સમાજવાદી ધોરણે નોકરીની શરતો

           આપણે સૌ છેલ્લાં થોડાં વર્ષથી સમાજવાદી ધોરણે આપણા સંસારનું સંચાલન કરી રહ્યાં છીએ.
આ નૂતન પ્રયોગને પરિણામે જે અનેકવિધ ફેરફારોનું સર્જન આપણે કર્યું છે તેમાંનો એક નોંધપાત્રા બનાવ આ છે : પહેલાં ઘર-કર્મચારીઓની છત હતી, શેઠિયાની અછત હતી; જ્યારે આજે શેઠિયાની છત છે, ઘરકર્મચારીઓની અછત છે ! (અત્રો એ ખુલાસો કરવાની જરૂર ખરી કે, ‘ઘરકર્મચારી’ એટલે જૂના જમાનામાં જેને ‘નોકર’ કહેતા હતા તે; અને ‘શેઠિયા’ એટલે જેને ત્યાં મોટર-ટેલિફોન હોય તે નહિ, પણ જે મહિને દોઢસો રૂપિયા કમાઈને વીસ રૂપિયાનો ઘરકર્મચારી રાખી પોતાની જાતને ‘શેઠ’ તરીકે સંબોધન કરાવે તે !)

          શેઠિયાની છત અને નોકરોની અછતને કારણે ઘરકામની મુશ્કેલીઓ દેખીતી રીતે જ એટલી બધી વધી પડી છે કે નોકરને સાચવી રાખવાની આવડત માટે અમને લાગે છે કે ‘હોમ સાયન્સ’ના અભ્યાસક્રમમાં ‘નોકરની સાચવણી’ અંગે એક ખાસ વિષય રાખવો જોઈએ.

             આ સમાજવાદી પ્રયોગને પરિણામે ખાસ લાભ એ થયો છે કે શેઠિયા પહેલાની જેમ મિજાજ પરથી કાબૂ સહેલાઈથી ગુમાવી શકતા નથી.

          અમારા એક પડોશીનાં પત્ની ગઈ કાલે રાત્રે મોટે ઘાંટે નોકરને લડતાં હતાં : “પાંચ વાગ્યાનો એના સગલાને મળવા ગયો છે… અને નવ વાગવા આવ્યા ! આ વાસણનો ઢગલો કોણ તારો બાપ ઊટકશે ? અલ્યા, તું એમ સમજે છે કે બે વાર ગમ ખાઈ ગયાં એટલે તને કોઈ કહેનાર જ નથી ! હવે હું તને ઘડીયે રાખવાની નથી; લે, આ તારા પગારના પૈસા લેતો પરવાર… જાણે મોટા જમાઈરાજ થઈને આવ્યા છો… આવ્યો ત્યારે તો ચીંથરું પહેરીને આવ્યો હતો. વાસણ માંજતાં મેં શીખવ્યું, કપડાં ધોતાં મેં શીખવ્યું, ભાડાના પૈસા આપી મૂઆને સાઇકલ પણ શીખવી. સાવ ખયના દરદી જેવો હતો ! એની મા યે એ તગડાને ઓળખી શકી નહોતી. અલ્યા, તારું ઝાલીને ક્યાં લગી બેસી રહું ? તું આઘો આયને, તારી વાત છે ! આ ધોકણું અને તારો બરડો…”

          અમારે મન કે આજ તો નોકરનું આવી બન્યું. અમે એમના ઘર બાજુ નજર નાખી ત્યાં તો તેમનો નોકર બહારથી આવી નિસરણી ચઢતો દેખાયો.
નોકર ઘરમાં પ્રવેશ્યો કે શેઠાણી તાડૂક્યાં : “ચાલ, જમી લે જલદી. આખો દહાડો ઢસરડો કરે છે ને ભૂખેય નથી લાગતી મૂઆને !”
અમે પણ પરિસ્થિતિને અનુરૂપ થવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે અમારી સલામતી માટે એક ‘નોકર-કરારપત્રા’ બનાવ્યું છે અને નોકરીએ રહેનારે તેમાં સહી કરી, કાંડાં કાપી આપવાં પડે છે.

             જે કરારપત્રા પર નોકરીએ રહેનારની સહી લેવાની છે તે નીચે પ્રમાણે છે :

ઘરકર્મચારીની નોકરીની શરતો

            શેઠશ્રી…..
હું આપને ત્યાં નીચેની શરતોએ ઘરનું કામ કરવા ખુશી છું :
(1) હું નોકરીએ રહું ત્યારથી મારાં પોતાનાં કપડાં પહેરી શકીશ નહિ –
ભલે હું માત્ર એક દિવસ નોકરી કરીને ચાલ્યો જાઉં તો પણ આપનાં જ કપડાં પહેરવા બંધાઉં છું.
(2) મારે દર પંદર દિવસે વાળ કપાવવા જ પડશે અને તે અંગે લીધેલાં નાણાંથી સસ્તા દરે વાળ કપાવું તો જ વધારાનાં નાણાં હું મારી પાસે રાખી શકું.
(3) પૈસા માગવાની બાબતમાં, જો મેં પંદર દિવસ સળંગ નોકરી કરી હશે તો મને બે મહિનાના પગાર જેટલી રકમથી વધુ રકમ ઉધાર માગવાનો કોઈ હક નથી – સિવાય કે જો મારાં માબાપ મારું લગ્ન એકાએક ગોઠવે તો મને બસો રૂપિયાથી વધુ રકમ માગવાનો અધિકાર નહિ રહે.
(4) આવી રકમ ઉધાર લીધા બાદ હું પાછો નોકરીએ આવું તે વખતે મારા પગારમાંથી પાંચથી વધુ નહીં એટલી રકમ દર મહિને દેવા પેટે કાપી લેવાની છૂટ રહેશે.
(5) અઠવાડિયે હું એકથી વધુ દિવસ કહ્યા વગર ગેરહાજર રહી શકું નહિ, તેમ જ કુલે મહિનામાં પાંચ દિવસથી વધુ હું ઘરમાં કોઈને જણાવ્યા વગર  બહાર રહી શકું નહિ – સિવાય કે મારે ઘેરથી મારા ભાઈ પર કાગળ હોય તો અનાજ દળવાની ઘંટી પરથી, ત્યાં જ લોટ મૂકીને, હું બારોબાર મારે ગામ જઈ શકું. આ અંગેની ખબર એક અઠવાડિયામાં ન આપી શકું તો જ આપ નવો નોકર રાખી શકો. (અત્રો નોંધ લેવી કે ‘ભાઈ’ એટલે સગો નહિ પણ અમારા ગામનો કોઈ પણ નોકર ‘ભાઈ’ જ ગણાય છે.)
(6) સાબુ, તેલ, કાંસકી વગેરે હું મારાં પોતાનાં વાપરી શકું નહિ; ‘આરોગ્ય અને સ્વચ્છતાની દૃષ્ટિએ’ આ વસ્તુઓ શેઠની જ વાપરવા બંધાઉં છું.
(7) જ્યારે જ્યારે કોઈ પણ મહેમાન માટે ચા મૂકવાની હોય ત્યારે ત્યારે મારા પોતાના માટે એક કપથી વધુ ચા મૂકી શકું નહિ.
(8) મારા મિત્રો કે સગાં બહારગામથી એકાએક આવે તો તેમને બે દિવસથી વધારે સમય મહેમાન તરીકે ઘરમાં રાખી શકું નહિ. તેઓ માટે ઘરમાં થતી ચાલુ રસોઈથી કશું ખાસ વધુ બનાવવાનું કહી શકું નહિ. ઘરમાં બધા જમતા હોય તેનાથી જ તેઓએ ચલાવી લેવું જોઈશે.
(9) આપને ત્યાં બહારગામથી આવતા મહેમાનો બોણી આપવી ભૂલી જાય તો દર મહેમાન દીઠ આપની પાસે એક રૂપિયાથી વધુ માગી શકું નહિ.
(10) અઠવાડિયામાં એકથી વધુ ફિલ્મ જોઉં તો તેનાં નાણાં મારા પગાર પેટે કપાશે. ઉપરાંત બીડીના ખરચના અરધા પૈસા પણ મારા પગાર પેટે કાપી શકાશે.
(11) અને છેલ્લે, મને આપનો કે શેઠાણીનો સ્વભાવ અનુકૂળ ન આવે અને મહિનાની અધવચ હું ચાલ્યો જાઉં તો બાકીના દિવસોનો પગાર કાપી શકાશે. પરંતુ જો આપને કે શેઠાણીનો મારો સ્વભાવ કે કામ અનુકૂળ ન આવ્યું અને જો મને રજા આપવામાં આવે તો, મહિનાના બાકીના દિવસોનો અથવા પંદર દિવસનો પગાર – જે વધુ હોય તેથી વધુ માગી શકું નહિ.

(નોકરની સહી કે અંગૂઠાનું નિશાન)

       અમને ખાતરી છે કે આવી કડક શરતો પર સહી કરવા કોઈ પણ નોકર તૈયાર ન થાય. પરંતુ અમુક ગરજુ નોકરો તો જરૂર સહી કરશે. અને એક વાર સહી કરતા થયા પછી રિવાજ પડી જશે.

ચિનુભાઈ પટવા

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.