.

          (5) “તેથી, હે બંધુ ! તું ખરેખરો સત્તાવાન થવા માગતો હોય તો ધારાસભાનો સભ્ય થવા માટે પ્રયત્ન કર.”
ત્યાર પછી એક વેળાએ રાતની ટ્રેનમાં જ્યારે ઉપર તેમ જ નીચેના બર્થ પર બિસ્તરાઓ પથરાતા હતા, સૂતેલાઓ અને બેસનારાઓ વચ્ચે મારામારી થતી હતી, પોલીસો વડે અશુદ્ધ હિંદીમાં ગાળો દેવાતી હતી, ઠરાવેલા ચાર્જ માટે પોર્ટરો સાથે રકઝક થતી હતી, તેમ જ પાઉડરની ચાના પ્યાલા વેચાતા હતા – ત્યારે તે નારણ નામે પટેલ વડે, બંધારણસભામાં હાજરી આપવા માટે સરકાર તરફથી સેકંડ ક્લાસનું ભાડું મળવા છતાં થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા એક ધારાસભ્ય પાસે જઈને આ પ્રમાણે કહેવાયું : “હે સાહેબ ! આપ તો દેશના ભાગ્યવિધાતા છો. આપ ઊંઘતાં ઘડેલા કાયદા વડે અનેકોની ઊંઘ ઉડાડી દો છો; સિને-અભિનેત્રીઓના ચાહકોની જેમ આપની ઓળખાણો પણ અનેક છે; રાજસ્થાનના સીમાલોભની જેમ આપનાં ભાષણો, ઉદ્ઘાટનો અને વચનોને પણ સીમા નથી; અરે, હે ભાઈ ! આપ તો પાકિસ્તાનના ગવર્નર-જનરલની જેમ બંધારણમાં પણ સુધારો કરી શકો છો. હે સાહેબ ! મારો વિચાર પણ આવતી ચૂંટણીમાં ઊભા રહેવાનો છે; તો તે સંબંધમાં આપની શી સલાહ પડે છે તે આપ મને જણાવો.”

           અમદાવાદ વડોદરા રેડિયો-સ્ટેશનોના કાર્યક્રમોના જેવાં આ પટેલનાં વચન સાંભળીને માથું દુખ્યું છે જેનું એવા તે ધારાસભ્ય વડે, ત્યાર બાદ, તેને બીજે દિવસે મળવા માટે સમજાવવામાં આવ્યો; પરંતુ તેમ છતાં પણ, મુંબઈ પર દાવો કરતા મહારાષ્ટ્રીયનોની જેમ, તે પણ પોતાની હઠમાંથી ડગ્યો નહીં, ત્યારે ધારાસભ્ય વડે તેને આ પ્રમાણે કહેવાયું : “હે બંધુ ! રાજા બનનાર નટની જેમ અમે પણ રંગભૂમિ પર હોઈએ ત્યા ંસુધી જ સત્તાવાન હોઈએ છીએ; પરંતુ તે પછી તો અમારા સગાને નોકરી અપાવવા જેટલી પણ અમારી સત્તા રહેતી નથી. માટે, ખરેખર જોઈએ તો જેમના વડે અમે ધારાસભામાં ચૂંટાઈએ છીએ તે ગામડાંના કરોડો ખેડૂતો સાચી રીતે મહાન છે. તેથી જ કહેવાયું છે કે –

          “પાટલૂન પટાને આધારે રહે છે, શહેરની સ્ત્રીઓ રામાને આધારે રહે છે, છાપાવાળાઓ જાહેરખબરને આધારે રહે છે – અને ધારાસભ્યો ખેડૂતોના તથા મજૂરોના મતને આધારે રહે છે.

          (6) “માટે, હે ભાઈ ! ખરેખરા મહાન તો દેશના કરોડો ખેડૂતો જ છે.”
આ પ્રમાણેનાં તે ધારાસભ્યનાં વચન સાંભળીને, રેલવેકન્સેશન માટે ધક્કા ખાતા યુનિવર્સિટીના વિદ્યાર્થીની જેમ બધે ફરીને નિરાશ થયેલા તે નારણ નામે પટેલ વડે, ત્યાર બાદ, પોતાનો જ ધંધો સ્વીકારાયો.

સાર : મેલ કરવતિયા કરવત કે પટેલના પટેલ.
નવનીત સેવક

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.