સોનાવરણી સીમ – નાથાલાલ દવે

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે,
ભાઈ ! મોસમ આવી મહેનતની.

નદીયુંનાં જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે…ભાઈ ! મોસમ.

લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે….ભાઈ ! મોસમ.

જુવાર લોથે લૂમેઝૂમે
ને હૈયામાં ઉલ્લાસ રે…ભાઈ ! મોસમ.

ઉપર ઊજળા આભમાં
કુજડિયુંના કિલ્લોલ રે…ભાઈ ! મોસમ.

વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે….ભાઈ ! મોસમ.

હો ! લિયો પછેડી દાતરડાં
આજ સીમ કરે સાદ રે…ભાઈ ! મોસમ.

રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે…ભાઈ ! મોસમ.

લીંપીગૂંપી ખળાં કરો
લાવો ઢગલેઢગલા ધાન રે…ભાઈ ! મોસમ.

રળનારા તે માનવી
ને દેનારો ભગવાન રે…ભાઈ ! મોસમ.

નાથાલાલ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.