સાહિત્યની સાગરવેળ-ઝવેરચંદ મેઘાણી

                 પ્રજાના નિત્ય વિકસતા જતા વાચનરસનો નવયુગ ઊઘડયો છે. ભાતભાતના વાચન-પ્રદેશોની ભૂખ પ્રજામાં ઊઘડી છે. પ્રજાના ઊ„મતંત્રામાં અનેક સંચા ખોટકાયા છે. તેને ઠેકાણે લાવવા માટે કાવ્યને, ચિત્રને, નૃત્યને પ્રજામાં પ્રતિષ્ઠિત કરવાનાં છે. પેટની ક્ષુધાવૃત્તિની સાથોસાથ પ્રજાની બીજી લાગણીઓ પણ સંતોષવાની છે.

             સાહિત્ય એ સમસ્ત લોકપ્રાણને ડોલાવી શકે એવી વસ્તુ છે. વધુમાં વધુ લોકસમૂહને ગમ્ય તેમ જ ભોગ્ય બની રહે એવું તેનું સ્વરૂપ હોવું જોઈએ. સાહિત્ય એટલે મુંબઈના મહોલ્લાના કોઈ ત્રીજા માળ પર ખરે બપોરે માંડ માંડ દંદુડી પાડતા નળનું પા-અરધી ડોલ પાણી નહિ. સાહિત્યની તો સાગરવેળ : જીવનના વિશાળ ક્ષેત્રને અણુએ અણુએ પ્લાવિત કરી મૂકે, ચોમેર જીવન જીવન ઊછળતું કરી મૂકે એવી સચેતન દશા સાહિત્યની થાય.

          સાહિત્યનો ફાલ ગુજરાતને ગૌરવ અપાવે તેટલો છે. સાહિત્યની અભિરુચિ કેળવી શકાય છે. સાહિત્યના સારા-નરસાપણાની નાજુક સમજશક્તિનું પ્રજામાં ઘડતર કરવા માટે સારા સાહિત્ય પ્રત્યે નિર્દેશ કરતા રહેવો ઘટે છે. નવા યુગની ભાવનાઓ સંતોષતી કૃતિઓ જ્યાં મળે, તે લોકોને સુપ્રાપ્ય બનાવવાની છે. સાહિત્ય-સર્જનોને કડક તુલા પર ચડાવનારા, પ્રચારકવેડાથી મુક્ત કલાપારખુઓ હોય તો મૂલ્યાંકન સ્વચ્છ બને. કલાની પરીક્ષા એ હોવી જોઈએ કે લાગણીની સચ્ચાઈ શામાં છે ? રસનું ચિરગુંજન શામાં છે ? જીવન પર મા„મક પ્રકાશ નાખતી દૃષ્ટિ શામાં છે ?

            તમે જેનું વાચન કરો તેનાં ઊ„મ-સંવેદનનો સ્થિર દીપક તમારા દિલમાં બળ્યા કરે, એ દીપકની જ્યોત ભડક ભડક ન થાય – તે સ્થિતિ સાચા વાચનરસની છે.

ઝવેરચંદ મેઘાણી
[‘પરિભ્રમણ’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.