એકમાત્ર ઉકેલ

હિંદુ-મુસ્લિમ કોમી ખટરાગના કાયમી નિરાકરણ માટે અને મુસ્લિમ કોમની ઉન્નતિ માટે હિંદુસ્તાનના ભાગલા પાડીને પાકિસ્તાનનું જુદું રાજ્ય સ્થાપવું જરૂરી છે – એવો પ્રચાર મુસ્લિમ લીગે કરેલો હતો. એ ભાગલાને આટલાં બધાં વરસો વીતી ગયા છતાં કોમી ખટરાગનો ઊકલવાનો તો બાજુએ રહ્યો, પણ ઊલટાનો ખૂબ વધુ ઉગ્ર બન્યો છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે કડવાશ અને દુશ્મનાવટ ઉત્તરોત્તર વધતાં રહ્યાં છે. આથી આપણે જરા થંભીને આપણી જાતને પૂછવું જોઈએ કે દેશના ભાગલા એ કોમી સવાલનો સાચો ઉકેલ હતો ખરો ? હવે તો એવો સવાલ પુછાવો જોઈએ કે પાકિસ્તાનની રચનાથી હિંદ-પાકિસ્તાનની સમગ્ર મુસ્લિમ કોમની, આખા મુસ્લિમ જગતની અને ઇસ્લામ ધર્મની કેટલી સેવા થઈ ?

હિંદુસ્તાનના ભાગલા પડતાંની સાથે બંને તરફ લાખો નિર્દોષ માણસોની નિર્દય કતલ થઈ, તેમાં મુસ્લિમોનો પણ મોટા પ્રમાણમાં ભોગ લેવાયો. વળી કેટલાંય મુસ્લિમ કુટુંબો બંને તરફ વહેંચાઈ ગયાં. ભારતીય મુસ્લિમ સંસ્કારિતાના એક મહત્ત્વના અંગ ઉર્દૂ ભાષાનું વતન, ઉત્તર પ્રદેશ, ભારતમાં રહી ગયું. એકમાત્ર મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ, ભારતમાં રહી ગઈ. કેટલાંય મુસ્લિમ ધર્મસ્થાનકો ભારતમાં રહી ગયાં. અરે, પાકિસ્તાન થયા પછી પણ અખંડ હિંદની આખી મુસ્લિમ કોમનો 40 ટકા ભાગ ભારતમાં રહી ગયો.

આજે ભારતમાં એક કાશ્મીર સિવાય મુસ્લિમ બહુમતીવાળું એક પણ રાજ્ય નથી. પણ અખંડ હિંદુસ્તાન રહ્યું હોત તો એવી બહુમતીવાળાં રાજ્યો વધારે હોત. બાકીનાં રાજ્યોની મુસ્લિમ લઘુમતીના હિતના રક્ષણ માટે એ રાજ્યો કેન્દ્ર તથા વિવિધ રાજ્યોની સરકારો પર અસરકારક દબાણ લાવી શક્યાં હોત. એટલે અખંડ ભારતની મુસ્લિમ કોમ માટે તો બે રાષ્ટ્રોમાં વહેંચાઈ જવાને બદલે એક જ દેશમાં રહેવું વધારે સલાહભરેલું હતું.

ભાગલાથી ભારત અને પાકિસ્તાનને એકબીજાની સામે તાકીને ધૂમ લશ્કરી ખર્ચ કરવો પડે છે. એ ખર્ચમાં અને તેને લીધે આપવા પડતા બીજા ભોગોમાં બંને તરફની મુસ્લિમ કોમો પોતાનો ફાળો આપે છે. એ ગંજાવર ખર્ચ કરીને ભારત તથા પાકિસ્તાન એકબીજાને વધુ ગરીબ અને વધુ નિર્બળ બનાવી રહ્યા છે. એટલે બેય દેશની મુસ્લિમ કોમ પણ એ રીતે પોતાને હાથે જ ખુદ પોતાની જાતને નિર્બળ બનાવી રહી છે, એમ કહી શકાય.

હિંદુસ્તાનના ભાગલાની ઘટનાને ગમે તેટલી બાજુથી તપાસો, એનો એક જ ને અનિવાર્ય સાર એ નીકળે છે કે તે એક ખતરનાક ભૂલ હતી. પછી એ ઊભો થાય છે કે એ ભૂલનો કોઈ ઉપાય ખરો ? ઉપાય એક જ : ભારત-પાકિસ્તાનનું ફેર-જોડાણ. એ ફેર-જોડાણની માગણી કોણ કરે ? મૂળ જેમને ખાતર ભાગલા પાડવામાં આવ્યા તેઓ – એટલે કે ભારત-પાકિસ્તાનની સમસ્ત મુસ્લિમ કોમ. હિંદુ-

મુસ્લિમ , ભારત-પાકિસ્તાન કે કાશ્મીરનો – એ કોઈ નો ઉકેલ ભારત-પાકિસ્તાનના ફેર-જોડાણ વગર શક્ય હોય એમ લાગતું નથી. આથી ભારત- પાકિસ્તાનના મુસ્લિમોએ સાથે મળીને આ ઝુંબેશ ચલાવવી જોઈએ. ભારત- પાકિસ્તાનના ફેર-જોડાણનો એક મોટો તત્કાલ લાભ એ થશે કે બંને દેશ પોતપોતાની જે પ્રચંડ શક્તિઓ એકબીજાની સામે વેડફી રહ્યા છે, તેને એકત્ર કરી શકાશે. તેને પરિણામે ભારત અને પાકિસ્તાન અત્યારે સ્વતંત્રપણે જેટલાં શક્તિશાળી છે તેનાથી અનેકગણાં વધુ શક્તિશાળી તે બેય એકત્ર થઈને બની શકશે.

પાકિસ્તાનનું હાડોહાડ અધઃપતન, એની સરાસર જંગાલિયત, એ ભારત- પાકિસ્તાનની સમસ્ત મુસ્લિમ કોમ માટે, આખી મુસ્લિમ આલમ માટે અને ખુદ ઇસ્લામ ધર્મ માટે કલંકરૂપ છે. એ કલંક ધોઈ નાખવા માટે મુસ્લિમોએ પોતાથી બનતા બધા પ્રયત્નો આદરી દેવા જોઈએ. આ કાર્યમાં હિંદુઓ માટે મુસ્લિમોને ઉત્તેજન આપવાનો ઉત્તમ માર્ગ એ છે કે તેઓ પોતાની કોમમાંથી જ્ઞાતિવાદ, કોમવાદ અને અસ્પૃશ્યતાનાં વિઘાતક તત્ત્વોની નાબૂદી માટેની તેમની ઝુંબેશને ખૂબ ઉગ્ર બનાવે.

ઇસ્માઇલ યુ. પટેલ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.