બેધારી તલવાર પર – જોન ડગલાસ સ્પ્રીંગલ (અનુ. કાંતિ ભટ્ટ)

               મારી દૃષ્ટિએ સારો તંત્રી શારીરિક, માનસિક અને નૈતિક રીતે ખડતલ હોવો જોઈએ. લાંબા કલાકો સુધી સતત કામ કરવા માટે તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તંત્રી માનસિક રીતે ખડતલ હોવો જોઈએ, કારણ કે તેણે વિવિધ વિકલ્પોમાંથી પસંદગી કરીને નિર્ણય લેવાનો હોય છે. ફોટા, સમાચારો, અહેવાલો વગેરે વચ્ચે તુલના કરીને પસંદગી કરવાની હોય છે. તેની નીચેના સ્ટાફને વિવિધ સત્તા અને કામ સોંપવામાં જ અને તેમને શિસ્તમાં રાખવામાં તંત્રીની અડધી શક્તિ ખર્ચાઈ જાય છે.
               તંત્રીમાં નૈતિક ખડતલપણું પણ હોવું જોઈએ. બાહ્ય દબાણથી તે પર હોવો જોઈએ. આવું દબાણ સંચાલકો તરફથી કદાચ આવે, રાજકારણીઓ તરફથી પણ આવે. કોઈ મોટી વ્યક્તિ મિજાજ પણ ગુમાવે. પરંતુ તે સમયે મને ખોટું લાગતું નથી. કારણ કે જેમ મને મારો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, તેમ મારા વાચકને પણ તે સ્વતંત્રતા છે.
               ઉપરાંત તંત્રીએ નાની નાની ભૂલો માટે જાગૃત રહેવું પડે છે. રિપોર્ટરો ઉતાવળે અહેવાલ લખે અને સમય જાળવવો હોય એટલે કોઈ વખત ભૂલ તો રહી જ જાય. મેં જે જે વર્તમાનપત્રોમાં કામ કર્યું છે ત્યાં વિગતોની ભૂલ, છાપકામની ભૂલ વગેરે નિવારવા સખત જહેમત ઉઠાવી છે. છતાંય માનવમાત્ર ભૂલને પાત્રા છે. જનતા તો પૂર્ણતા માગે છે. પણ જનતા જાણતી નથી કે એક પુસ્તક વરસે કે છ મહિને તૈયાર થાય છે, મોજથી તેનાં પ્રૂફ વંચાય છે, એમ છતાંય પુસ્તકોમાં ભૂલો રહી જાય છે. તો પછી વર્તમાનપત્ર તો ‘પિસ્તોલની અણીએ’ તૈયાર થતું હોય છે, માત્ર બાર કલાકના ગાળામાં તેણે પૂર્ણતાએ પહોંચવાનું હોય છે.
               વર્તમાનપત્રની રાજકીય નીતિ અંગે પણ તંત્રીએ જાગૃત રહેવું પડે છે. જો તંત્રી સાથે માલિકો અગર સંચાલકો મળતા ન થાય તો ? જોકે મોટે ભાગે વર્તમાનપત્રના માલિકોને તંત્રીના રાજકીય વલણની જાણ હોય છે. ઉપરાંત જો તંત્રી મૂરખ ન હોય તો તેના વર્તમાનપત્રની નીતિને અને માલિકોની નીતિને પણ જાણતો જ હોય છે. મારા અનુભવ ઉપરથી મને સમજાય છે કે તંત્રીએ એક વખત પોતાની નિમણૂક સ્વીકારી લીધા પછી માલિકોને વર્તમાનપત્રની નીતિનો નિર્ણય કરવાની છૂટ આપવી જોઈએ. તેનો મત ભિન્ન થતો હોય તો તેણે રાજીનામું આપવું જોઈએ. આખરે તો, વર્તમાનપત્ર એ પણ બીજી મિલકતોની માફક એક મિલકત છે. માલિક અમુક નીતિનો આગ્રહ રાખે તે વાજબી છે. ઘણા પત્રકાર એમ દલીલ કરે છે કે ‘તંત્રી સાચા હોય છે અને માલિકો ખોટા હોય છે’ – આ વાત હું સ્વીકારતો નથી. એવો કોઈ કુદરતી કાનૂન નથી કે તંત્રીમાં જ દૈવી ડહાપણનો ભંડાર ભરી દેવાય છે. લંડનના ‘ટાઇમ્સ’ દૈનિકના તંત્રીએ બીજા વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીના નાઝીવાદને પુરસ્કૃત કર્યો હતો, તે કેટલું ખોટું હતું તે હવે આપણને સમજાય છે. એ પછીના તંત્રીએ રશિયાને ખુશ કરવાની નીતિ અપનાવી હતી, તે કેટલી ખોટી હતી તે પણ આજે સમજાય છે.
               મારી દૃષ્ટિએ તો તંત્રી અને માલિક બન્ને એક જ વ્યક્તિ હોય તે શ્રેષ્ઠ સ્થિતિ છે. પણ તેવી સ્થિતિ ન હોય ત્યારે તંત્રીએ માલિકોની મરજી આગળ નમતું જોખવું પડે છે. વાસ્તવમાં ભાગ્યે જ માલિકો દખલ કરતા હોય છે. લંડનના ‘ટાઇમ્સ’ના તંત્રીઓને મોટે ભાગે આવી સ્વતંત્રતા મળી છે. વેડ્ઝવર્થ તંત્રી હતા ત્યારે મેં ઉપર વર્ણવેલા ગુણો તેનામાં હતા. તે કદી થાકતા નહિ. લાંબા કલાકો સુધી કામ કરતા, ભાગ્યે જ રજા ભોગવતા. તેમના ઉત્સાહ અને કામ અંગેની તન્મયતામાં ઓટ જ ન આવતી. તે તત્કાલ નિર્ણય લેતા, ને પછી પોતે ખોટા ઠરશે તે બાબતની ચિંતા પણ ન કરતા. વેડ્ઝવર્થને માલિકો તરફથી સંપૂર્ણ છૂટ હતી.
               દરેક તંત્રીને સમાજ, દુનિયા અને તેના રાજકારણ વિષે સ્પષ્ટ મતો હોતા નથી. મારામાં પણ એવી કોઈ સ્પષ્ટતા નહોતી. હું સાચો જ છું અને જે મત વ્યક્ત કરું તેને પડકારી જ ન શકાય, તેવું હું માનતો નહિ. મારા પત્રકારત્વની કારકિર્દી પછી અત્યારે હું એક તારણ ઉપર આવ્યો છું – એ તારણ બીજા પત્રકારોને અને તંત્રીઓને માર્ગદર્શક બની શકે તે માટે અહીં લખું છું : કોઈ પણ તંત્રી કે માનવી પોતે સાચો હોય તેના કરતાં તે વિવેકબુદ્ધિવાળો હોય તે વધુ મહત્ત્વનું છે.
               લોકશાહીમાં કોઈ પણ વર્તમાનપત્ર તર્કસંગત રીતે દલીલો રજૂ કરે તો તે ઉપયોગી સેવા કરી શકે છે. કદાચ પાછળથી તે દલીલો ખોટી પણ ઠરે. બીજાં વર્તમાનપત્રો પણ એ સમયે વિરુદ્ધની દલીલો કરતાં હોય છે. તંત્રી કાંઈ ઈશ્વરનો અવતાર નથી. તંત્રી લોકશાહીની પ્રક્રિયાનો એક ભાગ છે. સત્ય ભણી પહોંચવા સમાજ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે ભૂલો પણ થતી હોય છે. જો આપણે આટલું સ્વીકારી લઈએ તો પછી આપણે આપણા વિરોધીઓ પ્રત્યે વધુ સહિષ્ણુ બનીશું (કારણ કે કદાચ આપણા વિરોધી સાચા હોય). આપણે વાજબી દલીલો કરવી જોઈએ અને પ્રતિપાદન કરવા મહેનત કરવી જોઈએ. તંત્રીની મુખ્ય ફરજ તેના વર્તમાનપત્ર કે તેના માલિક પ્રત્યે કે તેના રાજકીય પક્ષ પ્રત્યેની નથી, પણ વિવેકપુરઃસરની ચર્ચાવિચારણા માટેના મુખ્ય સિદ્ધાંતો પાળવાની છે. જીવનભર વિવિધ ઘટનાઓ ઉપર આડેધડ ટીકાટિપ્પણી કરીને ઉદ્ધત બન્યા પછી અત્યારે હું કબૂલ કરું છું કે માણસે નમ્ર અને વિવેકી બનવું જરૂરી છે.

જોન ડગલાસ સ્પ્રીંગલ (અનુ. કાંતિ ભટ્ટ)
[‘માન્ચેસ્ટર ગા„ડયન’ અને ‘ઓબ્ઝરવર’ અખબારોના ભૂતપૂર્વ તંત્રીની આત્મકથા]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.